ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/કૃતિ-પરિચય
આ પુસ્તક પ્રમોદકુમાર પટેલે જુદાજુદા સમયે ને નિમિત્તે આધુનિકતાવાદ વિશે અને ગુજરાતી સાહિત્યમાં પ્રવર્તેલી આધુનિકતા વિશે કરેલાં વક્તવ્યો-લેખોનો સંચય છે. તેમ છતાં, એકસૂત્રમાં પરોવાયેલાં ઘટકોની એકલક્ષી વિચારણાના સળંગ ગ્રંથરૂપ બન્યું છે. ને આધુનિકતાની અમૂર્ત અને મૂર્ત એવી સર્વગ્રાહી વિચારણા રજૂ કરે છે. ‘ગુજરાતીમાં આધુનિકતા અને સાહિત્ય વિવેચનની બદલાતી ભૂમિ્કા’ નામનો પહેલો દીર્ઘ (પચાસેક પાનાંનો) લેખ પુસ્તકનો કેન્દ્રવર્તી લેખ છે ને ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં કરેલા અધ્યક્ષીય વ્યાખ્યાનનું વિસ્તૃત રૂપ છે. આધુનિકતાવાદ સંજ્ઞા અને વિવેચન, ગુજરાતી કવિતામાં પ્રવર્તેલો આધુનિકતાવાદ અને એક કૃતિ લઈને કરેલી વિનિયોગલક્ષી ચર્ચા, એ જ રીતે ગુજરાતી નવલિકા ને નવલકથામાં આધુનિકતાવાદ તેમજ એક કૃતિને લઈને કરેલી ચર્ચાથી પ્રમોદકુમાર સૈદ્ધાન્તિક વિચારણા અને કૃતિલક્ષી ચર્ચાને સાથેસાથે રાખી શક્યા છે. વિશ્વભરમાં થયેલી આધુનિકતાની વિચારણાનો એમનો અભ્યાસ એમની સજ્જતાની ગવાહી પૂરે છે. સુરેશ જોષીના બે મહત્ત્વના સર્જનાત્મક નિબંધસંગ્રહોને લઈને એમણે સર્જકના ‘આંતરવિશ્વ’ની તપાસ કરી છે એમાં અધિકૃત સમીક્ષક તરીકેની એમની રસબોધની શક્તિ પણ પમાય છે. પુરાણકથાની ચર્ચા પણ એમની વિદ્વત્તાની પરિચાયક બની છે. સંગીનતા અને સર્વગ્રાહિતા આ પુસ્તકનો વિશેષ છે.
– રમણ સોની