ગિરીશ ભટ્ટની વાર્તાઓ/ડર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડર

વદ પક્ષની રાતનો ગાઢ અંધકાર હતો. પાસે વહેતી મહાનદીનાં જળના અવાજ સિવાય ખાસ હશું સંભળાતું નહોતું. કાંઠા પરની ઝૂંપડપટ્ટી પર સોંપો પડી ગયો હતો. દિવસભરના થાક કેટલીક ઝીંક ઝીલે? એક કાલી જ અધખૂલા બારણાની પાછળ ગોટમોટ પડ્યો પડ્યો જાગતો હતો. તેને રામચરણની પ્રતીક્ષા હતી. બેય કાંઠાની વસ્તીને રામચરણની ઓળખ આપવી ના પડે એટલો કુખ્યાત હતો. ગુનાઓ કરવા તેને મન રમત વાત હતી. અને તો પણ પુલીસલોકની પહોંચની બહાર હતો. કોણ આપે પુરાવા? ચાલીસનો કાલી ચિંતામાં હતો. સંદેશ મળ્યો કે રામચરણ રાતે તેને મળવા આવશે. તે રઘવાટમાં પડી ગયો હતો કે શું હશે, કેમ મળવું હશે, તેનો શો અપરાધ હશે? એકાદવાર રામચરણ તેને મળ્યો હતો : ‘તું કાલી હૈ ના કામકા આદમી હૈ.' બસ, આટલું જ. એક અપરાધી ગુંડાની પરિભાષા ક્યારે બદલાય એ ક્યાં નક્કી હતું? એથી જ તે ચિંતામાં હતો. તે તેની એક-બે દિવસની દિનચર્યા તપાસી ગયો. કશી ભૂલ તો થઈ નથી ને? કશું ના મળ્યું. તે શણની મીલમાં રોજમદાર હતો. મહિનામાં દશ-બાર દિવસ પૂરતું કામ મળી રહેતું હતું, જે તે એક જીવ માટે પર્યાપ્ત હતું. બે વર્ષ પહેલાં પત્ની ગઈ એ પછી તે આમ જ જીવતો હતો. ક્યારેક પાર્વતીએ બનાવેલો ચૂલો ખપમાં લેતો હતો, દાળ-રોટી બનાવી નાખતો હતો. બાકી તો કાંઠા પરની વીશીમાં જઈને ક્ષુધામુક્તિ કરી નાખતો હતો. સારો હતો માલિક. તેનું ખાતું પણ ચાલતું હતું. બાર બાય દશની ઓરડી ભલે પાકી નહોતી, પણ વરસાદી પવન સામે ઝીંક ઝીલતી હતી. બે ગોદડીઓ, એક ચાદર અને થોડાં વાસણો. એક ડબામાં આટો, બીજામાં મરચું, મીઠું, ખાંડ, ચા જેવી ચીજો. તેલની શીશી સાચવીને અભરાઈ પર મૂકી હતી. વળગણી પર થોડાં વસ્ત્રો. તે ખુદ ધોઈ લેતો હતો, નદીનાં જળથી સ્નાન ને સાથોસાથ સફાઈ. આ બધું પાર્વતીએ ગોઠવ્યું હતું. સારી હતી, હોશિયાર, ભલી, પ્રેમાળ અને કામઢી. મૃત પત્નીની યાદમાં ગદ્ગદ્ થઈ જવાતું હતું. ના, આ બે વર્ષ દરમિયાન ક્યારેય થયું નહોતું કે તે બીજી સ્ત્રી આણે. બાકી કેવું બનતું હતું આ વિસ્તારમાં? એક સ્ત્રીએ વિદાય લીધી હોય ને બીજી ગોઠવાઈ ગઈ હોય! પણ રામચરણને વળી તેનું શું કામ પડ્યું હશે? જોવું ગપ્પું તો નહીં માર્યું હોય ને? કદાચ નશામાં હોય! પણ રાહ તો જોવી પડે. આ તો રામચરણ હતો! સમય સરતો જતો હતો. પાંપણો પર ઘેન વળતું જતું હતું. શ્વાન ભસતાં હતાં, નદીનાં નીર ખળખળતાં હતાં ને તેનું હૃદય ખળભળતું હતું. શું હશે ખરેખર? તે આવશે? ને અણસાર સંભળાયો. પાસેની કેડી પર સંચાર થયો હતો. પદરવ અને પુરુષનો ખોંખારો. રામચરણ જ હતો. થોડે દૂર એક સ્ત્રીનો ઓછાયો જણાયો. કરડો રામચરણ પાસે આવ્યો. કાલીએ ફાનસની વાટ ઊંચી કરી. ધબકારા વધી ગયા. શું હશે? એ પ્રશ્ન હજી પણ નિરુત્તર હતો. ‘સુન કાલી. યે તેરે સાથ રહેંગી. પાંચ છ દિન. મૈં ગાંવમેં જાતા હૂં’ તેણે માત્ર આટલું જ કર્યું ને પાછળની સ્ત્રીને સંકેત કર્યો. ને પેલી ધીમે પગલે બારણામાં પ્રવેશી હતી. ‘પૈસે ચાહિયે?' પ્રશ્ન પૂછાયો, પણ તેણે ના પાડી. કાલીનો શ્વાસ હેઠો બેઠો હતો. આ તો કામ સોંપાયું હતું, તેનો કશો અપરાધ ન હતો. રામચરણને ખુશ રાખવાનો મોકો હતો. થોડા દિવસ માટે આ સ્ત્રીને ઘરમાં રાખવાની હતી. ભલે પડી રહે. ‘જાતા હૂં’ કહેતો કે તરત અંધકારમાં સરી ગયો હતો. એકાદ મિનિટ પદરવ સંભળાયો ને પછી ઘેરી શાંતિ થઈ ગઈ હતી. તેવી જ શાંતિ. તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે પેલી સ્ત્રી બરાબર મધ્યમાં નતમસ્તક ખડી હતી. ચહેરો તો પૂરો જોઈ શકાતો હતો. દેહનો બાંધો કૃશ હતો. મધ્યમ ઊંચાઈ હતી. શરીર પર સાડી હતી, ને હાથમાં એક પોટલી. કાલીને પાર્વતીની યાદ આવી ગઈ હતી. તે પણ લગભગ આવી હતી. વાન ગોરો હતો જ્યારે આ શ્યામ જણાઈ. અવાજ કેવો હશે-એ પ્રશ્ન પણ થયો, પણ ટક્યો નહીં. બીજી પળે તેણે એક ગોદડી સ્ત્રી પર લંબાવી હતી. ‘સો જાના. કોઈ પ્રૉબ્લેમ નહીં. ઈધર મોરી હૈ. પાની ભી...’ પેલીમાં જીવ આવ્યો હતો. ચપળતાથી બીજી ભીંતની લગોલગ ગોદડી પથરાઈ. કચકડાની બંગડીઓ જરા સળવળી. અને બેચાર પળમાં ગોદડી ભેગી થઈ ગઈ. તે એકેય શબ્દ બોલી નહોતી. કાલીએ પણ લંબાવી દીધું. બેય ભીંતની લગોલગ ટૂંટિયું વાળીને પડેલાં શરીરો અને ધીમી શગથી બળતું ફાનસ. કાલીને પાર્વતીના કેટલા વિચારો આવી ગયા? ભલી હતી બિચારી. અચાનક જ ચાલી ગઈ! તેને કશી સમજ પણ ક્યાં પડી હતી? ને આ બીજી આવી ઘરમાં. પાર્વતી પણ અણધારી આવી હતી. કેવું જોતજોતામાં બની ગયું. એક સાંજે બંને મંદિરમાં જઈને ભગવાનની સાક્ષીએ જોડાયા. આઠ વરસો નદીની સાક્ષીએ પૂરાં થયાં હતાં. પાર્વતી કેટલી પ્રેમાળ હતી? તેની બધી જ સૂચનાઓ પાળવામાં કાલીને આનંદ મળતો હતો. આસપાસના બધાં જ ઝૂંપડાઓમાં રાતે મારપીટ અને રુદનનાં દૃશ્યો સરજાતાં. બસ, આ એક અપવાદ હતો. ચારેબાજુની સ્ત્રીઓનો એક જ અભિપ્રાય હતો : ‘પાર્વતી કા મરદ અચ્છા હૈ. ભગવાન જૈસા હૈ.’ તે જાગતો હતો ને પેલી પણ જાગતી હતી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> •

કાલી... મોડો જાગ્યો હતો. જોયું તો પેલી વળગણી પર તેનાં વસ્ત્રો સૂકવી રહી હતી. તેણે સૂકવતાં સૂકવતાં જ કહ્યું : ‘મેરા નામ પારો હૈ.’ ‘ઔર મેરા નામ કાલી.’ તે બોલ્યો હતો. પછી તરત જ વસ્ત્રો હાથમાં લેતોક નદી ભણી જવા તૈયાર થયો હતો. પેલી નવાં વસ્ત્રોમાં હતી, જૂનાં વળગણી પર હતાં. સારી લાગી. ના, શ્યામ તો નહોતી, ઘણુંવર્ણી હતી. એવી કૃશ પણ ના લાગી. થયું કે રામચરણની શું થતી હશે? આ તો, રામચરણે તેને સોંપી હતી. ચાર-પાંચ દિવસો પછી તે જ આવીને લઈ જશે. રામચરણની અમાનત હતી. તેને યાદ આવ્યું કે તેણે શણની ફૅક્ટરીએ જવાનું હતું. કેમ કરીને જવાશે? આ નાસી જાય તો? તે શું સોંપે રામચરણને? તે ખમચાઈને ઊભો હતો. પણ ત્યાં તે બોલી હતી : ‘મૈં ભાગ નહીં જાઉંગી.’ તે નદીએથી પાછો ફર્યો ત્યારે તે ખૂણામાં રહેલો ચૂલો સાફ કરતી હતી. પાસે ડબો પડ્યો હતો, જેમાં આટો હતો. તે હસી રહી હતી ને તે પણ હસ્યો હતો. ‘પાર્વતી પકાતી થી. દો સાલ હો ગયા. આજ તુને ચૂલ્હા ફિર સે...’ તે બોલ્યો, કદાચ પહેલી વાર લંબાણથી બોલ્યો હતો. ‘મુજે શકીનાને કહા કિ પાર્વતી દો સાલ પહેલે ચલ બસી. ચલો, મેં તરકારી લે કે આતી હૂં.’ ને તે સડસડાટ નીકળી પડી હતી. બે વર્ષ પછી આ ઓરડીમાં કોઈ સ્ત્રીએ આવીને ચૂલો પેટાવ્યો, રસોઈ કરી. તેને ગમ્યું. કાલી ગરમ ગરમ જમ્યો, કેટલી નવાઈ લાગતી હતી! અરે, આમાંનું કશું ક્યાં કલ્પ્યું હતું? બસ, બની રહ્યું હતું. તે ફૅક્ટરીમાં અરધો રોજ ભરી આવ્યો. આસપાસની સ્ત્રીઓ તેને વિચિત્ર નજરે જોઈ રહી હતી. એ પણ તે જાણતો હતો. ફૅક્ટરીમાં પણ સખારામે પૃચ્છા કરી હતી : ‘આજ ઈતના ખુશ ક્યું હૈ?’ તે માત્ર હસ્યો હતો. સાંજે વીશી તરફ જતા તેના પગ અટકી ગયા હતા. પારો યાદ આવી ગઈ હતી. તે રસોઈ બનાવવાની હતી. તે ઘરે આવ્યો ત્યારે ઓરડી સોડમથી ભરી હતી. ચૂલા પર સબ્જી બની રહી હતી. પારો આટાને મસળી રહી હતી. કેટલીક જણસો આવી ગઈ હતી. મસાલો, નમક, તેલની શીશી અને બે સબ્જી પણ, તેને થયું કે જાણે પાર્વતી ફરી પારો બનીને આવી હતી. એ જ લક્ષણ, એવું જ મલકાતું મોં અને એ જ ઘાટઘૂટ, સુખ કેવું અચાનક આવી પડ્યું હતું?

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> •

પારોએ હસતાં હસતાં પોતે કરેલી ખરીદીની વાત કહી હતી. એમ પણ કહ્યું કે તે ખુશ હતી. તેની પાસે હજી પણ પૈસા બચ્યા હતા. કાલે પણ તે સબ્જી-રોટી બનાવશે. તેનો ભરોસો પડ્યો કે આ સ્ત્રી નાસી તો નહીં જ જાય. તેને પણ રામચરણનો ડર હોય જ. આ કાંઠાની ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જે રામચરણથી ડરતી ના હોય! બીજી રાતે તેમણે ચિત્રવિચિત્ર વાતો કરી. કાલીએ પાર્વતીની વાતો માંડી હતી. તે જાણે કે અતીતમાં ડૂબી ગયો હતો. પારોએ તેના વતનની વાતો કહી હતી. કાકા-કાકીની બદમાશી, તેનું રામચરણ દ્વારા ખરીદાવું, આમ તેમ થોડી રઝળપાટ અને છેલ્લે કાલીને અહીં આવવું. ‘મુજે છુઆ તક નહીં.’ ‘તુમ અચ્છે હો’ તેણે કાલીને પ્રમાણપત્ર આપ્યું હતું. ‘નહીં તો એક કમરેમેં મર્દ કે સાથ અકેલી સ્ત્રી કૈસે રહ સકતી હૈ?' કાલી ઊંડા વિચારમાં પડી ગયો હતો. અરે, આ તો રામચરણનો ડર હતો. આ સ્થિતિમાં સારા રહેવું કેટલું કઠોર કામ હતું? તો પણ એવા વિચારો તો આવ્યા જ હતાં કે તે જઈને પેલી સાથે સૂવે, તેને.... તે કશું જ ના બોલ્યો... તે બંનેની વચ્ચે રામચરણ હતો. તે ફફડી ઊઠ્યો હતો, આવા વિચારો બદલ. ના, કશું જ ના થાય. અરે, તેને સ્પર્શ પણ ના થાય. પેલો ચામડું ચીરી નાખે. આ ઝૂંપડપટ્ટી વચ્ચે જ લોહીલુહાણ કરી નાખે. અહીં તો તેનું જ રાજ હતું. પુલીસવાલા... ક્યા કર સકતા? બીજી રાત પણ એમ જ પસાર થઈ હતી. બહાર કશો સંચાર થાય ને કાલીને રામચરણ જ દેખાવા લાગે. બીજી સવારે પારો જ ખબર લાવી હતી. આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા હતા કે રામચરણ ટ્રેનની મુસાફરી દરમિયાન પકડાઈ ગયો હતો. પુલીસ તેને કોલકતા લાવી હતી. કોઈ ખૂનનો મામલો હતો. ખુદ સરકારી અધિકારી નજરે જોનાર સાક્ષી હતા. ‘અરે! કિતને લોગ જમા હુએ થે, પુલીસ સ્ટેશન પર?’ લોકચર્ચા ચાલી રહી હતી. ગલી-ચૉક બધે જ એ જ વાત હતી : ‘રામચરણ અબ નહીં બચેગા. પાપ કા ઘડા ભર ગયા ઉસકા.’ કાલી ખુદ ખાતરી કરી આવ્યો હતો. પારોએ આટાને મસળતાં મસળતાં પૂછ્યું : ‘અબ ક્યા? કાલી પણ એ જ વિચારતો હતો કે હવે શું? બીજી પળે ખુદ પારો જ બોલી : મેં તો યહાં હી રહુંગી. તું મેરા મરદ ઔર મેં તેરી ઔરત!' કાલી હસી પડ્યો હતો. તેણે જવાબ વાળ્યો કે તે પણ પારો પર ખુશ હતો. તેને તેનામાં બીજી પાર્વતી દેખાતી હતી. ‘ઔર અબ રામચરણ ભી કહાં હૈ?' પારો બોલી હતી. કાલીમાં હિંમત આવી ગઈ. સાંજે તેઓ બંને પાસેના મંદિરમાં ગયાં, સાથે સાથે ચાર પ્રદક્ષિણા ફર્યા. લગ્ન સંપન્ન થઈ ગયા. પાર્વતી સાથે પણ એ જ રીત લગ્ન કર્યાં હતાં ને? કાલીએ મીઠાઈવાળાની દુકાનેથી થોડી મીઠાઈ ખરીદી, પારો માટે સાડી પણ ખરીદી. ક્યાંક ક્યાંક રામચરણની ચર્ચા પણ થતી હતી. રાતે પારોએ બેય ગોદડીઓ મેળવીને એક પથારી તૈયાર કરી. તેની જૂની સાડીનો ઓછાડ કર્યો. ફાનસનો ગોળો કપડાં વતી સાફ કર્યો, જેથી સરખો પ્રકાશ થાય. આસપાસનો કોલાહલ લગભગ શમી ગયો હતો. પારો પથારીમાં બેસી ગઈ હતી ને તે બારી બંધ કરવા જતો હતો. બસ, એ સમયે જ તેને કાને પડ્યું : ‘વો ભાગ ગયા.' આમાં રામચરણનું નામ પણ ક્યાં હતું તો પણ કાલી કંપી ઊઠ્યો હતો. હાથ પગ થીજી ગયા હતા. હૃદયના ધબકારાની ગતિ લથડી ગઈ હતી. તેણે પારોએ પાથરેલી પથારીમાંથી તેની ગોદડી અલગ કરી, ખૂણામાં પથારીને પહેલી રાતની જેમ જાણે રામચરણની પ્રતીક્ષા કરી રહ્યો તેમ ઉભડક બેસી ગયો હતો. પારો ચકિત થઈને જોઈ રહી હતી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ⚬❖⚬❖⚬❖⚬❖⚬