કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/શ્રાદ્ધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. શ્રાદ્ધ

અશ્રદ્ધાનું શ્રાદ્ધ હું માગું આજે
જેવું પામ્યો એક વેળા કિરીટી.
પામ્યું બીજું કોણ એ હું ન જાણું.
કૃષ્ણે એનો સંશયચ્છેદ કીધો
ગીતા-વારિ-અંજલિ આપી એને
નિષ્કામી થૈ કર્મચારી થવાને.

મારો આત્મા સંશયે જે બળે છે
એના શ્રાદ્ધે તર્પણે લાવવું શું?
કોને મારો યાદવ-શ્રેષ્ઠ માનું?
જીવ્યે પામે અંજલિ ના, કદી તે
પામે પ્રેતે અંજલિ તે, ન માગું.
હું ના માગું પિંડ, ના દર્ભ માગું,
ભૂખો મારી શારીરી ન્હોય આજે.

બોલાવું હું વિશ્વદેવા થવાને
આવે કોઈ દેવ હું થાઉં સાથે.
ગંગાજીનાં વારિ જેવાં જલો છે
જેના તત્ત્વે અંજલિ તેની માગું.
કોને મારો યાદવ-શ્રેષ્ઠ સ્થાપું?
કોને મારો વિશ્વદેવા બનાવું?
માગું જેની અંજલિ વારિ ક્યાં છે?

૧૩-૫-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૨૬-૧૨૭)