કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પ્રથમા નારી
શંભુનું જે અર્ધનારી-સ્વરૂપ,
તેની તું છે પ્રકૃતિ! પૂર્ણ નારી!
સ્ત્રીઓમાં તું આદિ નારી સતી તું,
આદ્યા તું, લે, આવ ઓઢાડું તુંને
વસ્ત્રો આછાં શ્વેત ચારે દિશાનાં.
પ્રાતઃકાળે સૂર્ય થૈને ચૂમું હું
તારા હોઠો, ને સુહાગી કરું હું,
સાંજે જાતાં કેશ સંમાર્જી તારા
બાંધું મોતી તારકોનાં લલાટે.
ગ્રીષ્મે આવી પૂર્ણિમા-સોમ થૈને
પૂરું તારા કોડ ને દોહદોયે.
વર્ષામાં હું કૈં યુગોનો વિયોગી
દોડ્યો આવું, વજ્રપાતે હું ભેટી,
આંસુ-ધારે ભીંજવું બેયને હું.
આશ્લેષોમાં શીતનાં મૃત્યુ પીવાં.
હેમન્તે પી ઓસનાં અમૃતોની
પ્યાલી, ઘેન આંખડી રાતી થાતાં,
કુંજે કુંજે મ્હાલશું કો વસન્તે.
પાયે તારે ઝાંઝરી નિર્ઝરોની,
ક્યારે ક્યારે વૃક્ષ ને વલ્લીઓમાં,
તારું શોભે વન્ય કન્યાત્વ, બાલે!
લાવા–જ્વાલા–કંકણો ક્યાંક ધારે,
સહરા જેવા આતપોના રણોએ,
ઉગ્રા જાણે ચંડિકા કાલિકા તું.
શસ્યે શોભે કામધેનું સમી તું,
દૂઝે જેવી દેવ ક્યારે ન પામ્યા,
એવી સાચે તું શિવા, બ્રહ્મકન્યા!
સૃષ્ટિના બ્રાહ્મ મુહૂર્તે, પ્રકૃતિ મેં તને કરી
પાણિગ્રહણથી મારી —
લગ્ન પ્હેલું, મનસ્વિનિ!
આદ્યા નારી, પ્રકૃતિ! આવ અર્ચુ.
કન્યા થૈને આવ. હું લૈ ઉછંગે
ગીતો મીઠાં નિર્ઝરોનાં શિખાવું;
શબ્દો આપું પંખીના, પ્રેમ કેવો
ધીરે ધીરે શાંત વ્હેતો બતાવું.
રક્ષા લૈને તું સ્વસા, આવ આજે
આશીર્વાદે ધન્વી હું વિશ્વ જીતું.
કારુણ્યે એ નેનમાં છે જયોની
સૌ માંગલ્યોની બધી પ્રેરણાઓ.
કૈં જન્મોથી જેની મેં વાટ જોઈ,
આજે આવી કુંદ તું શુભ્ર લૈને
ધીરે ધીરે એ જ મારી પ્રિયા તું,
જીવ્યા લ્હાવો ચુંબનોએ જગાડી
શો છે તેનું ભાન આપું તને હું.
માતા, આવો, મૃત્યુ ને જીવનોનાં,
મારે પીવાં અમૃતો, દાહ શામો,
મારું લાતો, તોય હૈયે બઝાડી
દેજો એનાં અમૃતો બાલને આ.
ભુલાયે ના વિશ્વના અન્ત સુધી.
આદ્યા નારી, આવ આજે નિમંત્રું,
સાથે બન્ને હાથમાં હાથ લૈને,
તું હું બન્ને જીવીએ એક ગાથા.
થૈને મારી પ્રેયસી આવજે તું.
અગ્નિએ જે સર્જનોની જગાડી
ભૂખો, તેને સિદ્ધિવન્તી થવાને.
શિવ નિજ રૂપના જે અર્ધનારી-સ્વરૂપે,
પ્રણયસખી ઉમામાં જેમ એકત્વ પામે,
ઉભય રત થઈએ, એમ કલ્યાણિ! ત્યારે,
જીવનરસની પ્યાલી એકસાથે પીવાને.
પ્રણયમાં ડૂબવે યદિ તું મને
જીવનને નહિ ભૂલવજે કદી.
પ્રણયમાં લુભવે યદિ તું મને
વિમુખ જીવનથી કરતી નહીં.
૬-૫-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૮-૧૧)