કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/રાત તો જુઓ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૪. રાત તો જુઓ!

નભ છે કે અંધકારનું વન! રાત તો જુઓ!
તારક છે કે સરપનાં નયન! રાત તો જુઓ!

ફંગોળતી ફરે છે ગવન! રાત તો જુઓ!
ધમરોળતી રહે છે ગગન! રાત તો જુઓ!

કરવા જ કયાં દીએ છે ગમન! રાત તો જુઓ!
ગૂંચળું વળી પડ્યો છે પવન! રાત તો જુઓ!

તમિસ્રના તળાવની પાળે ખડી ખડી,
વેરી રહી છે ઊજળું ધન! રાત તો જુઓ!

સમડી સમયની આડ લઈ અંતરિક્ષની,
ચૂંથી રહી છે વિશ્વનું મન! રાત તો જુઓ!

કોલાહલો શ્વસે છે ઉડુગણની આંખમાં!
આવે તો ક્યાંથી આવે સ્વપન! રાત તો જુઓ!

પોતાનું મુખ તો કાળું કર્યું મેશથી, હવે
મસળી રહી છે મારું વદન! રાત તો જુઓ!

કીધો નથી પ્રભાતે હજી સ્પર્શ તોય પણ,
ચોરી રહી છે કેવું બદન! રાત તો જુઓ!

‘ઘાયલ', મલીર ઓઢણી ઓઢી દિવસ તણું,
સીવી રહી છે શ્વેત કફન! રાત તો જુઓ!

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (આઠોં જામ ખુમારી, પૃ. ૩૫૭)