અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અનુભૂતિ
Jump to navigation
Jump to search
◼
◼
અનુભૂતિ
જગદીશ જોષી
પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ?
એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ!
નીંદરતી આંખ મહીં ઊમટી ને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડ્હોળું;
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ!
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697cf70bab9440_66559839
જગદીશ જોષી • પાંદડી તે પી પીને કેટલું પીશે કે મૂળિયાંને પડવાનો શોષ? • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: માલિની પંડિત