હયાતી/૨૯. માધવ ક્યાંય નથી મધુવનમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૯. માધવ ક્યાંય નથી મધુવનમાં

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ
કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

૧૯૬૩