બરફનાં પંખી/ચાસનાલાના ખાણિયાને સંબોધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચાસનાલાના ખાણિયાઓને સંબોધન

મોત જેનું નક્કી ઈ મોતી
હાથીના મારગ મોતી વચ્ચે
હોનારતમાં કાંઈ ન બચ્ચે
ઓળખાણ ઉખડી ગઈ રે મૂળસોતી!

કોલસાથી ઝગમગતું અંધારું
ઘોરખોદિયું તો ગોબરું ને ગંધારું
ઘાંઘાવાંધાં રઘવાયા
કાળા માણસ ખોવાયા
તમરું બોલે રખડે ઘેટાં
માણસ અંતે મચ્છર પેટા

આ સાઈકલોના ઢગલા,
ધૂળખાતી લંચબૉક્સો,
ઘોબાવાળા ટીનનાં ટિફિનો
ચૂંથાયેલા ઓળખપત્રો,
હુઉઉઉઉઉઉ વાગતાં ભૂંગળાં,
કોલસાના ઢગલા પર વેરાયેલી સંતરાની છાલો
રાતા ફાનસ લઈ જતાં-આવતા મજૂરો
નળિયામાંથી નીકળતો ધૂમાડો
ખેતરોમાં સરકતા વાદળના પડછાયા,
ધ્યાનબહેરું આકાશ,

જાળીએ ચડીને ચકલી ઉડાડતું છોકરું,
સગડીમાં કોલસા ભરતી છોકરી,
બેં બેં બેં કરતી બકરી,
ગર્ભવતીના ગળે આવ્યા દોહદ,
ટકટક કરતી ઘડિયાળ અને ચકળવકળ ડોળા.
આ બધું જોતાં પૂછાઈ જાય છે કે
શું તમે હજી ઓવરટાઈમ કરો છો?
તમારો પરસેવો ઉલેચવા
વિદેશથી ખાસ પંપો
મંગાવવા પડે.
એટલો બધો પરસેવો
પાડવાનું તમને કોણે કહ્યું હતું?
શું મૃત્યુનું ઉત્પાદન લક્ષ્યાંક વટાવી ગયું?

હવાની ખાણમાં ફસાયેલો
હું પણ એક ખાણિયો છું
કારમી ઠંડીથી બચવા
દુઃખના તાપણા સળગાવીને બેઠો છું

વેગીલા પાણીમાં તણાતી
જથ્થાબંધ કીડીઓ
પીપળાના પાન ઉપર એકઠી થાય
ને એકાએક
પાન ઊંધું વળી જાય
ને પછી જે સૂનકાર ફરી વળે
એ સૂનકારના શાસનનો હું નાગરિક છું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ***