પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/સ્વયંસ્વીકૃત સમીકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વયંસ્વીકૃત સમીકરણ

પણ કેવળ પ્રાસંગિક પ્રત્યાઘાતોમાંથી પ્લેટો કરે છે તેવા તર્કો જન્મે નહીં. પ્લેટોની તત્ત્વવિચારણાના પાયામાં જ કોઈ એવું સ્વયંસ્વીકૃત પ્રતિપાદન હોવું જોઈએ જેમાંથી ઉપરના બધા તર્કો સહેજે જન્મે. પ્લેટોની વિચારણાનો મૂળભૂત ખ્યાલ એ જણાય છે કે એ સાત્ત્વિકતા અને સર્જનશક્તિને, નીતિ અને સૌંદર્યદૃષ્ટિને, ચારિત્ર્યની ઉત્કૃષ્ટતા અને આકૃતિની ઉત્કૃષ્ટતાને લગભગ એકરૂપ ગણે છે. યુવાનો પર તંદુરસ્ત અસર પાડવા એ કેવા કલાકારોની શોધ કરવાનું કહે છે? જેઓ પોતાના ચારિત્ર્યને કારણે સૌંદર્ય અને પૂર્ણતાનું સ્વરૂપ પામી શકે એવા. પ્લેટોએ પોતાનું એ પ્રતિપાદન અત્યંત સ્પષ્ટતાથી મૂકેલું પણ છે : “વિચારની, અને સંવાદિતાની, અને આકૃતિની, અને લયની ઉત્કૃષ્ટતા ચારિત્ર્યની ઉત્કૃષ્ટતા એટલે કે સારા સ્વભાવ સાથે સંકળાયેલી છે. સારો સ્વભાવ એટલે કશાયે રંગ વગરનું ચારિત્ર્ય – જેને આપણે ઘણી વાર પ્રશંસાત્મક રીતે સારું ચારિત્ર્ય કહીએ છીએ તે – નહીં. પણ એવો સ્વભાવ જે ખરેખર સારો હોય અને ચારિત્ર્યની દૃષ્ટિએ ઉમદા રીતે સજ્જ હોય.” (રિપબ્લિક, ઉદ્ધૃત, વર્સફોલ્ડ, જજમેન્ટ ઇન લિટરેચર, પૃ. ૨૧) “...અને આકૃતિની અને લયની અને સંવાદિતાની ખામી એ વિચાર અને ચારિત્ર્યની ખામી સાથે સંકળાયેલ છે; જ્યારે કલાનાં એ તત્ત્વોની ઉત્કૃષ્ટતાઓ અનુક્રમે આત્મસંયમ અને સદ્‌વૃત્તિની ઉત્કૃષ્ટતાઓ સાથે સંકળાયેલ છે. કલાગુણોની ઉત્કૃષ્ટતા નૈતિકતાની ઉત્કૃષ્ટતાનું જ સીધું પ્રગટીકરણ છે.” (રિપબ્લિક, ઉદ્ધૃત, વર્સફોલ્ડ, જજમેન્ટ ઇન લિટરેચર, પૃ. ૨૨) ચારિત્ર્ય અને નીતિને જ જે માણસ જીવનની સર્વ શક્તિનું પ્રભવસ્થાન અને જીવનસર્વસ્વ માનતો હોય એ દૈવી પ્રેરણા ઉપર, લાગણીના આવેશ ઉપર, અને એમાંથી જન્મતા આનંદ ઉપર કેટલો વિશ્વાસ મૂકી શકે? એવી પ્રેરણામાંથી જે જન્મે તે સુંદર કે સત્ય ન હોઈ શકે, એ આનંદજનક હોય તો તો વળી એનાથી વધારે ચેતવા જેવું – એવા વિચારો એ દર્શાવે તો એ અસ્વાભાવિક ન ગણાય, અને માનવજીવનની કોઈ પણ પ્રવૃત્તિની સાર્થકતા, સારો માણસ તૈયાર કરવામાં એ સીધી અને દેખીતી રીતે ઉપયોગી છે કે નહીં એને આધારે આંકે, તો એમાં પણ કશું નવાઈ જેવું નથી. પ્લેટોની ચર્ચા પરિણામે તત્ત્વનિષ્ઠ કરતાં નીતિનિષ્ઠ વધુ બની છે તેનું કારણ આ જણાય છે.