પ્રથમ સ્નાન/એકાકી
<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files />
હતાં મારી પાસે કબૂતર, મને જાર સમજી
ચણી જાતાં : ‘થોથાં’ લઘુગુરુ કબાટો ભરી પડ્યાં.
હતાં મેં પાળેલાં નયન, ગરતાં વાદળી કૂણી,
ચૂવી જાતાં એવાં ગભરુ, નબળાં, સ્નિગ્ધ, કુમળાં.
હતી નાની સૌમાં નમણી, નમણી એક કવિતા,
રુદન્તી, થાકેલી, શ્વસન ભરતી, છેક શ્રમિતા.
અને કર્ણો કેરાં પરિઘ પર બેસી ફરી જતી
ક્ષણો વૃદ્ધા—વાતો કરચલી ભરેલી કરી જતી.
ઊભેલાં ઘેરી ચોતરફ ઘરને શ્યામલ પથો,
વહી જાતાં ટોળે બણ બણ થતી વાત : ભૂલતો
—હતાં જે તે સૌની વચ મહીં રહી—કે કદીય આ
નથી બાજી દ્વારે—અરવ રહી છે— ઘંટડી છતાં.
ખૂટેલી જુવારે કબૂતર બધાંયે ઊડી ગયાં,
ટી.બી.ના કુત્તાઓ નમણી કવિતાને ચરી ગયા.
ઊગેલી ઊધૈએ લઘુગુરુ કબાટો સડી ગયાં,
રહ્યાં બાકી આંસુ, ગભરુ નયનોયે ખરી ગયાં.
જૂની વાતોને સૌ જરઠ સમશાને લઈ ગયાં.
૧૯૬૭