નારીસંપદા : ટૂંકી વાર્તા/જવા દઈશું તમને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જવા દઈશું તમને...

કુન્દનિકા કાપડીઆ

બારીમાંથી તેણે આકાશ ભણી નજર કરી. પલંગ તેણે એવી રીતે ગોઠવાવ્યો હતો કે આંગણાનો લીમડો બારીમાંથી બરાબર જોઈ શકાય. ઘણી વાર લીમડાની ડાળો વાયરામાં ખૂબ જોરથી હલી ઊઠતી ને બારીને લગભગ અડવા મથતી હોય એમ લાગતું. ડાળીઓ વચ્ચેના અવકાશમાંથી ભૂરું-સફેદ આકાશ ને તેમાં ક્યારેક સરતા જતા સફેદ વાદળના ટુકડા દેખાતા. ડાળીઓ પર ક્યારેક એક સફેદ પંખી આવીને બેસતું, લાંબી પૂંછડી, દૂધરાજ હશે. સાધારણ રીતે એ ઘેરી ઘટા વચ્ચે રહે. સહેજે નજરે ન પડે. પણ અહીં એ સાવ એવી રીતે બેસતું, જાણે પોતાને જોવા આવતું હોય ! ઘરમાં ઠીક ઠીક ધમાલ હતી. આજે બપોરની ફ્લાઇટમાં દીપંકર અને મારિયા આવવાનાં હતાં. દીપંકર એનો સૌથી નાનો પુત્ર. સાત વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. અમેરિકી છોકરીને જ પરણ્યો હતો. વારંવાર ‘આવવું છે-આવવું છે’ લખતો હતો, પણ આવ્યો નહોતો. હવે મા માંદી છે, મરણ-ઉન્મુખ છે. પત્નીને લઈને તે આવે છે. અમેરિકી છોકરી ! કેવી હશે ને કેવી નહિ? તે મનમાં જરા હસી. ટાગોરનું ગીત હતું, મેઘાણીએ અનુવાદ કરેલો એનો – ‘કેવી હશે ને કેવી નહિ, મા મને કોઈ દી સાંભરે નહિ.’ પોતાના વખતમાં પોતે રવીન્દ્રનાથને ખૂબ વાંચેલા. ટાગોર અને યીટ્સ અને ઈબ્સન... સરખેસરખાં મિત્રો રવિવારે દૂર ક્યાંક નદીકાંઠે કે જંગલમાં જતાં, ખાતાં-પીતાં, વૃક્ષો નીચે આડાં પડતાં, ગાતાં અને પછી મોટેથી કાવ્યવાચન થતું... ‘જેતે આમિ દિબો ના તોમાય’ અને વિલિયમ બ્લેક – ‘ટુ સી ધ વર્લ્ડ ઇન અ ગ્રેઇન ઑફ સૅન્ડ...’ યીટ્સનું પેલું કાવ્ય તો તેને મોઢે થઈ ગયેલું – ‘આઈ વિલ અરાઇઝ ઍન્ડ ગો નાઉ...’ જ્યાં દિવસ-રાત સરોવરનાં જળ કિનારાને થપકી દીધા કરે છે, એ જોવા હું જઈશ. જૉહ̖ન મેસફીલ્ડનું કાવ્ય – ‘મને એક રસ્તો આપો અને માતે આકાશ, ઠંડી હોય ત્યારે રસ્તાની ધારે તાપણું... ફરી પ્રભાત, ફરી પ્રવાસ...’ અનેક સૌંદર્યોમાં તે જીવી હતી. જીવન હંમેશાં જીવવા જેવું લાગ્યું હતું અને હવેની પેઢી... મોટો દીકરો ને એની વહુ માયા, વચેટ દીકરો ને એવી વહુ છાયા... તેઓ શું કદી ટાગોરને વાંચતાં હશે? કાલિદાસને? શેક્સપિયરને? નિત્શે અને બર્ગસૉંનું તેમણે કદાચ નામ પણ નહિ સાંભળ્યું હોય ! પોતાના ખંડમાં એક કબાટમાં તેણે પોતાનાં માનીતાં પુસ્તકો રાખ્યાં હતાં. ‘ક્રિયેટિવ ઈવોલ્યુએશન’થી માંડી ‘ફોર્થ વે’, ‘એકોત્તરશતી’, ‘રવીન્દ્રવીણા’, જૉહ̖̖ન ડન અને બ્લેકનાં કાવ્યોનો સંયુક્ત સંગ્રહ... ઘણાં પુસ્તકો હતાં. પણ આ વહુઓએ કોઈ દિવસ કબાટને હાથ નહોતો લગાડ્યો. પૂછ્યુંય નહોતું કે આ શાનાં પુસ્તકો છે. તેઓ ઍલિસ્ટર મૅકલીન્સ, જેમ્સ હેડલી ચેઝ, ઇયેન ફ̖̖̖લેમિંગ, ગુલશન નંદાનાં પુસ્તકો વાંચતાં. વારે વારે કહેતાં : ‘અમે તો ખૂબ “બોર” થઈ ગયાં.’ ‘બોર’ શબ્દ એમની વાતોમાંથી સતત ટપક્યા કરતો. તે અને તેનો પતિ પૂનમ હોય ત્યારે ઘણી વાર લોનાવલા ચાલ્યાં જતાં. ત્યાં એકાંતમાં ‘સ્વપ્ન’ નામનું, સૌંદર્યપ્રેમી પ્રવાસીઓ માટેનું એક ‘ગેસ્ટ હાઉસ’ હતું. બેઠા ઘાટનું નાનકડું મકાન. ઉપર નાનકડી એક ઓરડી, જેને ચારે તરફ ઉપરથી નીચે સુધી કાચની બારીઓ. પૂનમના ચંદ્રને ઊગતો જોવા માટે જ તેઓ જતાં. પૂર્વ દિશામાં ખડકોની આખી હારમાળા હતી, તેની પાછળથી ચંદ્ર જરા મોડો ઉપર આવતો. તેઓ શાંત, સ્થિર, એકાગ્ર થઈને બેસતાં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્પંદન ગ્રહણ કરતાં. રાહ જોતાં એક ચિર-પરિચિત છતાં ચિર-આહ᳭લાદક પ્રકાશ-દર્શનની. ધીરે ધીરે ખડક પાછળથી એક રતૂમડી આભા દેખાતી. પછી એક ચમકતી શ્વેત કિનાર. તેના ને તેના પતિના હાથ અનાયાસ મળી જતા, આનંદની એક સમાન અનુભૂતિમાં સાથી હોવાના વિશ્વાસમાં. પછી ઝડપથી ચંદ્ર ઉપર આવી જતો. બહુ જ ઝડપથી. તે વખતે પૃથ્વીની ગતિ વિશે કંઈક ખ્યાલ આવતો. અનુકૂળ હોય તો બે-ત્રણ દિવસ વધુ રોકાતાં. પૂનમના ચંદ્ર કરતાંયે વદ એકમ-બીજનો ચંદ્ર ઊગતો જોવાનું વધુ રોમાંચક હતું. એ નાનકડા પહાડી સ્થાન પર નવ વાગ્યામાં તો નીરવતા છવાઈ જતી. બધું શાંતતાના ખોળામાં પોઢી જતું. આકાશ શ્વાસ રોકીને જોતું. હવામાં કોઈ ધુમાડો, ઘરના દીવાઓનાં તીખાં કિરણો, અવાજનાં મોજાં રહેતાં નહિ. એક કોમળ મુલાયમ અંધારભરી નીરવતા. અને પછી જરા મોડેથી ચંદ્ર ઊગતો. રતૂમડા વિસ્મયથી ખડકોને જોતો, પોઢી ગયેલી પૃથ્વીને નિહાળતો. પછી તો પ્રકાશનો વરસાદ જ વરસતો. પોતાને એનો સઘન સ્પર્શ થતો. અંગો બધાં ભીંજાઈ જતાં. સૌંદર્યની આવી સેંકડો અનુભૂતિઓથી પોતાનું જીવન રસાયું હતું. કોઈ સાંજ વેળાએ તે લીમડા નીચે બેસી રિલ્કેનાં કાવ્યો વાંચતી : ‘વી, ધ વેસ્ટર્સ ઑફ સૉરોઝ... આપણે આપણા શોકને વેડફી નાખીએ છીએ – દુઃખથી છુટકારાની રાહ જોવામાં...’ એનો પતિ ચુપચાપ સાંભળતો. જીવનના આવાગમન પાછળ રહેલા કોઈક મર્મની અલપઝલપ ઝાંખી થતી, દુઃખને એક ગંભીર સમજથી સ્વીકારી શકાતું. વેદનાઓમાં ગુપ્ત રહેલા અર્થને થોડો ઘણો પામી શકાતો. આ લોકો જીવન તરફ કઈ રીતે જોતા હશે? તેને ઘણી વાર પ્રશ્ન થતો. પણ માયા-છાયાને તેની પાસે નિરાંતે બેસીને વાત કરવાની ક્યારેય ફુરસદ રહેતી નહિ. તેઓ આખો દિવસ કશાકમાં ને કશાકમાં રોકાયેલાં રહેતાં. તેઓ કુકિંગ ક્લાસમાં જતાં, ફ્રેન્ચ પુડિંગ અને ઇટાલિયન પીત્સા બનાવતાં શીખતાં, ઇન્ટિરિયર ડેકોરેશનના વર્ગો ભરતાં, ઇકેબાનાની ગોઠવણી કરતાં, કૅન્ડલ-લાઇટ-ડિનર ગોઠવતાં, હેરસ્ટાઇલ શીખતાં. નવનવી રીતે વાળ ઓળતાં. કપડાંનાં નવનવાં મૅચિંગ, સુંદર લાગતાં તેઓ. પણ બહારથી તેઓ ઘેર આવતાં ત્યારે હંમેશાં કહેતાં : ‘કંટાળી ગયાં. બહુ થાક લાગ્યો. અરે, પેલો પ્રેમનાથ એટલો બોરિંગ હતો !’ કંટાળાની ને વધુ કંટાળાની ક્યારીમાં જ જાણે તેમને દિવસ ઊગતો ને સાંજ ઢળતી. સ્થાપિત વ્યવસ્થા ને પરંપરાગત મૂલ્યો સામેના વિદ્રોહની તેઓ વાતો કરતાં. કોઈ વાર હિપ્પીઓ પણ તેમનાં મહેમાન તરીકે આવતાં. આમ છતાં તેમના જીવનમાં કંઈક બહુ મોટો ખાલીપો હતો. જીવનનું આનંદતત્ત્વ તેમની પકડમાંથી સરી જતું. તેઓ જીવતા, પણ તેમને લાગ્યાં કરતું – આ બધાંનો અર્થ છે? અને હવે એક નવી સ્ત્રી ઘરમાં આવી રહી છે. માંડ ૨૩-૨૪ વર્ષની હશે. દીપંકરે લગ્ન વખતે ફોટા મોકલેલા. પણ ફોટામાંથી ને તેયે લગ્ન સમયના ફોટામાંથી – વ્યક્તિનો પરિચય કેમ મળે? તેને કુતૂહલ થતું. દીપંકરે પસંદ કરેલી એ છોકરી કેવી હશે? તે પોતાનો આદર કરશે કે નહિ, પોતાને ચાહશે કે નહિ, એ વાત મહત્ત્વની નહોતી. પોતે હવે કેટલા દિવસ? પણ એક સાવ અજાણી દૂર દેશની કન્યા ઘરની વહુ બનીને આવે છે, તેને ઓળખવાની ઇચ્છા હતી. માયા-છાયાને પણ એના વિશે ઘણી ઉત્કંઠા હશે. એક દિવસ બન્નેને ગુસપુસ કરતાં સાંભળ્યાં હતાં... ‘ઍડ્જસ્ટમેન્ટ’ કરવું પડશે – એવી કંઈક વાતો કરતાં હતાં. સારું છે કે ઘર ખૂબ મોટું હતું, બધાનો સમાસ થઈ રહેતો હતો. દીકરીઓ પણ તેમના પતિ ને બાળકોને લઈને આવી હતી, માની છેલ્લી ઘડીઓમાં તેને મળી લેવા. પણ ફુરસદ તેમનેય નહોતી. ‘ભાભી, ટિનુ માટે દૂધ ગરમ થયું છે? મહારાજને કહેજો, દાળશાક મોળાં કાઢી લે. અવિનાશને પેટમાં અલ્સર છે.’ તેમના વ્યવહારમાં એક પ્રકારની અધીરતા રહેતી. હવે કેટલી રજા બાકી રહી તેનો મનમાં હિસાબ ગણતાં હશે. રજા લંબાવવી તો નહિ પડે? ઘર જેમતેમ મૂકીને આવ્યાં છીએ... મા પાસે બધા વારાફરતી આવી જતાં. દવા લીધી, મા? ઊંઘ બરોબર આવી હતી ને? રાત કેવી ગઈ? તેઓ મચ્છરદાનીના છેડા સરખા કરતાં, વળેલી ચાદર ખેંચતાં, માના પલંગ પાસે ટેબલ પર તાજાં ફૂલ મૂકતાં, છોકરાઓ અવાજ કરતાં આવે તો બહાર કાઢી મૂકતાં. માની બધી રીતે કાળજી રાખતાં. રોજ તેની માટે જૂદી જૂદી જાતની હળવી વાનીઓ બનાવતાં. અને તેમને થતું કે પોતાની પરિચર્યા સંપૂર્ણ છે. માત્ર માને ખબર હતી કે ખાલીપણું ક્યાં હતું. પણ હવે મૃત્યુની સંમુખ આવતાં તેણે બધી અપેક્ષાઓને સંકેલી લીધી હતી. જીવનભર મેં સૌંદર્યને ચાહ્યું છે, જીવનને ચાહ્યું છે. મરતી વેળા હું એને ખંડિત નહીં થવા દઉં. એનો અતિ પ્રિય લેખક હેન્રી ફ્રેડરિક ઍમિયલ. સ્વિટ્ઝરલૅન્ડમાં જન્મેલો, ફ્રાન્સમાં વસેલો, સૌંદર્યશાસ્ત્રનો પ્રોફેસર. ત્રીસ વર્ષ એકાંતમાં ગાળી એણે ૧૬,૯૦૦ પાનાં ભરીને જર્નલ લખ્યાં. આમિયલ, બર્ગસૉં, ટાગોર... તે અને તેનો પતિ બન્ને તેમના વિશે એવી રીતે વાત કરતાં, જાણે તેઓ તેમના મિત્રો હોય. એમનાં લખાણોમાંથી, જીવનમાંથી, દર્શનમાંથી પોતે આકંઠ પાન કર્યું હતું... અને હવે મૃત્યુની વેળા આવી હતી. જીવનની સર્વોચ્ચ અનુભૂતિની પરમ આસ્વાદ્ય પળ. એ પળની આભા પૂનમના, વદ એકમના કે બીજના ચંદ્ર જેવી, રતૂમડા પ્રકાશવાળી, પોતાનાં સર્વ અંગોને સિક્ત કરી દે તેવી રાખવી છે. કશોક અવાજ થયો. માયા આવી હતી. તેણે એની તરફ નજર ફેરવી. માયા પાસે આવી. ‘કાંઈ જોઈએ, બા?’ તેણે ડોકું હલાવી ના પાડી. હસી. પણ માયા સામે હસી નહિ. તેણે માના હાસ્યને જોયું નહોતું. તે પોતાના વિચારોમાં ગૂંથાયેલી હતી. તે હોશિયાર, કાર્યદક્ષ, સ્માર્ટ અને સ્વાર્થી હતી. પોતાને જોઈતું બધું મેળવી લેતી. ગમે તે રીતે, બીજાનું શું થાય છે તેની પરવા કર્યા વગર. પોતાનો પતિ ને પોતાનાં બાળકો – એ તેના વિશ્વની સરહદો હતી. મિત્રો, પાર્ટી, સિનેમા – બધું થતું. પણ તેને કોઈનેય માટે ઊંડી લાગણી હોય કે કોઈને માટે તે ક્યારેય ઘસાઈ હોય – એવું કાંઈ યાદ નહોતું આવતું. વચેટ છાયા જુદી હતી. આનંદી, ઉદાર, ગ્રામ્ય મજાકોથી ભરેલી, સ્થૂળ, બહિર્મુખ, સંવેદનારહિત. એક જ મોટા મકાનમાં માયા-છાયાનાં રસોડાં જુદાં હતાં. સંપત્તિ પૂરતી હતી, તેથી બન્ને વચ્ચે સંઘર્ષના પ્રસંગ ખાસ આવતા નહિ. પોતાનો રૂમ ઉપર જુદો હતો. બન્નેને ત્યાંથી વારાફરતી જમવાની થાળી આવતી. કોઈક વાર પોતે પણ નીચે બધાંની સાથે ટેબલ પર જમવા જતી, પણ કોઈક જ વાર. બહારનું કોઈ ન હોય ત્યારે. ઘણી વાર રાતે નીચે સંગીત ચાલતું. નૃત્યો થતાં. ગિટાર-ઑર્ગન વાગતાં. માયા સારું ગાતી. ઉપર એમના સૂરો પહોંચતા. કોઈ વાર ગમતા. પણ ઉમા કે માયાએ કોઈ દિવસ એની પાસે આવીને કહ્યું નહોતું : ‘બા, તમને કોઈક ગીત કે ભજન સંભળાવું?’ સરસ રીતે કોઈ કાવ્યો વાંચે તોયે ગમે. જેતે દિબો ના તોમાય... તમને જવા નહિ દઉં. ચાર વરસની કન્યાના મુખથી એ સ્નેહના ગર્વથી ભરેલી વાણી. પિતાને કહે છે – તમને જવા નહિ દઉં. એ કાવ્ય સેંકડો વાર બીજાને વાંચી સંભળાવેલું. ‘જવા નહિ દઉં... પણ તોયે જવા દેવું પડે છે, ચાલ્યું જાય છે. પ્રલય-સમુદ્રના વેગમાં હૂ હૂ કરી તીવ્ર વેગે બધું જ ચાલ્યું જાય છે.’ પોતાની પણ જવાની ઘડી આવી છે. કોઈએ કહ્યું નથી – જવા નહિ દઉં. કદાચ ક્યારે જાય, તેની રાહ જોતાં હોય ! ભલે, મનમાં કશી તૃષ્ણા નથી, ભય નથી. કે છે? બારી પાસે ઝૂલતા લીમડાની ડાળીઓ હવે ચૈત્ર-વૈશાખમાં સફેદ સફેદ મંજરીઓથી ભરાઈ જશે. આલ્બેર કામૂએ તેની નોંધપોથીમાં જેની વાત કરી છે તેવી બદામની શ્વેત સુંદર મંજરી જેવી... કદાચ એથીય વધુ સુંદર. આખી રાત તે મહેક્યા કરશે. તેને સુખ થયું. ‘જનરેશન ગૅપ’ છે, છતાં પોતાની છેલ્લી રાતો ભગવાને કોઈક રીતે મહેકતી રાખી છે. અચાનક મારિયા યાદ આવી. એને અહીં ગમશે? અહીંનો ઉનાળો, ગરમી, અહીંની ગંદકી, અહીંના લોકોની ટેવો – આ બધું તે શી રીતે સહી શકશે? તેને આ દેશની સાચી પરિસ્થિતિઓની જાણ હશે કે કોઈ ભાવમુગ્ધતામાં તે ડૂબેલી હશે ને અહીં આવતાં નિર્ભ્રાન્ત થઈ જશે? જે હોય તે – થોડા કલાકોમાં જ આ કુતૂહલનો અંત આવશે. હૃદયમાં એક ઝીણો સૂર ઊઠ્યો. છેલ્લી પળોની આભા પર, આ દીકરા-દીકરીઓ-વહુઓ વચ્ચેના સંઘર્ષની છાયા ન પડે તો સારું. પોતાની શક્તિઓ હવે સાવ ક્ષીણ થઈ ગઈ હતી. હાથપગ હવે ચાલતા નહોતા. માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકાતો. અવાજ ધીમો પડી ગયો હતો. સંભળાતું પણ ઓછું, માત્ર દૃષ્ટિ સતેજ હતી, અને સતેજ હતાં મન, હૃદય, સ્મૃતિઓ.

*

...ફ̖̖લાઇટ થોડી મોડી હતી. બપોરને બદલે સાંજે છ વાગ્યે વિમાન આવ્યું. કસ્ટમમાંથી નીકળતાં ને ઘરે પહોંચતાં સાડા સાત વાગી ગયા. દીપંકર અને મારિયાએ એના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રકાશ અને અંધકારની સંધિક્ષણ હતી. દીપંકર ઊભરાઈ જતા વ્હાલ સાથે દોડ્યો. ‘કેમ છે, બા?’ તેના અવાજમાંથી નર્યો સ્નેહ નીતરતો હતો. એને ઘણો બધો સંતોષ થયો, થોડી વાર તો તે માને લગભગ વળગીને જ બેઠો. પછી યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયો. ‘મારિયા, આ મારી મા !’ તેણે કહ્યું. એમાં કંઈક ગર્વની છાંટ હતી? કે ખાલી ભ્રમ? મારિયા આગળ આવી. તેણે હાથ લાંબો કરી તેનો હાથ પકડી હલાવ્યો. બોલી નહિ કશું. માત્ર હસી. બન્ને એની પાસે બેઠાં. દીપંકરે ઝડપથી ઘણી વાતો કરી નાખી. ત્યાંના વસવાટની, પત્ર પછી થયેલી ચિંતાની, હવે તબિયત કેમ છે, પોતે આયો એટલે સારું થઈ જશે, સ્નેહ ને ચિંતાની વાતો. થોડીક નાનપણની યાદ. ‘મા, તને સાંભરે છે? એક દિવસ હું બહુ રખડીને કપડાં ફાડીને આવ્યો ત્યારે બાપુ મને ખૂબ વઢેલા અને ત્યારે તેં પાછળથી કેવો મને શીરો ખવડાવેલો?’ સૂતાં સૂતાં તે સાંભળી રહી. ખૂબ સારું લાગ્યું. પછી બંને નીચે ગયાં. ‘સૂઈ જજે આરામથી, મા ! હવે કાલે સવારે મળીશું. સાથે ચા પીશું.’ દીપંકરે કહ્યું. મારિયાએ ડોકું ધુણાવ્યું. તેની આંખો સરસ હતી એમ લાગ્યું. ઊંડાણભરી, સંવેદનાભરી, જાણે તે કહેતી હોય – તમારા મનમાં શું છે, હું સમજું છું. દીપંકરે સવારે મળવાનું કહ્યું – પણ એકલી પડી ત્યારે એને થયું, એમ ન બને કે આજની રાત જ છેલ્લી રાત હોય? અચાનક બહુ જ ક્ષીણતા આવી ગઈ. ખૂબ નબળાઈ લાગવા માંડી. આજે કઈ તિથિ હતી? વદ બીજ... આજે સહેજ મોડો, લાલ ચંદ્ર ઊગશે. બસ, હવે કશું જોઈતું નહોતું. આજની રાતે અંત આવે તો તે વાજબી જ કહેવાય. નીચેથી અવાજો સંભળાતા બંધ થઈ ગયા. હજુ કાંઈ બહુ નહિ વાગ્યા હોય. માંડ નવ થયા હશે. બધાં કદાચ પેલી તરફના આંગણામાં બેઠાં હશે. દીપંકર અમેરિકાની વાતો કરતો હશે. દીકરીઓને, માયા-છાયાને ઇન્તેજારી હશે કે દીપંકર એમને માટે શી શી વસ્તુઓ લાવ્યો હશે ! અને માયા મનમાં ગોઠવતી હશે કે સરસમાં સરસ વસ્તુ શી રીતે પોતાને મળે એમ કરવું. હવાની એક વેગવતી લહેર આવી, લીમડાની ડાળીઓ ઝૂલી પડી. બે સફેદ ઝીણી કળીઓ એના પલંગ પર ફેંકાઈ. અચાનક તેને લાગ્યું કે બારણું ખૂલ્યું. કોણ આવ્યું હશે? છેલ્લી દવા તો કામવાળી બાઈ આપીને ગઈ. પછી કોણ આવ્યું? ધીમે પગલે કોઈ તેની પાસે આવ્યું. ઓળખાયું. એ મારિયા હતી. તેને પારાવાર નવાઈ લાગી, મારિયા કેમ આવી હશે? મારિયા તેની પાસે આવીને બેઠી, હાથમાં હાથ લીધો, થોડીવાર કાંઈ બોલી નહિ. માત્ર સામે જોઈને હસી રહી. ‘મને અહીં બેસવાનું ગમશે, બેસું?’ તેણે પૂછ્યું. તેણે ડોકું હલાવીને હા પાડી, પણ હજુ નવાઈ શમતી નહોતી. લાંબા સમય સુધી મારિયા શાંત બેસી રહી. લીમડાની પાછળના આકાશને જોઈ રહી. પછી ધીમેથી બોલી : ‘તમે પલંગ સરસ ખૂણે ગોઠવ્યો છે. આ વૃક્ષ સુંદર દેખાય છે. એને હવે ફૂલ આવશે ને? થોડાં થોડાં દેખાય તો છે.’ અંગ્રેજીમાં, ધીમેથી અટકી અટકીને બોલતી હતી. ઉચ્ચારો અમેરિકી હતા, પણ એને બધું સમજાયું. મારિયાએ ફરી કહ્યું : ‘અમારાં લગ્ન વખતે તમે મને ટાગોરની કવિતાનું પુસ્તક મોકલેલું તે મને ખૂબ ગમેલું. કેટલીય વાર વાંચ્યું. ઘણી કવિતા તો મોઢે થઈ ગઈ છે.’ તે હસી, અને માના હાથ પર હાથ પસવાર્યો. ‘આઈ લવ્ડ યુ ફોર ધેટ બુક. ઈટ વૉઝ વન્ડરફૂલ, ટુ લવ ધ વર્લ્ડ વિથ ઑલ, ઇટ્સ પીપલ ઇન સચ અ બ્યુટિફૂલ વે...’ અને પછી... ‘તમને હજુ યાદ છે એ કાવ્યો?’ એણે આનંદથી ડોકું ધુણાવ્યું. મારિયા સહેજ વધુ નજીક સરી આવી. માની સાવ નજીક ઝળૂંબી. ‘તમે ખૂબ દુર્બળ લાગો છો.’ તે કાંઈ બોલી નહિ. મારિયાએ એની આંખમાં આંખ પરોવી ઊંડાણથી જોયું. માથા પરના વાળ પસવાર્યા. પછી કાન નજીક મોં લઈ જઈ મૃદુતાથી બોલી : ‘તમને... તમને ભય તો નથી લાગતો ને?’ ‘શાનો ભય?’ ‘અજ્ઞાતનો...’ મારિયા ધીમા સ્વરે બોલી. ‘બધું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો. આર યુ અફ્રેઇડ?...’ હૃદયમાં એક મોટું મોજું આવ્યું. આનંદનું. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે એ જાણવાની તેને ખેવના છે. મારા ભયની તેને ચિંતા છે. એ ભયને કદાચ તે દૂર કરવા માગે છે... તેને જવાબ આપવો હતો, પણ આ ભરતીથી તે ઉત્તેજિત થઈને થાકી ગઈ. જીવનની છેલ્લી પળોમાં એક નવા સંબંધનો ઉદય થયો હતો. જરા મોડો... પણ અત્યંત સુંદર. તેણે પ્રેમ ને સંતોષથી મારિયા તરફ જોયું. અચાનક તેને થયું : લોકો કહે છે – પતિ જીવંત હોય ત્યાં સુધીમાં પત્ની મરવા-કરવાનું પતાવી દે, તો તેને સૌભાગ્યવતી કહેવાય. ઓહ – લોકોને શી ખબર, સૌભાગ્ય એટલે શું? આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનો, એક નવા પ્રેમનો આમ ઉદય થવો તે સોભાગ્ય છે. આનંદથી મરી શકવું – તે જ સૌથી મોટું સૌભાગ્ય છે. લીમડાની પાછળથી ચંદ્રની શ્વેત દિનારી દેખાઈ. મારિયાએ રૂમની બત્તી ઓલવી નાખી. એક સામટાં ઘણાં ધોળાં ફૂલોથી ડાળીઓ ભરાઈ ગઈ હોય એમ લાગ્યું. તેણે મારિયાનો હાથ પકડી ચંદ્ર તરફ ઈશારો કર્યો... લૂક, શી ઇઝ બિંડિંગ ફેરવેલ... મારિયાએ તેના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો... મે યોર જર્ની બી પીસફૂલ. તેના મોં પર રતૂમડી આભા પથરાઈ રહી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ❖

વાર્તા અને વાર્તાકાર :

કુંદનિકા કાપડિયા (૧૧-૦૧-૧૯૨૭ થી ૩૦-૦૪-૨૦૨૦)
વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક

પાંચ વાર્તાસંગ્રહ :

1. પ્રેમના આંસુ (1954) 18 વાર્તા
2. વધુ ને વધુ સુંદર (1967) 20 વાર્તા
3. કાગળની હોડી (1978) 23 વાર્તા
4. જવા દઈશું તમને (1983) 31 વાર્તા
5. મનુષ્ય થવું (1990) 11 વાર્તા

‘જવા દઈશું તમને’ વાર્તા વિશે :

‘જવા દઈશું તમને’ વાર્તાના મૃત્યુ પથારીએ પડેલાં વૃદ્ધાએ એટલું સરસ વાંચ્યું-વિચાર્યું છે, એટલી સુંદર સભર જિંદગી જીવ્યાં છે કે સારવાર માટે હાજર સ્વજનોની દેખીતી ઔપચારિકતા એમને એકલતાનો અનુભવ કરાવે છે. પુસ્તકો અને પ્રકૃતિસૌન્દર્યમાં રમમાણ રહેનારી, જીવનને અતિશય ચાહનારી આ સ્ત્રી પાસે પતિના હુંફાળા પ્રેમની સ્મૃતિઓ છે. પોતાને સભર કરનારાં પુસ્તકોને સંતાનો સ્પર્શતાં સુદ્ધાં નથી. સતત ‘કંટાળી ગયાં, થાકી ગયાં, બોર થઈ ગયાં’ એવું બોલનારાં આ સંતાનો મા પાસે બેસી વાત કરવાનો સમય ભાગ્યે જ કાઢી શકતાં! દીકરા-દીકરીઓ-વહુઓ સહુ માનું ધ્યાન રાખે છે પણ પોતપોતાની પળોજણોમાં વ્યસ્ત રહીને. નરી ભૌતિકતામાં રાચનારાં, કોઈ પ્રકારના સર્જનાત્મક રસ વગરના પોતાનાં સંતાનો જીવનને કઈ રીતે જોતાં હશે? એવો પ્રશ્ન આ અતિશય સંવેદનશીલ સ્ત્રીને થાય છે. અમેરિકનને પરણેલો સૌથી નાનો દીકરો દીપંકર એની પત્ની મારિયાને લઈને પહેલીવાર આવે છે અને આ તદ્દન અજાણી પુત્રવધુ સાસુની અંતિમ યાત્રાને પોતાના વ્યવહારથી આનંદભરી બનાવે છે. એકેય સંતાને કહ્યું નથી ‘જવા નહીં દઉં’. મા વિચારે છે ‘કદાચ ક્યારે જાય તેની રાહ પણ જોતાં હોય!’ પણ મારિયા એમની પાસે નિરાંતે બેસે છે. એમણે મોકલેલ ટાગોરની કવિતાની વાતો કરે છે. પછી અત્યંત મૃદુતાથી, માથે હાથ પસવારીને પૂછે છે : ‘તમને... તમને ભય તો નથી લાગતો ને? અજ્ઞાતનો... બધું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો?’ ને જવા તૈયાર કથાનાયિકાના હૈયામાં આનંદનો ઓઘ ઉછળ્યો. ‘આ છોકરી મને સમજે છે...’ એ મનોમન કહે છે : ‘આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનો, એક નવા પ્રેમનો આમ ઉદય થવો તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું – તે જ સૌથી મોટું સૌભાગ્ય છે...’ જેનું આખું જીવન આનંદમય હોય એનું જવું પણ આનંદયાત્રા બની રહે એનાથી વધારે શું જોઈએ? મારિયા કહે છે : ‘તમારી યાત્રા શાંત અને સુખદ હો!’ કેવી તો મંગલમય કામના! આખી વાર્તામાં માનું વિલક્ષણ વ્યક્તિત્વ ભાવકને આકર્ષતું હતું પણ અંતે જતાં મારિયાનું એવું જ સ્નેહાળ, વિલક્ષણ વ્યક્તિત્વ વાચકને કાયમ યાદ રહી જાય તેવું નિરૂપાયું છે.

અન્ય સારી વાર્તાઓ :

સર્વનાશ, અવકાશ, તમારા ચરણોમાં, ન્યાય, સંપૂર્ણ સુંદર પળે, પ્રતિશોધ, આ ઉંમરે, એકલી?, બળતો બપોર, તો?, સુખ, સજા, પુનરાગમન, મારા માટે નહીં, જરા ઊભા રહો તો, સંબંધનો એક ચહેરો...