તત્ત્વસંદર્ભ/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિવેદન

સદ્‌ગત પ્રમોદભાઈનું આ પુસ્તક પ્રકાશિત થાય છે એ પ્રસંગે અમને કુટુંબીજનોને ઊંડા સંતોષની લાગણી થાય છે. પપ્પાજીના અવસાન પછી ત્રણ પુસ્તકો જુદીજુદી પ્રકાશન-સંસ્થાઓએ પ્રગટ કરવાનું સ્વીકાર્યું હતું એ પૈકી પાર્શ્વ પ્રકાશને ‘કથાવિચાર’ પ્રકાશિત કરી દીધું છે અને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પણ, એમણે સ્વીકારેલાં પુસ્તકો હવે તરત પ્રકાશિત કરવાનાં છે એનો આનંદ છે. આ પછી પણ, બેત્રણ પુસ્તકો થાય એટલા લેખો સામયિકોમાં પ્રકાશિત થયેલા હતા જ. એ લેખો પુસ્તકોરૂપે પ્રકાશિત કરવાની જવાબદારી અમે, પરિવારજનોએ ઉપાડી લીધી છે. પૂ. બા સવિતાબહેન, સૌ. નયના તથા ભાઈ પ્રશાન્તની, અમારી સૌની એ ભાવના છે કે પપ્પાજીનાં કોઈ જ અગત્યનાં લખાણો પુસ્તકરૂપ પામ્યા વિનાનાં ન રહી જાય. વિદેશમાં વસતા ભાઈ આશિષ અને સૌ. લતા તો, ક્યારે પુસ્તકો કરીએ છીએ એવું હંમેશાં પૂછે છે. એમનો સહયોગ ઘણો રહ્યો છે. આ પુસ્તક પ્રકાશિત થાય છે એમાં મુ. રમણભાઈ સોનીનો ફાળો ઘણો છે. બધી લેખસામગ્રી એમને સોંપી હતી એમાંથી એમણે વિવેચનના આ અનુવાદ-લેખો જુદા પાડી એનું અલગ પુસ્તક કરવાનું સૂચવ્યું ને લેખોની ગોઠવણી કરવામાં, એ અંગેની નાનીનાની વિગતો શોધાવવામાં અને મેળવવામાં એમણે ઘણી જ જહેમત ને ઘણો રસ લીધો છે. બીજા પુસ્તકની પણ આવી વ્યવસ્થા એમણે જ કરી છે. અમે આભાર માનીશું એ તો એમને નહીં ગમે એટલે આનંદસહ એમને વંદન. ભાઈ આકાશે સુઘડ અને સુંદર મુદ્રણસજ્જા કરી છે એ ચીવટ માટે એનો આભાર માનું છું. તેમજ સુંદર છાપકામ માટે શ્રી ભગવતી પ્રેસનો પણ આભાર. આશા છે કે સાહિત્યજગતને સદ્‌ગત પ્રમોદકુમાર પટેલનો આ સ્વાધ્યાયરૂપ વિવેચનગ્રંથ ગમશે અને ઉપયોગી નીવડશે.

– યોગેશ પટેલ
વડોદરા, ૧૫, જુલાઈ ૯૯.

*