ચંદ્રહાસ આખ્યાન/કડવું ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૭

[ઘોર જંગલમાં એકલા પડેલા બાળકને વિલાપ કરતો સાંભળી બાળકની સાર-સંભાળ લેવા જંગલનાં પશુ-પક્ષી આવે છે. આ વનમાં શિકાર કરવા માટે આવેલા પુત્ર વિનાના કુલિંદ રાજાને બાળકના રડવાનો અવાજ સંભળાતા આવીને જુએ છે તો પાંચેક વર્ષના બાળકને જોઈ ભગવાને મને બાળક આપ્યો છે એમ માની પોતાના રાજમાં લઈ જાય છે.]

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રાગ : ચોપાઈ

નારદ કહે : સાંભળ, અર્જુન, પાસે બેઠા છે જગજીવન
ત્યાં બાળક એકલો કરે વિલાપ, અંતર્ગત અતિ પામે તાપ.         

‘રામ કૃષ્ણ’ વાણી ઊચરે, રુદન કરે, જળ નયણે ભરે;
એવે વન વિષે આવી ચમરી ગાય, પૂંછે કરીને નાખે વાય.         

આવ્યા સુડા વનના કીર, ચાંચે ભરીને લાવ્યા નીર;
પંખી જાત સરવે ટોળે થયાં, પાંખે છાયા કરીને રહ્યાં.         

એવે મૃગ આવી એક ઊભો રહ્યો, સુતને દેખી વિસ્મે થયો;
મૃગ સ્વામિભાવ મન આણિયો, ચંદ્રમા પડિયો જાણિયો.         

એવી આશંકા મૃગે મન ધરી, ચાટ્યું રુધિર જીભે કરી;
ત્યાં આવ્યો કૌંતલ દેશનો રાય, કુલિંદ નામ તેનું કહેવાય.         

નવ નિધ[1] અષ્ટ મહાસિદ્ધ[2] ઘરસૂત્ર, પણ પેટ ન મળે એકે પુત્ર;
તે રાજા મૃગયા નીકળ્યો, મહાવનમાં એક મૃગલો મળ્યો.         

સારંગ[3] ઉપર શર કર્યો સંધાણ, મૃગે જાણ્યું ‘મુઓ નિર્વાણ’;
મૃગ ભય પામી નાશી ગયો, પછે કુલિંદ કુરંગ કેડે થયો.         

આગળ જાતાં મૃગ થયો અંતર્ધાન, ઊભો રાજા ને થયો મધ્યાહ્‌ન;
ભૂલ્યો ભૂપતિ નગ્રની વાટ, એટલેે, થયો મનમાં ઉચાટ.         

એક વૃક્ષ તળે ઊભો ભૂપાળ,એવે રોતો સાંભળ્યો બાળ;
‘રામ કૃષ્ણ’ કહી કરે રુદન, સાંભળી રાજાએ વિમાસ્યું મન.         

જોવા અરથે અશ્વથી ઊતર્યો, કુંવર ભણી કુલિંદ પરવર્યો;
રાજા આવતો દીઠો જેટલે, પશુપક્ષી નાઠાં તેટલે.          ૧૦

અભ્રમાંથી ચંદ્ર દીસે જેમ, પક્ષી પરાં થયે કુંવર શોેભે તેમ;
વાસવ[4] વિરંચી[5]નો અવતાર, એ નો હોયે મનુષ તણો કુમાર.          ૧૧

તત્ક્ષણ રાય પાસે આવિયો, પ્રેમે પુત્રને બોલાવિયો :
‘કહે, કુંવર, કોણ છે તું જાત? કોણ પિતા? કોણ તારી માત?’          ૧૨

મહારાજાનાં સુણી વચન, વળતું બોલ્યો સાધુ જન;
‘માતા-પિતા મારે નથી કોય, આધાર એક અચ્યુત[6]નો હોય.’          ૧૩

એવું સાંભળી હરખ્યો ભૂપાળ, મુને કેશવજી થયા કૃપાળ;
‘પરમેશ્વરે મુને આપ્યો કુમાર, ઊઘડ્યાં મારાં વાંઝિયાબાર.’          ૧૪

પછે સુતની કીધી આસવાસન, તેડી દીધું આલિંગન;
પ્રેમશું પુત્રને હૃદે ધર્યો, પહેરાવી વસ્ત્ર ને સાંતરો કર્યો.          ૧૫

રાય અશ્વે થયો અસ્વાર, નરપતિ સાથે ગયો નગ્ર મોઝાર,
પાળા સેવક ધાયા પુર ભણી, રાણીને કહેવા વધામણી.          ૧૬

રાણીને જઈ નામ્યું શીશ, ‘તમને તુષ્ટમાન[7] થયા જગદીશ;
પાંચ વરસનો આપ્યો બાળ, ઓ લઈ આવે છે ભૂપાળ.’          ૧૭

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વલણ


‘ભૂપાળ બાળકને લાવે, માતા,’ હરખ્યું રાણીનું મન રે.
કરે જોડી કહે ભટ પ્રેમાનંદ, સામી આવી સ્ત્રીજન રે.           ૧૮




  1. નવનિધ – કુબેરના નવ ભંડાર –પદ્મ, મહાપદ્મ, શંખ, ચક્ર, કચ્છપ, મુકુન્દ, કુંદ, નીલ, ખર્વ.
  2. અષ્ટમહાસિદ્ધિ – આઠ મહા સિદ્ધિઓ –અણિમા, ગરિમા, લધિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય, પ્રાપ્તિ.
  3. સારંગ –મૃગ
  4. વાસવા – ઇન્દ્ર
  5. વિરંચી – બ્રહ્મા
  6. અચ્યુત – ભગવાન
  7. તુષ્ટમાન –પ્રસન્ન

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted