ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/ખરા બપોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખરા બપોર

જયંત ખત્રી



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697caf0520bed0_17892637


ખરા બપોર • જયંત ખત્રી • ઑડિયો પઠન: બિજલ વ્યાસ


અંગારઝરતા ખરા બપોરે એક સ્ત્રી પોતાના ઝૂંપડાના ઉંબરામાં ઊભી ઊભી ક્ષિતિજ પર મીટ માંડી રહી હતી.

જેઠ મહિનાના ખરા બપોર હતા. માટીની દીવાલ અને ઘાસની છતવાળા ઝૂંપડાના છાંયડામાં પણ દઝાડે એવી લૂ વાતી હતી. ચારે દિશાઓમાં જેઠ મહિનાના સેતાની વાયરાઓ ઘૂમી રહ્યા હતી. સામે વિસ્તરેલા રણનાં મેદાનોમાં ચકરભમર કરતી, ઊંચે આભ સુધી પહોંચતી ધૂળની ડમરીઓથી ચારે દિશાઓ ઢળી પડી હતી.

ઝૂંપડાના ખુલ્લા બારણામાંથી ધસી આવતી અને ઘાસની છતમાંથી વરસતી ધૂળ વચ્ચે ભડકે બળતી લૂથી દાઝતી આ સ્ત્રી ઉંબરા પર ઊભી હતી, તે ક્ષિતિજ તરફ સતત મીટ માંડી રહી હતી.

છેક વહેલી બપોરથી એ સ્પષ્ટ ક્ષિતિજની ચોકી કરી રહી હતી. સામેનાં સપાટ મેદાનો પર ફરી વળતી એની વેધક દૃષ્ટિ ક્યારેય બેધ્યાન બનતી નહોતી દેખાતી. એની આંખો પર થાકનો ભાર દેખાતો હતો. ઉંબરા પર એક જ અદામાં થીજી ગયેલો એનો દેહ આમ તો સ્વસ્થ દેખાતો હતો પણ એની સમગ્ર બેચેની એના સૂકા, રૂપાળા ચહેરા પર કદરૂપી રેખાઓ આંકી ગઈ હતી.

આમ ને આમ મધ્યાહ્ન થવા આવ્યો ત્યારે એ સ્ત્રીની ભમતી દૃષ્ટિએ ધૂળની દોડી જતી ડમરી પાછળ એક ઓળાને શોધી કાઢ્યો.

એની આંખ ચમકી ઊઠી. એની થીજી ગયેલી અદા વિખેરાઈ ગઈ અને એ ટટ્ટાર બની. ઓળો નજીક આવતો ગયો અને એનો આકાર સ્પષ્ટ દેખાતો ત્યારે એ સ્ત્રીના મોઢા પર અત્યાર સુધી તંગ રહેલી રેખાઓ કંઈક હળવી બની.

એની ગતિ મંદ હતી. એ બરડામાંથી વાંકો વળેલો હતો અને એનું માથું ઢળેલું હતું. એના બેઉ હાથ એની બાજુમાં લટકી રહ્યા હતા.

સ્ત્રીની આંખ ફરીવાર ચમકી અને એનું મોઢું મરડાઈ ગયું. આજે પણ એ પુરુષ ખાલી હાથે પાછો ફર્યો જણાતો હતો. જેમ જેમ એ ઘરની નજીક આવતો ગયો તેમ તેમ તેની શક્તિ ખૂટતી જણાઈ. છેક ઘર નજીક આવી પહોંચતાં એના પગ લથડ્યા. એણે પોતાના બેઉ હાથ ઓટલે નાખી દઈ આશરો લીધો. અતિશય વાંકો વળી, માથું છેક જ નીચું નાખી દઈ એણે જોરથી હાંફ્યા કર્યું.

ચોમેર શાંતિ છવાઈ હતી. હોલો, તેતર, બુલબુલ, કાગડો કે કોઈ પક્ષી ક્યાંય ઊડતું દેખાતું નહોતું. એક નાનકડી ટેકરીની ઓથે અને એક કૂવાને આશરે વસેલું બારેક ઝૂંપડાવાળું આ ગામડું નીરવ – મૃતપ્રાય પડ્યું હતું. ઊભા ઝિંકાતા જેઠ માસના ખરા બપોરના તાપ નીચે ધરતી તરફડી રહી હતી.

ઉંબરે ઊભેલી પેલી સ્ત્રી હજીયે એ પુરુષ તરફ મીટ માંડી રહી હતી. અત્યાર સુધી ક્ષિતિજને ખૂંદીને પાછી વળેલી એની આંખો વિશ્રામ લેતી દેખાતી હતી અને બેચેન રેખાઓ વિનાનો એનો ચહેરો બિલકુલ ભાવહીન બની ગયો હતો.

હાંફતાં હાંફતાં પુરુષે એક વાર સ્ત્રી તરફ જોયું. એ વેળા એની નજર સ્ત્રીની નજર સામે અથડાઈ. એના ચહેરા પર અણગમો અને તિરસ્કાર તરી આવ્યા. એણે ત્વરાથી ફરી માથું નીચું ઢાળી દીધું અને હાંફ્યા કર્યું – આ સ્ત્રી હજીય આટલી સ્વસ્થ અને શાંત હતી, એમ ને? એની આંખોમાં આવકારનો ભાવ ન જ હતો ને? ત્રણ દિવસના ભૂખમરા પછી પણ એના ચહેરાની ચમક હજીયે એવી જ તાજગીભરી હતી – ખરેખર?

પુરુષે ફરી માથું ઊંચું કરી તિરસ્કારથી સ્ત્રી તરફ જોયું. એણે હોઠ ખોલી દાંત ભીંસ્યા ત્યારે ધૂળેભર્યો એનો નિસ્તેજ ચહેરો વિકરાળ દેખાયો.

‘બાઘા જેવી સામું શું જોઈ રહી છો, નીચ! હલકટ?’

પેલી સ્ત્રીએ પોતાની સ્વસ્થતા ગુમાવ્યા વગર બારણા પાછળ તૈયાર રાખેલો પાણીનો લોટો ઊંચકી પુરુષના હાથમાં આપ્યો. લોટો ઝીલતાં પુરુષનો હાથ જરા થથર્યો. એણે હથેળીમાં થોડું પાણી લઈ આખે છાંટ્યું. એટલું જ થોડું પાણી એણે ડોક પાછળ રેડ્યું. એની ઠંડક અનુભવવા એ જરા થોભ્યો. પછી એણે ઉતાવળે લોટાને હેઠે મૂક્યો. ગળાને પાણીનો સ્પર્શ થતાં જ એની આંખમાં ચમક આવી. એનામાં વધારાનો જીવ આવતો દેખાયો અને ઘડીએકમાં તો એ અર્ધો લોટો ગટગટાવી ગયો!

મીટ માંડી રહેલી પેલી સ્ત્રી એકદમ કૂદકો મારી ઓટલા પરથી હેઠે ઊતરી આવી અને એવી જ ઓચિંતી ઝડપથી એણે પુરુષના હોઠેથી પાણીનો લોટો છીનવી લીધો. કોઈક ધાવતા બાળકને એની માના સ્તનથી બળજબરીથી અલગ કરતાં જે દુઃખમય અતૃપ્તિનો ભાવ બાળકને મુખે જન્મે એવો ભાવ પેલા પુરુષના ચહેરા પર ફરી વળ્યો.

‘લાવ, પાણી લાવ!’ કહેતો પુરુષ વીફર્યો. એની હડપચી પરથી બેચાર પાણીનાં ટીપાં સૂકી ધૂળ પર ટપકી પડતાં દેખાયાં. બન્ને હાથે ઝાપટ મારી એણે સ્ત્રીને પકડવા પ્રયત્ન કર્યો. સ્ત્રીએ લોટાવાળો હાથ દૂર લઈ લીધો ત્યારે એણે ગુસ્સાથી એનો બીજો હાથ પકડી ખેંચ્યો અને મરડ્યો.

‘રહેવા દો – પણ!’ પેલી સ્ત્રીએ વેદનાથી બૂમ પાડીઃ ‘તમે જાણો છો કે આવી લૂમાં રખડી આવ્યા પછી ઝાઝું પાણી ન પિવાય, તોય શા માટે મારા પર આટલો જુલમ ગુજારો છો?’

પુરુષે ફરી એક વાર નિર્દય રીતે સ્ત્રી તરફ જોયું અને એનો હાથ જવા દીધો. ઓટલો ચડી, ઝૂંપડાના કમાડને કઢંગી રીતે ધક્કો મારતાં એ દાખલ થયો અને બારણા પાસે પાથરેલી ફાટેલી ગૂણપાટ પર એ આડો થઈને પડ્યો. સ્ત્રી ઝૂંપડાના બારણા પાસે, ઉંબરા નજીક બેઠી.

એણે ધોમ ધખતી વેરાન ધરતી અને નિસ્તેજ આકાશ તરફ જોયા કર્યું. પૃથ્વીને આ છેડે દર ઉનાળે આવા ધોમધખતા બપોર ઊતરી પડતા. ત્યાંથી માત્ર અર્ધો ગાઉ જ દૂરથી રણનો વિસ્તાર શરૂ થતો. કઢાઈમાં શેકાતા લોટ જેવી ધગધગતી લાલ માટીવાળાં, અનંત દીસતાં મેદાનો પર જીવલેણ વંટોળિયા ઘૂઘવાતા, હુંકાર કરતા ઘૂમી રહેતા. એમની અડફેટમાં આવનાર કોઈ માનવી કે કોઈ પશુ અધ્ધર ઊંચકાઈને દૂર ફેંકાઈ જતું. સૃષ્ટિનું એવું તાંડવ અહીં રચાતું.

આવી મરુભૂમિથી માત્ર અર્ધો ગાઉ દૂર, ટેકરી ઓથેના એક નાનકડા ઝૂંપડામાંથી એ પુરુષ વિષાદભરી નજરે આકાશમાં જોતો, ફાટેલા ગૂણપાટ પર આડો થઈ પડ્યો હતો.

અને પેલી સ્ત્રી પણ બારણાને અઢેલી સામેની નિર્જીવ ક્ષિતિજ પર મીટ માંડી રહી હતી.

એ બેઉ સ્ત્રીપુરુષની જુવાનીના ખરા બપોર હતા. પુરુષ દેખાવે પાતળો પણ સશક્ત અને ઘાટીલા અવયવોવાળો હતો. સ્ત્રી ઊંચી, પાતળી, ફિક્કી અને કમનીય હતી. પુરુષ બાવીસેક વર્ષનો હશે; જ્યારે સ્ત્રી ઓગણીસની દેખાતી હતી. બેઉ એક જ દિશાએ મીટ માંડી રહ્યાં હતાં. તે વેળા બેઉનાં મુખ પર કશો ભાવ નહોતો, પણ પુરુષની આંખોની નેમ વેધક હતી. ઢળી પડેલી પાંપણોવાળી સ્ત્રીની આંખો અત્યારે સ્વપ્નશીલ દેખાતી હતી.

દોડી આવતી ધૂળની એક ડમરી બારણામાં ધસી આવી. સ્ત્રીએ અને પુરુષે આંખો મીંચી માથું ઢાળી દીધું. ઝૂંપડાનું એક બારણું જોરથી બાજુની દીવાલ સાથે અફળાયું.

પવનનો ઝપાટો પસાર થઈ જતાં સ્ત્રીના ચહેરા પર એક અણઓળખ્યો ભાવ જન્મતો દેખાયો. એની આંખો ઢળી પડી અને હોઠ થથર્યા. એ બોલીઃ ‘કશું જ ન મળ્યું?’

પુરુષે પોતાનો ભાવહીન ચહેરો સ્ત્રી તરફ ફેરવ્યો. પછી પોતાની નજર બારણા બહાર મોકલતાં જવાબ આપ્યોઃ ‘જો થોડુંક દોડ્યો હોત તો મળ્યું હોત!’ પછી જરા વાર રહી ઉમેર્યુંઃ ‘એક હરણ પાણી વિના તરસે મરતું, દોડી દોડીને થાક્યું ત્યારે બેબાકળું બનીને ચાલ્યું જતું હતું. એનામાં લાંબું દોડવાની શક્તિ નહોતી રહી. મેં એને દોડીને પકડી પાડ્યું હોત, પણ એટલું દોડ્યા પછી એને ઊંચકીને આટલે લાંબે પાછા ફરવાની શક્તિ મારામાંયે નહોતી રહી. હું એને જતું જોઈ રહ્યો અને પાછો ફર્યો.’

આટલું કહી પુરુષે માથું ઢાળી દઈ, લાંબા થઈ સૂઈ જતાં એક નિઃશ્વાસ છોડ્યો. એનાથી બોલાઈ જવાયુંઃ ‘નસીબ!’

સ્ત્રીના મનમાં એ શબ્દનો પ્રત્યાઘાત જન્મ્યો. એ મનમાં જ બબડીઃ

‘મારાંયે કમનસીબ!’

એ બન્નેને છેલ્લા બે મહિનાથી અર્ધું પેટ ભરાય એટલું જ, માત્ર એક જ ટંક ખાવા મળતું. પુરુષ રોજેરોજ તેતર પકડાવાના ફાંસા બાંધી આવતો. ક્યારેક કોઈક દુર્ભાગી સસલું હાથ ચઢી જતું. બેત્રણ કુટુંબ સાથે મળીને હરણ મારવા બહાર પડતાં પણ ભાગ્યે જ સફળ થતાં, પણ છેલ્લા ત્રણ દિવસથી તો એ બન્નેને કશું કહેતાં કશું જ ખાવાનું નહોતું મળ્યું – રોટલાનું એક બટકુંયે નહિ! માંસનો એક કકડોયે નહિ. વહેલી સવારથી શિકાર પાછળ ભમતો એ પુરુષ ખરે બપોરે ખાલી હાથે પાછો ફર્યો હતો. એના પેટમાં ભૂખની લાય બળતી હતી અને પતિ કંઈક લાવશે એવી આશાએ રાહ જોતી સ્ત્રી પણ હવે હતાશ બની હતી. એણે ચૂપ બની માત્ર ક્ષિતિજ તરફ જોયા કર્યું. એનું શાંત, અસ્વસ્થ મૌન અને પુરુષના સાંભળી શકાય એ રીતે લાંબા ચાલતા શ્વાસોચ્છ્‌વાસથી ઝૂંપડામાંનું વાતાવરણ તંગ બન્યું હતું.

વચ્ચે વચ્ચે પવનનો એકાદ સુસવાટો આવી જતો, ધૂળ ઊડી જતી, હૃદયો થાકી જતાં અને પુનઃ મૃતપ્રાય શાંતિ છવાતી.

સ્ત્રીએ માથું ફેરવી, ઊંધું ઘાલી, લાંબા થઈને સૂતેલા થાકેલા પુરુષ તરફ જોયું — જોતી જ રહી. એની નજર એના વાંકડિયા વાળ પર થંભી ગઈ. થોડી વારે એના હોઠ કંપી ઊઠ્યા. એ કંપને શમાવવાનો યત્ન કરવા જતાં એની આંખમાં આંસુ ઊભરાયાં અને રેલો બની ગાલે દડી રહ્યાં.

સ્ત્રી હળવેથી બોલીઃ ‘હજીય તમે ફરી એક વાર શહેરમાં જાઓ.’

સૂતેલા પુરુષે જમીન પરથી પોતાનું માથું સહેજ ઊંચું કર્યું અને સ્ત્રી તરફ તિરસ્કારની એક નજર નાખી. પછી માથું ઢાળી દેતાં બોલ્યોઃ ‘શહેરમાં શું મરવા જાઉં?’

દુભાયેલે સ્વરે સ્ત્રીએ કહ્યુંઃ ‘હું તમને મરવા જવા માટે કહેતી હોઈશ? હમણાં હમણાં તમને થયું છે શું? આવું બોલી બોલીને મને શા માટે ટાઢા ડામ દો છો?’ કહી એ મોકળે મને રડી પડી.

સ્ત્રીએ માથું ફેરવી ઊંધું ઘાલી, લાંબા થઈને સૂતેલા થાકેલા પુરુષ તરફ જોયું –

જરા વાર રહી ફરી બોલીઃ ‘વૈશાખ અને જેઠની ખોરાકની તંગી કંઈ ઓણ સાલની જ છે? એ તો આપણા જીવતર જોડે જડાયેલી છે, એટલે જ તમને કહું છું કે શહેરમાં જાઓ તો આપણે સદાના ભૂખમરામાંથી છૂટીએ!’

‘તે એક વાર હું નો’તો ગયો શે’રમાં?’ પુરુષ રોષમાં બેઠો થઈ જતાં બોલ્યોઃ ‘તે વેળા મારી જે વલે થઈ એ તું ક્યાં નથી જાણતી? ને તોય તું મને શે’રમાં જવાનું કહે છે?’

‘તે કંઈ બધી વખત એવું જ બનતું હશે? મોટા શે’રમાં મજૂરી કે નોકરી ક્યાંક મળી જ રે’. થોડીક ધીરજ જોઈએ.’

‘હવે આનાથી વધુ કેટલીક ધીરજ રાખું? આટલાં વરસ તારું પેટ કોણે ભર્યું? મેં કે કોઈ બહારનાએ આવીને? તે એ બધું ધીરજ વિના બન્યું હશે? તું તો હવે બેકદર અને કમજાત બનતી જાય છે.’

‘મારા બોલવાનો અવળો અર્થ કરી શા સારુ નકામા ગુસ્સે થાઓ છો?’ સ્ત્રી બોલી.

‘બસ! હવે એકે અક્ષર વધુ બોલી તો ગળે ટૂંપો દઈ દઈશ!’ કહેતાં સ્ત્રીને પકડવા તેણે ઝડપથી હાથ લાંબો કર્યો. સ્ત્રી તરત ખસી ગઈ. ઘડીભર એના તરફ ગુસ્સાથી જોઈ રહેતાં પુરુષે પગ લંબાવ્યા અને આડા પડતાં કહ્યુંઃ ‘જો હું તને છેલ્લી વાર કહું છું. મારે મરવું કબૂલ છે પણ શે’રમાં જવું નથી. તું જે દા’ડે મને શે’રમાં જવાનું કહીશ તે દિ મારી મારીને ઘરમાંથી કાઢી મૂકીશ – સમજી?’ એણે ફરી બેઠાં થઈ જતાં સ્ત્રી તરફ આંગળી ચીંધી અને ગુસ્સાથી બૂમ પાડીઃ ‘તને શે’રની શી ખબર? ગઈ છો કદી દિ’ ત્યાં? ત્યાં તો લોકો આપણા જેવાના બોલેબોલની ઠેકડી ઉડાવે. આપણી વાત કોઈ સાંભળે નહિ. રાત પડતાં એક મીઠો બોલ કે’નાર પણ કોઈ ન મળે. એવી જગાએ પેટપૂરતું ખાવાનું મળે તોય શા કામનું? ત્યાં એવું કૂતરા જેવું જીવતર જીવવા કરતાં અહીં માનવીની પેઠે કમોતે મરવું સારું! હું એવા શે’રમાં કોઈ દિ પગ નહિ મૂકું.’

સ્ત્રી માથું નીચું કરી પગના અંગૂઠા વડે ભોંય ખોતરી રહી હતી. પુરુષે સતત એની સામે જોયા કર્યું. એ કશુંય બોલતી ન જણાઈ ત્યારે એણે ફરી બારણા બહાર જોયું. એનું મોઢું પડી ગયું અને એના હોઠ ધ્રૂજવા લાગ્યા.

સંભળાય અને દેખાય એવો નિઃશ્વાસ મૂકતાં સ્ત્રી ઊઠી. માટીના એક હાંડલામાંથી પિત્તળનો વાડકો ઊંચકી એણે પુરુષની પડખે મૂક્યો અને હેતભર્યું બોલીઃ ‘લ્યો, આટલું ખાઈને પાણી પી લ્યો!’

પુરુષે વાડકામાં જોયું. એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ. અર્ધો વેંત લાંબો અને બે આંગળ પહોળો એક તેલભીનો માંસનો કકડો વાડકામાં પડ્યો હતો!

‘ક્યાંથી લાવી?’

‘પડોશણે આપ્યો.’

‘તું માગવા ગઈ’તી?’

‘ના, એ પોતાની મેળે જ આપી ગઈ.’

‘હેં?’ કહેતાં પુરુષના મોં પરથી ઓચિંતું નૂર ઊડી ગયું. માંસના ટુકડા પર મંડાઈ રહેલી એની આંખો બેધ્યાન બની ગઈ. એણે હોઠ મરડ્યા. એના ભૂખમરાની એ ગામના બધા રહેવાસીઓને હવે ખબર પડી ગઈ હતી! એને કોઈ ને કોઈ હવે થોડું ખાવાનું મોકલતું રહેશે. અત્યાર સુધીના પોતાના જીવનમાં આ પહેલો જ પ્રસંગ હતો! એણે વાડકામાંના માંસના ટુકડા તરફ નીરખી નીરખીને જોયા કર્યું. એના જેવા જ કોઈ અર્ધભૂખ્યા માનવીએ મોકલેલો એ દયાનો ટુકડો હતો — ખેરાત હતી! એનો જીવ ઊકળી ઊઠ્યો. ગામલોકો એને હવે લાચાર અને તાકાત વિનાનો સમજવા લાગ્યા હતા! શું પોતે એટલો હેઠો પડ્યો હતો? એણે વાડકાને હડસેલીને દૂર કર્યો અને બેઉ હાથ વચ્ચે માથું મૂકી એ ફાટેલા ગૂણપાટ પર ઊંધો સૂઈ ગયો.

સ્ત્રી ઊઠીને હળવેકથી એની પડખે બેઠી અને કહ્યુંઃ ‘નાહકનો જીવ ન બાળો. આ તો હવે જીવ ટકાવવાની વાત છે, માટે ઊઠો ને આટલું ખાઈને પાણી પી લો.’

આટલું કહી સ્ત્રીએ નીચા નમીને એના મેલા, વાંકડિયા વાળ પર વહાલથી હાથ ફેરવ્યો. સ્ત્રીનો હાથ અડતાં જ પુરુષ ઝડપથી પડખું ફેરવી ગયો અને બોલ્યોઃ ‘ચાલ! દૂર ખસ! મને અડતી નહિ, કમજાત!’

સ્ત્રી મોઢું મરડીને નાછૂટકે પાછી હઠી અને બારણાને અઢેલીને ફરી બેઠી.

કશું ન બન્યાની થોડી ઘડીઓ વીતી.

ફરી એક વાર પવનનો ઝપાટો આવતો સંભળાયો. પુરુષે ઝડપથી ઊંચા થતાં, વાડકા પર પોતાના હાથનો પંજો ઢાંકી દીધો. ધૂળનું ધસી આવેલું વાદળ ઝૂંપડાની જુદી જુદી વસ્તુઓ પર પથરાવા લાગ્યું. થોડી વારે અંદરનું વાતાવરણ સ્વચ્છ બન્યું ત્યારે એ પુરુષે માંસનો કકડો પોતાના મોઢામાં મૂક્યો અને ચાવવા લાગ્યો. સ્ત્રીએ એને આંખને ખૂણેથી જોયો અને પાણીનો લોટો ઊંચકીને એની બાજુમાં મૂક્યો.

માંસનો કકડો ગળી જઈ, પાણી પી પુરુષે પીઠ ફેરવીને ઊભેલી સ્ત્રી તરફ નજર ફેરવી. કેવી અગ્નિશિખા સરખી પાતળી અને વળાંકભર્યાંં અંગોવાળી હતી એ? એના કાન પાછળ વાંકી વળેલી એના વાળની લટો અેની ગરદનને ચૂમી રહી હતી. સૂકો, નમણો ચહેરો, ઝીણું નાક, બેઉ પડખે પાણીના રેલા જેવા વહેતા એના હાથ! એ સ્ત્રીના દેહમાં કેટકેટલું સુખ ભર્યું હતું?!

ઝૂંપડામાં શાંતિ છવાઈ હતી. સ્ત્રીની ડોક પર થંભી ગયેલી પુરુષની નજર ત્યાંથી ઊતરીને એના આખા દેહ પર ફરી વળી શિકારીની અદાથી એ સંભાળપૂર્વક ઊભો થયો અને હળવેથી એક ડગલું આગળ વધ્યો.

ઉંબરામાં સ્થિર ઊભેલી સ્ત્રી પાછળ સરતાં એણે ઓચિંતી ઝડપથી એના બેઉ ખભા પકડ્યા. સ્ત્રી સહેજ ચમકી પણ કશું બોલી નહિ. એનો આખો દેહ હચમચી ઊઠ્યો. સ્ત્રીની સુન્દર, નાજુક ગરદન, આટલી નજીક જોઈ પુરુષે ઊંડો શ્વાસ લઈ મોઢું ખોલ્યું અને ઝડપથી પોતાનું માથું નમાવી એણે સ્ત્રીની ગરદનમાં બટકું ભર્યું.

‘વોય!’ કહી બૂમ પાડતી અને ફાંસામાં સપડાયેલું કોઈ જાનવર છૂટું થવા પ્રયત્ન કરે એ રીતે એણે પુરુષથી અળગી થવા બળ કર્યું.

પુરુષે પોતાના પંજાથી એના ખભા પર થોડુંક વધારે જોર દઈ, છેક જ નજીક ખેંચી, એને પોતાની છાતી સાથે ચાંપી. થોડીક વાર એને એમ ને એમ પકડી રાખી પછી જતી કરી. એક બેહૂદું હાસ્ય એના મોઢા પર ફરી વળ્યું.

સ્ત્રી તરત જ દૂર હટી ગઈ. કંઈક આશ્ચર્યથી અને કંઈક મીઠા રોષથી એણે પુરુષ તરફ જોયું. પછી પોતાનો કમખો થોડો હેઠો કરી, પુરુષે જ્યાં બટકું ભર્યું હતું એ તરફ પોતાની ગરદન ફેરવી વાંકી આંખે જોયું.

‘હાય! હાય! કેવું બટકું ભરી લીધું! કેવા નઠોર છો તમે?’ કહી આખા દેહને એક ગજબના લટકાથી વળ દેતી, આંખો નચાવી એ વધારે દૂર હટી અને પુરુષ સામે સૂચક હસતી ઊભી.

એ હાસ્યના આમંત્રણે પુરુષને પરવશ બનાવ્યો. એણે એક કૂદકો મારી એને ફરી પકડી. ‘જવા દો, જવા દો.’ કહેતી, કિલકિલ હસતી એ સહેલાઈથી એના હાથમાં સરી પડી.

એણે એને બન્ને બાહુઓથી ભેગી કરી પોતાની છાતીમાં સમાવી. અવાક બની એ એકીટશે એની આંખોમાં જોતી રહી. એના ભીના, ઊના શ્વાસોચ્છ્‌વાસ પુરુષના ગાલ પર અથડાયા ત્યારે એ વધારે ઉશ્કેરાયો. પોતાની છાતી સાથે જકડાયેલી સ્ત્રી પર એણે બન્ને બાહુઓ વધારે જોરથી ભીંસ્યા. એ બળના અતિરેકની સ્પષ્ટ રેખાઓ એના ચહેરા પર ઊપસી આવી. એના બાહુઓની ભીંસથી કચડાતી સ્ત્રી ‘ઓહ! ઓહ!’ના સિત્કાર બોલી ગઈ. એણે વધારે બળ અજમાવ્યું અને એનો ચહેરો ભયંકર રીતે વિકરાળ દેખાયો.

ત્યાં તો ઓચિંતાના એના બાહુઓ કંપવા લાગ્યા. એ સ્ત્રી પરની પકડ એણે ઢીલી થતી અનુભવી. એનું ગળું રૂંધાયું. આંખે અંધારા વળ્યાં અને શ્વાસ ભરાઈ આવતાં એની છાતી હાંફવા લાગી. પુરુષને બીક લાગી કે બે ઘડી આવી ને આવી વીતશે તો આ સ્ત્રી એના હાથમાંથી હેઠી પડશે. એ ખ્યાલ આવતાં જ તેણે એક જબ્બર પ્રયત્ન કરી પોતાના બાહુઓને સ્થિર કરવા બળ કર્યું. પણ તેમ કરવા જતાં એ કંપ એના આખા શરીરે ફરી વળ્યો અને એના પગ ધ્રૂજવા લાગ્યા. એની આંખ આડે મેઘલી રાત જેવાં અંધારાં ફરી વળ્યાં.

એ સ્ત્રી એના હાથમાંથી સરતી, ઢગલો થઈને જમીન પર ઢળી પડી!

પડતાં બચવા પુરુષે ઉતાવળે બારણાનો ટેકો લીધો. હાથ પર માથું ઢાળી એણે હાંફ્યા કર્યું. એનાં અંગેઅંગ કાપતાં રહ્યાં. થોડી વારે એની આંખ આડેથી અંધારાં ખસ્યાં ત્યારે એણે પહેલી નજર સ્ત્રી તરફ ફેરવી. એ ઢગલો થઈને પડી હતી ત્યાં, એ જ સ્થિતિમાં પડી રહેતાં તિરસ્કારથી એકધારી પુરુષ સામે જોઈ રહી હતી. એ નજરનાં તીર એના કબજાની આરપાર નીકળી ગયાં. પુરુષે પોતાની સર્વ શક્તિ છિન્નવિચ્છિન્ન થતી અનુભવી.

અત્યાર સુધી કાબૂમાં રહેલો પુરુષનો મિજાજ ઓચિંતાનો બેકાબૂ બન્યો. એણે બારણાને પકડી એને જોરથી ભીંત સાથે અફાળ્યું અને બીજે બારણે ટેકો દઈ ઊભો. એને વધારે હાંફ ચડવા લાગી ત્યારે પાણીના લોટાને લાત મારી એને ઝૂંપડા બહાર ફેંક્યો. અને તોય એ સ્ત્રી પડી હતી એ જ સ્થિતિમાં પડી રહેતાં, બેરહમ બની પોતાની નજરનાં કાતિલ તીર પુરુષના કાળજા પર છોડી રહી હતી. એણે બન્ને બારણાંને પકડી એકબીજા સાથે જોરથી અફાળ્યાં.

પુરુષે બળ કરી, આંખો મીંચી નીચલા હોઠને દાંત વચ્ચે કચડ્યો, આંગળીઓના નખ હથેળીઓમાં ખૂંચે એવા જોરથી એણે મુઠ્ઠીઓ વાળી. પોતાની જાત પરનો સરી જતો કાબૂ પાછો મેળવવા એણે છેલ્લો ભગીરથ પ્રયત્ન કર્યો.

રણનાં મેદાનો પર બેફામ ભ્રમણ કરતા માતરિશ્વાએ ચારે દિશાઓ આડા ધૂળના પડદા ઢાળી દીધા હતા. બળવાન પવનનો એક ઝપાટો ટેકરીને પડખે અથડાયો અને કોઈક બે ખડક વચ્ચેથી ઘૂઘવાટ કરતું પસાર થતું સંભળાયું.

એના બે દાંત વચ્ચે દબાયેલા હોઠમાંથી નીકળતા લોહીનાં ચાર-છ ટીપાંનો રેલો પુરુષની હડપચી પર થીજી ગયેલો દેખાયો. વેરવિખેર કરી નાખે એવો અંગોનો પરિકંપ અને એની અસહ્ય, બેચેન વ્યથાના અનુભવની કેટલીય ઘડીઓ પસાર થઈ ત્યારે આખરે એના શ્વાસોચ્છ્‌વાસ હળવા ચાલવા લાગ્યા અને તંગ બનેલ સ્નાયુઓ શિથિલ થતાં એનો કંપ ઓછો થયો.

એક ઊંડો શ્વાસ છાતીમાં ભરી એ ટટ્ટાર થયો. ગરદન પાછળ હાથ મૂકી, બન્ને પગ પહોળા કરી એ થોડી વાર સ્થિર થઈ ઊભો. વેરવિખેર કપડાંવાળી, મોહિની જેવી એ સ્ત્રી હજીયે ઢગલો થઈ જમીન પર પડી હતી અને હજીયે એની મોટી, ભૂરી આંખો એવી જ વેધક મીટ માંડી રહી હતી. પુરુષે મોઢું મરડ્યું અને ફરી બેકાબૂ બનવા જતાં પોતાના મિજાજ પર એણે જુલમ ગુજાર્યો. આ ભૂખમરા પછી પણ એ કમજાત ઓરતની આંખમાં એની જુવાની ભડકે બળતી હતી! આ સ્ત્રી માટે એના હૃદયમાં એક ભયંકર, તિરસ્કૃત અણગમો જન્મ્યો. એ વિકૃત ભાવને કારણે એનું મોઢું વિચિત્ર રીતે મરડાયું. એના સારાયે દેહના સ્નાયુઓ ફરી તંગ બન્યા. એણે ઓચિંતાનો એક પગ ઊંચક્યો અને સ્ત્રીના વાંસામાં જોરથી લાત મારીઃ ‘નફ્ફટ! શેતાન! બેઈમાન!’

‘વોય!’ સ્ત્રીએ વેદનાની ઊંડી ચીસ પાડી. ઉતાવળે પડખું ફેરવી ઝૂંપડાના ખૂણામાં ટૂંટિયું વાળી પડી રહેતાં એ જોરથી રડવા લાગી.

પુરુષના મોઢા પર સંતોષની લાગણી ફરી વળી.

ઝૂંપડાનાં અંધારાં-અજવાળાંમાં લાલ માટી હવા બનીને ઊડી રહી હતી. કેટલીય ઘડીઓ વીતી તોય એ સ્ત્રીનું રુદન અટક્યું નહોતું. એ વીફરેલો પુરુષ પણ હજી શાંત બની ફાટેલા ગૂણપાટ પર આડો થઈ પડ્યો નહોતો. ત્યાં ઝૂંપડા બહાર એક બૂમ સંભળાઈઃ ‘અમ્મા! ઓ અમ્મા! એક રોટીનો ટુકડો આપ! અનાજનો એક કોળિયો ને પાણીનો એક લોટો — ઓ અમ્મા!’

કોઈ ફકીર ઓટલા આગળ ભીખ માગી રહ્યો હતો. વચ્ચે વચ્ચે અટકતો એનો અવાજ બેસી ગયેલો સંભળાતો હતો.

‘અરે ઓ અમ્માવાળી!’ પુરુષે ઝૂંપડાની અંદરથી જ રાડ પાડીઃ ‘ખરે બપોરે રાડો પાડીને શા માટે હેરાન કરે છે? ચાલ, આગળ ચાલવા માંડ!’

‘એક નાનો રોટીનો ટુકડો આપ, બચ્ચા! ગરીબનવાઝ તને ઘણું આપશે.’

પેલી સ્ત્રી ઝૂંપડામાં રડતી બંધ પડી.

‘ઘરમાં ન હોય તો ચોરી કરીને આપું તને? બીજાના પસીનાનો રોટલો ખાઈ પેટ ભરતાં શરમાતો નથી?’ કહેતો પુરુષ ઉંબરા પર આવી ઊભો.

‘શરમાઉં છું, બેટા!’ ફકીર ઓટલાનું ઓઠિંગણ લેતાં લેતાં બોલ્યોઃ ‘પણ ખુદાતાલાએ મને લાચાર બનાવ્યો છે. આ જો!’ કહી લચી પડેલી ચામડીવાળા ઝીણા હાથ એણે ઊંચા કર્યાં. હાથની આંગળીઓ અવિરત ગતિમાં ઊંચનીચી થયા કરતી હતી. સાંકળ સરખી એની ઝીણી ડોક પર એનું ખોપરી જેવું દેખાતું નાનું માથું પણ ડોલ્યા કરતું હતું.

‘લાચાર હો તો મરી જા! દુનિયાને શું કામનો છે તું હવે?’

‘ખુદા મોત પણ નથી મોકલતો!’

‘અને તું કોઈનાં જમણ ઓછાં કરતો ફર્યા કરે છે — એમ ને? બસ, ઘણું થયું, આગળ ચાલવા માંડ!’ કહી પુરુષે બારણાને ધક્કો માર્યો અને ધમકીનો હાથ ફકીર તરફ લંબાવ્યો.

‘ઓ બાબા!’ ફકીરે પોતાનો દોરડી જેવો હાથ લાંબો કરી આજીજી ગુજારીઃ ‘ફકીરને જાકારો ન દે! ચાર ગાઉ પગે ચાલીને આવ્યો છું. સામે ઝૂંપડે પહોંચવાની પણ હવે આ પગમાં તાકાત નથી રહી. એક ટુકડો આપીશ તો એના જોરે હું આગળ ચાલ્યો જઈશ.’

ઉશ્કેરાઈને પુરુષ ઉંબરા પરથી ઓટલે ધસી આવ્યો અને કહ્યુંઃ ‘એક હર્ફ વધારે બોલ્યો છો તો ધક્કો મારી દૂર કરીશ!’

પેલી સ્ત્રી બેઠી થઈને ઉંબરે આવી ઊભી.

‘બાબા! મિસ્કીન પર ખોફ કરવો દુરસ્ત નથી.’ કહી ફકીરે પોતાના બેઉ હાથ ઊંચા કર્યા, અને એમ કરતાં એનો દેહ લથડિયું ખાઈ ગયો.

ઉંબરા પરથી આંખો વિકાસીને જોઈ રહેલી પેલી સ્ત્રીને આ ફકીર જીવનને છેડે પહોંચેલા આદમી જેવો દેખાયો – જાણે એક જીવતું મૈયત! રોટલીનો એક ટુકડો પણ ઘરમાં હોત તો એને જરૂર આપત અને એની દુઆ પોતે લેત એવું સ્ત્રીએ મનમાં વિચાર્યું.

‘તું એમ નહિ જાય. ઊભો રહે, હરામજાદા!’ કહી પુરુષ ડાંગ ઊંચકીને ઓટલા પર એક ડગલું આગળ વધવા જતો હતો ત્યાં સ્ત્રીએ એનો હાથ પકડીને રોક્યો.

‘રહેવા દો ને, ઘરડો છે બિચારો. બૂમો મારીને થાકશે એટલે આપમેળે જતો રહેશે.’

‘અમ્મા! આ પગમાં તાકાત હોત તો પહેલે જાકારે જ ચાલ્યો ગયો હોત. હવે તો મોતને સાથે લઈને ભમું છું તો ભલે મારી કબર જ અહીં થાય.’

‘એમ કે?’ પુરુષ બરાડ્યો. સ્ત્રીએ ડાંગ પકડી રહેલા એના હાથને થથરતો જોયો અને એ ચમકી. ભીંસેલા દાંતવાળું પુરુષનું મોઢું ભયજનક ભાસ્યુંઃ ‘તો થોભ, હમણાં જ તારી કબર કરું છું.’

એણે જોરથી ડાંગ ફેરવી. એ ડાંગ ફકીરના માથા પર ઊતરી હોત પણ ‘ના, ના! તમને મારા સમ છે! કહી એ સ્ત્રી એના હાથને વળગી પડી. નેમ ચૂકેલી ડાંગ ઓટલાની ધાર પર અફળાઈ અને ત્યાંથી એક માટીના ઢેફાને છૂટું કરતી ગઈ.

માનવીનું વિકૃત મન કેવી ઊયંકર ઘટનાઓ સર્જી શકે છે એથી તદ્દન અજ્ઞાત એ ફકીર ઓટલાને ખૂણે ઘૂંટણથી અઢેલીને ઊભો હતો. ફિક્કી કીકીઓવાળી, ધૂળે ભરેલી અને સૂઝેલી એની આંખોમાં નરી મૂઢતા ભરી હતી. એણે પોતાની અર્ધી જિંદગી પશુની પેઠે ખોરાકની શોધમાં ભટકતાં વિતાવી હતી. પરિણામે એણે ઘણાં માનવલક્ષણો ગુમાવ્યાં હતાં. નેમ ચૂકેલો ડાંગનો જીવલેણ ફટકો અને આ લોહીતરસ્યો પુરુષ એનામાં ભયની લાગણી જન્માવી શક્યાં નહિ.

‘હવે છેલ્લી વાર કહું છું કે અહીંથી ચાલ્યો જા!’ સ્ત્રીને બીજે હાથે અળગી કરવાનો યત્ન કરતાં પુરુષ બરાડ્યો.

જોરથી પુરુષના હાથને વળગી રહેતાં અને એને ઝૂંપડાની અંદરના ભાગ તરફ ખેંચી જવાનો યત્ન કરતાં સ્ત્રી ફકીરને સંબોધી બોલીઃ ‘ખુદાને ખાતર ચાલ્યો જા, ભાઈ!’

પણ ફકીર ત્યાંથી ખસ્યો નહિ પણ ભૂખ્યા કૂતરાની પેઠે એણે બેઉ સામે ટગર ટગર જોયા કર્યું.

‘આ… આ… હરામજાદો…’ કહેતાં પુરુષે અત્યંત ક્રોધમાં આવી સ્ત્રીના હાથ પર મુક્કો મારી એને અળગી કરી અને પછી એના સાથળ પર એક લાત લગાવી એને ઉંબરા પરથી ઝૂંપડામાં ફેંકી.

‘અરે! ઊભા રહો!’ કહેતી ત્વરાથી ઊઠતી સ્ત્રી પુરુષને રોકે એ પહેલાં તો પુરુષે જોરથી ડાંગ હુલાવી ફકીરની છાતીમાં ભાલાની પેઠે મારી.

‘યા અલ્લાહ!’ કરતો એ બુઢ્ઢો, દૂબળો ફકીર ઓટલા પાસેની ધૂળવાળી જમીન પર અફળાયો. ધૂળનું એક નાનું વાદળ જમીન પર ઊડ્યું અને ચોમેર વીખરાયું. રાંઢવા જેવી ફકીરની ઝીણી ડોક પર એના માથાએ વળ ખાધો. એના પગ ઘૂંટણમાંથી જરા ઊંચા થયા અને પછી જોરથી લાંબા ફેંકાઈ ગયા. બધાય સ્નાયુઓ આંચકીથી ખેંચાયા અને એનું શરીર કઢંગી રીતે મરડાયું. બીજી જ ઘડીએ એનું માથું ઢળી પડ્યું અને આંખો ખુલ્લી રહી ગઈ.

‘અરે! તમે આ શું કર્યું?’ કહેતી સ્ત્રી એક કૂદકે ઓટલો ઊતરી એ ફકીરના મૃતદેહ પર નીચી નમી. એણે ફકીરની છાતીએ હાથ મૂક્યો અને માથું હલાવી જોયું. પછી પોતાનું માથું ઊંચું કરી પુરુષ સામે ફાટી આંખે જોતાં કહ્યુંઃ ‘તમે આનો જીવ લીધો!’

સ્ત્રીનું રુદન સાંભળી દૂરનાં ઝૂંપડાંમાંથી લોકો બહાર નીકળ્યાં અને એ ઝૂંપડા તરફ આવવા લાગ્યાં.

ક્રોધથી કંપતા પુરુષના હાથમાંથી ડાંગ સરી જઈ ઓટલે પડી. એના અંગના સ્નાયુઓને તાંતણે તાંતણે એણે ખેંચતાણ થતી અનુભવી અને એ બેચેનીના સભાન અનુભવથી એનું ગળું રૂંધાયું. એણે બેબાકળી આંખે ચોમેર જોયું.

ઉપરાઉપરી પવનના બેત્રણ ઝપાટા આવ્યા અને હુંકાર કરી પસાર થઈ ગયા. એમની પાછળ ધૂળનું એક મોટું વાદળ આસમાનમાં ઊંચે ચડતું દેખાયું. આંખ આડા હાથ દઈ, વાંકો વળી એ ધ્રૂજતો ઊભો. ધૂળનું વાદળ વીખરાતાં એણે જોયું તો કુદરતે જાણે એ ફકીરના મૃતદેહ પર લાલ કફન ઓઢાડ્યું હોય એવી લાલ માટી એના શરીર ઉપર બધે જ છવાઈ ગઈ હતી!

પુરુષે આંખોને વધારે ઝીણી કરી અને હાથની મુઠ્ઠીઓને વધારે જોરથી વાળી એણે દાંત કચકચાવ્યા. ફકીરના શબની પડખે બેસીને રુદન કરતી પેલી સ્ત્રીને જોઈ એને આખે શરીરે બેચેનીનો ભયંકર કંપ ફરી વળ્યો.

કંઈનું કંઈ કરી નાખવા એ ફરી ઉશ્કેરાયો. ઓટલે પડેલી ડાંગને ઊંચકવા એ નીચો વળ્યો ત્યાં તો પોતાના ઝૂંપડા નજીક આવી પહોંચેલા લોકોના ટોળા તરફ એની નજર ગઈ. એ તરત જ પાછો ટટાર થઈ ગયો.

એણે જોયું તો બધાંની આંખ એના પર જ મંડાઈ હતી. પાસે આવીને એ સૌ આ સ્ત્રીપુરુષને અને ફકીરના મૈયતને ઘેરીને ઊભાં.

‘શું થયું?’ બેચાર જણે એકીસાથે પૂછ્યું.

ત્યાં આવી પહોંચેલી બે સ્ત્રીઓએ રુદન કરતી પેલી સ્ત્રીના હાથ પકડી એને ઊભી કરી.

પુરુષે મોઢેથી કઢંગી રીતે બોલવાનું શરૂ કર્યુંઃ ‘મેં એને કેટલીયે વાર કહ્યું કે અમારી પાસે કંઈ જ ખાવાનું નથી તોય એ ખસ્યો નહિ. અમે પોતે ત્રણ દિનાં ભૂખ્યાં છીએ તે એને ક્યાંથી આપીએ?’ એનો અવાજ ધ્રૂજતો હતો અને શબ્દો અટકતા હતા.

ટોળામાંના એકે કહ્યુંઃ ‘એને મારી પાસે મોકલવો હતો ને? હું એને કંઈ આપત! પણ એ મૂવો કેમ કરતાં?’

‘બધા મરે છે એમ.’ પૂછનાર તરફ વક્ર દૃષ્ટિ ફેરવી એણે કહ્યુંઃ ‘પગે સોજા હતા ને આવી લૂમાં ચાર ગાઉ ચાલીને આવ્યો હતો. મારી પાસે ખાવાનું માગ્યું. મેં ના કહી તોય કેમે કર્યો સમજે નહિ!’

‘પછી?’ એકે પૂછ્યું.

‘પછી – પછી – શું પૂછો છો? મેં ઓછો જ એને મારી નાખ્યો!’ પુરુષે એ પ્રશ્ન પૂછનાર તરફ ધ્રૂજતો હાથ લાંબો કર્યો અને રાડ પાડીઃ ‘મારે ઓટલેથી દૂર કરવા મેં એને જરા જેટલો ધક્કો માર્યો કે એ તરત જ બેભાન હેઠો પડ્યો ને મરી ગયો – એમાં હું શું કરું?’

બધી આંખો એના પર મંડાઈ રહી. એ બધી જ આંખો ગમગીન હતી. ભયંકર શાંતિ છવાઈ રહી હતી!

કોઈ કંઈ બોલતું જણાયું નહિ એટલે પુરુષે ટોળા પરથી પોતાની નજર ઊંચકી ચોમેર જોયું. ન સહેવાતી બેચેનીને શમાવવા એણે એક ઊંડો શ્વાસ ભરી છાતી પહોળી કરી. એની નજર અંતે ફરતી પોતાની સ્ત્રી પર પહોંચી. માથું નીચું કરી એ હજી ડૂસક્યા કરતી હતી. એના દરેક ડૂસકા સાથે એના દેહનું માળખું હાલી ઊઠતું હતું.

કોણ જાણે કેમ પણ એ પુરુષનો આત્મા અત્યંત દુભાઈ ગયો અને એનો ચહેરો એકદમ પડી ગયો. હળવા શ્વાસ ભરતાં એણે દયામણી નજરે ટોળા તરફ જોયું અને ફરી એક વાર અનંત ધરતી પર પોતાની દૃષ્ટિને ભ્રમણ કરવા મોકલી આપી.

એ પછી કોઈએ એને વધારે પ્રશ્નો પૂછ્યા નહિ. એકબીજા સાથે વાતો કરતા લોકોની વાતમાં કે એમની પ્રવૃત્તિમાં એ પુરુષને રસ નહોતો. બેધ્યાન અને અસ્વસ્થ ભાવે એણે દૂર દૂર જોયા કર્યું.

પાંચ-છ પુરુષો વાતો કરતા દૂરનાં ઝૂંપડાં તરફ જતા દેખાયા. બાકીના કેટલાક ઝૂંપડાની ઓથે અને કેટલાક ઓટલા આગળ બીડી ફૂંકતા વાતો કરતા બેઠા. એમાંના કોઈએ આ પુરુષ સાથે વાતો કરવાનો પ્રસંગ શોધ્યો નહિ, કોઈએ એની હાજરી તરફ લક્ષ આપ્યું નહિ. સામેને ઝૂંપડે ગયેલા માણસો એક ખાલી જનાજો ઊંચકી આવ્યા ત્યારે ત્યાં બેઠેલા બધા એકીસાથે ઊઠ્યા. જનાજામાં તેમણે ફકીરના શબને સુવડાવ્યું, એના પર કફન ઢાંક્યું અને બધાએ એનો જનાજો કાઠ્યો. પેલો પુરુષ પણ એમની સાથે ચાલ્યો.

વાવની બાજુમાં એક નાનકડા ઝાડના છાંયડા નીચે એને દફનાવી, લોકોએ ત્યાં કબરના આકારના નાના નાના પથરાઓ ગોઠવ્યા. પછી ગમગીન ચહેરે સૌ પોતપોતાને ઝૂંપડે પાછા ફર્યા.

પુરુષ પણ પોતાના ઝૂંપડા તરફ વળ્યો.

પશ્ચિમની ક્ષિતિજ પર પ્રકાશ ગુમાવતો સૂર્ય ધૂળની મેલી આંધીમાં અદૃશ્ય થતો દેખાયો. એક બુલબુલ ક્યાંકથી ઊડી આવી ઝૂંપડાની ટોચ પર બેઠું અને ગાનમાં લીન થયું. જમણી તરફના રણવિસ્તાર પર હજી ઝંઝાવાતી વાયરા વાતા હતા. આકાશ હેઠું ઊતરી આવ્યું ભાસતું હતું અને ચુપકીદી વધારે ઘેરી બની હતી. અંધારાં ઊતરી આવવાની તૈયારી હતી.

પોતાના ઝૂંપડા નજીક આવી પહોંચતાં પુરુષે સ્ત્રીને ઉંબરા પર ઊભેલી જોઈ. આઘાત લાગ્યો હોય એમ એ ઓચિંતાનો આગળ વધતો અટકી ગયો. સ્ત્રી એકધારું એની સામે જોઈ રહી હતી. એણે પોતાના દેહને સંકોચ્યો, માથું ઢાળી દીધું અને ભારે પગ આગળ ભરતો એ ધીમી ગતિએ આગળ વધ્યો. ઓટલો ચડતાં એનું મન ઊંડું પેસી ગયું! બારણા આગળ સ્ત્રીની છેક બાજુમાંથી પસાર થતાં એ અંદર પેઠો. સ્ત્રી પણ તરત જ એની પાછળ ઝૂંપડાના અંધારામાં દાખલ થઈ.

ચોમેર રાત્રિનાં ઘોર અંધારા છાઈ ગયાં. દિવસ કરતાં વધારે તોફાની પવન વાવો શરૂ થયો. બંધ બારણાં ક્યારેક હચમચી ઊઠતાં. કોઈક બળવાન ઝાપટાનો તમાચો ખાઈને ક્યારેક એ ઝૂંપડાની છત ચીંચાટ કરવા માંડતી.

મોડી રાતે, ઘનઘોર અંધારાં વચ્ચે, ઝૂંપડામાંથી બહાર આવતું એક રુદન પવનના એક ઝાપટા પર સવાર બની ઊડવા લાગ્યું. બેફામ થઈ દોડતો એ પવનનો સુસવાટો ટેકરીને પડખે અથડાયો અને એના ઢોળાવ પર પેલું રુદન વેરાઈ ગયું!