કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/વિદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨. વિદાય

તે દિવસે સાંજે હું ટ્રેનમાં નીકળી જ ગયો હોત, તો જીવનમાં આવી ભારે વ્યથાથી પીડાવાની ઘડી ન આવત. મારો થેલો લઈને સ્ટેશને જતાં વચ્ચે સહેજે જ હું એમને મળવા ગયો હતો. બાપુએ લખ્યું હતું : ‘બેટા, તારા પ્રવાસમાં તું એ શહેરમાં જઈ ચડે તો એમને જરૂર મળજે. અમને છૂટા પડ્યાને વીસ વર્ષ થઈ ગયાં છે, ને પત્રવ્યવહાર કોઈ રહ્યો નથી. પણ મને વિશ્વાસ છે, એ મને ભૂલ્યા નહીં હોય. એમની ગોપુને તો મેં ખૂબ રમાડી છે. એમને મળીને કહેજે કે એમની મિત્રતાનાં મધુર સ્મરણો હજુ મેં જાળવી રાખ્યાં છે.’ એટલે જ, સ્ટેશન જતાં અડધો કલાક એમને મળી લેવાના ખ્યાલથી જરા મહેનત લઈ મકાન શોધી એમને ત્યાં ગયો હતો. એ મને ઓળખવાની કોશિશ કરે તે પહેલાં જ નમસ્કાર કરીને મેં કહ્યું : ‘તમે મને ક્યાંથી ઓળખો? એ વાતને વીસ વર્ષ થઈ ગયાં. ત્યારે હું તો માત્ર ચાર વર્ષનો હતો. હું તમારા મિત્ર નારાયણનો પુત્ર મનમોહન.’ એમની આંખમાં અતીતની સ્મૃતિનું એક કિરણ ચમકી ઊઠ્યું. ઊભા થઈ ઉમળકાથી મને બાથમાં લેતાં બોલ્યા : ‘અરે, તું મનમોહન કે? આવ, આવ બેટા! કેવડો મોટો થઈ ગયો છે તું! નારાયણ તો મારો ખાસ ભાઈબંધ. આહા, વીસ વર્ષમાં કેટકેટલું ફરવાનું થયું! તોયે એ મને ભૂલ્યો નથી. ભલે ભલે, આવ દીકરા, બેસ, તું શું કરે છે, કહે જોઉં!’ એમના સ્નેહભર્યા વ્યવહારથી મારો સંકોચ દૂર થઈ ગયો. ખુરશીમાં બરોબર ગોઠવાતાં મેં કહ્યું : ‘ખાસ કશું કરતો નથી, હરિકાકા! હું અહીં એક સંમેલનમાં આવ્યો હતો.’ ને પછી જરા સંકોચ પામીને કહ્યું : ‘હું કવિ છું, હરિકાકા! ગઈ કાલે રાતે અહીં કવિસંમેલન હતું ને, તેમાં આવેલો. હમણાં સાંજની ટ્રેનમાં પાછો જવાનો છું.’ હરિકાકાનો સહેજસાજ કરચલી પડેલો પ્રૌઢ ચહેરો અપૂર્વ સ્નેહમાં પ્રકાશી ઊઠ્યો. ‘ત્યારે તું જ હતો ગઈ કાલે રાતે? મંચ પર તો તું સાવ જુદો જ લાગેલો. મને શી ખબર કે આ મનમોહન તે મારા નારાયણનો દીકરો હશે? આહા ભાઈ, તારી કવિતા તો અમને સૌથી વધુ ગમી હતી. મારી ગોપુ તો એ કવિતા પર વારી જ ગઈ હતી. ગોપુ, ઓ ગોપિકા…!’ ગોપિકા નામના એક નવા પાત્રના પ્રવેશ માટે મનથી હું તૈયાર થાઉં ન થાઉં, ત્યાં દક્ષિણ તરફનું એક બારણું ઊઘડ્યું. ના! ના! આ ગોપિકા નહીં હોય! જે હરિકાકાની પુત્રી છે, જેને બાપુએ ખૂબ રમાડી છે અને જેને નાનપણમાં જોઈ હોવાનું મને જરાય યાદ નથી રહ્યું, તે ગોપિકા શું આ જ છે? હરિકાકાએ ખુશ થઈને કહ્યું : ‘જો ને ગોપુ, કાલે રાતે આપણને જે કવિની કવિતા સૌથી વધુ ગમી હતી તે જ આ. મને શી ખબર, એ તો મારા જૂના દોસ્ત નારાયણનો દીકરો નીકળ્યો!’ બે કાળી પાંપણો ઊંચકાઈ અને બે પાતળા હાથ નમસ્કારમાં જોડાયા. આછા લીલા રંગનો એક પાલવ હવામાં ફરફરી ઊઠ્યો. મારી અંદર એક અસ્પષ્ટ ભાવ જાગી ઊઠ્યો. જલદીથી ઊભો થઈ નમસ્કાર કરવા જતો હતો ત્યાં ખિલખિલ હસી પડી ગોપિકાએ કહ્યું : ‘ના ના, બેસો તમે! આવ્યા તે બહુ જ સારું થયું. કાલે રાતે તમને સંમેલનમાં સાંભળ્યા પછી તમને મળવાની બહુ જ ઇચ્છા થઈ આવી હતી, કાં બાપુ? મેં તમને એ કહ્યું હતું. બાપુ, તમે એમની સાથે વાત કરો હો, હું હમણાં આવી.’ ગોપિકા ચાલી ગઈ. ઓરડાની બધી બારીઓ ખુલ્લી હતી, છતાં મને લાગ્યું, એની અંદરની હવા બધી ઊડી ગઈ છે. મને મારા પર લજ્જિત થવાનો સમય મળે એ પહેલાં જ હરિકાકા બોલ્યા : ‘સારું થયું તું આવ્યો તે, ભાઈ! પણ તું સાંજે જ જવાની વાત કરે છે, તે કેમ ચાલે? હવે આવ્યો છે તો રોકાઈ જ જા ને! દસ દિવસ પછી તો ગોપિકાનાં લગ્ન છે!’ ‘ના, ના જી. મારે પરમ દિવસે પાછું બહારગામ જવું છે… મારે થોડુંક કામ હતું…’ હું જરા થોથવાયો. દક્ષિણ તરફનું બારણું ફરીવાર ઊઘડ્યું. ગોપિકા હાથમાં ચાની ટ્રે લઈને આવી. મારી તરફ જોઈને હસીને તે બોલી : ‘કાલે રાતે તમે બે વાર ચા પીધી હતી, નહીં? મેં તમને મંચ પરથી ઊઠીને બે વાર ચાના સ્ટૉલ તરફ જતા જોયા હતા. મને થયું કે તમે ચાના શોખીન હશો.’ નીચી નજર કરી તે કપમાં ખાંડ નાખી ઉપર ચાનું પાણી રેડી ચમચીથી હલાવવા લાગી. તેના હળવા હાથ પર સોનેરી બંગડીઓ રણકાર કરી રહી. થોડી વારે તે બોલી : ‘કેવું સારું થયું, નહીં બાપુ! એ તમારા દોસ્તના પુત્ર નીકળ્યા. હવે આપણે એમની પાસેથી ખૂબ કવિતાઓ સાંભળીશું.’ હરિકાકા બોલ્યા : ‘પણ ગોપુ, એ તો હમણાં જ જવાની વાત કરે છે, આજ સાંજની જ ટ્રેનમાં. કહે છે, એને કામ છે.’ ગોપિકા સહાસ્ય મુખે મારી સામે જોઈને બોલી : ‘ગઈ કાલે તો તમે અકામના આનંદની કવિતા સંભળાવી હતી. ગમે તેમ, હવે તમને નહીં જવા દેવાય. અહીં આવ્યા છો તો થોડા દિવસ રોકાવું જ પડશે. તમારી કવિતાઓ સાંભળવાનો આવો સુયોગ પછી તો કોને ખબર — ’ તેણે વાક્ય અધૂરું મૂક્યું. કશુંક યાદ આવતાં જાણે તેનું મુખ આરક્ત થઈ ગયું. જીવનની કેટલીયે ઘટનાઓ આમ જ નક્કી થઈ જતી હોય છે. દીર્ઘ મર્માન્તિક જીવન - રુદનની શરૂઆત સાવ આવા નાનકડા સંગીતમય વાક્યથી જ થતી હોય છે… ‘તમને નહીં જવા દેવાય.’ મારે રોકાઈ જવું પડ્યું. હરિકાકાનું ઘર મોટું હતું. મારે માટે એક જુદો ખંડ કાઢવાનું નોકરને કહી હરિકાકા મને ગોપિકાની મા પાસે લઈ ગયા. અંદરના એક ઓરડામાં સ્વચ્છ પથારીમાં એક કૃશકાય નારી સૂતી હતી. હરિકાકાએ એની પાસે જઈ કોમળ સ્વરે કહ્યું : ‘જાગે છે ઉમા, આ મનમોહન, આપણા નારાયણનો દીકરો.’ સ્ત્રીના ફિક્કા ચહેરા પર એક મમતામય સ્મિત ફેલાઈ ગયું. ક્ષીણ સ્વરે તેણે કહ્યું : ‘તને જોઈને બહુ આનંદ થયો, ભાઈ!’ અને પછી તેને એક ઉધરસ આવી ગઈ. હરિકાકાએ તેના કપાળ પર વહાલથી હાથ ફેરવી, લટ સરખી કરી, ચાદર ઠીક કરીને ઓઢાડીને મને કહ્યું : ‘તું થોડી વાર આરામ કર, ભાઈ! પછી આપણે નિરાંતે વાતો કરીશું. નારાયણના બધા ખબર મારે જાણવા છે.’ હું મને આપેલા ખંડમાં ગયો. ધારતો હતો તેવું જ બન્યું. નોકરને બદલે ગોપિકા ઓરડો સાફસૂફ કરતી બધું ગોઠવી રહી હતી. મને જોતાં જ મલકીને બોલી : ‘આ બધું માન તમારી કવિતાને, હો!’ મેં પલંગ પર બેસતાં કહ્યું : ‘કવિ ને કવિતા કાંઈ જુદાં હોય છે, ગોપિકા? કવિતા કવિનો પોતાનો જ એક અંશ હોય છે.’ ટેબલ સાફ કરી એક ફૂલદાનીમાં તેણે ફૂલ ગોઠવ્યાં, અગરબત્તી સળગાવી તેણે બારીની પાળી પર મૂકી, અને પછી મારી નજીક ખુરશી ખેંચીને બેસતાં બોલી : ‘એમ હશે, પણ હું તો તમને ઓળખતી નથી, તમારી કવિતાને જ ઓળખું છું.’ ‘એટલા પૂરતું તમે મનેય ઓળખો છો.’ ગોપિકા હસી પડી ને બોલી : ‘મને “તમે” નહીં કહો તો ચાલશે. બાપુ કોઈ વાર તમારી વાત કરે. નાના હતા ત્યારે સાથે રમતા ને તમે ઘણી વાર મારા કાન આમળતા. બાપુ પાસેથી એ બધી જૂની વાતો સાંભળી ઘણી વાર મારા કાન આમળનારને જોવાનું મન થતું. મનમાં એક ખ્યાલ હતો. પછી કાલે રાતે તમને સાંભળ્યા. સાંભળીને મારું આખું હૃદય એક ઊંડા સાગરમાં જાણે ડૂબી ગયું. જરાયે ખ્યાલ નહોતો કે તમે એ જ હશો — ’ અચાનક તે અટકી પડી. ન કહેવાની વાત કહેવાઈ ગઈ હોય, તેવું તે જરા હસી. ને પછી તરત જ બોલી : ‘ઠીક, એ કહો તો, તમે કવિતા કેવી રીતે લખો છો? હું તો ઘણી મહેનત કરું છું પણ એક લીટીથી આગળ વધાય તો ને! શબ્દો, ધ્વનિ, લય બધું જાણે સાવ નજીક આવીને પાછું ક્યાંક ખોવાઈ જાય! પકડવા ન મથું ત્યારે સાવ મનને ઉંબરે આવીને ઊભાં રહે, પણ જરાક હાથ લંબાવ્યો કે બસ, તોફાની છોકરાંની જેમ બધું ક્યાંનું ક્યાંય અદૃશ્ય થઈ જાય, એટલે પછી કાંઈ લખાતું નથી.’ મેં ગૂંચવાઈને કહ્યું : ‘પણ તમે…’ ‘તમે નહીં, તું. મારા કાન આમળ્યા છે, ભૂલી ગયા?’ હવે હસવાનો મારો વારો હતો. પણ કોણ જાણે, મનમાં એક ડર લાગી ગયો. કોને ખબર, આ ચંચળ હવા મારી અંદર પ્રવેશીને મારી શિરાઓને કેવાંયે સ્પંદનોથી ભરી દેશે. મેં કહ્યું : ‘પણ કવિતા લખવી જ જોઈએ તેવું થોડું છે, ગોપિકા? એને અનુભવીએ એટલે બસ. પછી લખવું, એ તો જાણે કંઈક કબૂલ કરવા જેવું છે.’ એની આંખો હાસ્યથી ચમકી ઊઠી : ‘તમે ચાલાક છો. તું કહેવું પડે એ ડરે વાક્યની રચના જ બદલી નાખી. ખેર, આ કહો તો, કાલે તમે જે કવિતા ગાઈ હતી તે કેવી રીતે લખેલી? પેલી કવિતા — તારા વિના જીવનભર, આંસુ વહ્યાં ઝરઝર.’ ખંડનું બારણું ઉઘાડીને નોકર આવ્યો : ‘ગોપુબહેન, જગદીશભાઈ આવ્યા છે. કહે છે, ખરીદી કરવા જવાનું છે, એટલે તૈયાર થઈ જાઓ.’ ગોપિકાનું મોં પડી ગયું. ઊઠતાં ઊઠતાં બોલી : ‘જાઉં તો. તમે બાપુ સાથે વાતો કરજો અને આરામ કરજો. અને યાદ રાખજો, રાતે તમારે કવિતા સંભળાવવાની છે.’ ધીમે પગલે તે ઓરડાની બહાર ચાલી ગઈ. પાછી મને એવી જ લાગણી થઈ આવી : જાણે અગરબત્તી સળગે છે, પણ એની સુગંધ પેલા પાલવ સાથે બંધાઈને બહાર ઊડી ગઈ છે.

*

માનવીનું મન કેવું વિચિત્ર છે! વીસ વર્ષ સુધી જેનો જરાયે પરિચય નહોતો, અરે કલાક પહેલાં જેના નામની સુધ્ધાં ખબર નહોતી, તેના આમ ચાલ્યા જતાં એ ઓરડો એકદમ સૂનકારથી ભરાઈ ગયો. હું પલંગ પર ક્યાંય સુધી પડી રહ્યો. ગોપિકાની સ્નિગ્ધ આંખો અને ચંચલ હાસ્ય યાદ આવતાં રહ્યાં. એમ થયું, જાણે રેશમી રૂના ઢગલા સાથે મોં દબાવીને પડ્યો છું, અંદર ને અંદર ઊતરતો જાઉં છું. સાંજે હરિકાકા પાસેથી બધી વાતો જાણી. ગોપિકાની માતા હવે આજ જાઉં, કાલ જાઉં — એવી સ્થિતિમાં છે. દીકરીનાં લગ્ન જોઈને જવાની ઇચ્છા છે એટલે જ લગ્નનું આટલું વહેલું કર્યું છે. લગ્ન તદ્દન ધામધૂમ વગર કરવાનાં છે. આટલું જલદી કરવાની હરિકાકાની બહુ ઇચ્છા નથી. ગોપિકા પણ બહુ રાજી નથી. પણ પાત્ર સરસ મળી ગયું છે, એટલે હવે પતાવી દેવું જ સારું. જગદીશ અમેરિકા જઈને ઇજનેર થઈને આવ્યો છે. બે હજાર રૂપિયાનો પગાર છે. પરદેશ જઈને આવ્યો છે છતાં ત્યાંના રંગનો સ્પર્શ સુધ્ધાં નથી થયો, વગેરે વગેરે. દીવાનખાનામાં હું અને હરિકાકા બેઠાં બેઠાં વાતો કરતા હતા, ત્યાં બહાર પૉર્ચમાં ગાડી અટકવાનો અવાજ સંભળાયો. મારું મન ઉત્તેજિત બની ગયું. ત્યાં તો પગથિયાં પરથી ગોપિકા ઝડપથી ચઢીને અંદર આવતી દેખાઈ. હવાની લહેરની જેમ તે અંદર ધસી આવતાં બોલી : ‘હાશ, છો ને — તમે! મને ડર હતો, તમે પાછળથી વિચાર બદલ્યો હોય ને કદાચ કામના બહાને બાપુને સમજાવી – પટાવીને ચાલ્યા ગયા હો!’ પછી પોતાની આ અધીરતાથી જરા છોભીલી પડી ગઈ હોય તેમ અવાજ એકદમ ધીમો કરી બોલી : ‘બાપુ, આપણે એમની કવિતાઓ સાંભળવાનું નક્કી કર્યું છે એટલે — ’ તે અટકી ગઈ. ગાડી પાર્ક કરીને જગદીશ અંદર આવ્યો હતો. એને જોઈને હરિકાકા બોલ્યા : ‘આવ જગદીશ, ખરીદી પતી ગઈ? જો ઓળખાણ કરાવું : આ મારા જૂના દોસ્ત નારાયણનો પુત્ર મનમોહન. કવિ છે. સરસ કવિતા લખે છે. અને મનમોહન, આ જગદીશ, ગોપુના વર.’ જગદીશે મારા નમસ્કારનો જે અછડતો ઉત્તર આપ્યો તેથી મને એટલું તો સમજાયું જ કે તેને મારી હાજરી રૂચી નહોતી. હસ્યા વગર તે બોલ્યો : ‘કવિતા લખે છે, એમ ને! પછી તે ચુપ થઈ ગયો. એક ક્ષણ જે મૌન પ્રસરી રહ્યું તેમાં ઘણીબધી આગાહીઓનો સંકેત હતો. ગોપિકાનું હાસ્ય વિલાઈ ગયું. હરિકાકાને થયું — ક્યાંક કશુંક અજુગતું થયું છે. એ ભોળા સ્નેહાળ પિતાએ, જગદીશ ગોપિકા પર નારાજ થાય એ ડરે, મારો ભાર પોતાની ઉપર લઈ લીધો. ‘તારી કવિતા સાંભળવાની તો ભાઈ, મને પણ બહુ જ ઇચ્છા છે. આજે રાતે જ તારો કાર્યક્રમ ગોઠવીએ. ગોપુ, કેમ લાગે છે?’ ગોપિકા જગદીશ તરફ ઝૂકી મૃદુ સ્વરે બોલી : ‘તમે રોકાશો ને? રોકાજો ને, મઝા આવશે.’ જગદીશ કંઈક લુખ્ખા અવાજે બોલ્યો : ‘તું કહે છે તો રોકાઈશ ગોપિકા, પણ તું જાણે છે, મને એમાં કાંઈ બહુ સમજ નથી પડતી.’ તે જરા અટક્યો, ને અચાનક યાદ આવી ગયું હોય તેમ બોલ્યો : ‘અરે હા, ગોપિકા, પણ આજે તો મારાથી નહીં રોકાવાય. આજે રાતે ક્લબમાં બ્રિજ - પાર્ટી છે, એમાં મારે જવું જ પડે તેમ છે. વળી સિમેન્ટ કંપનીનો એક નવો મૅનેજર આવ્યો છે, તે પણ ત્યારે આવવાનો છે. મારે એની સાથે થોડીક કામની વાતો કરવાની છે, એટલે હું તો જઈશ.’ હું કાંઈ સરળ, અબોધ શિશુ તો નહોતો જ. આટલેથી મારે સમજી જવું જોઈતું હતું, અને સાંજની ટ્રેન ગઈ તો ગઈ, રાતની બીજી ટ્રેનમાં, કોઈ પણ બહાનું કાઢીને ચાલ્યા જવું જોઈતું હતું. પણ ન જવાયું. તે રાતેય નહીં, ત્યાર પછીના દિવસે પણ નહીં, અને ત્યાર પછીના ત્રીજા દિવસે પણ નહીં. તે રાતે એ મકાનના ખુલ્લા વરંડામાં હરિકાકા અને ગોપિકાની સામે બેસીને મેં તેમને એક પછી એક કેટલીયે કવિતાઓ સંભળાવી. હરિકાકા આંખો બંધ કરી ઊંડા ભાવલોકમાં ઊતરી ગયા. ગોપિકાની કાળી પાંપણો ઢળેલી રહી. મેં પણ તે દિવસે મન મૂકીને કવિતાઓ સંભળાવી. એક અસ્પષ્ટ માધુર્યપૂર્ણ નશામાં મારો કંઠ ને મારું હૃદય વહેવા લાગ્યાં. ઘડીભર તો હું સ્થળ ને કાળનું ભાન ભૂલી ગયો. કેટલો વખત વીતી ગયો, કાંઈ ખ્યાલ ન રહ્યો. છેવટે, રાત ઘણી વીતી ચાલી છે એવું ભાન થતાં, મેં છેલ્લી કવિતા સંભળાવી. હું મરણને દ્વાર આવીને ઊભો છું,
તું શું મને કિરણને દ્વાર પહોંચાડી શકશે? એ લાંબી કવિતા પૂરી કરી હું ચુપ થઈ ગયો. થોડી પળ નીરવતા વ્યાપી રહી. એક દીર્ઘ શ્વાસ લઈને ગોપિકાએ પાંપણ ઊંચકી. સજળ વાદળનો પડદો ઊંચકી ચાંદનીએ જાણે જરાક ડોકિયું કર્યું. ઉદાસ હસીને તે બોલી : ‘આ તમારી કવિતા ખૂબ કરુણ હતી. સાંભળીને મનને કેવુંયે થઈ ગયું!’ હરિકાકા સમાધિમાંથી જાણે જાગ્યા. ‘શાબાશ બેટા, આ બુઢ્ઢાના દિલને આજે તેં ભારે આનંદ આપ્યો. તારી કવિતા જુગ જુગ જીવો, બેટા!’

*

જે માટે હું રોકાયો હતો તે કામ પૂરું થઈ ગયું હતું. બીજે દિવસે મારે જવું જોઈતું હતું. પણ મેં કહ્યું ને, પેલો નાનકડો સંગીતમય અવાજ મારા પગને બાંધી રહ્યો : “આમ આટલા જલદી તમને નહીં જવા દેવાય. આવ્યા છો તો હવે રોકાઈ જ જાઓ.” સાંજે કામ પરથી જગદીશ આવતો ત્યારે ગોપિકા તેની સાથે બહાર જતી. પણ બાકીનો વખત તે ઘણુંખરું મારી સાથે જ પસાર કરતી. મારા ઓરડામાં રોજ તે તાજાં ફૂલ મૂકી જતી, અગરબત્તી સળગાવી જતી ને પલંગ પરની વિખરાયેલી ચાદર સરખી કરતી. આ બધાં કામ નોકરો કરી શક્યાં હોત, તેની મને ખબર હતી, અને ગોપિકા પણ એ જાણતી હતી. એક દિવસ ઢળતી બપોરે અચાનક જ આવીને એ કશી પ્રસ્તાવના વગર બોલી : ‘ઠીક એ કહો તો, માણસને સૌથી મોટું બંધન શાનું હોય છે?’ આ વાતમાંથી જે બીજી વાતો ફૂટી પડવાની સંભાવના હતી એના ડરે જ ઉતાવળથી હું બોલી ઊઠ્યો : ‘ગોપિકા, સૌથી મોટું બંધન તો…’ મને અટકાવીને તે બોલી : ‘ના, તમારી પાસેથી ઉત્તર નથી જોઈતો. બંધનની વાત જવા દો, પણ મારી મુક્તિ શામાં છે તે જાણો છો? કવિતામાં.’ રોજ તે મારી વાતો સાંભળતી. આજે તે પોતાની વાત કરવાના મૂડમાં હતી. કશી પ્રસન્નતા વગરનું હસીને તે બોલી : ‘તમને કદાચ થતું હશે, મને આ કઈ જાતની ઘેલછા વીંટળાઈ વળી છે! સાત દિવસ પછી જેનાં લગ્ન છે… ઠીક, હું પણ શું એ વાત નથી જાણતી? પણ હું મારા મનને રોકી શકતી નથી. નાનપણથી આપણે માતાપિતાની છાયા નીચે સુખ અને સગવડોમાં મોટાં થઈએ છીએ. આપણી અંદર કશું સ્પષ્ટ હોતું નથી. બધું ધીમે ધીમે ઘડાતું, આકાર લેતું રહે છે. આપણે સમજીએ તે પહેલાં ઘણી વસ્તુઓને સ્વીકારી લઈએ છીએ. પછી એક દિવસ આપણી અંદર એક સાદ જાગી ઊઠે છે. જીવનની સમગ્ર એષણાઓને પોતાનામાં સમાવી લેતી એક તીવ્રતમ ઇચ્છાનો નાદ. એ ઇચ્છાની તૃપ્તિમાં જ આપણી મુક્તિ રહેલી હોય છે. પણ ત્યાં સુધીમાં આપણે બંધાઈ ગયાં હોઈએ છીએ, અજ્ઞાત અને અપરિપક્વતામાં આપણે જાતે જ કરેલા કેટલાય સ્વીકારોથી. એને આપણે તોડી શકતાં નથી. ડર લાગે છે, માબાપને કેવું લાગશે? સમાજ શું કહેશે? સ્વજનોનો વિશ્વાસ તો નહીં ગુમાવી બેસીએ? પરિચિત જીવનરીતિની સગવડ ખોઈ તો નહીં નાખીએ? આ કાયરતા જ આપણું સૌથી મોટું બંધન બને છે…’ એકસાથે આટલું બોલી તે ચૂપ થઈ ગઈ. ઊભી થઈને તે બારી પાસે જઈને ઊભી રહી. મને એનો ચહેરો દેખાતો નહોતો. પણ એની કાંપતી પીઠ પરથી હું સમજી શક્યો કે તે રડે છે. એક પળ એમ થઈ ગયું, માત્ર એક ક્ષણ માટે એમ થઈ ગયું કે એનાં આંસુ સાથે મારી કવિતાને મેળવી દઉં, એની વ્યથા સાથે મારા હૃદયને એકાકાર કરી દઉં. પણ પછી જગદીશ યાદ આવ્યો, હરિકાકા ને માંદાં ઉમાકાકી યાદ આવ્યાં, સાત દિવસ પછી થનારાં લગ્ન યાદ આવ્યાં… અને આ પ્રકાશોજ્જ્વલ ક્ષણે તેના અંતરનાં બધાં આવરણોને હટાવી દઈને એક અપૂર્વ પૂર્ણતામાં એના જીવનનો જે સૌથી મૂળભૂત સાદ અચાનક વાચામાં પ્રગટ થઈ ગયો હતો, તેની નિરર્થકતા મારા હૃદયને કોરી ખાવા લાગી. તે રાતે મેં નક્કી કર્યું હતું કે હવે કાલે તો ચાલ્યા જ જવું. હવે વધારે રહેવાનો કશો અર્થ નથી. એથી તો નાહકની વેદના જ વધશે. પણ સવારના પહોરમાં આંખ ઊઘડી ત્યાં મેં સામે ગોપિકાને જોઈ. ચંપાવરણી સાડી, સોનેરી બંગડી, અંબોડામાં પીળા ગુલાબનું ફૂલ, ક્ષિતિજની કિનારી પર પ્રભાતના પહેલા સૂર્યકિરણથી સોનેરી બની ગયેલી એક હલકી તરલ વાદળી. તેના ચહેરા પર ગઈ કાલ સાંજની ઉદાસી નહોતી. હસીને તેણે કહ્યું : ‘અરે, હજુ તમે ઊઠ્યા નથી? ચાલો, જલદી કરો. આજે આપણે અહીંથી દસ માઈલ દૂર એક સરસ જગ્યા છે ત્યાં જવાનું છે, મારે તમને એ ખાસ બતાવવી હતી. ચારે તરફ ટેકરીઓથી ઘેરાયેલું એક તળાવ છે…”

*

ગાડીમાં હું ને ગોપિકા બે જ હતાં. ગાડી તે જ ડ્રાઇવ કરતી હતી. મને આશ્વાસન આપવા કદાચ તે બોલી : ‘બાપુ આવવાના હતા, પણ મા પાસે રોકાઈ ગયા.’ શહેર છોડીને ગાડી બહારને માર્ગે સરસરાટ દોડવા લાગી. વાતાવરણ સુંદર હતું, પણ મારું તેમાં ધ્યાન નહોતું. આ નવી કવિતાનો શો અંત હશે? ગમે તેમ, એ કરુણતાથી છલોછલ ભરેલો હશે તેમાં તો કશી શંકા જ નથી… અચાનક ગોપિકા બોલી : ‘ઠીક, તમને ખબર છે, કવિતા માટે મને આટલું ઊંડું આકર્ષણ કેમ છે…?’ હું ચુપચાપ તેની સામે જોઈ રહ્યો. તે બોલી : ‘તમને ખબર નહીં હોય. બાપુ કોઈ કોઈ વાર કવિતા લખે છે. તમારા જેવી સરસ નહીં, તોયે લાગણીથી ભરેલી હોય છે. મને ઘણી વાર વાંચી સંભળાવે છે. તમે બાપુને ને માને સાથે જોયાં છે? એમનો પરસ્પર પ્રેમ પણ મને હંમેશ એક કવિતા જેવો લાગ્યો છે. કવિતાના વાતાવરણમાં જ હું મોટી થઈ છું. નાનપણથી મને એમ લાગ્યા કરતું કે મારી અંદર ઘણાબધા શબ્દો, ભાવો, બિંબ ઘૂમ્યા કરે છે. તે કોઈક ગતિનો સાથ લઈ બહાર જવા ઇચ્છે છે. કોઈક વાર એકાદ-બે લીટી સરખી લખાઈ જાય તો મનને ખૂબ તૃપ્તિ લાગતી. અંતર જાણે અનિરુદ્ધ થઈ ગયું. મેં એટલે જ કહેલું કે કવિતામાં મારી મુક્તિ છે. મોટાં થતાં પુષ્કળ કવિતાઓ વાંચી, પણ લખવામાં આગળ વધાયું નહીં. એનો તાપ મનને પીડ્યા કરતો હતો. જાણે બધું બહુ જ નિકટ છે, સાવ મારી અંદર છે, મારું પોતાનું જ છે, એમ ખબર હોવા છતાં એને પકડીને પ્રત્યક્ષ કરી શકતી નથી.’ થોડી વાર તે મૌન રહી, પછી તે મૃદુ કંઠે બોલવા લાગી : ‘તમારી કવિતા સાંભળું છું ત્યારે મારી અંદર જે ઘુમરાઈ રહ્યું છે, તેની ઝંખના તીવ્ર બની જાય છે. જે તમારું જ હોય ને છતાં જેને તમે પામી ન શકો એની વેદના કેવી હોય, તમને ખબર છે? તમારી કવિતામાં મારા જ મનની બધી વાતો પ્રગટ થાય છે — જાણે મારી અંદર પ્રવેશીને તમે મારા અંતસ્તલ સુધી પહોંચી ગયા છો. તમારી સાથે એટલે જ આટલી નિકટતા લાગે છે. તે દિવસે સંમેલનમાં પહેલી વાર તમને સાંભળ્યા ત્યારે મને થયેલું — એક દિવસ તમારો પરિચય કર્યે જ છૂટકો. અનાયાસ બીજે દિવસે તમે જાતે જ ઘેર આવ્યા. કેટલો આનંદ થયો તે કહી શકતી નથી. મનમાં એમ થાય છે, સદાય તમારી કવિતા સાંભળ્યા કરું. મારી ઊંડામાં ઊંડી અશબ્દ અનુભૂતિઓને તમારે મુખે પ્રકટતી, બસ સાંભળ્યા જ કરું.’ ઊર્મિના એક પ્રચંડ આવેગમાં મારું સારુંય અસ્તિત્વ તેની અનુભૂતિ ને મારી કવિતાની જેમ તેની સાથે એકરૂપ થવા તલસી ઊઠ્યું. મહામહેનતે મેં મારા પર સંયમ રાખ્યો. તે જ વળી આગળ બોલી : ‘થોડા દિવસમાં બધું પતી જશે ને તમે ચાલ્યા જશો. હું પણ બાપુ અને માના કોમળ પ્રેમના કવિતામય વાતાવરણમાંથી ચાલી જઈશ. પછી શું હશે તેની કલ્પના કરવી અઘરી નથી. પછી ક્યારેય તમને સાંભળવાનું ન બને. એટલે જ, લોભીની જેમ અત્યારની એક એક ક્ષણને મારામાં સંચિત કરી લેવા ઇચ્છું છું.’ મારાથી રહેવાયું નહીં, કંપતા અવાજે બોલ્યો : ‘ગોપિકા!’ તે ઉદાસ ભાવે મારી સામે જોઈ રહી. હવાની લહેરમાં તેનું આખું શરીર કંપી ઊઠ્યું. તેણે ગાડી થોભાવી. મારો એક હાથ પોતાના હાથમાં લઈ તે બોલી : ‘તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા?’ તમે એક વર્ષ પહેલા કેમ ન આવ્યા?… કૃષ્ણના બે વ્યાકુળ હોઠ પર જાણે કોઈએ બાંસુરી મૂકી દીધી અને તેમાંથી વારે વારે આ એક જ સૂર ઝરવા લાગ્યો — તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા? ઘેર અમે પાછાં ફર્યાં ત્યારે અગિયાર વાગી ગયા હતા. બારણામાં પ્રવેશ કરતાં જ હરિકાકા સામા મળ્યા. હાંફળાફાંફળા અવાજે તે બોલ્યા : ‘ગોપુ, બેટા, આટલી બધી વાર? જગદીશ આજે કામ પર — ’ પાછળથી જગદીશનો ગુસ્સાભર્યો ઊંચો અવાજ સંભળાયો : ‘તમે જ તમારી દીકરીને લાડ લડાવીને, મોંએ ચડાવીને સાવ ઉદ્ધત કરી મૂકી છે. બીમાર મા ને ઘેલો બાપ! સાત દિવસ પછી જેનાં લગ્ન હોય એ સ્ત્રી આમ પારકા માણસ સાથે દિવસ ને રાત ગમે ત્યાં ભટકે, એને કોઈ કશું કહેનાર નહીં. એવી સ્ત્રીના હાથમાં મારું ઘર હું કેમ કરીને સોંપી શકવાનો હતો?’ જગદીશના મોં પર એક મુક્કો જડી દેવાની ઇચ્છાને રોકી હું મારા ઓરડામાં ચાલ્યો ગયો. માત્ર ચાર જ દિવસ હું આ ખંડમાં રહ્યો હતો, પણ તેમાં મારા સમસ્ત જીવનનાં સૌથી પરમ સુખ-દુઃખની સૂરાવલી ગુંજી રહી હતી. મારી વિખરાયેલી વસ્તુઓ મેં થેલામાં ભરી. બેપાંચ ક્ષણ હું ત્યાં ઊભો રહ્યો ને પછી ખિન્ન ચિત્તે બહાર નીકળ્યો. હરિકાકા બહાર નહોતા. જગદીશ ચાલ્યો ગયો હતો. માત્ર ગોપિકા વરંડાના ખૂણામાં થાંભલો પકડીને ક્યાંક દૂર નજર માંડી રહી હતી. એની નજીકમાં જઈ ધીમા સ્નેહસિક્ત સ્વરે મેં કહ્યું : ‘ગોપિકા!’ તે મારી તરફ ફરી. તેની આંખોમાંથી બે મોટાં આંસુ સરી પડ્યાં. તે કશુંક બોલવા ગઈ, પણ તેનો કંઠ અવરુદ્ધ થઈ ગયો. ‘જાઉં છું, ગોપિકા! સુખી રહેજે,’ મહામહેનતે હું બોલ્યો. તેની આંસુથી ધૂંધળી બનેલી આંખો કશુંય બોલ્યા વિના મારી સામે મંડાઈ રહી. એની પર હાથ મૂકીને એને જરા સરખું આશ્વાસન આપવાની એક પીડાભરી ઇચ્છાને મનમાં દબાવી હું ધીમે પગલે પગથિયાં ઊતરી ગયો. મને થયું, એની આંખોની નજર મારી પીઠ પર મંડાયેલી છે, મારી સાથે, મારી પાછળ પાછળ એ ચાલી આવે છે. … આજે હવે એ વાતને પાંચ વર્ષ વીતી ગયાં છે. ગોપિકા પરણી ગઈ હશે — તેની ભીતરની દુનિયાની જેને ઝાંકી સુધ્ધાં નહોતી તે જગદીશની સાથે. તેની સાથે તે ક્લબમાં ફરવા જતી હશે. મોડી રાતે તેના શયનખંડમાં તેનો ઉષ્માભર્યો શ્વાસ ફરી વળતો હશે. તેનાં સંતાનોની તે માતા બની હશે. પણ તેના અંતરતમ અંતરમાં કોઈક બીજો જ સાદ જાગતો હશે. … અને મારાં આ બધાં ગમગીન વ્યથાભર્યાં વર્ષો વીંધીને એનો એ જ સાદ મારા હૃદયમાં નિરંતર સંભળાયા કરે છે : જે સાવ પોતાની નિકટ છે, જે પોતાનું જ છે, તેને પામી ન શકવાની વેદના તમને ખબર છે? અને કૃષ્ણની પેલી વ્યાકુળ બંસી નિઃશ્વાસભર્યા સ્વરે બોલી ઊઠે છે : ‘તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા?’


૧૯૫૮ (‘વધુ ને વધુ સુંદર’)