કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/નવું ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૯. નવું ઘર

તે મૅટ્રિકમાં હતી ત્યારે ગદ્યપદ્યસંગ્રહમાં ધનસુખલાલ મહેતાની ‘બા’ વાર્તા આવતી હતી. એ વાંચી ત્યારથી નક્કી કર્યું હતું કે આવી કરુણ ને લાચાર પરિસ્થિતિમાં હું મારી જાતને નહીં જ મુકાવા દઉં. બે દીકરા પોતપોતાના કુટુંબ સાથે, ઘર છોડી બીજે રહેવા ચાલી ગયા પછી ત્રીજા દીકરા પર માની બધી આશા મંડાઈ રહી હતી. આ દીકરો તો મને છોડીને નહીં જ જાય! અને એ ન જાય તે માટે કેટકેટલા પ્રગટ પ્રચ્છન્ન પ્રયત્નો! દીકરાની વહુને રાજી રાખવાની કેટલી આળપંપાળ! અને છતાં એક દિવસ ત્રીજો દીકરો પણ નીચેથી બૂમ મારીને, દાદર ઊતરતી માને કહી તો દે જ છે કે મા, આવતી કાલથી અમે જુદાં રહેવા જવાનાં છીએ! વાર્તા વાંચીને તેના મનમાં બા પ્રત્યે સહાનુભૂતિ જાગવાને બદલે કંઈક રોષ જાગ્યો હતો. શા માટે કોઈ પણ માણસે આમ દાદરની અધવચ્ચે ફસડાઈ પડવું જોઈએ? બીજા લોકો પર — ભલે ને એ સગો દીકરો હોય — એના પર આટલું બધું અવલંબન શા માટે? શું કરવા બીજાઓને તેમની જિંદગી સુખથી જીવવા ન દેવી? અને શા માટે પોતે પણ સુખે ન જીવવું? આખરે તો આ એક જિંદગી આપણી પાસે છે. શા માટે તેને આનંદ અને ભરપૂરતાથી સુંદર ન બનાવી લેવી? હું કોઈ દિવસ મારા દીકરાઓ પર આટલી આધારિત નહીં બનું — મનોમન તેણે વિચાર્યું હતું અને તે પરણી અને તેનાં વૃદ્ધ સાસુને જિંદગીના ટુકડાઓને વળગવા માટે વલખાં મારતાં જોયાં ત્યારે તો તેણે આ નિર્ણય મનમાં ઘૂંટીને પાક્કો કર્યો હતો. તેનાં સાસુ ભલાં હતાં, શક્તિઓ ગુમાવી બેઠેલાં હતાં અને ‘પોતાનું ક્ષેમકુશળ પોતાના હાથમાં જ હોવું ઘટે — ’ જેવા વિચારથી ક્યારેય પરિચિત નહોતાં થયાં. વૃદ્ધ માણસ માટે સ્વાભાવિક એવી તેમની માગણીઓ હતી, પણ તેમના દીકરાને કોઈ કોઈ વાર એ બોજારૂપ લાગતી. પણ નાના છોકરાઓને દાદીમા સાથે મજા આવતી. દાદીમા પૂજા કરતી વખતે તેમને પાસે બેસાડતાં, પ્રસાદની સાકર આપતાં, મંદિરે જાય ત્યારે સાથે લઈ જતાં અને વાર્તાઓ કહેતાં. પણ સમય વહેતો ગયો તેમ વાર્તાઓ ખૂટવા લાગી. અશક્તિ વધતી ગઈ તેમ મંદિરે જવાનું ઓછું થઈ ગયું. છોકરાઓ મોટા થયા અને તેમને દાદીમાની વાતોને બદલે હુતુતુતુ અને ક્રિકેટમાં વધારે રસ પડવા લાગ્યો. પછી દાદીમા તેમને બોલાવતાં, ખોળામાં લઈ વહાલ કરવા જતાં, પણ છોકરાઓ અકળાઈને ઊઠી જતા. દાદીમા બોલાવે તો થોભ્યા વિના, દોડતાં દોડતાં જ જવાબ દઈ દેતા : ‘આજે નહીં દાદીમા, પછી વાત.’ દાદીમા ખાલી હાથે ઊભાં રહી જતાં અને પોતાના આનંદના આધારને આંગળીઓમાંથી સરી જતો જોઈ રહેતાં. આ જોયા પછી તેણે પોતાના નિશ્ચયને વધુ ઘૂંટ્યો હતો. વૃદ્ધાવસ્થાની એક મોટી કમનસીબી શરીરશક્તિની ક્ષીણતા છે. તેણે પોતાની તંદુરસ્તી જાળવવા બને તેટલો પ્રયત્ન કરેલો. ખાવાપીવામાં ધ્યાન રાખ્યું હતું. વધુ પડતો શ્રમ કરીને જાતને ઘસી નાખી નહોતી કે વધુ પડતી સુંવાળપમાં જીવીને હાથપગને કાટ લાગવા દીધો નહોતો. સમતુલાને તેણે જીવનનો નિયમ બનાવ્યો હતો. પૈસા વિશે પણ તેણે પતિ સાથે ઘણી વાર ચર્ચા કરી હતી. જીવનકાળ દરમિયાન જ પૈસાનો બધો કારોબાર દીકરાઓને સોંપીને પછી તેમના ઓશિયાળા થઈ રહેલા પોતાના મિત્રોને તેમણે જોયેલા. એટલે ડહાપણ વાપરી તેમણે પોતાને માટે વ્યવસ્થા કરી આગળથી વિલ કરી રાખ્યું હતું અને મૃત્યુ પછી તેની ન્યાયી વહેંચણી થાય તેવી ગોઠવણ કરી હતી. બંને સાથે હોય ત્યાં સુધી તો વાંધો નહોતો, એકબીજાને સંભાળી લેવાય. પણ પછી એમાંથી એક પણ જણ જશે… કલ્પના કરતાં તેનું હૃદય ધ્રૂજી જતું. પહેલાં પોતે જાય, એવી ઇચ્છા કરવામાં પ્રિય પતિનો દ્રોહ કરતી હોય એમ લાગતું. એને પોતે કેટકેટલી રીતે સાચવ્યો હતો! નાનીમોટી બધી ક્ષણોને હૃદયથી સીંચી હતી! અને છતાં તે સાવ પાંગળો ન બની જાય, પોતાનાં કામ સહેલાઈથી કરી લઈ શકે એવુંયે ધ્યાન રાખ્યું હતું. પતિ ઘણી વાર કહેતો : ‘તું નકામી આટલી ચિંતા કરે છે, બધું ઠીક થઈ રહેશે.’ તે હસતી : ‘એકના વગર બીજું જીવન કેવી રીતે ચલાવે છે, તે જોવા માટે આપણે હાજર રહી શકીએ તો કેવું સારું!’ પતિને ભગવાન પર ભરોસો હતો. ‘ભગવાન બધું સંભાળશે.’ ‘કેમ, ભગવાનને બીજું કાંઈ કામ નથી? એણે આપણને હાથપગ, મગજ ને ભવિષ્યની વ્યવસ્થા કરવા માટેની બુદ્ધિ શાને માટે આપી છે?’ માણસના હાથની જ વાત હોત, તો તેણે વૃદ્ધાવસ્થાને ઘરના દ્વારની બહાર જ રાખી હોત, માંદગીની છાયાને પોતાની પર પડવા ન દીધી હોત, અને મૃત્યુનું નામ જીવનમાંથી બહિષ્કૃત કર્યું હોત. ભવિષ્ય આપણે આગળથી જાણી શકતાં નથી તે દુઃખી થવા જેવી બાબત છે કે સુખી થવા જેવી? અમુક પ્રકારની પરિસ્થિતિ આપણા જીવનમાં ન આવે એવી દિવસરાત ઇચ્છા કરી હોય, એ વિશેના વિચારો મનમાં બહુ જ ઘૂંટ્યા હોય તેને લીધે જ શું એવી પરિસ્થિતિમાં મુકાવાનું આવતું હશે? એના માટેનો ભય જ એને પોતાની તરફ ખેંચી લાવતો હશે? પેલી વાર્તાની ‘બા’ની જેમ તેને પણ ત્રણ દીકરાઓ થયા. મોટો દીકરો ઇજનેર થઈને, પરણીને પરદેશ ચાલ્યો ગયો. અમેરિકામાં થોડાં વર્ષ રહીને પાછો આવીશ એમ કહેતો હતો. પણ ઘણાંની બાબતમાં બને છે તેમ તેની બાબતમાં પણ બન્યું. પહેલાં ઘણા પત્રો, ભારત પાછા આવવાની વાતનું ફરી ફરી ઉચ્ચારણ, વરસે બે વરસે ભારતની મુલાકાત… પછી બધું ધીમે ધીમે ઓછું થતું ગયું. અને છેવટે તેણે — ‘ભારતમાં ઓછા પૈસા મળે તેનો વાંધો નથી, પણ ત્યાં ઉત્તમ રીતે કામ કરવાની, આપણી શ્રેષ્ઠ શક્તિઓને વ્યક્ત કરવાની તક જ ક્યાં છે? ગંદકી, ગરીબી ચલાવી લેવાય. પણ લોકોનાં માનસ, ખટપટ, ઈર્ષ્યા, ભ્રષ્ટાચાર સામે ટકવાનું મુશ્કેલ છે — ’ કહીને તેણે અમેરિકાનું નાગરિકત્વ લઈ લીધું. ત્યાં રહીને તેણે વચેટ ભાઈને બોલાવ્યો. વચેટ માટે આગળ વધવાની, વધુ કમાવાની, ચોખ્ખા વાતાવરણમાં રહેવાની તક હતી. ના કેમ પડાય? ના પાડવાની તેની વૃત્તિ પણ નહોતી. તે સાશંક નજરે ઘટનાઓનો પ્રવાહ જોઈ રહી. પેલી વાર્તામાં બનતું હતું તેમ જ બની રહ્યું છે. સમાંતર પરિસ્થિતિના વહેણમાં તે તરતી હતી. એકાદ ક્ષણ નિર્બળતાના પૂરમાં ડૂબી જવાની લાગણી પણ થતી. બધા દીકરાઓને પોતાનું હીર રેડીને ઉછેર્યા હતા. મોટા દીકરાની વહુ સાથે સાસુ જેવો વ્યવહાર ક્યારેય નહોતો કર્યો. દરેક વ્યક્તિને પોતાના જીવન પર મૂળભૂત અધિકાર છે એવું તેના મગજમાં છેક નાનપણથી ઠસી ગયું હતું. એટલે વહુ પર પોતાની ઇચ્છા લાદવાનો કદી ઇરાદો રાખ્યો નહોતો. મતભેદને કારણે હવા ક્યારેક ગરમ થઈ જતી, પણ તેમાં એક સ્વાસ્થ્ય હતું. પણ એ મોટી વહુ તો પતિની સાથે પરદેશ ચાલી ગઈ. બીજો દીકરો અમેરિકા જવા જે રીતે થનગની રહ્યો હતો તે જોઈને આનંદીને મનમાં સહેજ ઓછું તો આવતું, પણ પછી તેને સમજાયું કે માબાપ ને સંતાનોના સંબંધમાં પરસ્પરતા નથી હોતી, તેમનો સંબંધ સીધી રેખામાં આગળ વિસ્તરે છે. દરેક માબાપ પોતાનાં સંતાનો માટે પોતાનું જીવન હોડમાં મૂકે છે અને એ સંતાનો તેમનાં સંતાનો માટે. કોઈ પાછું વળીને જોતું નથી. જીવનનો પ્રવાહ આગળ અને આગળ ચાલ્યો જાય છે. કર્તવ્ય અને જવાબદારીના દોરનું એક પાતળું સંધાન રહે છે, પણ પ્રેમની હોડી પાછી ફરતી નથી. દીકરાએ રજા માગી : ‘મા, હું જાઉં?’ અને તે પણ સમજદાર હતો એટલે હસીને ઉમેર્યું : ‘હું મોટાભાઈની જેમ ત્યાં રહી જવાનો નથી, હો મા! મને તો ભારતદેશ જ ગમે. ગમે તેવો તોયે આપણો દેશ, આપણી સંસ્કૃતિ, હજારો વર્ષથી પ્રકાશમાં રહેલાં આપણાં સત્યોનો વારસો… એ બધું ત્યાં ક્યાં મળવાનું હતું? પણ એક વાર તો પરદેશ ખેડવો જોઈએ. દૃષ્ટિ વિશાળ થાય, દૂરની ભૂમિ પર ઊભા રહી આપણા દેશને જોવાથી સાચો પરસ્પેક્ટિવ આવે…’ અને એ ‘પરસ્પેક્ટિવ’ શબ્દ મા બરોબર સમજશે એમ તેણે માન્યું, કારણ કે આનંદી પણ મુંબઈ યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ હતી. કોઈના જીવનમાં આડે ન આવી શકાય — એવી દૃઢ સમજણના ટેકે તેણે જરા જરા ધ્રૂજવા લાગેલા હૃદયને શાંત કર્યું. શરીર શાથી આમ કંપે છે? આ વિદાયની વેદના છે? એકલતાનો ભય છે? કે પછી વૃદ્ધાવસ્થાનો પગરવ છે? દીકરાને વિદાય આપી સીધાં બંને ડૉક્ટર પાસે ગયાં ને કાર્ડિયોગ્રામ કઢાવી લીધો. ‘આપણને નબળાં થવું પાલવે એમ નથી,’ તેણે પતિને કહ્યું અને પછી સહેજ શાંત બની ઘટનાઓ હવે કેવો વળાંક લે છે તેની રાહ જોઈ રહી. અમેરિકામાં એવું કયું સ્ટીમ રોલર છે જે ત્યાં જતા બધા લોકોનાં મન પર ફરી વળીને તેમને એકસરખાં, સપાટ, સમથળ બનાવી દે છે? — આનંદી મનમાં વિચાર કરી રહી. તેના હાથમાં વચેટ દીકરાનો પત્ર હતો. ‘અહીંની એક છોકરી સાથે લગ્ન કરવાનો છું. વિદેશિની કહીને તું નારાજ નહીં થાય એની મને ખાતરી છે. તારે મન હંમેશાં મનુષ્ય જ મહત્ત્વનો રહ્યું છે. મને પણ એના રંગ, ધર્મ, દેશ હેઠળ રહેલું નર્યું મનુષ્ય હોવાપણું જ આકર્ષી ગયું છે. તને છોકરી ગમશે. મને વિશ્વાસ છે.’ આશીર્વાદ મોકલવા સિવાય બીજું કશું કરવાનું નહોતું. તેણે આશીર્વાદ મોકલી આપ્યા. જવાબમાં ફોટો આવ્યો. એક સુંદર યુવતી. જોડાજોડ પોતાનો પુત્ર. એકમેકની પડછે શોભતાં હતાં. ‘એકબીજાના સાથમાં ખૂબ સુખી થાઓ — ’ તેણે ફરી વાર મનોમન આશીર્વાદ આપ્યા. ત્રીજો દીકરો રોહિત પણ ભણવામાં તેજસ્વી હતો. ‘ફૉરેન સર્વિસ’ માટેની પરીક્ષા તે આપી શક્યો હોત, અને તેને ઝળહળતી ફતેહ મળી હોત. પણ બે ભાઈઓ પરદેશમાં હતા, એટલે તેણે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. વહીવટી સેવાની પરીક્ષા આપી અને ઉચ્ચ સરકારી અધિકારી બન્યો. લગ્ન થયાં. વરસ પછી તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો ત્યારે ઘરમાં ચાંદનીનાં પૂર ઊભરાઈ રહ્યાં. પછી રોહિતની બદલી થઈ. માબાપને તેણે સાથે આવવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ બંનેએ ના પાડી. દીકરા કરતાંયે દીકરાની દીકરીનું ખેંચાણ ખૂબ હતું. પણ આનંદીએ ફરી ફરી સ્વ - અવલંબનની વાત ઘૂંટી, મન મક્કમ કરી અહીં જ રહેવાનું નક્કી કર્યું. છેવટે દીકરાએ હાર કબૂલી. કહ્યું : ‘પણ જે પળે તમને આવવાનું મન થાય, ત્યારે ક્ષણનાયે વિલંબ વિના તાર કરજો. નહીં તો લાઇટનિંગ કૉલ કરજો. હું આવીને લઈ જઈશ.’ જતાં જતાં તેની આંખ ભરાઈ આવી. વૃદ્ધ થવા આવેલાં માતાપિતા તેને નાનાં બાળકો જેવાં લાગ્યાં. પિતાને ખભે તેણે હાથ મૂક્યો. ‘મને વચન આપો કે તમારી જાતને સહેજ પણ તકલીફમાં નહીં મુકાવા દો.’ માબાપનું હૈયું ભીનું થયું. પુત્ર દૂર હોય કે સમીપ હોય, તેની લાગણીનો આવો સમૃદ્ધ ખજાનો પોતાને ચરણે ઠલવાયેલો છે. ચિંતા નથી. હસીને પુત્રને, પુત્રવધૂને, ચાંદનીધારાને વિદાય આપી. પછી બારણામાંથી અંદર જતાં સ્નિગ્ધ સ્વરે પતિને કહ્યું : ‘એકમેકને ટેકે આપણે આનંદથી જીવી જઈશું.’ વિધાતાએ એ સાંભળ્યું હશે અને એક મુક્ત હાસ્ય વેર્યું હશે. સ્વાવલંબનની વાત કરતાં કરતાં ટેકો લેવાની વાત ક્યારે આવી જાય છે, તેની ખબર નથી પડતી તો! ઘણી વસ્તુની ખબર નથી પડતી તો! સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપે, અણુના અસ્તિત્વનો પુરાવો મળતો હોય એવી સૂક્ષ્મ રીતે શરૂઆત થાય છે; અને પછી પાનીની કોરી રહી ગયેલી જગ્યામાંથી ક્યારે ‘કળિ’ પ્રવેશ કરી ઘૂંટણના સાંધામાં દર્દ રૂપે નિવાસ કરે છે તેની જાણ પણ થતી નથી. સહેજ લંગડાતાં લંગડાતાં તે રસોડામાં ગઈ. ઘણાં વરસે ફરી રસોડું હાથમાં આવ્યું. રોહિત આખા દિવસની બાઈની વ્યવસ્થા કરતો ગયો હતો, છતાં રસોડામાં નાનાંમોટાં કામ કરવાનાં રહેતાં. ફરીવાર બધી વસ્તુઓ પર પોતાનું નિયમન હોય તે ગમ્યું. બંને હવે ઘણુંખરું સાથે જ કામ કરતાં. ઘરની પાસે જ દૂધકેન્દ્ર હતું. પતિ ત્યાંથી દૂધ લઈ આવતો. બંને સાથે રસોડામાં જતાં, ચા બનાવતાં, દૂધ ગરમ કરતાં. પછી ટ્રેમાં મોટી કીટલી અને બે કપ લઈને બહાર વરંડામાં બેસીને ધીરે ધીરે ચા પીતાં; નીલ આભે ઊડતાં પંખી, દૂર રસ્તા પરથી પસાર થતા માણસો, ઝડપથી સરી જતાં વાહનો જોતાં. અવાજ વિનાની ચાલતી ફિલ્મ જેવું લાગતું. બંને એ માણતાં. બે છાપાં મંગાવતાં. રોહિતે મા ને બાપ બંને માટે, ગાદીવાળી ખૂબ સગવડદાયક આરામ-ખુરશી મંગાવી હતી. તેમાં બેસી બંને સાથે છાપાં વાંચતાં. કોઈક સમાચાર વિશે ચર્ચા કરતાં. સાથે રસોઈને લગતું કામ કરતાં. સાંજે ફરવા જતાં. યૌવનમાં સાથનો જે રોમાંચક આનંદ અનુભવ્યો હતો, તે ફરી વાર શાંત મધુર રૂપે જીવનમાં આવી મળ્યો હોય એમ લાગતું. તોપણ કોઈક વાર તેને લાગતું : દીકરો પાસે હોત તો? એ પ્રેમ હતો કે જરૂરિયાત હતી? પોતાને એકાદ દીકરી હોત તો! પણ તેયે પરણીને ચાલી ગઈ હોત. પછી પોતાને મળવા તે સહેલાઈથી આવી શકે કે નયે આવી શકે. સાસરિયાં કેવાં છે તેના પર આધાર. સ્ત્રી એટલે સ્વતંત્ર તો નહીં જ ને! પછી વળી થતું : પોતાને તો ત્રણ દીકરા છે. ત્રણે લાગણીવાળા છે. અને એક તો ભારતમાં જ છે! કોઈને એક જ દીકરો હોય અને તે પરદેશમાં વસી ગયો હોય એવાયે દાખલા તેણે પોતાના મિત્રવર્તુળમાં ક્યાં નહોતા જોયા? અને વળી એ વર્ષોનાં વર્ષોથી મળવા ન આવતો હોય — એવોયે દાખલો તેણે જોયો જ હતો તો! બધું જ પસાર થઈ જાય છે. સુખના દિવસો હોય કે દુઃખના દિવસો હોય — ઘરના ખૂણે આસન જમાવીને તે બેસતા નથી. દૂરની નિયતિની છાયાનો એક ટુકડો લંબાઈને વરંડામાં પથરાયો. ઘૂંટણનું દર્દ વધ્યું. ચાલવાનું — ફરવા જવાનું મુશ્કેલ બનવા લાગ્યું. પાચન પર અસર થઈ. હવે આનંદીની ઉંમર ૬૫ની હતી, પતિની ૬૮ની. હવે નિયતિ તરફની ધીમી પણ ચોક્કસ ગતિ જીવને પકડી લીધી હતી! પહેલાં પતિ માંદો પડ્યો. દવાઓ કરી પણ પીડા વધવા લાગી. ખબર પડી કે કૅન્સર છે. નાના દીકરાની હમણાં દેહરાદૂન બદલી થઈ હતી. તરત જ ત્યાંથી આવ્યો. પિતાને તેણે હૉસ્પિટલમાં દાખલ કર્યા, સારામાં સારી સારવાર મળે એવી વ્યવસ્થા કરી અને પછી રજા પૂરી થવાથી ચાલ્યો ગયો, પણ પત્નીને અને મોગરાના હાસ્યને મૂકતો ગયો. નાનકડી ચમેલીની હાજરીના ઝંકારથી ઘર રણઝણી ઊઠ્યું. સારું લાગ્યું. પણ માંદગીમાંથી હવે પાછા વળવાપણું નહોતું. પથારીવશ જીવન, અસહાયતા, દિવસરાતની ચાકરી, ખર્ચનો વધ્યે જતો આંકડો અને નિશ્ચિત લાગતું ભાવિ — બધું તે મૂંગા મને જોઈ રહી. કશું જ સ્થાયી નથી. કશું જ ટકી રહેતું નથી. હજી હમણાં જ યુવા કાળનો આનંદ નવા વેશે પાછો ઘરમાં આવ્યો હતો. પણ જીવન તો વહેતો પ્રવાહ છે. તે પથ્થર પણ વહાવી લઈ જાય છે; અને પુષ્પો પણ. છેવટે એ મહાન પળ આવી — મૃત્યુની અને મુક્તિની. બધા દીકરાઓ, દીકરાની પત્નીઓ, તેમનાં બાળકો આવી ગયાં હતાં, અંતિમ વિદાય માટે. એક ક્ષણ આનંદીને થયું કે જીવન કરતાં મૃત્યુનો મહિમા વધારે હશે? અમેરિકા રહેતા બંને દીકરા છેલ્લાં સાત વરસથી આવ્યા નહોતા, આવી શક્યા નહોતા. પણ મૃત્યુની ઘડીનું માન તેમણે જાળવી લીધું છે. બધું પતી ગયું. મોટા બે દીકરાઓ કુટુંબ સાથે પાછા પરદેશ ચાલ્યા ગયા. માને સાથે આવવા બહુ આગ્રહ કર્યો, પણ તેણે ના પાડી. પતિની માંદગીએ ધાર્યા કરતાં ઘણું વધારે જીવનબળ તેનામાંથી શોષી લીધું હતું. નાનો દીકરો સહુથી વધુ રોકાયો. અને તેણે માની ના સાંભળી નહીં. ‘તું નહીં આવે તો હું ઉપવાસ કરીશ.’ છેવટે તે સાથે ગઈ. મનમાં એથી શાતા પણ અનુભવી : ‘હું એકલી નથી.’ દેહરાદૂનની ખીણોનાં વાદળાં, ધુમ્મસ, દૂરના પહાડો પર સરતી છાયાઓ જોઈ તે ખુશ થઈ. થોડેક ઊંચે મસૂરી હતું. શનિરવિની રજાઓમાં દીકરો તેને ગાડીમાં મસૂરી ફરવા લઈ જતો. સાંધાની તકલીફ વધી હતી પણ હવે ચાલવાનું નહોતું. ગાડી હતી. દીકરાએ પરાણે હોમિયોપથીની દવા કરાવડાવી. પીડા જરા ઓછી થઈ. પોતાના જ અવલંબન પર જીવવાની વાત મનમાં સળંગ ચાલી આવી હતી, છતાં આમ દીકરાના કુટુંબ સાથે રહેવાથી મનમાં ખૂબ સુખ લાગ્યું. પણ મુશ્કેલીઓનાં નાનાં નાનાં ઝાંખરાં તો આ સુખની વાટમાં પણ કદીક ઊગી નીકળતાં હતાં. દીકરો સરકારી અધિકારી હતો. તેને ત્યાં અવારનવાર પાર્ટીઓ યોજાતી. હવેની પાર્ટીઓમાં શું શું હોય છે, તેની સહુને ખબર છે. આનંદી ભલે ને યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ રહી, એ તો ૪૫ - ૪૮ વર્ષ પહેલાંની ઘટના. અત્યારના જમાના સાથે તેનો તાલ કેમ મળે? એટલે પાર્ટી હોય ત્યારે કલાકો સુધી તે અંદરના રૂમમાં ભરાઈ રહેતી. દીવાનખંડમાં તે બેઠી હોય અને દીકરાની વહુને બીજા અમલદારોની ભપકાદાર પત્નીઓ મળવા આવે, ત્યારે તે સમજીને જ, ઊઠીને અંદર ચાલી જતી. તેનાં કપડાં પણ સાદાં, ચોળાયેલાં હોય. ઘરમાં કાંજીવાળી કડક સાડી પહેરવાનું તેને ફાવતું નહીં. સિન્થેટિક સાડી તો તેણે ક્યારેય પહેરી નહોતી. પેલાં બધાં રુઆબદાર વસ્ત્રોની વચ્ચે પોતાનાં શોભાહીન વસ્ત્રો ખરાબ લાગતાં હશે એમ તે અનુમાન કરી શકતી. ઘણી વાર તેને નાની વસ્તુઓની નાની જરૂર હોય, પણ નોકર ઘરનાં, દીકરાનાં કામોમાં રોકાયેલો હોય. તેને ક્યારેક થતું : પોતે ઘરમાં જાણે ક્યાંક નડે છે. ગમે તેમ, પણ પોતે મહેમાન છે. આ ઘર દીકરાનું છે, પોતાનું નથી. ‘દેશ’માંથી પત્રો આવતા. ગુલાબબહેનના પતિ હાર્ટ ઍટેકથી અચાનક ગુજરી ગયા… સુમનભાઈનાં વહુને પડી જવાથી ફ્રૅક્ચર થયું છે, ટ્રૅક્શનમાં પગ રાખવો પડશે… મીનામાસીના વર ખૂબ માંદા છે. ડૉક્ટરોએ આશા છોડી દીધી છે. એક પછી એક પછી એક — દીર્ઘ સમયથી પરિચિત રહેલાં, જેમની સાથે સ્નેહનું આદાનપ્રદાન થયેલું તેવાં સંબંધીઓ હવે વિદાય લેવા લાગ્યાં હતાં. એક વાર દીકરાના એક મિત્રે તેમને જમવા માટે આમંત્રણ આપ્યું. ‘સાથે તમારાં માને પણ લેતાં આવજો.’ તેણે વિવેકથી કહ્યું. તે બીજા રૂમમાં બેઠી બેઠી સાંભળતી હતી. જરા ખુશ થઈ. ચાલો, કોઈને ઘેર જવાશે. અહીં તો પોતાના કોઈ ઓળખીતા ન હોવાથી કોઈની સાથે ઝાઝી વાતચીત કરવાનું જ બનતું નહીં. વળી અહીં ભાષા પણ જુદી. મિત્રના ઘરનાં લોકો સાથે ગુજરાતીમાં વાતો કરી શકાશે; નવાં મોં, નવા અવાજો સાંભળવા મળશે. પણ ત્યાં તેણે દીકરાની વહુને બોલતી સાંભળી : ‘ના, ના, મા તો એમ કોઈને ત્યાં જતાં જ નથી. તેમને એવું બધું ન ફાવે.’ પતિને વિદાય આપતાં તે મક્કમ રહી હતી, પણ એ દિવસે એની આંખ ભીની થઈ ગઈ. અજાણતાં જ તે પતિને ઉદ્દેશીને બોલી : ‘તમે ક્યાં છો?’ પછી એક મોટી વાત બની. વરસે એક વાર દીકરાને રજા મળે. લાંબા સમયથી તેમણે ૨૫ દિવસ જાપાનની ટૂરમાં જવાનું ગોઠવી રાખેલું. બરોબર છે. જુવાન ઉંમરે તેમણે હરીફરી લેવું તો જોઈએ. ઘણો સમય કામ કર્યા પછી રજા ભોગવવાનો પણ તેમને અધિકાર છે. પણ માનું શું કરવું? — તે પ્રશ્ન તેમને મૂંઝવતો હતો. આનંદીએ કહ્યું કે હું એકલી રહીશ, મારી ચિંતા ન કરો. પણ તેમનું મન માનતું નહોતું. માની સંભાળ રાખવા, માને કંપની આપવા, માને કંઈ થયું તો ધ્યાન રાખવા ઘરમાં કોઈક સમજદાર માણસ જોઈએ જ. બહુ દિવસની શોધ પછી એક શિક્ષિત સન્નારી મળ્યાં. તે એકલાં જ રહેતાં હતાં. તેમણે થોડીક શરતો સાથે, પાસે આવીને રહેવાનું કબૂલ્યું. દીકરાની વહુએ સંકોચભર્યા અવાજે કહ્યું : ‘બહેન સારા ઘરનાં છે. તમને મઝાનો સાથ મળી રહેશે. પણ…’ તે અચકાઈ. ‘શું બેટા?’ આનંદીએ હળવા સ્વરે કહ્યું. ‘બા, તમે છે ને, ભૂલી બહુ જ જાઓ છો. જૂના ભૂતકાળની એકની એક વાતો ફરી ફરી કરો છો. તો જરા ધ્યાન રાખજો. એ કંટાળીને ચાલ્યાં જશે તો મુશ્કેલી પડશે… અને માફ કરજો, પણ તમને જરા ઓછું સંભળાય છે એટલે તમે ટીવી મોટેથી વગાડો છો, પણ તેમણે શરત કરી છે કે ઘરમાં ઘોંઘાટ નહીં હોય તો જ હું રહીશ. એટલે… જરા ધીરે વગાડશો ને બા?’ તેણે ખૂબ વિનયથી આનંદીને માઠું ન લાગે તેની બધી રીતે સંભાળ રાખીને કહ્યું : ‘જુઓને, ૨૦ - ૨૫ દિવસનો જ સવાલ છે. ત્યાં તો અમે આવતાં રહીશું.’ બિચારાં છોકરાંઓ! પહેલાં તો દર શનિ-રવિ દૂર દૂર ફરવા જતાં. માના આવતાં એ ઓછું થઈ ગયું. હવે આ પરદેશ પહેલી વાર ફરવા જવું છે. કેટલો ઉત્સાહ! પણ માની ચિંતા તેમને સતાવે છે. તે ઝડપથી પોતાના રૂમમાં ગઈ અને બૅગને છેક તળિયેથી મૅટ્રિક વખતની ગુજરાતી ચોપડી બહાર કાઢી. ‘બા’ વાર્તા ફરી વાંચી. ના, મારે આમ ફસડાઈ પડવું નથી. તેં શું નિર્ણય કર્યો હતો, ભૂલી ગઈ આનંદી? તેમના જવાના અઠવાડિયા અગાઉ આનંદીએ કહ્યું : ‘રોહિત, બેટા, મને ઘેર જવાનું બહુ જ મન થયું છે. મને ત્યાં મૂકી જા ને!’ અને દીકરાના મોં પર વાદળી ફરકી જતી જોઈ બોલી : ‘ત્યાં કાળીબહેન તો હજીયે આઉટ હાઉસમાં રહે જ છે ને! એની દીકરીઓયે મોટી થઈ ગઈ છે. એના વર છે. બધાં મદદ કરશે. અને ગામમાં તો આપણાં કેટલાંય સગાંવહાલાં છે. મને ગમશે. તું જરાયે ફિકર કરીશ નહીં.’ રોહિતે પહેલાં આનાકાની કરી, પછી મૂકવા જવા તૈયાર થયો. તે વખતે વળી જરા માઠું લાગ્યું. ‘તું નહીં આવે તો હું ઉપવાસ કરીશ —’ એક વાર કહેલું. પણ હવે ‘તું જશે તો હું નહીં જમું — ’ એવું તે કહે તેની અપેક્ષા શું પોતાને હતી? આનંદી, મનથી તું એક વાત વિચારે છે અને હૃદયથી બીજી લાગણી અનુભવે છે. તેં કહેલું : જીવન એક જ છે અને તે ઉત્તમ રીતે જીવી જવું જોઈએ. એમ જીવતાં પહેલાં તારા મનને ઓળખ, તારા આંતરપ્રવાહને ઓળખ — ’ તેણે પોતાની જાતને કહ્યું. …મોટા કમ્પાઉન્ડમાં સુંદર વૃક્ષો બધાં ઝાંખાં થઈ ગયાં હતાં. ફૂલછોડનાં ઠૂંઠાં રહ્યાં હતાં. ઠેર ઠેર ઘાસ ઊગીને સુકાઈ ગયું હતું. હોજમાં પથરા પડ્યા હતા. બારીબારણાંના મિજાગરા કટાઈ ગયા હતા. ‘હું માણસોને બોલાવીને બધું સરખું કરાવી લઈશ,’ તેણે રોહિતને આશ્વાસન આપ્યું. પૈસા તો ત્રણે દીકરાઓએ તેને ખૂબ આપ્યા હતા, એટલે એ ચિંતા નહોતી. રોહિત ગયો. તેની વિદાયની ક્ષણે ફરી તે એક રોમાંચકતા અનુભવી રહી. જીવનમાં આટલા બધા વળાંકો આવશે એમ કોણે ધાર્યું હતું? કાળીબહેનને, તેમના વરને, દીકરા-દીકરીઓને પહેલાં તો તેણે ખૂબ ભેટો આપી. આટલો વખત ઘર સાચવવા માટે આભાર માન્યો. પછી તેમની પાસે ઘર સાફ કરાવડાવ્યું. રંગ કરાવ્યો. જૂનો સામાન ફેંકાવી દીધો. નવી જરૂરની વસ્તુઓ વસાવી. ઉપરનીચે મળીને પાંચ તો બેડરૂમ હતા. ત્રણ દીકરાઓના ત્રણ, એક પોતાનો અને એક મહેમાન માટે. શા શોખથી બંગલો બંધાવ્યો હતો! પતિના મૃત્યુ પછી ગુલાબબહેન એકલાં હતાં. આનંદી આવી જાણીને થોડા દિવસ પછી મળવા આવ્યાં. ખૂબ વાતો કરી. હસ્યાં. સાથે જમ્યાં. રાત પડી ગઈ. આનંદીએ કહ્યું : ‘અહીં જ રહી જાઓ ને! ઘેર ક્યાં કોઈ વાટ જોવાનું છે?’ ગુલાબબહેન રહી ગયાં. બીજે દિવસે સુમનભાઈ અને તેમનાં પત્નીને ખાસ સંદેશો મોકલી બોલાવ્યાં. એમનાં પત્ની લાકડીને ટેકે ટેકે ચાલતાં હતાં. એક બેડરૂમ તેમને આપ્યો. આ તો સરસ ગોઠવાઈ ગયું. હજી બે રૂમમાં કોઈ રહી શકે. એકલું કોણ કોણ છે? અને પાછું જેની સાથે ફાવે તેવું? વસંતભાઈ એકલા હતા. ગામમાં દીકરી હતી, અવારનવાર ખબર કાઢતી, જમવા માટે ટિફિન મોકલતી. પણ એકલા તો ખરા જ ને? તેમને બોલાવ્યા. છેલ્લે મીનામાસી આવ્યાં. ૭૦માં એક-બે ઓછાં પણ સશક્ત, ગોળમટોળ, હસમુખાં, પોતાની મજાક કરી શકે એવાં. આવીને બધાં બેઠાં હતાં તે જોઈને હસતાં હસતાં બોલ્યાં : ‘લે અલી, તેં તો આવીને ઘરડાઘર કર્યું ને શું?’ સુમનભાઈનાં પત્નીને ‘ઘરડાં’ શબ્દ ગમ્યો નહીં. ‘એવું શું કહો છો? આ તો આપણું નવું ઘર છે.’ આનંદ અને વાતો અને સહિયારા ઘર માટે પૈસાની વ્યવસ્થાની ચર્ચા — બધાંથી વાતાવરણ જીવતું થઈ ગયું. બધાંને લાગ્યું કે પોતે કંઈક વધુ જીવંત બન્યાં છે. એક નવા ઉત્સાહથી તેમનો પ્રાણ થનગની રહ્યો અને પછી આનંદી પોતાના રૂમમાં જઈ, બૅગમાંથી પેલી વાર્તા લઈ આવી. ‘ચાલો, બધાં બેસી જાઓ અને ધ્યાનથી સાંભળો. હું એક સરસ, પણ આપણને કામની નહીં એવી વાર્તા કહું,’ અને પછી તેણે સ્પષ્ટ અવાજે ‘બા’ વાર્તા વાંચવી શરૂ કરી. ૧૯૮૨