આમંત્રિત/૧૩. જૅકિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૧૩. જૅકિ

યુરોપના દેશોમાં શિયાળો બેસે એટલે દિવસ ખૂબ ટૂંકો થઈ ગયેલો લાગે. અંધારું ચાર વાગતાંમાં થવા માંડે. છેક ઉત્તરના દેશોમાં તો બપોરના અઢી વાગ્યાથી. ત્યાં તો જાણે ધોળી બપોરે ખરેખરા તારા પણ ક્યારેક જોઈ શકાતા હશે. ડિસેમ્બરનો મહિનો બહુ આકરો ના લાગે. ઠંડી અને અંધારું તો વધવા માંડ્યાં હોય, પણ ક્રિસ્મસની સીઝન ચાલતી હોય, એટલે બધાં શહેરોના રસ્તાઓ પર લાઈટો મૂકાઈ ગઈ હોય. અંધારું થતાંમાં જ બધું ઝગમગી ઊઠે. પૅરિસ તો વર્ષના દરેક દિવસે, ભલેને કોઈ પણ સીઝન હોય, સુંદર જ દેખાય. કોલ પોર્ટર નામના અમેરિકન મ્યુઝિશિયને લખેલું પૅરિસ પરનું એક ગીત, સાદા જ શબ્દોમાં, એની એવી તો પ્રેમ-પર્શંસા કરે છે - એટલું વિચારતાં જ જૅકિ ખુશ થઈ ગઈ. એ ગીત ગાયું છે તો ઘણાં જાણીતાં યુરોપી અને અમેરિકન ગાયકોએ, પણ એમાંયે ફેમસ ઍન્ડ ફેવરીટ સિંગર ફ્રૅન્ક સિનાત્રાના રેશમી અવાજમાં તો એ ગીત બહુ જ રોમાન્ટીક લાગે છે, જૅકિને ખાતરી હતી. ગીતકાર એક એક લીટીમાં એક એક ઋતુને ચાહવાનો ઉલ્લેખ કરે છે - સ્પ્રીન્ગ ટાઇમ, કે ઑટમ્ન, કે વિન્ટર, કે સમર; ને પછી કહે છે, ‘હું પૅરિસને દરેક ક્ષણે ચાહું છું, આખા વર્ષની દરેક ક્ષણે ચાહું છું.’ આ બધા જ શબ્દો જૅકિને ખૂબ રોમાંચક લાગતા. પણ એ તો કામ માટે પૅરિસ ગઈ હતી, એટલે એને તો સવારથી મોડી સાંજ સુધી અંદર ને અંદર જ, ઑફીસોમાં અથવા કૉન્ફરન્સ હૉલમાં રહેવું પડતું. મીટિન્ગો આખો દિવસ ચાલુ ને ચાલુ. બે અઠવાડિયાંથી વધારે દિવસો આમ જ ગયા હતા. એનાં પૅરન્ટ્સને મળવા એ માંડ એક રવિવારે પૅરિસથી સબર્બન ટ્રેન લઈને જઈ શકી. બેએક કલાક જ થાય, એ સબર્બ સુધી ટ્રેનમાં જતાં. કેટલા વખતે એ મમા અને ડૅડને મળી. મમાને તો એ સૂકાયેલી ને થાકેલી લાગી, પણ ડૅડને ગર્વ થતો હતો કે છોકરી કેટલી હોંશિયાર છે. સોમવારે બપોર સુધી એણે રજા માગી હતી, એટલે એ રાતે ત્યાં સૂઈ શકી. એણે કહ્યું, કે મીટિન્ગો પતે પછી એ છ-સાત દિવસ માટે પાછી આવશે, અને આ વખતે ક્રિસ્મસ એ મમા અને ડૅડ સાથે જ ગાળશે. “હા, ચોક્કસ. વચન આપું છું, બસ?” ત્યાં સુધી મમાએ ધીરજ રાખવાની હતી. આ દરમ્યાન બે સાંજે એ કઝીન પૉલને મળી હતી. એક વાર તો રાત જ થઈ ગઈ હતી, પણ જેમ ન્યૂયોર્ક શહેરમાં, તેમ પૅરિસમાં, અસંખ્ય લોકો, મોડી રાત, કે વહેલી સવાર સુધી, ઊંઘવાની ચિંતા જ ના કરતા હોય. એણે જૅકિને કહ્યું હતું, “મને કઝીન પૉલ કહીને ના બોલાવ્યા કર. મને પૉલ કહે, પ્લીઝ.” “ઓહ, સારું, સારું”, જૅકિ બોલી હતી. એ રાતે એ જૅકિને ‘મોલાઁ રુઝ’ નામની વિખ્યાત નાઇટ-ક્લબમાં લઈ ગયો હતો. સૌ પ્રથમ ૧૮૮૯માં એ ખુલેલી, ને પૅરિસના શ્રીમંત લોકો, તેમજ ખીસ્સાંખાલી કળાકારો પણ ત્યાં રોજ રાતે ભેગા થતા. ટૂલૂશ દ લૉટ્રેક નામના એક ધનિક, પણ અપંગ ચિત્રકાર રોજ ત્યાં બેસીને ડાન્સર ગર્લ્સનાં ચિત્ર કરતા. હજી આ ક્લબમાં કૅબૅરૅ ડાન્સના કાર્યક્રમો રજૂ થતા જ હતા, પણ એના ઘોંઘાટથી દૂર, ડિનર માટેના એક નાના કક્ષમાં પૉલે રિઝર્વેશન કરાવ્યું હતું. એ સોફિસ્ટિકેટેડ વાતાવરણમાં ચાર જણનું જાઝ બૅન્ડ ધીમું ધીમું જાઝ સંગીત વગાડતું હતું. જરા વાર વાઇન પીતાં બેસીને પછી પૉલે જૅકિને ડાન્સ કરવા માટે પૂછ્યું. આમ તો, સાથે ઊભાં રહીને થોડું થોડું હાલવાનું હોય, આ સંગીત સાથે. જૅકિએ નોંધ્યું કે પૉલ જરા વધારે નજીક રહેલો હતો. ભઈ, કોઈ ફ્રેન્ચમૅન આમ ડાન્સ કરતા હશે, એણે વિચાર્યું. એમણે જમવાનું શરૂ કર્યું ત્યાં જ એક સંિગર સ્ટેજ પર આવી, બૅન્ડના વાદકોએ સંગીત બદલ્યું, અને નાના એ કક્ષમાં ફ્રેન્ચ ભાષાના મૃદુ ઉચ્ચારોનો ધ્વનિ ફેલાઈ ગયો. તરત જ જૅકિએ કાંટા-ચમચી મૂકી દઈને ઊંચું જોયું. પૉલ એની સામે ખૂબ પ્રેમથી જોઈ રહેલો લાગ્યો. “શું? તને ખબર હતી કે અહીં આવું ગાયન હશે?”, પહોળી આંખે જેકિએ પૂછ્યું. પૉલે સ્મિત આપ્યું, અને એનો હાથ પોતાના હાથમાં લીધો. એ યુવતીનો અવાજ જોસેફીન બેકર જેવો જ હતો, કે પછી ગાવાની બરાબર એના જેવી સ્ટાઇલને લીધે લાગતો હોય. એકદમ પ્રમાણભૂત હતું એ ગાયન. ન્યૂયોર્કમાં રૉલ્ફ અને કૅમિલના અપાર્ટમેન્ટમાં બેસીને એમની સાથે જોસેફીનને સાંભળી હતી, ને હવે અહીં, પૅરિસની આ વિખ્યાત જગ્યામાં. આ તો પર્ફેક્ટ ઍન્ડ ઑથૅન્ટિક ઍક્સ્પિરિયન્સ કહેવાય. બીજી વાર મળ્યાં ત્યારે હજી સાંજ હતી. પૉલ એને સેન નદીના પટ પર બનેલા પહોળા પથ પર ચાલવા લઈ ગયો. પૅરિસમાં આ પ્રવૃત્તિ પણ બીલકુલ લાક્ષણિક ગણાય. સાંજને સમયે સેન નદીનાં પાણીને વહેતું જોતાં, મંદ પવનને અનુભવતાં, આકાશમાંના રંગોને માણતાં આ સાંધ્ય-વિહારનો બહુ મહિમા છે. અચાનક એક ક્ષણે જૅકિને હડસન નદી યાદ આવી ગઈ. જેવું પૅરિસ પ્રિય, તેવું જ તો એને ન્યૂયોર્ક પ્રિય હતું. હડસન નદી પરના પાર્કમાં ચાલવાની પ્રવૃત્તિ પણ એણે કેટલી બધી વાર માણી હતી. ને ત્યારે એ મનોમન સંકોચ પામી ગઈ. એણે આ દિવસોમાં સચિનને લગભગ યાદ જ નહતો કર્યો. એને ભૂલી ગઈ હતી, એમ નહીં, પણ જાણે એને યાદ કરીને એની ખોટ અનુભવી નહતી. આવું કેમ થયું? સચિન એવો સજ્જન હતો કે એ કશી જબરાઈ કરી જ શકતો નહતો. એણે જૅકિને કહ્યું પણ નહતું કે ઇ-મેલ લખજે, તારા ખબર આપતી રહેજે. જોકે એના મનમાં તો એમ જ હતું. શું જૅકિ એ નહતી જોઈ શકતી? તો પછી એણે જ સચિનની યાદ ટાળી ને? પોતાના જ વિચારોમાં જૅકિ એવી પરોવાઈ ગઈ કે આજુબાજુ પ્રત્યે એ બેધ્યાન થઈ ગઈ. પૉલ એને કાંઈ કહેતો હતો, પણ જૅકિએ કશું સાંભળ્યું નહતું. છેવટે પરાણે એ બોલી, “હા, બહુ સરસ સાંજ છે.” “હું તને પૂછું છું કે લૅફ્ટ બૅન્ક પર જમીશું આજે?”, પૉલ એનો ખભો જરા હલાવતો હતો. જૅકિ સબૉર્ન યુનિવર્સિટીના એરિયાથી બહુ પરિચિત હતી. ત્યાં જ તો અભ્યાસ કર્યો હતો એણે. એક નાની વેજિટેરિયન રૅસ્ટૉરાઁ એ જાણતી હતી. પૉલને નવાઈ તો લાગી જૅકિની આ પસંદથી, પણ એણે વિરોધ ના કર્યો. જૅકિ ઘણી શાંત હતી. પૉલ સમજ્યો કે થાકી હશે. જૅકિના મનમાં સંઘર્ષ ચાલતો હતો. પાછાં ન્યૂયોર્ક જઈને જલદીથી સચિનની સાથે કોઈ નિર્ણય પર આવવું જ પડશે. નહીં તો પૉલ દેખાવડો હતો, હોંશિયાર હતો, અને સફળ અર્થશાસ્ત્રી હતો. પોતાને માટેનું એનું આકર્ષણ હવે જૅકિને સભાન બનાવતું હતું. ક્રિસ્મસના ત્રણ દિવસ પહેલાં જૅકિએ પૅરન્ટ્સ પાસે જવાનું નક્કી કરેલું. ટ્રેનથી બે કલાક થાય, પણ પૉલ એને મોટરમાં મૂકી જવા માગતો હતો. મોટરમાં તો એ ‘લ પેક’ સબર્બ સુધી જતાં દોઢેક કલાક જ થાય. એણે કહ્યું, “પૅરિસની બહાર સેન નદીનું સ્વરૂપ કેવું છે, તે તને જોવા મળશે. ત્યાં એક સરસ કાફે છે. આપણે લંચ લઈ શકીશું.” જૅકિને પણ થયું કે કુદરતી પરિસર જોવો ગમશે. મમા અને ડૅડને જૅકિની સાથે કોઈને આવેલું જોઈને નવાઈ લાગેલી. ઓળખાણ થઈ પછી પૉલ સાથે તરત હળી પણ ગયાં. પૉલ એમને માટે મોંઘા ફ્રેન્ચ વાઇનની બે બૉટલ લાવેલો .એની તો જૅકિને પણ ખબર નહતી. કેટલા આગળથી પ્લાન કરીને ખરીદી રાખી હશે એણે. મમાએ વિવેક કર્યો, કે બે બૉટલ ના હોય, પણ ડૅડ તો તરત એમાંની એક ખોલવા લાગી ગયા. પછી તો મમાએ નાસ્તા માટેની ચીજો લાવીને મૂકી - ચીઝ, ઑલિવ, ક્રૅકર્સ, અને ફ્રેન્ચ બૅગૅટ-બ્રૅડ. આ લાંબી લાક્ષણિક ફ્રેન્ચ બ્રૅડ બધાં રોજેરોજ ખરીદે. લગભગ તો એ જ દિવસે પૂરી પણ થઈ જ જાય. પૉલની સાથે મમા અને ડૅડને બહુ મઝા આવી, તે જૅકિ જોઈ શકી. પૉલ મળતાવડો તો હતો જને. વળી, ડૅડને એની સાથે ફ્રાન્સની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ વિષે ચર્ચા કરવામાં બહુ રસ પડી ગયો. જતાં પહેલાં પૉલે જૅકિને કહી દીધું કે જૅકિ કહેશે ત્યારે લેવા એ આવશે. “એવું કાંઈ બહુ દૂર નથી, અને આ રસ્તા પર ખાસ ટ્રાફીક પણ હોતો નથી.” મમા અને ડૅડ સાથે જૅકિ ક્રિસ્મસની સવારે ચર્ચમાં ગઈ. કેટલા બધા વખતે ત્રણેને સાથે જવાનો ચાન્સ મળ્યો. આનાથી જ એમનો સમય સ્પેશિયલ થઈ ગયો હતો. સાથે પસાર થતો દરેક દિવસ એમને ખાસ જ લાગતો હતો. સવારે ડૅડ સાથે જેકિ પાછળના પાર્કમાં ચાલવા જતી. ડિસેમ્બર હતો, એટલે નહતાં ફૂલો, કે ઝાડ પર પાંદડાં યે; પણ પોતાને ઘેર હતી, મા-બાપની સાથે હતી, એટલે બધાંમાં જ એને આનંદ મળતો હતો. બંને પાછાં આવે ત્યારે ઘેર બ્રેકફાસ્ટ તૈયાર હોય. જૅકિને બધું ખાવા મમા આગ્રહ કર્યા કરે. જૅકિ કહે, “મમા, બસ. મારું વજન કેટલું વધી જશે, ખબર છે?” ડૅડ હસીને કહે, “કાંઈ નહીં. તું નવાં કપડાં ખરીદજે. હું તને બ્લૅન્ક ચૅક આપું છું, બસ?” એક વાર મમાએ કહેલું, “જૅકિ, હું અને ડૅડ બહુ ખુશ છીએ, કે તને પૉલ જેવો સરસ યુવાન મળી ગયો છે. અમને બહુ ગમી ગયો છે. હવે તું ફ્રાન્સ પાછી આવી જવાની ને? ઑફીસ તારી ટ્રાન્સફર સહેલાઈથી કરી આપી શકશે, ખરું? તો ક્યારે આવવાનો પ્લાન કરે છે?” સાંભળીને જૅકિ સ્થિર થઈ ગઈ હતી. અરે, મને ને પૉલને સાથે જોઈને મમાને, અને ડૅડને પણ, આવો ખ્યાલ આવી ગયો છે? હવે હું પાછી પૅરિસ આવી જઈશ, એમ માનવા લાગી ગયાં છે? એટલે હવે એમને મારે નિરાશ કરવાનાં. એણે કહ્યું, “મમા, તમે આટલું બધું વિચારી લીધું? મને પહેલેથી પૂછવું તો ખરું. જુઓ, મારી ને પૉલ વચ્ચે એવું કશું નથી. એની સાથે મારે ઓળખાણ થોડા જ વખત પહેલાં થઈ છે. અમે બહુ વાર મળ્યાં પણ નથી.” “પણ જૅકિ, દેખાઈ આવે છે કે એ તને ખૂબ પસંદ કરે છે.” “તે હશે, મમા, પણ મારે ન્યૂયોર્ક જાઉં પછી આ બાબત માટે વિચારવાનું છે.” “એટલે?,” મમાએ જરા ગભરાઈને પૂછૃયું, “ન્યૂયોર્કમાં બીજું કોઈ તને પસંદ પડ્યું છે?” શું કહે જૅકિ? પસંદ તો પડ્યું છે, પણ એને હું પસંદ છું કે નહીં — પણ એણે ન્યૂયોર્ક જવાની ટિકિટ કરાવી લીધી. કોણ કોને પસંદ હોય કે ના હોય, હવે એને જલદી ન્યૂયોર્ક પહોંચી જવું હતું. પૉલ એને ‘લ પેક’ સબર્બમાંથી લેવા આવ્યો ત્યારે રસ્તામાં એણે ઉત્સાહથી કહ્યું, કે “રૉલ્ફ અને કૅમિલ ત્રીસમી ડિસેમ્બરે પૅરિસ આવી જવાનાં છે, એટલે આપણે ચાર જણ વર્ષના છેલ્લા દિવસો સાથે ઊજવીશું.” જૅકિએ તો ઓગણત્રીસમી તારિખની ટિકિટ કરાવી લીધી હતી, અને એને એ બદલવા માગતી નહતી. પૉલને અચાનક કશો ખ્યાલ આવ્યો હશે તે એણે પૂછ્યું, બરાબર મમાની જેમ, “એટલે? ન્યૂયોર્કમાં બીજું કોઈ તને પસંદ પડેલું છે?” જૅકિના મોઢા પરના ભાવ જોઈને એ જવાબ સમજી ગયો, અને છંછેડાઈને બોલ્યો, “તો પછી મને તેં દોર્યા કર્યો અત્યાર સુધી? આટલું સાથે હર્યાં-ફર્યાં ત્યારે તું મને કહી ના શકી? એટલી ડિસન્સી ના બતાવી શકી તું?” અરે, ન્યૂયોર્કમાંનો પેલો છોકરો આમ છંછેડાઈને આવું કંઈક બોલતો હોત તો.