આત્મનેપદી/1984/સાહિત્ય અકાદમીનું વિસર્જન કરી નાખવું જોઈએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


1984/સાહિત્ય અકાદમીનું વિસર્જન કરી નાખવું જોઈએ

સુરેશ જોષી

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> 1984

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સાહિત્ય અકાદમીનું વિસર્જન કરી નાખવું જોઈએ

પ્ર. : આપણા સ્ટેટસ કોન્શ્યસ સમાજમાં, જ્યાં માનઅકરામ મેળવવા અનેકાનેક કાવાદાવા અને પ્રપંચો થતા હોય છે, ત્યાં તમે કરેલો સાહિત્ય અકાદમી એવોર્ડનો અસ્વીકાર ઠીક ઠીક વંટોળ જગાવનારો બન્યો છે.

ઉ. : જે સર્જક પોતાની એકતામાં શ્રદ્ધા રાખે છે અને પોતે જે કંઈ કરી રહ્યો છે તેનામાં પૂરી શ્રદ્ધા દાખવે છે તેને મન આવા એવોર્ડ્ઝનું કશું મહત્ત્વ નથી. આવી બાબતો પાછળ તે રઘવાયો થતો નથી. સરકાર યા અન્ય કોઈ પણ સંસ્થા તરફથી માન્યતા મેળવવાની જરૂર ઊભી થાય ત્યારે તેના પોતાનામાં કશુંક ખૂટતું હોવાની સાબિતી મળી જાય છે. એવોર્ડનો અસ્વીકાર કરવામાં કોઈ અસામાન્ય ધાડ નથી મારી. પણ સામ્પ્રત સમાજમાં એને અતિશયોક્તિપૂર્વક મહત્ત્વ આપવામાં આવે છે.

પ્ર. : એવોર્ડના અસ્વીકાર પાછળ તમારી પાસે કઈ ભૂમિકા હતી?

ઉ. : જાત સાથેની પ્રામાણિકતાનો પ્રશ્ન હતો. સર્જનાત્મક લેખક તરીકે મારે મન એ સૌથી વધુ મહત્ત્વનો પ્રશ્ન છે. એવોર્ડ માટે પસંદ થયેલું પુસ્તક ‘ચિન્તયામિ મનસા’ મારું તાજેતરનું પ્રકાશન છે – વિવેચનલેખોનું. એમાં મેં કોઈ ચોક્કસ ભૂમિકા પર રહી કામ કર્યું નથી. નથી કોઈ નિશ્ચિત સિદ્ધાન્તચર્ચા એમાં કરી. વિવેચનની અમુક નવી શાખાઓનો ગુજરાતને પરિચય કરાવતા કેટલાક છૂટાછવાયા લેખોનો એ સંગ્રહ છે. દાખલા તરીકે સાહિત્યમાં અનુઆધુનિકતાવાદ અને ફિનોમિનોલોજિકલ અભિગમ. પ્રામાણિકપણે કહું તો એને એવોર્ડને લાયક હું તો ગણું નહીં.

પ્ર. : એવોર્ડ આપના કોઈ સર્જનાત્મક પુસ્તકને અપાયો હોત તો આપ સ્વીકારત ખરા?

ઉ. : તોયે મને કેટલાક વાંધા છે. શરૂનાં વર્ષો દરમિયાન સાહિત્ય અકાદમીની એક ખાસ કરીને ગુજરાતી માટેની સમિતિની કાર્યશૈલીનું હું સતત અવલોકન કરતો રહ્યો છું અને કઈ રીતે એવોર્ડ્ઝ અપાતા આવ્યા છે તે હું જાણું છું. ગુજરાતીમાં સૌથી વધુ વાર – નવ વાર – એ એવોર્ડ વિવેચનનાં પુસ્તકોને અપાયો છે. ભાગ્યે જ એ એવોર્ડ સર્જનાત્મક કૃતિને અપાયા છે. અને તે પણ આકસ્મિક રીતે, કોઈ સિદ્ધાંતને લીધે નહિ. મારી ભાષાની સર્જનાત્મક પરિસ્થિતિ પર આના બહુ ખરાબ પ્રત્યાઘાતો પડ્યા છે. એટલું જ નહિ, ઉમાશંકર અને સુન્દરમ્ જેવા ગઈ પેઢીના પ્રમુખ કવિઓને પણ તેમના સર્જનાત્મક ગ્રન્થો માટે નહિ પણ જેમનું ખાસ મહત્ત્વ નથી એવા વિવેચનાત્મક ગ્રન્થો માટે ઉક્ત એવોર્ડ અપાયા છે. અનૂદિત કૃતિઓને એવોર્ડ ન આપવાનો નિયમ હોવા છતાં રાધાકૃષ્ણન્ના ‘ફિલોસોફી ઓફ ઈન્ડિયા’ ગ્રન્થના તેલુગુ અનુવાદને એવોર્ડ અપાયો છે.

પ્ર. : તેથી સિદ્ધાન્ત સાથે બાંધછોડ કરવા કરતાં આપે એવોર્ડનો અસ્વીકાર કરવો પસંદ કર્યો…

ઉ. : બરાબર છે. આ દસ હજાર રૂપિયા કોઈ મોટી વાત નથી, કેમ કે મારે મન મૂલ્યો અગ્રતાક્રમ ધરાવે છે. જો મને એમ લાગતું હોય કે એવોર્ડ વહેંચણીની પદ્ધતિ યોગ્ય નથી, સમિતિ પોતે જ થાપેલા નિયમો ઉથાપે છે, લોબીઈંગ થાય છે, રાજકારણ ચાલે છે અને જૂથવાદ કામ કરે છે તો એવોર્ડ સ્વીકારીને હું એ બધાંને મારી મૂક મંજૂરીની મહોર મારી શકું નહીં એ સાદીસીધી વાત છે.

પ્ર. : પણ આવી નુકસાનકારક રીતિનીતિઓને ખુદ લેખકો તરફથી જ પોષણ મળે છે. દાખલા તરીકે 1981માં વી. નારલાને એવી કૃતિ માટે એવોર્ડ મળ્યો જે અકાદમીના મુખપત્ર માટે અસ્વીકૃત થઈ હતી. તેમણે એવોર્ડ ન સ્વીકાર્યો. પણ એ જ વર્ષે ઉડિયા કવિ, કે જેની સાથે પણ આવું જ બન્યું હતું, તેણે એવોર્ડ સ્વીકાર્યો!

ઉ. : આવી માન્યતા મેળવવા તલપાપડ થનારા અને કોઈ પણ ભોગે લાભ ગજવે ઘાલનારા લેખકો તો હંમેશાં રહેવાના જ. આને લીધે જ દેશમાં સર્જનાત્મક પરિસ્થિતિ વણસી છે. લખતી વેળાએ, આ કૃતિ મને આ વર્ષનો એવોર્ડ રળી આપશે એવી ગણતરી રાખી લખતો હોઉં તો મારી સર્જનાત્મકતાને તેથી અવશ્ય નુકસાન પહોંચે જ.

પ્ર. : તમારી સર્જનાત્મકતાનો ઉત્તમ ફાલ સાઠનાં વર્ષોમાં ઊતર્યો અને તમે તે પછીનાં વરસોમાં એકાધિક સન્માનો રળ્યાં છતાં અકાદમીએ તમને વીસ વર્ષ પછી સંભાર્યા!

ઉ. : મારી એવી લાગણી છે કે આગલી પેઢીને કેટલાક પૂર્વગ્રહો હતા, જેને સત્ય અને સિદ્ધાન્તના વાઘા પહેરાવી રજૂ કરવામાં આવતા. એક પ્રકારની ઉદાસીનતા ને નવાં સાહિત્યિક આન્દોલનો પ્રત્યે તેને સહાનુભૂતિ નહોતી. મારો પ્રવેશ એવા સમયે થયો, જ્યારે આ બધાને હચમચાવવાનું હું નિમિત્ત બની રહ્યો. હકીકતમાં, 1956ના અરસામાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે અચલાયતન પર આક્રમણ થયું. માત્ર મારા વડે જ નહિ, સંખ્યાબંધ નવી કલમો વડે આ સ્વરૂપમાં નવોન્મેષો સિદ્ધ થયા પણ તેની નોંધ સરખી પણ લેવાઈ નહીં. હું મુખ્યત્વે ટૂંકી વાર્તા અને અંગત નિબન્ધો લખતો રહ્યો છું, છતાં એને કોઈ એવોર્ડ પ્રાપ્ત થયા નથી.*

ઉ. : અનુચિત વિલમ્બના વિરોધમાં તમે એવોર્ડનો અસ્વીકાર કર્યો, એવું નથી?

પ્ર. : ચોક્કસ નહીં. મેં 70થી 80 ટૂંકી વાર્તાઓ લખી છે, ચાર નવલકથાઓ, નિબન્ધો અને કાવ્યો રચ્યાં છે. મારા ક્ષેત્રમાં મેં કામ કર્યું છે. મને એવોર્ડ ન મળે તેટલા માત્રથી મેં આ બધાં વર્ષો દરમિયાન કશું કર્યું નથી એવો અર્થ થતો નથી.

ઉ. : તમારા ઉમાશંકર સાથેના તંગ સમ્બન્ધોને આ વિલમ્બનું કારણ માની શકાય ખરું?

પ્ર. : એવું કહેવા જેટલી ધૃષ્ટતા હું નહિ દાખવું. અલબત્ત, અમારી વચ્ચે મતભેદો છે, અમારા અભિગમો જુદા છે, પણ હું નથી માનતો કે તેઓ આટલી નિમ્ન હદે ઊતરે. પણ હું જાણું છું કે નવી સાહિત્યિક હવા પ્રત્યે તેઓ ઝાઝા સમુદાર નહોતા.

ઉ. : પરમ્પરાવાદીઓ દ્વારા જેને ભાંડવામાં આવી એ નવીન વિચારધારાઓ પ્રત્યે કંઈક પ્રકાશ ફેંકશો? તમારા – પ્રદાનના સન્દર્ભે.

પ્ર. : નાતાલી સારોતની ‘ધી એજ ઓફ સસ્પિશિયન’ કૃતિએ મને ‘ઇલિપ્ટિકલ નુવેલ’નું સ્વરૂપ અજમાવી જોવા લલચાવ્યો. આ સ્વરૂપ ભારે જોખમી છે, કારણ કે જે અધ્યાહૃત રહે એ વિગતનું જ એમાં મૂલ્ય છે. પ્રતીકવાદી રીતિનું નહિ પણ ફિનોમિનોલોજિકલ રીતિનું. આ સ્વરૂપનું બળ ચેતનાનાં વિવિધ સ્તરોના વિકાસશીલ ‘ફ્રેઈમિંગ’ના ડાયનેમિક્સમાં રહેલું છે. જેમાં પ્રતિરૂપો પણ ધૂંધળાં રહે છે અને ભાષા ‘bare’. દરેક ફ્રેમ સ્વાયત્ત હોય એ રીતે ઊપસે છે અને છતાં ડાયનેમિક્સની શૃંખલાને લીધે અનેકકેન્દ્રી ફોકસ હેઠળ આવે છે.

જનાન્તિકે’ને સૂરતની નર્મદ સાહિત્ય સભા તરફથી નર્મદચન્દ્રક એનાયત થયો છે –(સુમન શાહ) પ્ર. : તમારી કઈ કૃતિને ફિનોમિનોલોજિકલ અભિગમની પ્રતિનિધિ ગણી શકાય?

ઉ. : ‘મરણોત્તર’ને. ‘મરણોત્તર’ શું નથી સિદ્ધ કરવા મથતી તે કહેવું સરળ છે.

એક જ પરિસ્થિતિ પર આધારિત હોઈ એમાં ઝાઝાં પાત્રોને અવકાશ નથી. એ જ કારણે ઝાઝો વિસ્તાર પણ તે ખમી શકતી નથી. જીવનમાં સમ્ભવિત હોય એવી કોઈ સમગ્ર પરિસ્થિતિને જોવા-આલેખવાનો તેમાં ઉપક્રમ નથી. અથવા તો કોઈ અભિગમ કે એવા સૈદ્ધાન્તિક દૃષ્ટિકોણથી પણ આલેખન થયું નથી. વ્યક્તિ અને તેનામાં પાકતું આવતું મરણ એવી આત્યન્તિક પરિસ્થિતિ સમાજના વિકાસના અમુક ચોક્કસ સ્તરે સમ્ભવિત છે એવી એક માન્યતા ‘મરણોત્તર’ પાછળ રહેલી છે. તેથી મને લાગ્યું કે સમસ્યાના મૂળને સમાજ સાથે સાંકળીને આલેખવાનું જરૂરી નથી. એટલું જ નહિ પણ પાત્ર-પાત્ર વચ્ચે કોઈ સાચેસાચના સમ્બન્ધો આલેખવા પણ જરૂરી નથી. પાત્રને એવા માળખામાં મૂકી આપીએ કે જેમાંથી અનેકાનેક વિવર્તો સરજાય. કોઈ નક્કર સામાજિક પરિપ્રેક્ષ્યનું માળખું અહીં ઉપલબ્ધ ન હોવાથી વ્યંજનાપૂર્ણ અર્થઘટનોની સમૃદ્ધિ અને અર્થચ્છાયા તે આપી શકે છે.

સામાજિક માળખાને આઘાત યા ચીલાચાલુ રૂપમાં કોઈ સમસ્યા નિરૂપવાનો પ્રશ્ન જ નથી. ‘મરણોત્તર’ મારા મતે ન્યૂનીકરણના સ્તરે પહોંચવાની મથામણ છે, જ્યાં પરિચિતતા ધૂંધળી બન્યા વગર નવા પ્રદેશો ઉઘાડતી હોય.

પ્ર. : પુરોગામી લેખકોએ અપનાવેલા પરમ્પરાગત અભિગમ કરતાં આવો અભિગમ સાવ જુદો છે.

ઉ. : એટલા માટે જ મારામાં ‘ભારતીયતા ન હોવા’નો આક્ષેપ મૂકવામાં આવે છે. અને કેટલાકના મતે મને એવોર્ડ વહેલો ન મળવાનાં કારણોમાં આ પણ એક કારણ છે. પણ આવો આક્ષેપ કરનારાઓએ મારી કૃતિઓ વાંચી જ નથી. હું મારાં મૂળ અને વાતાવરણને કઈ રીતે તજી દઈ શકું? હું હજી સુધી ભારતમાં જ રહ્યો છું. ભારતની બહાર ગયો નથી. જોકે વિદેશી લેખકોને મેં વાંચ્યા છે. કાફકા અને દોસ્તોએવ્સ્કી મારા પ્રિય લેખકો છે. પણ એનો અર્થ એ નથી કે હું તેમનું અનુકરણ કરું છું. હું જેને પ્રશંસું છું એ બધાય લેખકો અન્- અનુકરણીય છે. હું તેમની નકલ કરવા જાઉં તો ઉઘાડો જ પડું.

આમ છતાં એમ મનાય છે કે કેટલાંક પશ્ચિમી મૂલ્યો હું અહીં લાવ્યો છું અને પશ્ચિમના કેટલાક લેખકોને મેં નમૂના તરીકે સ્થાપ્યા છે. નવ્ય સાહિત્ય તેમ જ મારા પ્રત્યેના પૂર્વગ્રહ માટે આ જ એક કારણ છે.

પ્ર. : નવાઓની સામે અકાદમીને અન્ય કયા એવા પૂર્વગ્રહો છે કે જેને કારણે આજદિન સુધી તે નવાઓની ઉપેક્ષા કરતી આવે છે?

ઉ. : આ દેશમાં એક સામાન્ય નિયમ એવો છે કે તમે 60ની ઉંમર વટાવો નહિ ત્યાં સુધી કોઈ એવોર્ડ મળે નહિ. આ બહુ આઘાતકારક અને હતાશાપ્રેરક વસ્તુ છે. દરેક સર્જકના પ્રારમ્ભિક તબક્કામાં, તે જ્યારે કશું મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવાની સ્થિતિમાં હોય ત્યારે, પ્રોત્સાહન અને માન્યતાની જરૂર હોય છે. મોડેથી મળતી પ્રતિષ્ઠામાં ગુણવત્તા કરતાં બીજાં પરિબળોનો ફાળો વધુ હોય છે.

અકાદમી અને અન્ય સંસ્થાઓ સામે મારી મુખ્ય ફરિયાદ આ જ છે. રાવજી પટેલ જેવા યુવાન, આશાસ્પદ કવિનો દાખલો આપણી પાસે છે. ‘બુક્સ એબ્રોડ’ નામના એક અમેરિકી સામયિક તરફથી મને તેના વિશેષાંક માટે ઉમાંશકર જોશી વિશે લખવા કહેવામાં આવેલું. મેં કહ્યું, જે કવિએ તેનું કાર્ય પૂરું કરી નાખ્યું છે એને વિશે શા માટે લખવું? બીજી ઘણી નવોદિત કલમો છે, તેથી એમણે મને મારી ઇચ્છા મુજબ લખવા છૂટ આપી. મેં રાવજી પટેલ વિશે લખ્યું. 29 વર્ષની વયે ક્ષયને લીધે તેનું મૃત્યુ થયું. એક ખૂબ સારા કવિ હોવા ઉપરાંત તેણે કેટલીક નમૂનેદાર ટૂંકી વાર્તાઓ પણ આપી છે અને એક પ્રયોગશીલ નવલકથા લખી છે. પણ એવોર્ડ માટે એની પસંદગી થઈ નહીં. જ્યારે જગદીશ જોષી જેવા માત્ર એક સંગ્રહના કવિને મરણોત્તર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

પ્ર. : ભૂતકાળમાં જેમની સિસૃક્ષા ફળવતી હતી અને આગળ જતાં સુકાઈ ગઈ એવા લેખકોને એવોર્ડ આપવાનું અકાદમીએ ચાલુ રાખ્યું છે તેનો અર્થ એ કે કવિની કોઈ એક કૃતિ કરતાં તેના સમગ્ર પ્રદાનને અકાદમી ધ્યાનમાં રાખી એવોર્ડ આપે છે. શું આ પ્રણાલિકાને તમે ક્ષમ્ય ગણો છો?

ઉ. : ના, કૃતિ એવોર્ડને લાયક ગણાવી જોઈએ. સારા લેખકોના એવા અનેક દાખલા મોજૂદ છે જેમની નબળી કૃતિ એવોર્ડ માટે યોગ્ય ગણવામાં આવી હોય. લેખકોનું જ જો સન્માન કરવું હોય તો એને માટે કોઈ અલગ વ્યવસ્થા હોવી ઘટે. આ પ્રકારના એવોર્ડ આપવાનું અકાદમીના કાર્યક્ષેત્રમાં આવતું નથી.

પણ આમ છતાં અકાદમી પોતાના જ નિયમોનો ભંગ કરતી જણાઈ છે. દાખલા તરીકે કોઈ સંગ્રહમાં નવાંજૂનાં લખાણોનો સંચય કરવામાં આવ્યો તો તેનું પ્રમાણ 60-40નું હોવું જોઈએ. હવે, જેમને મોટા વિવેચક કહેવામાં આવે છે એવા શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને એવા પુસ્તક માટે આ એવોર્ડ એનાયત થયો છે કે જેમાં આ પ્રમાણ સચવાયું નથી. આવા કિસ્સાઓમાં ગણતરી એવી કામ કરતી હોય છે કે લેખક વયોવૃદ્ધ છે અને મૃત્યુપૂર્વે તેમને એવોર્ડ મળી જ જવો જોઈએ.

જૂનવાણી અશ્મીભૂત લેખકોને એવોર્ડ આપવાની હું વિરુદ્ધમાં છું. એક કાળે જેઓ નોંધપાત્ર સિસૃક્ષા ધરાવતા હતા પણ આજે નિર્વીર્ય બની ગયા છે એમને ‘આજે’ એવોર્ડ આપવામાં કઈ સુસંગતતા રહેલી છે?

પ્ર. : તેમને આવી પ્રતિષ્ઠા કોણ અપાવે છે?

ઉ. : સામાન્ય વિવેચનાત્મક અભિપ્રાય યા અમુક ચોક્કસ વગદાર જૂથનો અભિપ્રાય. દાખલા તરીકે ગુલામમોહમ્મદ શેખ વડોદરાના એક સુખ્યાત ચિત્રકાર છે. તેઓ એક ઘણા સારા કવિ પણ છે અને છેક 1956થી લખતા આવ્યા છે. પણ નિરંજન ભગત અને ઉમાશંકર જૂથના અન્યો તેમને કવિ તરીકે માન્યતા આપવા પણ તૈયાર નથી!

પ્ર. : સાહિત્યિક વાતાવરણને ભ્રષ્ટ કરવામાં એવોર્ડ્ઝ કઈ રીતે ભાગ ભજવે છે?

ઉ. : સૌ પ્રથમ તો રોકડના રૂપમાં આવા એવોર્ડ્ઝ અપાય તેની હું વિરુદ્ધમાં છું.

સાહિત્ય અકાદમી પરના પત્રમાં મેં જણાવ્યું છે કે રોકડ પુરસ્કાર કરતાં લેખક વધુ સંસ્થાઓ અને વધુ વ્યક્તિઓ સુધી પહોંચે એવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ. પ્રકાશનોમાં આથિર્ક સહાય મળવી જોઈએ જેથી લોકો તે લેખકનાં પુસ્તકો ખરીદી શકે. મારી આ સલાહ તેમને ગળે ઊતરશે કે કેમ તે ભગવાન જાણે!

રોકડ પુરસ્કાર સર્જકને કોઈ રીતે મદદરૂપ થતા નથી, ઊલટું ખોટાં મૂલ્યો વધુ ચલણી બને છે. ઘણા લેખકો એવોર્ડથી જ પ્રખ્યાત થતા હોય છે. જાણીતા થવાનો એક રસ્તો આ છે. એવોર્ડ્ઝ દ્વારા મળતી આવી પ્રતિષ્ઠાનો હું વિરોધી છું. મારા મતે સાહિત્યિક વાતાવરણ આનાથી દૂષિત થાય છે.

વળી એક જ સ્વરૂપનાં બે પુસ્તકો માટે બે માણસો વચ્ચે આ પુરસ્કાર વહેંચાય છે ત્યારે બંનેને ભાગે આવતી રકમ પણ બહુ હાસ્યાસ્પદ બની રહે છે.

પ્ર. : એવોર્ડ્ઝ વડે પ્રદેશવાદ બળત્તર બને છે ખરો?

ઉ. : બેહદ. રાજ્યોનું વલણ અત્યન્ત સંકુચિત છે. ખાસ કરીને બંગાળનું. બંગાળીઓનું આ એક લક્ષણ મને ખૂબ કઠે છે. અહીં જાણે એકમાર્ગી વ્યવહાર છે. બંગાળમાંથી અમે ઘણું ગુજરાતીમાં અનૂદિત કર્યું છે. આખા શરદબાબુ તેમજ સમકાલીન ઘણા લેખકો. બંગાળમાં શું ચાલી રહ્યું છે તે જાણવા અમે સભાન પ્રયત્નો કર્યા છે જેથી કરીને આપણે ક્યાં ઊભા છીએ તેની સરખામણી થઈ શકે. પણ માત્ર ‘અનુવાદપત્રિકા’ જ એક એવું સામયિક છે કે જેણે ગુજરાતીમાંથી કશુંક બંગાળીમાં ઉતારી આપવા મને કહ્યું છે.

એક સાહિત્યિક સમારમ્ભ માટે કલકત્તા જવાનું થયું ત્યાં હું પી.લાલને મળ્યો. એમણે ભવાં ચડાવી પૂછ્યું, ‘તમારા ગુજરાતીમાં કેમ કશું થતું નથી?’ ‘તમને કેવી રીતે ખબર પડે?’ મેં કહ્યું, ‘તમે તો માત્ર અંગ્રેજીમાં અનૂદિત થાય એ જ કૃતિઓ વિશે જાણતા હશો.’ આ પ્રકારની સંકુચિતતા પ્રવર્તે છે. માનસિક રિઝર્વેશન, મહારાષ્ટ્રમાં પણ અમુક અંશે આવું ચાલે છે.

પ્ર. : આજે સાહિત્યિક ધોરણો એટલાં તો કથળી ગયાં છે કે મીડિયોકર લેખક પણ જાણે પોતાનો હક હોય એમ એવોર્ડની અપેક્ષા સેવે છે, એને માટે અકાદમી કેટલે અંશે જવાબદાર?

ઉ. : એવોર્ડ-સમિતિ પરના સભ્યોની ઓળખ જાહેર થતી નથી. પરિણામે તમારી કૃતિને કેવા પરીક્ષકો સાંપડ્યા છે તે તમે જાણી શકતા નથી. એમની ઓળખ છૂપી રહે છે. અલબત્ત સમ્બન્ધિત વર્તુળમાં તેમની ઓળખ છૂપી રહેતી નથી. નહિ તો લોબીઈંગ ક્યાંથી શક્ય બને? સાહિત્યેતર માપદંડોથી કામ ચાલે છે. પરિણામે મીડિયોકર લેખકો એવોર્ડ લઈ જાય છે.

પ્ર. : બહેતર સાહિત્યિક ધોરણો વિકસાવવાં અને સર્જનાત્મક લખાણોનાં નવ્ય વલણોને પુરસ્કારવાં – એ મુખ્ય હેતુને સિદ્ધ કરવામાં એવોર્ડ્ઝ નિષ્ફળ ગયા છે તેથી તેમનું વિસર્જન થવું જોઈએ એમ તમને લાગે છે?

ઉ. : માત્ર એવોર્ડ્ઝ જ શા માટે? ખુદ સાહિત્ય અકાદમીનું જ વિસર્જન કરી નાખવું જોઈએ. એ દરેક ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે. એનો કોઈ હેતુ રહ્યો નથી. તમે ગમે તે કહો, ગમે તેટલી ટીકા કરો પણ એ તો એની રીતે જ ચાલ્યા કરશે. સાહિત્યિક આન્તરસંવાદ સ્થાપવાની દિશામાં એ કશું નહીં કરી શકે.

પ્ર. : સાહિત્યિક આન્તરસંવાદ સ્થાપવા માટેનો આવો સત્તાવાર ઉપક્રમ નિષ્ફળ કેમ ગયો?

ઉ. : કલ્પનાશક્તિ વિનાની જડ અમલદારશાહીને કારણે. જેવી તમે કોઈ સરકારી, સત્તાધારી સંસ્થા ઊભી કરો કે તેનું ભંડોળ સભ્યોના હાથમાં જઈને પડે છે અને એવા લોકો હંમેશાં મળી રહેવાના, જેઓ દરેક બાબતમાંથી પોતાનો લાભ ઊભો કરી લે. આખું વાતાવરણ બગડ્યું છે ને હેતુઓ માર્યા જાય છે.

પ્ર. : સાહિત્યિક સમજની ભૂમિકા વિકસાવવા લેખકો માટે જ એક પ્લેટફોર્મ તૈયાર થવું જોઈએ – એ વિકલ્પ કેવો છે?

ઉ. : મેં અત્યાર સુધીમાં અનેક લેખકસંમેલનોમાં હાજરી આપી છે. ત્યાં ખાસ કશું થતું નથી. લેખકો ભવ્ય હોટલમાં રહે છે અને ગપ્પાં મારે છે. કશું રચનાત્મક સિદ્ધ થયું નથી. મદ્રાસ ખાતે બાજુમાં બેઠેલા એક લેખકને મેં પૂછ્યું કે ‘તમે શું લખો છો?’ એણે જવાબ દીધો – ‘ટિપ્પણ’. આમ ભાતભાતના લેખકો એકઠા થતા હોવાથી તેમની વચ્ચે ભાગ્યે જ કશું સર્વસાધારણ હોય છે.

પ્ર. : સર્જનાત્મક સાહિત્ય માટે પ્રતિબદ્ધ માણસ તરીકે તમારાં કોઈ એક સાહિત્યકૃતિને મૂલવવાનાં ધોરણો કયાં છે?

ઉ. : સૌ પ્રથમ કૃતિ સર્વસામાન્ય પ્રભાવ ધરાવતી હોવી જોઈએ. જે સ્વરૂપની એ હોય એ સ્વરૂપના વિકાસમાં કશું નોંધપાત્ર અર્પણ કરતી હોવી જોઈએ. તેનામાં કશું અસામાન્ય-અનિવાર્યપણે હૈૂી નહીં – તત્ત્વ હોવું જોઈએ. ભાષા સાથે લેખકે કઈ રીતે પાનું પાડ્યું છે, ભાષામાં કોઈ નવી અર્થવત્તા તે આણી શક્યો છે કે કેમ તે પણ એક મહત્ત્વનો માપદંડ છે.

વૈશ્વિક પરિપ્રેક્ષ્ય તેમાં મૂર્ત થયો છે કે કેમ એ જોવાવું જોઈએ. અન્યથા સ્થાનિક કક્ષાએ એ ગમે એટલી ખ્યાતનામ હોય તોયે એનું કશું મહત્ત્વ નથી.

પ્ર. : તમારા માપદંડ મુજબ આજની ભારતીય સાહિત્યિક સૃષ્ટિનો કોઈ એક લેખક છે, જેને વખાણી શકાય?

ઉ. : એક શા માટે? અનેક છે, તરત મનમાં આવે એવા છે બંગાળના સુનીલ ગંગોપાધ્યાય. એમને એવોર્ડ મળ્યો છે કે કેમ તે હું જાણતો નથી, પણ એવોર્ડને પાત્ર તેઓ જરૂર છે.

પ્ર. : તાજેતરમાં ભારત પધારેલા સલમાન રશદી સાથે હું માનું છું કે તમારો મેળાપ થયો હતો. અત્યારે તેઓ લોકપ્રિયતાના શિખરે બિરાજમાન છે. તમારો શો પ્રતિભાવ છે?

ઉ. : હું માનું છું કે તેઓ વધુ પડતા મહત્ત્વાકાંક્ષી છે. પણ જો તેઓ નોબેલ ઇનામની અપેક્ષા સેવતા હશે તો તેમના સર્જન પર સારી અસર નહીં પડે. જોકે, હમણાંનાં તેમના લખાણો પર ગુન્ટર ગ્રાસની અસર સ્પષ્ટ વરતાય છે, પણ વખત જતાં તેમાંથી તેઓ બહાર આવશે. ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ એક ખરેખર સારી બની શકે એવી નવલકથા કથળી ગઈ છે. સ્વરૂપની જો વધુ કડક શિસ્ત પળાઈ હોત તો તેને અવશ્ય બચાવી શકાઈ હોત. મારી સાથેની વાતચીતમાં સલમાને જણાવ્યું હતું કે તેઓ પોતીકા અવાજની શોધમાં હતા. આ ખરેખર એક સુ-ચિહ્ન છે. અને મને લાગે છે કે એમને જે કહેવું છે તે પોતીકા અવાજમાં કહેવામાં તેઓ ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’માં ઘણે અંશે સફળ રહ્યા છે. તેમની પર ધ્યાન અપાવું જોઈએ.

પ્ર. : નીરદ ચૌધરી અને વિદ્યા નાયપોલ પણ, બિનગોરી પ્રજા સાથે સમ્પર્ક ધરાવતા, મહાન ગણાતા લેખકો છે.

ઉ. : તેઓ ઉન્નતભ્રૂ અને બિનજરૂરીપણે ગવિર્ષ્ઠ લાગે છે. સાંસ્કૃતિક ગુરુતાગ્રન્થિમાં રાચનારા અને એક પ્રકારનું ડિબંકિંગ કરનારા. (અન્યને હલકા પાડવામાં રાચનારા). હું પણ અમુક સ્ટેન્ડ લઈને બીજાને, નિર્દોષ માણસોને હલકા પાડી શકું. એમ કરવું સહેલું છે, પણ અન્ય માણસોની યાતના અને વેદના પણ આપણે જાણવી જોઈએ. તેઓ જે ભૂમિકાએ રહીને લખે છે એમાં આવી સહાનુકમ્પાનો અભાવ વરતાય છે. કદાચ એક પ્રકારની અનુદારતા એઓમાં છે. સાહિત્યમાં ખરેખર પ્રદાન કરનાર માણસની, સાહિત્યના સર્જનવાચનની ક્ષમતા ધરાવનારા માણસમાં હોવી જોઈતી મનની વિશાળતા, ઉદારતા કદાચ તેમનામાં નથી.

પ્ર. : પશ્ચિમી લેખકોથી પ્રભાવિત થયાનું અને તેમની અસર હેઠળ આવ્યાનું તમે સ્વીકાર્યું છે તો એમનો નામનિર્દેશ કરશો?

ઉ. : કોલેજકાળ દરમિયાન ફ્રાન્ઝ કાફકાની ‘ધ ગ્રેટ વોલ ઓફ ચાયના એન્ડ અધર સ્ટોરીઝ’ ફૂટપાથ પર વેચાતી મારા જોવામાં આવી. તેના શીર્ષકે મને આકર્ષ્યો ને મેં એ ખરીદી. તે દિવસથી મારો દૃષ્ટિકોણ સમગ્ર બદલાઈ ગયો.

પ્ર. : કઈ રીતે?

ઉ. : તે કાળે મારી જાત પ્રત્યે અને જગત પ્રત્યે એક પ્રકારની નિરર્થક હતાશા અને અસન્તોષની લાગણી મને રહેતી હતી. તેનું શું કરવું તે સમજાતું નહોતું. મારા અત્યન્ત નિકટનાં જનો સાથે પણ કશો સંવાદ રચી શકાતો નહોતો. આપણી સમક્ષ અનેક ધ્યેયો હતાં. સ્વાતન્ત્ર્ય હજુ મળ્યું નહોતું. વાતાવરણ અસન્તોષ જન્માવનાર હતું. પણ મારી જાત વિશે હું સમજવા માગતો હતો – શા માટે? આ મૅટાફિઝિકલ ભાષા છે, પણ મારી જાત વિશે હું કશું નક્કી કરી શકતો નહોતો અને હું માનું છું કે કાફકા મારી મદદે આવ્યો!

પ્ર. : અને બીજા લેખકો? તમારી પ્રશંસાનાં પાત્રો?

ઉ. : કૅમ્યૂ પણ મને ગમે છે, ખાસ કરીને તેની ‘પ્લેગ’ નવલકથા. એ કોઈ રૂપકગ્રન્થિ નથી. કેમ કે રૂપકકથા તો આંધળી ગલી જેવી હોય છે. તમે એમાંથી બહાર આવી શકતા નથી. પણ એ અત્યન્ત પ્રભાવક નવલકથા છે. એમાં જે માનવપરિસ્થિતિનું વર્ણન છે તે આજે પણ બંધબેસતું થાય એવું છે. આપણામાંના જેઓ સુખજીવી છે તેઓ એક ક્વોરેન્ટાઇનમાં રહે છે. એમાંથી જેવા બહાર આવે કે ભયનો સામનો કરવાનો આવે છે.

આજના લેખકોમાં ગ્રેબ્રિયલ ગાસિર્યા માકર્વેઝ મને ગમે છે. નોબેલ પારિતોષિક મેળવનાર તેની ‘વન હન્ડ્રેડ ઇયર્સ ઓફ સોલિટ્યૂડ’ નવલકથા કરતાં ‘ધ ઓટમ ઓફ ધી પેટ્રિયાર્ક’વધુ સારી છે. તે વધુ વંચાઈ ચર્ચાઈ પણ છે. પણ શરૂઆતનાં લખાણો વિશે ખાસ કશું વિવેચન નથી થયું. આવી સ્થિતિમાં લેખકને કોઈ ઈનામઅકરામ મળે તેની રાહ જોયા વગર તમારે પોતે જ મૂલ્યાંકન કરવાનું રહે છે.

પ્ર. : કોઈ પણ કૃતિમાં તમને સૌથી વધુ અપીલ કરનારું તત્ત્વ કયું હોય છે?

ઉ. : જે સર્જકો કોઈ જટિલ સમસ્યા અને તેના ઉકેલ વિશે મથે છે તે વધુ ગમે છે. દા.ત. ઘણી ઘટનાઓ જેમાં સમ્ભવે છે એવા સમયના પરિમાણ વિશે. ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’માં રાસ્કોલનિકોવ ખૂન કર્યા બાદ વોલફલાવરને શીર્ણવિશીર્ણ કરતો સાવ એકલો સૂતો છે. આમ સૂતેલો તે કહે છે – ‘એક યાર્ડ આકાશમાં રહેલી સનાતનતા.’ બેનું સન્નિધિકરણ – એક બાજુ સનાતનતા અને બીજી બાજુ અવકાશનો એક ટુકડો – સમય વિશેની નવી જ અભિજ્ઞતા ઉપસાવે છે. સર્જકને આ જ અભિપ્રેત છે. બીજા લેખકોમાં આ વસ્તુ નહિ મળે કેમ કે તેમણે પોતે એનો અનુભવ નથી કર્યો હોતો.

પ્ર. : તમે સૌ પ્રથમ લેખન ક્યારે શરૂ કર્યું?

ઉ. : મારી આઠ વર્ષની ઉંમરે. ‘બાલજીવન’ નામના વડોદરાથી પ્રગટતા એક સામયિકમાં મેં ચોરીછૂપીથી એક કવિતા છપાવી હતી. મારા દાદા જેઓ શિક્ષક હતા, તેમણે આ જાણ્યું ત્યારે મને થપ્પડ મારી અટકાવવા પ્રયત્ન કર્યો. કેમ કે તેમના મતે એ પ્રવૃત્તિ સલામતી વિરુદ્ધની હતી. પરંતુ પાછળથી તેઓ તેમણે લખેલી રચનાઓ મને સુધારવા આપતા. એ રીતે મને સુસજ્જ કર્યો.

એલ્ફિન્સ્ટન કોલેજના અભ્યાસકાળ દરમિયાન મેં અનેક કાવ્યો લખ્યાં પણ પાછળથી બાળી મૂક્યાં.

પ્ર. : તમે એવું શા માટે કર્યું? અને ક્યારે?

ઉ. : નાનપણથી જ વાચનનો હું જબરો શોખીન. કોલેજકાળ દરમિયાન હું બંગાળી શીખ્યો અને ટાગોર વાંચ્યા. સંસ્કૃત જાણતો તેથી વેદ અને ઉપનિષદોનો પરિચય કર્યો. 1945માં કરાંચીની બી. જે. સિંધ કોલેજમાં જોડાયો ત્યારે કોન્ટીનેન્ટલ સાહિત્ય વાંચ્યું. આ બધાએ મારામાં અમુક ધોરણો જન્માવ્યાં જે વડે મારી કવિતાઓ માપતાં મને સમજાયું કે તેમાં ક્યાંય રચનાગત સિદ્ધાન્ત યા શિસ્ત નહોતાં, માત્ર લાગણીવેડા અને આવેગો જ હતા તેથી મેં તેમનો નાશ કર્યો.

પ્ર. : હજુ પણ તમને તમારી જે રચનાઓ ધોરણસરની ન લાગે તેનું આવું જ કરો છો?

ઉ. : ના. જો એમ કર્યું હોત તો કશું બચ્યું જ ન હોત. મારી કૃતિઓથી મને સન્તોષ નથી. અને એટલે જ ‘તમારી કઈ કૃતિને તમે શ્રેષ્ઠ ગણો છો?’ એ પ્રશ્નનો જવાબ હું આપી શકતો નથી. કેમકે મને સન્તોષ થાય એવી રચના હું હજી કરી શક્યો નથી. સંખ્યાબંધ (70-80) ટૂંકી વાર્તાઓ લખી છે છતાં માત્ર 18ને જ પ્રકાશન યોગ્ય ગણી છે.

પ્ર. : સારા સાહિત્યને પ્રોત્સાહન કેમ નથી મળતું?

ઉ. : કેમકે તે આત્મસાત્ નથી થતું. જિજ્ઞાસાવૃત્તિ, નવું શોધવા-જાણવાની પ્રવૃત્તિનો આનન્દ એ હવે ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. કવિતા વિશે તમે આજના વિદ્યાર્થી સમક્ષ વાત કરશો તો તેને તે કંટાળાજનક લાગશે. ઉપયોગિતાવાદની જ બોલબાલા છે.

શૈક્ષણિક જગતની બહાર પણ આ જ સ્થિતિ પ્રવર્તે છે. હું ત્રણ ગુજરાતી છાપાંઓમાં કટારો લખું છું. છાપાંઓએ પોતાની આગવી ભાષાશૈલી વિકસાવી છે. એટલે હું લખું છું તેમાં સમજ પડતી નથી. કોઈ સોફિસ્ટિકેટેડ વિભાવના યા ઊંડાણવાળી વાત હું લખું છું તો લોકો સમજશે નહીં એવી તેમની ફરિયાદ હોય છે.

પ્ર. : શિક્ષણજગત વિશે નિર્ભ્રાન્તિ અનુભવ્યા બાદ તમને પૂરા સમયના પત્રકાર થવાની ઇચ્છા ન થઈ?

ઉ. : ક્યારેય નહિ. કેમકે એમાં તમારે જથ્થાબંધ લખવું પડે. બનતા બનાવોના નિકટના સમ્પર્કમાં રહેવું પડે. પરિણામે જે એસ્થેટિક ડિસ્ટન્સ જાળવવું જોઈએ તે જળવાતું નથી.

છતાં મેં છાપાં અને સામયિકોમાં લખવાનું શરૂ કર્યું છે કેમ કે આપણી આસપાસ શું બની રહ્યું છે તે વિશે વિચારવું પણ જરૂરી છે. આઇવરી ટાવરમાં બેસી રહેનારા લેખકોમાંનો હું નથી. સામાન્ય જનસમૂહના સમ્પર્કમાં રહેવું મને ગમે છે.

પ્ર. : સાહિત્ય, વિવેચન અને રાજકારણમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે એમાં રહીને લખવું તમને સહેલું લાગે છે?

ઉ. : લોકપ્રિયતા યા લોકરુચિ સાચા સર્જકને માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જે છે. તમારી પાસેથી અમુક રીતની અપેક્ષા રાખતા લોકોથી તમે ઘેરાયેલા હો છો. કશુંક સાચું સર્જવાની મથામણ કરતા સર્જક સમક્ષ અનેક પ્રલોભનો હોય છે. પણ આ દિવસો ‘શોર્ટસરકીટ સેન્સેશનાલિઝમ’ના છે. એમાં સાચું સત્ત્વ જડતું નથી. એકાન્તસેવન કરી સર્જન કરો તો લેખકસમુદાયથી વિખૂટો પડતો જાઉં છું. પરાયાપણાની, વિચ્છેદની લાગણી ઘર કરતી જાય છે.

પ્ર. : તમે પોતે અળગા રહો છો કે તમને અળગા પાડી દેવામાં આવ્યા છે?

ઉ. : અળગો પાડી દેવામાં આવ્યો છે. એક પ્રકારની છૂપી સેન્સરશિપ જાણે ચાલી રહી છે. પ્રકાશક શોધવામાં પણ મને મુશ્કેલી પડે છે. અંગત નિબન્ધોના દસ સંગ્રહો પ્રકાશનની વાટ જોતા પડ્યા છે.

પ્ર. : પણ તમને શા માટે અળગા પાડી દેવાયા છે?

ઉ. : કેમકે હું એમના માળખામાં બંધ બેસતો થતો નથી. સ્વીકૃત નીતિ કે અભિગમને અનુસરતો નથી. દબાણને વશ થતો નથી.

પ્ર. : કયા પ્રકારનાં દબાણો?

ઉ. : એક ખાસ પ્રકારના સાહિત્યના રાજકારણને લીધે. સત્તા ધરાવતાં કેટલાંક વગદાર જૂથો પોતાનો અહમ્ સંતોષવા ખાતર માન્યતા આપતાં હોય છે. જો હું એમણે આપેલી માન્યતા ન સ્વીકારું તો હું ‘બહારનો’ ગણાઉં છું! એમની પાસેથી કશું મેળવવાને લાયક રહેતો નથી!

પ્ર. : આ બધું છતાં ભારતીય સાહિત્ય માટે કશી આશા બચી છે ખરી?

ઉ. : હું માનું છું કે પડકાર આપણે ઝીલવાનો છે. માર્સેલ પ્રુસ્તે કહેલું કે ‘આપણે

જે શોધી કાઢ્યું છે તે મૌન છે.’ આજના જીવનમાંથી એ મૌન ખોવાઈ ગયું છે. જીવનમાં બધાં ક્ષેત્રોમાં બૂમરાણો વધી ગયાં છે. આજનો લેખક, સર્જક લેખે કશુંક મહત્ત્વનું ગુમાવી બેઠો છે. ચારેકોર ઘૂઘવી રહેલાં પ્રલોભનોને વશ થઈએ તો કૃતિનું શું થશે એ મારે સૌપ્રથમ વિચારવાનું છે. પણ પોતે જે કરી રહ્યો છે એમાં જો તે દૃઢમૂળ રહે તો જ સલામત રહી શકશે…

(શિખા ત્રિવેદીએ 1984માં ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ના એક અંકમાં લીધેલી મુલાકાતનો ગુજરાતી અનુવાદ વિજય શાસ્ત્રીએ કર્યો હતો.)