હયાતી/૮૩. વડોદરા

From Ekatra Wiki
Revision as of 07:08, 13 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વડોદરા

તાંબેકરની હવેલીને ત્રીજે માળે વસેલા
ભૂતે કલ્પાંત આદર્યું
અને દીવાલ પર જડાયેલા કૃષ્ણે
ચોંકીને ભૂતનાં સ્વપ્ન ન આવે એ માટે
યમુનામાં પગ ધોઈ લીધા.

યમુનાનાં જળનાં થોડાંક બિંદુઓ
ઊડીને રાવપુરાની નિશાળમાં ભણતા
બાળકોની આંખમાં જઈ બેઠાં :
એટલે જ ત્યાં કોઈ કોઈ આંખો ચોળતા
બાળકમાં કદી કદી કૃષ્ણ દેખાઈ જાય છે.

મહેણાંની મારી કબરમાં પણ ટેઢી સૂતેલી
બાંકી બીબી રાહ જુએ છે કે ફરી કોઈ
આવીને ફાતેહા પઢતાં પઢતાં મહેણું મારે
અને એ સીધી સૂઈ શકે :
ઓપન ટુ ક્લોઝ આંકડામાં
ચોખ્ખી જીત કરાવી આપતા
મસ્તાનબાબાની આખડી રાખવાનું એને સૂઝતું નથી :
શહાબુદ્દીન અને કુતુબુદ્દીન ક્યારેક રાતના જાગે છે,
અને દીવાલમાં કોતરાયેલી કુરાનની આયાતો વાંચતાં વાંચતાં
ઘુમ્મટમાં દેખાતી ઓપઆર્ટને નીરખવામાં તલ્લીન થઈ જાય છે.

આખા દિવસમાં આવેલ બેચાર રડ્યાખડ્યા
મુલાકાતીઓનાં પગલાંનો અવાજ
હજી ખંડમાંથી ગયો નથી.

બેઠકજીના મંદિરમાં કૃષ્ણને સૂવું છે
અને મુખિયાજીની ઘડિયાળ ધીમી ચાલે છે :
બહાર હાર્મોનિયમ પર બસૂરા કંઠે
ગવાતા સૂરદાસના પદમાં
એ મન જોડવાનો પ્રયાસ કરે છે :
બારણાં ઊઘડે છે,
ત્યારે સામે કોઈક ચિરપરિચિત ચહેરાને જોઈ
દંગ બની જાય છે;
એ રાત્રે કૃષ્ણને ઊંઘ આવી હશે?
મને તો નહોતી આવી.

રસ્તાઓ હવે સ્વચ્છ નથી :
નિત્ય સામાયિક કરતો એક જીવ
તીર્થંકરોનાં નામ ક્રમમાં યાદ રાખવા મથે છે;
યુનિવર્સિટી કૅમ્પસમાં લોર્કાના કાવ્યોની
રેકર્ડ વાગે છે, ત્યારે તાંબેકરની હવેલી
અને રાણીના હજીરામાં જઈ આવેલી ચાંદની
ગિતારના સૂરો પર ડોલી ઊઠી,
ત્યાં જ રોકાઈ જાય છે.

સૂરસાગર પર સંગીત અને નૃત્યના
છેલ્લા શ્વાસો રોકવા એક અનુભવી નાડીવૈદ્ય મથે છે;
તો કાશીથી ભણી આવેલો એક પંડિત
નાટક નામની લાકડાની મૂર્તિમાં
જીવ રોપવા સંજીવન – મંત્રનો જાપ કરે છે.
લોર્કા જીવે છે,
ભૂત જીવે છે :
સૂરસાગરના મંદ તરંગો જીવે છે,
અને સાડાપાંચસો વરસથી ટેઢી સૂતેલી
બાંકી બીબીના શરીરે કળ વળી ગઈ છે :
બેઠકજીના મંદિરમાં શયનનાં દર્શનનો
ટેરો થયો પછી પણ કૃષ્ણ જાગે છે,
હું સૂતો નથી.

૨૨–૧૧–૧૯૭૦