કવિલોકમાં/અધ્યાત્મભાવના છત્ર નીચે
વરદા, સુન્દરમ્, પ્રકા. આર. આર.
શેઠ, અમદાવાદ-મુંબઈ, ૧૯૯૦
૧૯૫૧માં 'યાત્રા' પછી છેક ૧૯૯૦માં 'વરદા'. ઓગણચાલીસ વર્ષ સુધી સુન્દરમના કાવ્યસંગ્રહ વિના આપણને ચાલ્યું! ગુજરાતી પ્રજાને આવી તો કેટલીબધી વસ્તુ વિના ચાલી શકે છે ત્યાં આનો અફસોસ શો કરવો એમ મન વાળીએ ત્યાં યાદ આવે કે ગાંધીયુગ અને અનુગાંધીયુગના અન્ય કવિઓની તો સમગ્ર/સકલ કવિતાના ધોધ આપણે ઝીલ્યા ત્યારે સુન્દરમનો એક કાવ્યસંગ્રહ પણ નહીં? એવું નથી કે સુન્દરમની કાવ્યોપાસના વિરમી ગઈ હતી, એમની નિજી તાજગી સાથે એ ચાલુ જ રહી હતી અને સુન્દરમ્ ગદ્યગ્રંથો આપવામાં એકાગ્ર થયા હોય તોયે એમની પાસેથી એક કાવ્યસંગ્રહ ન કઢાવી શકવામાં મને તો આપણી નિઃસ્પૃહતા જ દેખાય છે. ગાંધીયુગના આપણા બે અગ્રણી કવિઓ સુન્દરમ્ અને ઉમાશંકર. એક શ્વાસે આપણે બંનેનાં નામ લઈએ એવી સમકોટિ એમની પ્રતિભા. પણ, સ્વાભાવિક રીતે જ, આપણા ઘણાબધાનો વ્યક્તિગત પક્ષપાત થોડોઘણો જુદો હોવાનો. મને હંમેશાં સુન્દરમ્ કંઈક વધુ સ્પર્શી ગયા છે. સુન્દરમની કવિતામાં મને સવિશેષ મૂર્તતા લાગી છે. મૂર્તતા આવે છે ઇન્દ્રિયગોચર નિરૂપણોના આશ્રયથી, પણ તે ઉપરાંત ભાવોત્કટતા, કલ્પનાશીલતા, વાણીની રમણીયતા વગેરે ગુણો પણ સુન્દરમની કવિતાને સ્પર્શક્ષમ બનાવે છે. 'કાવ્યમંગલા' અને 'વસુધા' પછી સુન્દરમના ભાવજગતમાં યોગ-અધ્યાત્મનું એક જુદું જ પરિમાણ ઉમેરાયું. મને આ વિષયની કોઈ રુચિ ઊભી થઈ નથી એટલે એમની કવિતાનું હવે મને કેટલું આકર્ષણ રહે એનો સંશય મને જ થાય. પણ મેં જોયું કે ભાવજગત બદલાયું પણ સુન્દરમના કવિગુણો તો યથાવત જ રહ્યા છે ને એ કવિગુણોથી એમની ઘણીબધી કવિતા મને હજુ સ્પર્શી જાય છે. 'યાત્રા'માંથી પસાર થવાનો અનુભવ તો ઝાંખો થઈ ગયો છે, પરંતુ 'વરદા'નો તાજો અનુભવ સુન્દરમ્ એ સુન્દરમ્ છે એની દૃઢ પ્રતીતિ કરાવનાર નીવડ્યો છે. કવિતાના આસ્વાદ માટે કવિની માન્યતા સાથે મેળ હોવો જોઈએ એવું તો મને કદી લાગ્યું નથી. હું અદ્વૈત વેદાંતી નથી — જગતને કદી મિથ્યા માની શકતો નથી, છતાં અખાભગતની કવિતામાં હું ઊંડો રસ લઈ શકું છું. કવિતાનું કવિતાપણું એ જ એક અદ્ભુત ચીજ છે. ખરી કવિતા સિદ્ધ થાય છે ત્યારે કવિની માન્યતા માન્યતા ન રહેતાં એક માનવીય સંવેદનનું રૂપ ધારણ કરે છે અને કોઈ પણ માનવીય સંવેદન કાવ્યભાવકને અસ્વીકાર્ય, અનાસ્વાદ્ય નથી હોતું. 'વરદા'માં અધ્યાત્મ, પ્રકૃતિ અને પ્રણય એ ત્રણ વિષયોનાં કાવ્યો સમાવાયાં છે, પરંતુ પ્રકૃતિ અને પ્રણયનાં કાવ્યો અધ્યાત્મના રંગથી અસ્પૃષ્ટ રહ્યાં છે એમ કહેવાય એવું નથી. અધ્યાત્મયોગ જો સુન્દરમના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ બની ગયો હોય તો એમ બને પણ કેમ? પણ આપણે માટે રસપ્રદ વાત તો એ છે કે અધ્યાત્મના રંગને કારણે પ્રકૃતિ અને પ્રણયના વિષયોને એક નવીન પરિમાણ મળ્યું છે; અધ્યાત્મરંગનો કૂચડો ફરી ગયો હોય અને પ્રકૃતિ અને પ્રણયના વિષયોની એ વિષયરૂપતાનો લોપ થયો હોય, એમની એ વિષયરૂપતા અપ્રસ્તુત બની ગઈ હોય એમ થયું નથી. પ્રકૃતિકાવ્યોમાં પ્રકૃતિની અવનવીન લીલાઓનું અને કવિના ભાવાવેશનું ગાન કરવા સાથે એ પ્રકૃતિના પ્રેરકનો સંકેત થયો છે અને પ્રણયકાવ્યોમાં મનુજપ્રણયની વિવિધ રસછટાઓ વર્ણવવા સાથે એ એક ‘મંજિલ' હોવાનો, નિત્ય વાસાનું સ્થળ નહીં હોવાનો ભાવ વ્યક્ત થયો છે. ક્યારેક અધ્યાત્મ, પ્રકૃતિ અને પ્રણયંની ભેદરેખાઓ ભૂંસાઈ પણ જતી દેખાય છે. અધ્યાત્મવિષયનાં અહીં જે કાવ્યો છે તેમાંથી બહુ ઓછાં, જેને આપણે સાંપ્રદાયિક કહીએ એવી ઘરેડ ને પરિભાષામાં વહે છે એ બીના મારા જેવા માટે ઘણી આશ્વાસક બની જાય છે. એવાં કાવ્યો 'યાત્રા'માં કંઈક વધુ હોવાનું મને ઝાંખું સ્મરણ છે. છંદોબદ્ધ કાવ્યોમાં, સૉનેટોમાં સુન્દરમની ભાષા સંસ્કૃતાઢ્ય બની જવાનું વલણ ધરાવે છે અને ત્યાં એવું પરિણામ નીપજવાની સ્થિતિ આવે છે. પણ આ સંગ્રહમાં તો છંદોબદ્ધ કાવ્યો, સૉનેટો ઘણાં ઓછાં છે ને ગીત પ્રકારની તથા પરંપરિત પદ્યની રચનાઓનું પ્રાચુર્ય છે. ઉપરાંત કેટલાંક છંદોબદ્ધ કાવ્યો પણ કશોક નવો કલ્પનાચમત્કાર કે નવી અભિવ્યક્તિછટા લઈને આવે છે. ‘આવો' અને 'જયોડસ્તુ' જેવાં કોઈ કાવ્ય રૂઢ શૈલીનાં સ્તુતિકાવ્ય પ્રાર્થનાકાવ્ય બનવા જાય છે, પણ ‘ત્રિ-પથ'માં પવનના, કિરણના, ચિતિના પથ લીધા એ રીતે વાતને મૂકવાથી કવિની ઈષ્ટ ભાવનાને નવો કાવ્યોદ્ગાર મળ્યો છે, એને હૃદયંગમ મૂર્તતા સાંપડી છે; તો 'સુવર્ણ પ્રકૃતિ’માં યુગયુગોથી અંગ પર ચડેલી આંગીઓ પ્રખર ભાનુના તેજથી પીગળી રહી છે અને અસલ સ્વર્ણ ધાતુ પ્રકાશિત થઈ રહી છે એ નૂતન કલ્પનાનો રસ દાખલ થયો છે, દેવપૂજાવિધિની ઘટનાને ઉલટાવી નાખીને નૂતન મર્મોદ્ઘાટન કરવામાં આવ્યું છે. ‘પ્રકાશો વરદાયિની’ પણ આમ તો એક સ્તુતિકાવ્ય - પ્રાર્થનાકાવ્ય સમું છે, રૂઢ તત્ત્વવિચાર એમાં સ્પષ્ટ છે, પરંતુ કલ્પનાવૈચિત્ર્ય તથા ઉક્તિવૈચિત્ર્યથી દીપતી કેટલીબધી પંક્તિઓ એમાં છે! –
- દિશાને સ્કંધ એનો તે દુપટ્ટો દિવ્ય ઊતરો.
- મરુતો મર્મરો પેલી સપ્ત તેજોની ગોઠડી,
શ્વસી ર્હો ધરતીહૈયે અજતા એક પ્રીતડી.
- આ ક્ષારાબ્ધિ થકી એક ક્ષીરાબ્ધિ રચવો હવે.
- સુરના તરુથી વેડી લાવું છું કલ્પનું ફલ,
ગૂંથું છું સૃષ્ટિને કેશે સિદ્ધિનું રક્તઉત્પલ.
આમાં ઉમેરાય છે અનુષ્ટુપની પ્રભાવકતા. કાવ્યમયતાની આ તાજગીભરી આબોહવામાં ધુમ્રસેરની જેમ આમતેમ ફંટાતો વિચારદોર પણ જાણે અબાધક બની જાય છે. ‘ઈશ-આવાસ'ના ઉપજાતિમાં પણ કવિની વિચારગતિ હળવી ને અભિવ્યક્તિ સ્ફૂર્તિમંત રહી છે. પણ ગીતપ્રકારની અને પરંપરિત લયની રચનાઓનું આકર્ષણ જુદું જ છે. એમાં અધ્યાત્મવિષય વિવિધ અને ચમત્કાર અભિવ્યક્તિ-તરાહથી રજૂઆત પામ્યો છે. 'આવ ધરા' છે તો પરમ તત્ત્વ તરફની ગતિના ઉદ્બોધનનું કાવ્ય. પણ પરમ તત્ત્વ પોતે જ ધરાને પોતાની પાસે આવવા નિમંત્રણ આપી રહેલ છે ને એ તો છે પાછી એની પ્રિયતમા- આ જાતની કલ્પનાએ તદનુરૂપ વર્ણનછટા તથા ઉક્તિછટાને અવકાશ આપી ઉદ્બોધનના કાવ્યને એક નવીન સૌંદર્યથી રસી દીધું છે, પરંપરિત લયના નિયોજને ઉદ્ગારને મોકળાશ અને સ્વાભાવિકતા અર્પી છે. 'આવોજી, આવોજી’ અને ‘વસંતરાજ’ જેવાં ગીતોમાં ન્હાનાલાલીય છટા સાર્થક બની છે. પહેલા ગીતમાં ભજનકાવ્યની સરળ ભાવમયતા અને પ્રસાદમધુર શબ્દરચના છે, તો બીજા ગીતમાં એક દોરમાં જુદાંજુદાં મોતીઓ પરોવતા જવાની લોકગીત-શૈલીનો સર્જકતાભર્યો વિનિયોગ છે. એની છેલ્લી એક કડીની અદ્ભુત ચોટ જુઓ :
ઝલકે મલકે છે તારાં નેણલાં, હો માણારાજ,
આપે તો એક મીટ આપજે,
મારે તો એક મીટ ઝાઝી, હો માણારાજ,
સૌને સોહાગ તારા આપજે.
અહીં ‘માણારાજ' છે તે આગલી કડીઓમાં ‘વસંતરાજ' 'ગગનરાજ' 'પવનરાજ’ ને ‘સાગરરાજ' છે ને બધે કવિએ ચાવીરૂપ શબ્દોના ફરકથી એને અનુરૂપ સામગ્રી આણી છે અને વિશિષ્ટ ઝંખનાચિત્ર ઉપસાવ્યું છે. 'આવશે'માં અતીન્દ્રિય અનુભવની વાતને અદ્ભુત રમણીય ઇન્દ્રિયગોચર ચિત્રોમાં બાંધી છે :
- ઊગશે આકાશે કૈંક હેમલા પોયણિયું ને
છૂટશે દિશાના કૈંક રૂંધાયેલા કંઠ,
- આદિની વિજોગણ કેરા ટળશે વિયોગ, એના
સેંથલે સિંદુર આવી ભરશે ભરથાર,
'ગૂંથ રે, માલણિયા'નાં ચિત્રોમાં ભાષાનો વ્યવસ્થાભંગ આપણને વિસ્મયાનંદની હેલીમાં નવડાવે એવો છે :
સૂતી રે દિશાનાં કીધાં મખમલ ઓશીકાં, માલણ,
જાગતાં ગગનિયાંની સેજ રે,
પિયુનાં તળાંસું હું તો કમલચરણિયાં ને
ઢોળું મારા પાલવડે હેજ રે.
‘મીરાંની રીત'માં મીરાંની વાતને છાજે એવો જ સરળતા સાથે માર્મિકતાનો યોગ છે, તો 'ચલ, પવનની પાવડી' જેવા ગીતમાં હિંદી-ગુજરાતી ભાષાની ગૂંથણીનો કૌતુકભર્યો પ્રયોગ છે. સંગ્રહનાં પ્રકૃતિનાં કહેવાય એવાં કાવ્યો કેવળ પ્રકૃતિનું વર્ણન કરવા તો ભાગ્યે જ તકાયેલાં છે. “ગિરિ ગિરનાર,' 'કોડાઈકૅનાલ’ 'દક્ષિણા દિક્' વગેરે સ્થળવિશેષનાં કાવ્યોમાં પણ એમ જ બન્યું છે. 'ગિરિ ગિરનાર'ની સૉનેટમાળામાં માત્ર ભૌતિક ઊર્ધ્વ-આરોહણની નહીં, ચૈતસિક ઊર્ધ્વ-આરોહણની પણ કથા છે; માત્ર પ્રકૃતિલોકના ઉઘાડનું વર્ણન નથી, ભાવનાલોકનો ઉઘાડ પણ એની સાથે વણાયેલો છે. 'કોડાઈકૅનાલ' વિશેના બે કાવ્યપ્રયોગોમાં એ સ્થળની એક નિજી વિશિષ્ટ સંવેદનસ્મૃતિ જ કેન્દ્રમાં છે. 'દક્ષિણ દિફ'માં દક્ષિણ પ્રદેશની ગિરિમાળાઓ, વૃક્ષરાજિઓ, ધરાતલ અને ખેતરો વગેરેનું વર્ણન છે. પણ વસ્તુતઃ એ મનોરમ અલંકારારોપણોથી થયેલું લાક્ષણિક સૌન્દર્ય-દર્શન છે અને અંતે પાંચાલીનાં ચીર પૂરનાર કૃષ્ણની શોધનો તંતુ ગૂંથી કાવ્યને આધ્યાત્મિક વળાંક આપ્યો છે. ‘આ હવા’માં સજીવારોપણ વ્યાપારથી હવાની ગતિલીલાને વર્ણવી છે એમ પ્રથમ દૃષ્ટિએ લાગે. પણ ખરેખર તો એક નારીપાત્ર સંદર્ભે જ હવાની ગતિલીલા વર્ણવાઈ છે ને તેથી કાવ્ય પરિણમે છે જાણે માનવભાવલીલાના નિરૂપણમાં. 'અગાધ ભરતી' જેવા સૉનેટમાં પ્રાકૃતિક ઘટનાના સાદૃશ્યથી અંગત લાગણીને આલેખવાની ચિરપરિચિત કાવ્યરીતિ જોવા મળે છે. ‘ત્રિ—વલ્લી'નાં 'સ્વપ્ન' 'અપ્સરા' ને 'ધરણી' એ ત્રણે કાવ્યો સુંદર પ્રકૃતિચિત્રો આલેખે છે પણ એ પ્રકૃતિચિત્રો કવિની કલ્પકતાનાં ફરજંદ છે, એક સ્વપ્નિલ આભાથી એ રસાયેલાં છે. સુંદરમનાં સર્વ પ્રકૃતિચિત્રો છેવટે તો એક યા બીજા પ્રકારનાં ભાવચિત્રો બનવા કરે છે. કવિની કલ્પના, ભાવના, વિસ્મય, ઉલ્લાસ, ઝંખનાનો રંગ એને લાગેલો હોય છે. પ્રકૃતિદર્શન એ સૌંદર્યદર્શન, ભાવનાદર્શન, રહસ્યદર્શન હોય છે. આવા અનન્ય દર્શનને અવતારવા મથતી કવિની ભાષાભિવ્યક્તિ પણ વિલક્ષણ બને છે. ઉત્પ્રેક્ષા, રૂપક. અતિશયોક્તિ આદિ અલંકારોનો તો એ આશ્રય લે જ છે. પણ તે ઉપરાંત પદાર્થોની ઘણી તોડ-જોડ કરે છે, વાગ્મિતાનાં ઘણાં ઓજારોને કામે લગાડે છે, શબ્દ-વાક્યના અનેક પ્રકારના લય સર્જે છે. 'ડુંગરિયો પીર' રહસ્યાવૃત પ્રકૃતિદર્શનનો એક ઉત્કટ નમૂનો છે. માનવી ચંદ્ર પર પહોંચ્યો એ ઘટનાને અનુલક્ષીને રચાયેલાં ત્રણ કાવ્યો છે એની નોંધ અહીં ખાસ લેવી જોઈએ. માણસ ચંદ્ર પર પહોંચ્યો તે ઘટનાએ રંગદર્શી વૃત્તિથી આપણે ચંદ્ર પર જે લપેડા લગાવેલા તે ઉખાડી નાખીને એની સ્થૂળ ભૌતિક વાસ્તવિકતા છતી કરી આપી. ‘ચંદ્ર' શીર્ષક નીચે મુકાયેલાં બે કાવ્યોમાંથી એક ‘દર્શન'માં કવિએ એ નીરસ વાસ્તવિકતાનું ચિત્રણ કરી પૃથ્વીપ્રેમને ઉઠાવ આપ્યો છે. પરંતુ સુન્દરમ્-દર્શન આ વાસ્તવદર્શનની નોંધ લે, પણ એમાં સીમિત ન રહી શકે. એ ‘દર્શન’ની સાથે જ 'આરાધના' નામક તિથિકાવ્ય મૂકે છે. પ્રસંગોપાત્ત વિનોદનો સૂર લઈને આવતું આ કાવ્ય અંતે તો સૌંદર્યમૂર્તિ — રસમૂર્તિની આરાધનાનું. એની સાથેની અદ્વૈતસાધનાનું કાવ્ય બને છે. પ્રતિપદાથી પૂર્ણિમા સુધીનો દર્શનવિકાસ એમાં લાક્ષણિક રીતે આલેખાયો છે. આ બીજું કાવ્ય મૂકીને પહેલા કાવ્યના વાસ્તવદર્શનની સીમિતતા કવિએ સૂચવી દીધી છે. ‘ચંદ્રમિલન'માં તો ચંદ્ર વિશેની આપણી પરંપરાગત કલ્પનાને અળગી કર્યા વિના જ મિલનનું ચિત્ર આપ્યું છે?
એ કામિનીના સ્તબ્ધ હૃદય પર ધબકત આ દિલ ધાર્યું.
એના કર્ણ વિષે જઈ શાશ્વત ગુંજન અમ ઉચ્ચાર્યું.