મારી હકીકત/૨૪ પ્રશ્ન

From Ekatra Wiki
Revision as of 17:17, 14 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૪ પ્રશ્ન | }} {{Poem2Open}} ‘શાસ્ત્રીઓની સહાયતા લીધા વિના તમે એકલાજ જાતે સંસ્કૃત વાણીએ વાદ કરવાની અને સંસ્કૃત ગ્રંથોના અર્થો અન્વય સમાસપુરસ્સર કરી બતાવવાની શકિત ધરાવો છો?’ ‘ધરાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૪ પ્રશ્ન

‘શાસ્ત્રીઓની સહાયતા લીધા વિના તમે એકલાજ જાતે સંસ્કૃત વાણીએ વાદ કરવાની અને સંસ્કૃત ગ્રંથોના અર્થો અન્વય સમાસપુરસ્સર કરી બતાવવાની શકિત ધરાવો છો?’

‘ધરાવતા હો તો હમને લખી જણાવવું કે જારે હમારે તમારી સાથે વાદ કરવાનો પ્રસંગ આવે તારે હમારી તરફથી શાસ્ત્રીઓને તેડતા આવિયે. મારે શાસ્ત્રીઓ સાથે વાદ કરવો હશે તો તમારી મારફતે કરવાની મને જરૂર નથી. મારે તો તમારી જ સાથે વાદ કરવો છે. તમે જાતે સંસ્કૃતમાં વાદ કરવાની શકિત ધરાવતા હો તો મારીતરફના શાસ્ત્રીની મારફતે હું તમારી સાથે વાદ કરું ને તમે જાતે સંસ્કૃતમાં વાદ કરવાને શકિતમાન ન હોતો તમારે મારીસાથે ગુજરાતીમાં જ વાદ કરવો અને પ્રમાણને અર્થે સંસ્કૃત શ્લોકના અર્થ આપણે શાસ્ત્રીઓની સમક્ષ કરી આપવા. કેમ મહારાજ! ખરું કહું છે કે નહીં?’

‘તમે કિયાં કિયાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે તે મને લખી જણાવવું. કે તે બાબત ઉપર તમારી સાથે વાદ કરવાનો હું વિચાર રાખું.’

‘આનો જવાબ મને જલદીથી આપવો જોઈએ.’

‘નર્મદાશંકર લાલશંકર.’