ભારતીય કાવ્યસિદ્ધાંત/રસાભાસ અને ભાવાભાસ

From Ekatra Wiki
Revision as of 15:57, 11 March 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રસાભાસ અને ભાવાભાસ

રસાસ્વાદમાં એક મહત્ત્વનો પ્રશ્ન તે ચર્વણાના આભાસનો છે. રસાભાસ અને ભાવાભાસ એના બે પ્રકારો છે. મમ્મટ અનૌચિત્યથી પ્રવર્તતા રસ અને ભાવને રસાભાસ અને ભાવાભાસ ગણે છે.[1] અનેક-કામુકવિષયક રતિ જ્યાં વ્યંજિત થાય છે તેને એ રસભાસનું ઉદાહરણ ગણે છે; અને સીતાની પ્રીતિ પ્રાપ્ત કરવાની રાવણની ચિંતા જ્યાં વ્યંજિત થાય છે તેને એ ભાવાભાસનું ઉદાહરણ ગણે છે. અહીં મમ્મટની દૃષ્ટિએ અનૌચિત્ય એટલે નીતિનું અનૌચિત્ય હોય એમ જણાય છે. આચાર્ય અભિનવગુપ્ત વિભાવ અને અનુભાવના આભાસના કારણે રસાભાસ ઉદભવે છે એમ માને છે. સીતા પ્રત્યેના રાવણના રતિભાવને એ રત્યાભાસ ગણે છે, કારણ કે ‘સીતા મારા પ્રત્યે ઉપેક્ષા રાખે છે, મારો દ્વેષ કરે છે’ એ ખ્યાલ રાવણને નથી; એવો ખ્યાલ એને આવે તો એનો અભિલાષ વિલીન થઈ જાય. અને ‘મારા પ્રત્યે સીતા અનુરક્ત છે’ એવું નિશ્ચયપૂર્વક જાણવાની તસ્દી પણ એણે કામમોહના કારણે લીધી નથી. આમ, અહીં એકપક્ષી અભિલાષ હોવાથી આભાસ છે એમ તેઓ જણાવે છે.[2] રસ અને રસાભાસ કે ભાવ અને ભાવાભાસ વચ્ચેનો ભેદ રજત અને શુક્તિરજત કે સર્પ અને રજ્જુસર્પ જેવો છે એમ કહેવામાં આવે છે. શુક્તિમાં રજતનો કે રજ્જુમાં સર્પનો આભાસ થાય, તેના જેવો અનુભવ રસાભાસ કે ભાવાભાસનો હોય છે. પણ આ પરથી ભારતીય કાવ્યશાસ્ત્રીઓ રસાભાસ કે ભાવાભાસમાં જે ચર્વણા (કે ચર્વણાભાસ) છે તેને અવાસ્તવિક ગણી ત્યાજ્ય ગણે છે એમ માનવાને કોઈ કારણ નથી. આભાસી અનુભવનું પણ ક્રિયાકારિત્વ હોય છે. રજ્જુને સર્પ માનીને માણસ ભયથી નાસી જાય, એટલું જ નહિ, ક્યારેક ભયથી મૃત્યુ પણ પામે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓ રસાભાસ અને ભાવાભાસને ‘રસાદિધ્વનિકાવ્ય’ના પ્રભેદોરૂપે વર્ણવે છે, રસદોષમાં ગણાવતા નથી. એટલે કાવ્યમાં આ જાતનાં વર્ણનો એમને મતે અનિષ્ટ નહિ હોય એમ સહેજે માની શકાય. એ પણ એક જાતનો રસનો અનુભવ-આસ્વાદ- છે, ભલે એના મૂળમાં આભાસ હોય. સામાજિક દૃષ્ટિના અનૌચિત્ય અને આભાસમયતા વચ્ચે કદાચ ભેદ કરી શકાય. મમ્મટ જે ઉદાહરણ આપે છે તેમાં સામાજિક દૃષ્ટિએ જ અનૌચિત્ય છે. સીતા માટે રાવણની ચિંતાને ભાવાભાસ ગણવા પાછળ એમની દૃષ્ટિ સીતાને આપણે દેવી ગણીએ છીએ અને તેથી તેના પ્રત્યે રતિભાવ ન સંભવી શકે એ જાતની જણાય છે. આચાર્ય અભિનવગુપ્ત સીતા રાવણની પ્રીતિનો પડઘો પાડી શકે તેમ નથી, એ વાત પર ભાર મૂકતા જણાય છે. એમાં સામાજિક નીતિમત્તાની વાત નથી, પણ આલંબનવિભાવ જ રતિભાવને પોષક નથી અને તેથી સંપૂર્ણ રસસિદ્ધિ થવી અશક્ય છે, એવું સૂચન જણાય છે. સામાજિક નીતિ અને સાપેક્ષ તત્ત્વ છે અને જો એના ભંગના કારણે કાવ્યને રસાભાસ કે ભાવાભાસનાં ઉદાહરણો ગણી અકાવ્ય કહેવાતાં હોય તો, પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ, રસસિદ્ધાંતમાં સાપેક્ષતા આવે છે, એટલું જ નહિ, કલાનો પ્રદેશ પણ સંકુચિત થાય છે. ‘રસાભાસની કલ્પનાથી મનુષ્યસ્વભાવના યથાતથ આલેખનની અવગણના થઈ છે, એટલું જ નહિ અનુભવ (response) ન પામતી રતિ જેવામાં ભાવમંથનનો ઉત્તમ હૃદયસ્પર્શી પ્રસંગ આવે તે પણ કવિ જતો કરતો જણાય છે. ગુરુ આદિ પ્રતિ રતિ, કોપ કે હાસને રસાભાસ ગણવામાં ઉચ્ચ નીતિના ખ્યાલને કલામાં ખેંચી આણ્યો છે. તો સમાજના નીચલા થરના પાત્રમાં આલેખાતા શમ કે ઉત્સાહને રસાભાસ ગણવામાં આપણા ધર્મના અસ્પૃશ્યતાના રોગનો ચેપ કલાને લગાડવામાં આવ્યો છે.’[3] પણ આચાર્ય ડોલરરાય માંકડ ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ આપેલાં અનીતિમય સંભોગની વ્યંજનાનાં ઉદાહરણો પરત્વે કહે છે કે ‘ત્યાં પછી ગમે તેવો વ્યંગ્યાર્થ હોય તોપણ કાવ્ય ઉત્તમ ન જ બને, ઉત્તમ શું, કાવ્ય કાવ્ય જ ન બને.’[4] આ વાત પણ એક રીતે સાચી છે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓનાં ઉદાહરણોમાં જે સંભોગ વ્યંજિત થાય છે તે કેવળ સ્થૂળ હોય છે. ઘણી વાર ત્યાં શૃંગારરસ નથી હોતો, કામુકતા હોય છે, અશ્લીલતા હોય છે. કેવળ ઈન્દ્રિયવ્યાપારોનું સૂચન કરતા ચિત્રમાં રસ – જે ભાવનાભોગ્ય છે, તે – છે એમ નહિ કહી શકાય. એટલે સામાજિક અનીતિની કલ્પનાથી કાવ્ય ઘણી વાર દૂષિત નથી બનતું હોતું, પણ ભાવોને સ્થૂલરૂપે વર્ણવવાના દોષને શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે રસાભાસ કે ભાવાભાસ નહિ કહી શકાય. સ્પષ્ટ રીતે જેને દોષ કહી શકાય એવા અનૌચિત્યની વાત પણ કાવ્યશાસ્ત્રીઓ કરે છે. એને સામાન્ય રીતે તેઓ પ્રકૃતિગત અનૌચિત્ય કહે છે; જેમ કે માનુષી શક્તિવાળો કોઈ રાજા સાત સમુદ્ર પાર કરી જતો હોય, દિવ્ય પાત્રોના સ્થૂલ સંભોગશૃંગારનું વર્ણન કર્યું હોય, વગેરે. આ જાતની વિચારણા પાછળ પણ સામાજિક માન્યતાઓ રહેલી છે; અને સંભવ છે કે પ્રાચીન કાવ્યશાસ્ત્રીઓએ જ્યાં અનૌચિત્ય જોયું છે, ત્યાં આજે આપણે ન પણ જોઈએ. પણ મુદ્દાની વાત તો એ છે કે આ જાતના અનૌચિત્યને તેઓ રસાભાસ કે ભાવાભાસનું નામ નથી આપતા, રસદોષ જ ગણે છે. પ્રકૃતિનું કે ભાવનું અનૌચિત્ય બીજે કેટલેક ઠેકાણે પણ જોઈ શકાય. ઉંદરને મારવા તલવાર લઈ ઉત્સાહથી દોડતો યોદ્ધો કે ઉતરેડ ને વહુ માની આલિંગન કરવા જતો વાંઢો આપણને વીર કે શૃંગારરસનો અનુભવ નહિ કરાવે, પણ હાસ્યરસનો અનુભવ કરાવશે. ત્યાં આલંબનના અનૌચિત્યને કારણે ભાવ પણ અનુચિત બને છે; પણ ત્યાં દોષ છે એમ નહિ કહેવાય; કારણ કે કવિ હાસ્યરસનું જ ચિત્ર આલેખવા માગતો હોય છે. આ જાતનું અનૌચિત્ય પણ કાવ્યશાસ્ત્રીઓને રસાભાસ કે ભાવાભાસમાં અભિપ્રેત હોય એમ જણાતું નથી. એટલે અકંદરે જોઈએ તો રસાભાસ અને ભાવાભાસની ભારતીય કાવ્યશાસ્ત્રીઓની ચર્ચા બહુ સ્પષ્ટ નથી. તેઓ એમાં આસ્વાદનો એક પ્રકાર ગણે છે, એમ તો લાગે છે; પણ એ આસ્વાદ્યતાનું સ્વરૂપ ખરેખર કેવું છે, એ જીવનની દૃષ્ટિએ જ આભાસી છે – અનિષ્ટ છે, અને જીવનની દૃષ્ટિએ જે અનિષ્ટ છે તેને કાવ્યમાં પણ પરિહાર્ય ગણવું કે કેમ, એ જાતના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ તેમની પાસેથી મળતા નથી.


  1. तदामासा अनौचित्यप्रवर्तिताः । (काव्यप्रकाश)
  2. यदा तु विभाववानुभावाभासात् रत्याभासोदयः तदा विभावानुभावामासात् चर्वणाभास इति रसाभासस्य विषयः। यथा रावणकाव्याकर्णाने शृङ्गाराभासः। ...ननु नात्र रतिः स्थायिभावोऽस्ति । परस्परावस्थाबन्धाभावात् केनैतदुक्तं रतिरिति । रत्याभासो हि सः । अतश्च आभासो येन अस्य सीता मय्युपेक्षिका द्विष्टा वेति प्रतिपतिर्हृदयं न स्पृशत्येव । तत्स्पर्शे हि तस्यापि अभिलाषो विलीयेत । न च मयीयमनुरक्तेत्यपि निश्चयेन कृतं कामकृतान्मोहात्। अत एव तदाभासत्वम् ।... अत एवाभिलाषे एकतरनिष्ठेऽपि शृङ्गारशब्देन तत्र तत्र व्यवहारस्तदाभासतया मन्तव्यः । (ध्वन्यालोकलोचन)
  3. ‘પરિશીલન’ : પૃ.૩૬
  4. ‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો’ : પૃ.૭

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted