ગિરીશ ભટ્ટની વાર્તાઓ/અકબંધ
દુર્ગાએ પુત્રીને કહ્યું : ‘પન્ના, આ રવેશમાં બેસ. તને ઠીક રે'શે.’ તે ખુરશી ખેંચીને બેસી ગઈ હતી. ઠંડો પવન, સવારનો કોમળ તડકો, સામેના ટાવરોની છજાવાળી બારીઓ, હારબદ્ધ રવેશો અને રવેશોની વળગણીઓમાં સૂકાતાં ભીનાં વસ્ત્રો. કેટલીક રવેશોમાં કશુંક કરી રહેલી સ્ત્રીઓ : પ્રવૃત્તિઓ ને આવનજાવન. તે પણ એક રવેશમાં હતી ને? ગમ્યું, અવલોકન કરવું ગમ્યું. અસંખ્ય બારીઓ, રવેશો અને કપાયેલું થોડું થોડું આકાશ. પહેલા ફ્લોર પર હતી એ એટલે જમીન સાથેનો સંબંધ પણ હતો જ. અવરજવર, ધીમી વાતચીતો, ખિલખિલ હાસ્ય. એક ચકલી પણ પાસે આવીને ઊડી ગઈ હતી. બા-બાપુ અંદર હતા. ધીમી વાતચીત થતી હતી. તેણે કાન માંડ્યા. પણ ના, તેના વિશે કશી વાત થતી નહોતી. હજી તે ગઈ સાંજે જ આવી હતી. કેટલી થાકી હતી? માંડ માંડ અહીં સુધી પહોંચી હતી. રિક્ષાવાળો ભલો હતો. પૂરું સરનામું પણ ક્યાં હતું પાસે? જય ફ્લેટ્સ! પણ જયમાળા ફ્લેટ્સ પણ પાસે જ હતાં. રિંગ રોડ કહો પણ એ વર્તુળ નાનું થોડું હોય? બસ, તે એમ જ નીકળી પડી હતી. પહેલી વાર આવી હતી. માએ પત્રમાં વર્ણન કર્યું હતું : ‘પન્ના સરસ ફ્લેટ મળ્યો છે મોટાને એકાંતનું એકાંત ને વસ્તીની વસ્તી! ત્રણ તો બેડરૂમ, મોટો ડ્રોઈંગરૂમ, કિચન, બાથ સ્ટોર ને બે તો રવેશ!' તે અત્યારે એકમાં બેઠી હતી. સામે-માએ નહોતું લખ્યું તેવું સરસ દૃશ્ય હતું. અવલોકન કરી રહી હતી, નવા વિષયોમાં પ્રવેશવા અને જૂના ભૂલવા મથતી હતી. માતાએ આગળ લખ્યું હતું : ‘પન્ના, મોટાભાઈની બદલી થઈ ને વતનનું ઘર સમેટવું પડ્યું. કશો વિકલ્પ જ નહોતો. કેટલી પીડા થઈ હશે? છેલ્લા બે દશકામાં ક્યાં એકેય વાર તાળું વસાયું હતું?’ પન્નાને ઝૂરતી માનો ચહેરો દેખાયો હતો. પાછું... એનું એ જ. સરસ ફ્લેટ છે અહીં ફાવી જશે એ તો. પણ યાદ તો આવે જ ને? પળવાર માટે તે તેની જાત, તેની પીડાઓ ભૂલી ગઈ હતી. થયું હતું કે દરેક વ્યક્તિની પીડાઓ અલગ અલગ હતી. તેની પીડા... તેની જ હતી. કેવા વેશે નીકળી પડી હતી? અખિલેશે કેવું કહ્યું? તે થીજી ગઈ હતી. ચોરી ઉપર શિરજોરી! થયું આ પુરુષ? આ જ અસલી રૂપ? આઘાત લાગ્યો હતો. કેટલી નિર્લજ્જતા? બે રાત પડી રહી હતી અખિલેશથી, પણ ક્યાં કશું થયું હતું? ને બીજે દિવસે પન્નાએ નિર્ણય લઈ લીધો હતો કે તે એ ઘર છોડીને ચાલી જશે, મોટાભાઈને ત્યાં. બા-બાપુ, મોટાભાઈ, નીરજાભાભી, સુરતા બંધાય પાસે. નાનકી સૂટકેસમાં બે-ત્રણ જોડી વસ્ત્રો ડૂચાની જેમ ખોસ્યાં હતાં ને નીકળી પડી હતી. બગલથેલામાં થોડીક જરૂરી ચીજો હતી : ટૂથ બ્રશ, રૂમાલ, ઉલિયું, પેન, ડાયરી જેવી. ઝટપટ સંબોધન લિખિતંગ લખ્યા વિનાની ચિઠ્ઠી લખીને ટેબલ પર મૂકી હતી : જાઉં છું. ‘સુખી થાવ પેલીની સાથે.’ બે આંસુડાં પણ એ કાગળ પર પડ્યાં હતાં. તે ત્યાંથી સડસડાટ નીકળી ગઈ હતી. પર્સમાં મોટાભાઈનું નવું સરનામું હતું. નવું શહેર ને નવું સરનામું. ટ્રેનનો સમય તો તે જાણતી જ હતી. જનરલ કોચમાં માંડ માંડ ચડી હતી. એક પ્રૌઢ સ્ત્રીએ તેને મદદ કરી હતી. રઘવાટમાં ડોરબેલ પર આંગળી મૂકી. થતું હતું કે સાચે સ્થાને પહોંચી તો હશે ને? બારણું ખુલ્યું તો સામે મા હતી. સાયંકાળનો આછો ઉજાસ હતો. ‘કોણ... પન્નુ?' માના અવાજમાં આનંદ ભળ્યો હતો. પાછળ બાપુ ઊભા હતા. ‘સારું થયું, તું આવી બેટા!’ મા બોલી ને તે વળગીને રડી પડી હતી. આ રડવું વિરહ પછીના મિલનનું હતું, પેલું નહોતું. માએ માહિતી આપી : ‘અમે બે એકલાં જ છીએ. સારું થયું, તું આવી. એ લોકો સાઉથના પ્રવાસે ગયા છે.’ પછી તરત જ વાત ફંટાઈ હતી : ‘પન્ના, સુરતા... કેવાં સરસ પ્રવાસવર્ણનો લખે છે? અદ્દલ તું જ. અક્ષરો પણ મરોડદાર. ભાષા પણ તારી, વાંચજે પછી નિરાંતે. સ્નાન કરી લે પહેલાં. પ્રવાસનો થાક ઊતરી જશે. પન્ના, એવું સરસ બાથરૂમ છે. અરીસો, ટબ, ફુવારો અને...!' બાપુએ યાદ કર્યું હતું : ‘એકલી જ આવી?’ તે કશું જ બોલી નહોતી. વિચાર્યું કે પછી બધી વાત કરશે, હૈયું ખોલીને કરશે; કહેશે કૈંક...! ભીતર કશું ખટકવા લાગ્યું હતું, મૂઠી વળાઈ ગઈ હતી. દુર્ગા... તેને બાથરૂમની ખૂબીઓ દેખાડતી હતી. પન્ના, પછી તને આખો ફ્લેટ બતાવીશ. અરે, જીપ તેડવા-મેલવા આવે મોટાને! આ ફ્લેટ પણ ...! તેણે ગરમ પાણીથી સ્નાન આટોપી લીધું. અખિલેશના વિચારો આવ્યા પણ મન મક્કમ કરીને શ્લોક રટવા લાગી. બહાર નીકળીને કહ્યું : ‘બા, સરસ છે બાથરૂમ.’ માએ હર્ષભેર કહ્યું : આવો તો બીજોય છે. પછી ફ્લેટ જોવાયો. બા વર્ણન કરે ને બાપુ ટાપસી પૂરે. છેક છેલ્લે એ પણ કહ્યુ : ‘પન્ના, અખિલેશ આવે તો સંકડાશ ના લાગે. વિશાળ છે.’ તેણે હસી લીધું. રાતે દુર્ગાએ વતનના ઘરની વાત ઉખાળી હતી. ‘પન્ના, એ ઘર મનમાંથી ખસતું જ નથી. ક્યાં હતાં પંખા? ને તોય કેટલી ઠંડક? આગલો ખંડ તો વિશાળ પણ કેટલો? એ, તું જ ત્યાં છોકરીઓ ભેગી કરીને ભણાવતી'તી ને?' તેને બધું યાદ આવ્યું હતું. દશ-બાર વર્ષો પહેલાંની જ વાત! તે છાત્રાઓને ભણાવતી હતી. શું નામ હતાં? નોટબુકમાં હાજરી પૂરતી હતી, ફીના હિસાબો લખતી હતી. જૂનો અભ્યાસખંડ સજીવન થયો હતો. શું કહ્યું હતું દાદીએ? પૈસા ભેગા કર. તારા આણામાં કામ આવશે. થાક, કંટાળો, અખિલેશ, જનરલ વૉર્ડનો એ કોચ ને દુર્ગાએ કરેલી ત્રુટક ત્રુટક વતન-ઝુરાપાની વાતો વચ્ચે સાવ નવી જગ્યાએ પન્ના જંપી ગઈ હતી. સાવ છેલ્લું ભાન મા વિશેનું હતું. તે માને વળગીને સૂઈ ગઈ હતી. સવારે- ફ્લેટ દર્શન થયું હતું. સુરતા અને નીરજાની વાતો થઈ હતી. ને રવેશમાં ગોઠવાઈ હતી. સામે રવેશો, બારીઓ, સૂકાતાં વસ્ત્રો અને નવી નવી સ્ત્રીઓ. દુર્ગાએ યાદ કરાવ્યું હતું : ‘સારું થયું તું આવી.’
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> •
તેને થયું હતું કે કેમ મા પૂછતી નથી કે તે બે જોડી વસ્ત્રો લઈને જ કેમ આવી હતી, ચહેરા પર શેની ઉદાસી હતી, અખિલેશની વાત નીકળતાં જ કેમ મોં ફેરવી લેતી હતી. શું બધું ખ્યાલ બહાર ગયું હશે? માની આંખે તો તરત જ બધું વંચાઈ જાય; તરત પૂછે : છે કશું અખિલેશ સાથે? કેમ આમ... મૂંઝાયેલી લાગતી હતી? હેં પન્નુ! ને તરત જ માને ખભે માથું મૂકીને ખાલી થઈ જાય. ફોન પર નીરજાભાભીએ તો શું કહ્યું હતું? આગમન બદલ હરખ વ્યક્ત તો કર્યો જ પરંતુ એકલી આવી એ બાબત જ મુખ્ય રહી. કેટલી સગવડ છે હવે! અરે, તમને અલાયદો બેડરૂમ પણ મળી શકે. એય... નિરાંતે...! ને પાછી પૃચ્છા : ‘છે તને? નથી! હવે તો વિચારવું જોઈએ. અખિલેશને જ કહેવું પડશે.’ બાપુએ પણ અખિલેશગાથા ગાઈ. કહ્યું : ‘વેડમી બનાવો છો ને! સરસ... પન્નુને ભાવે છે એમ? અને... અખિલેશને પણ. યાદ છે, તમને? લગ્ન પછી આવ્યા'તા? ને તમે... વેડમી બનાવી’તી! ત્યારે જ ખ્યાલ આવ્યો કે જમાઈને... પણ...!’ તેને ચીડ ચડી હતી. કહ્યું દુર્ગાને : ‘બા મૂકોને કુથારો. ગમે તે ચાલશે!' થયું કે કેમ કોઈ મર્મસ્થળ સુધી જતું નથી. કોણ છે એ? નથી ગમતી વેડમી. તેને તો.. પેલી ગમવા લાગી હતી. અરે, પહેલેથી જ ગમતી'તી! સંબંધો હતા. તેને તો મા ખાતર જ પરણ્યા હતા! ને મા પણ ક્યાં જીવતી'તી હવે? પણ પેલી તો હતી. જાણે કશું મહત્ત્વનું ના હોય તેમ કહ્યું હતુંઃ ‘જો સાંભળ, તને શું ઓછું પડ્યું? ઘર-ખર્ચ, પ્રેમ.. એવું કશુંય? બસ. પડી રહે ભલી થઈને. અરે, સંતાન પણ આપીશ? બાકી... તે તો રહેશે જ.' આ પુરુષ? અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા એ પુરુષ? તેનું મન ભાંગી ગયું! હવે તે કેવી રીતે સાથે રહી શકે? પેલી જ દેખાવાની સોફામાં, પથારીમાં અને કિચનમાં. એક વેળાએ તો તેણે તેને અલપઝલપ જોઈ પણ હતી. જોતાંવેત જ રોષ જન્મ્યો હતો; ને પછી રડી પડી હતી. શું વિશેષ હશે તેનામાં? પ્રશ્ન થયો હતો. પછી વિચાર કરતાં થયું કે તે તો નિર્દોષ હતી. જવાબદાર તો અખિલેશ હતા. એ પછી થવા જોગ બધું થયું હતું; આજીજીઓ, રીસો, તર્કબદ્ધ દલીલો, ઝઘડાઓ. અંતે તેણે ઘર છોડ્યું હતું. માએ બદલાયેલા શહેર, મોટાભાઈના નવા ફ્લેટ વિશે લખ્યું હતું, આમંત્રણ પણ પાઠવ્યું હતું આવો, તમે બેય. ગમશે અખિલેશને. અને અચાનક જ પન્ના એકલી જ પહોંચી ગઈ હતી. બીજી સવારે એ જ રવેશમાં બેઠી. અલબત્ત નવીનતા નહોતી, ગઈ કાલનાં જ દૃશ્યો હતાં તોપણ રાહત લાગી. રવેશો, બારીઓ, કબૂતરોવાળાં છજાંઓ અને સ્ત્રીઓ. વળગણીઓ પર ભીનાં વસ્ત્રો પણ. થયું; આ સ્ત્રીઓના પણ સંસાર હશે, પુરુષો હશે, બાળકો હશે! કોઈ કોઈ રવેશોમાં બાળકો પણ હતાં. તેને પણ હોત જ ને? પણ અખિલેશે તેને પટાવી હતી : ‘પન્નુ, આ તો પ્રારંભના દિવસો. મોજ કરી લઈએ. કેવી થઈ જશે તારી ફિગર?’ તે માની ગઈ હતી. પુરુષને ગમતા જ રહેવું અને અરીસાને પણ! શું ખબર કે બધી જ રમત? ત્યાં બાપુએ પુનરોક્તિ કરી હતી : ‘સારું થયું, તું આવી. સાંજે આશ્રમમાં જઈએ. શું પવિત્ર સ્થાન છે? દિવ્યતા...! ઇચ્છા તો હતી પણ જવાતું નહોતું.' ‘જઈએ...’ માએ અનુમોદના કરી હતી. પણ પન્ના અકળાયેલી હતી. કેમ આ લોકો પૂછતાં નથી કે તે અચાનક શા માટે આવી હતી, બે જોડી વસ્ત્રો લઈને? કેમ વાંચી નહીં શકતાં હોય તેનો ચહેરો, તેની આંખો? તે ખાલી થવા ઇચ્છતી હતી. ડૂમો બાઝેલો હતો. હૈયામાં. કોઈ જરા સ્પર્શ કરે ને તે ખળભળવાની હતી. આંસુડા પાંપણો પર જ હતાં. સ્હેજ ઠેલો વાગે ને... તે..? પણ ક્યાં હતો એ ઠેલો, એ સ્પર્શ, એ ઢાળ, એ શબ્દ? તેણે આક્રોશ છૂપાવતાં કહ્યું : ‘બા, પછી વાત...!' ને બાપુ બોલ્યા હતા : ‘ભલે ભલે, પછી વાત, થાક ઉતાર.’ તરત જ દુર્ગાએ વતનઝુરાપા ભણીનો તંતુ લંબાવ્યો હતો : ‘યાદ છે ને... આપણાં ગામ પાસેનું વડલાવાળું થાનક! શ્રાવણ મહિનામાં દર સોમવારે મેળો ભરાય. સ્વયમ્ શંકર ! પાસે બારમાસી ઝરો.’ ને વાત ફંટાઈ ગઈ હતી. પન્નાની આંખો ભીની થઈ ગઈ હતી. તે હવે શું કરે? અરે, અખિલેશે પણ શું કર્યું? ચિઠ્ઠી તો વાંચી જ હશે ને? કર્યો ફોન? ના, તે હવે ત્યાં તો નહીં જ જાય. ક્યારેય નહીં. બપોરે બાપુને ‘કલ્યાણ'ના અંકોની વ્યવસ્થામાં મદદ કરવા બેઠી. સાલ પ્રમાણે મહિનાઓ મુજબની થપ્પીઓ કરી, દોરથી બાંધીને ઉપર લાલ અક્ષરમાં લખાણ લખ્યું. બાપુએ યાદ કર્યું કે હજી કેટલું બધું સાહિત્ય વતનના ઘરમાં પડ્યું હતું. પન્ના, બે કબાટો ભર્યાં છે છલોછલ. ક્યારે જવાશે, જોવાશે, ગોઠવાશે? એ શબ્દોમાં વિષાદ હતો.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> •
આ ત્રીજી સવાર હતી રવેશમાં. બધું જોયેલું જ સામે હતું. થયું અહીંથી કંટાળશે તો ક્યાં જાશે. ને ત્યાં જ સાદ સંભળાયો હતો : ‘પન્ના મેડમ...!’ સામેના એકાદ રવેશમાંથી સાદ પડ્યો હતો. તે ચોંકી હતી. હા પન્ના તો તે જ, પરંતુ મેડમ તો અતીતના કોઈ ખૂણે દટાયેલી! બાર બાર વર્ષ જૂની! અવાવરું વાવને તળિયેથી બહાર આવ્યાંનો અનુભવ થયો પન્નાને. પ્રશ્ન થયો કે કોણ...? કોણ સાદ પાડતું હતું? કે પછી કેવળ ભાસ! ને બીજો સાદ પડ્યો હતો આત્મીયતાથી ભર્યો ભર્યો. હા... સામેના રવેશમાંથી! એક છોકરી, કદાચ સ્ત્રી સાદ પાડી રહી હતી. તેે મનથી, તનથી લંબાઈ હતી. હા, ઓળખી મને-તેની જ એક છાત્રા, કદાચ શ્રેયા. હા, શ્રેયા જ તે તો? ને પ્રતિસાદ પણ પાડ્યો : ‘શ્રેયા શર્મા તો નહીં ને!’ પરિચિતતા સાંપડી હતી, સિદ્ધ થઈ હતી કારણ કે પેલી ટહુકી હતી : ‘મેમ... ઓળખી તમે, હું શ્રેયા.’ વતનના ઘરના પડખેના ખંડમાં દશ-બાર છાત્રા સમયસર આવી જતી હતી ને પન્ના મેમ.. ગૌરવથી અધ્યાપન ચલાવતાં હતાં. શી વય હતી? સોળ-સત્તરની જ હશે. આ વય જ એવી હતી કે અવનવા શોખો જાગે, નસનસમાં પૂર આવે, એમ થાય કે કશુંક કરી નાંખે. અચાનક કવિતા-પાઠ, પૂર્વાપર સંબંધ આપો. બીજગણિતના કૂટપ્રશ્નો, પૃથ્વી ગોળ હોવાના કારણો અને શેરશાહના સુધારાઓ, જાદુગરની ટોપીમાંથી નીકળતાં સસલાની માફક કૂદી પડ્યાં હતાં. હા, હતી એક દુબળી-પાતળી, ગૌર, શરમાળ છોકરી! શ્રેયા શર્મા. થોડી શ્રેયા શર્મા રહી હશે? કોઈ પુરુષને સાચવતી હશે, તેની રસોઈ કરતી હશે. શૈયા શોભાવતી હશે. કદાચ.. બાળક પણ હશે. ગુણોય બદલાયા હશે, શરીર પણ. અરે, ફિગર સાચવવા, કદાચ જિમમાં પણ જતી હશે. ગમવી જોઈએ ને તેના પુરુષને! તેણે આ બધું જ કર્યું હતું. મૂરખી હતી! અખિલેશને ઓળખવામાં કેટલો સમય લાગ્યો હતો? ‘મેમ... આપણે મળીએ...’ શ્રેયાના સ્વરમાં તરસ હતી. એક સમયની ઇતર પ્રવૃત્તિની સુખદ ફલશ્રુતિ હતી. આ છોકરી આમ અચાનક મળી ગઈ હતી. ખુશ ખુશ થઈ હતી. ‘હા... મળીએ...’ તેણે પ્રતિઘોષ કર્યો હતો. બેયના હાથો હવામાં ફરફર્યા હતા. શ્રેયાએ બધું નક્કી નાખ્યું : ‘મેમ... ચાર વાગે તમને લેવા આવીશ. અનુકૂળ રહેશે ને? મેમ, કયો નંબર ફ્લેટનો?' પન્ના ખુશ થઈ ગઈ. એક સુખદ અનુભૂતિ હતી આ. અમસ્તી અમસ્તી સોરાતી હતી. સારું થયું કે આ મળી! બા-બાપુ વતનઝુરાપાથી ત્રસ્ત હતા. દુર્ગાનો સાદ સંભળાયો હતો : ‘તને યાદ છે ને પન્નુ? તું મહેતી બનીને છોકરીઓ ભણાવતી'તી એ ખંડમાં પછી પૂજા રાખી હતી. બધા ફોટાઓ ત્યાં આવી ગયા. ને પન્ના, રાધા-કૃષ્ણની મૂર્તિ કેટલી નમણી હતી? એમ લાગે હમણાં જ રાસલીલા રમવા લાગશે!' પન્નાએ હસીને ઉત્તર વાળ્યો હતો : ‘માડી, અત્યારે હું એ જ ખંડમાં બેઠી છું.'
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> •
શ્રેયા તેને સમયસર તેડી ગઈ હતી. પ્રથમ ચરણસ્પર્શ કર્યા ને પછી ભેટી જ પડી હતી. નિકટ દર્શન અવલોકનીય હતું. નવોનક્કોર ડ્રેસ, ઓઢણી અને જૂનું પરિચિત સ્મિત. તફાવત તો હોય. વર્ષોની થપ્પી લાગી ગઈ હતી. હતી એવી નહોતી. જરા સ્થૂળ, વાચાળ અને અનુભવી. સ્ત્રી હતી એક. પન્નાએ યાદ કરાવ્યું: ‘તું તો ચપટીમાં બીજગણિતના કૂટપ્રશ્નો ઉકેલી નાખતી હતી, ખરું ને! મને યાદ છે...’ તે હસી પડી હતી. શ્રેયાનો ફ્લેટ નાનો હતો પણ બે વ્યક્તિઓ માટે તો પર્યાપ્ત ગણાય. શું કરે છે, બીજીઓ-ગોપી, નેત્રા, છાયા, કમલિની અને પેલી ચશ્માવાળી...? ચીપી ચીપીને બોલતી હતી તે જિમમાં જાય છે? શું કરે છે તારો હબી?... ક્યારે થયાં લગ્ન? છોકરીઓ જલ્દી જલ્દી મોટી થઈ જાય છે, હજી મને તો જૂની શ્રેયા જ યાદ આવી જાય. અરે, મારામાંય ફરક તો પડ્યો જ હશે. બધું પરિવર્તનશીલ છે આ જગતમાં. એ મકાન ને જ્યાં આપણે...! ખાલી પડ્યું છે. કદાચ આપણા શબ્દો ત્યાં અફળાયા કરતા હશે, ખરું ને? વચ્ચે વચ્ચે કૉફીનો ઘૂંટો, પંખાની ગતિની વધઘટ, બારણાંઓની ઉઘાડ-વાસ, ઘડિયાળમાં જોવું, આંગિક ભાવદર્શન. ‘સરસ કૉફી બનાવી છે’ એની પ્રશંસા. સુખી થા તારા જીવનમાં-એવી ગુરુસહજ ભાવવર્ષા. મુલાકાતનો અંત જ હતો. ઉપસંહાર જેવું વાતાવરણ હતું. તે પુનઃ ભાઈના ફ્લેટમાં ગોઠવાવાની હતી, બા-બાપુને મુખે વતન છોડ્યાની વ્યથા વિશે સાંભળવાની હતી. કેમ જશે આ સમય? શું કરે આ ડૂમાંનું - જે ઓગળવાનો નહોતો? બાપુએ સાંજનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. કેમ જિવાશે પછી? ટ્રેનની મુસાફરી દરમિયાન નક્કી કરીને બેઠી હતી કે જતાંવેંત બારણામાં બાને ખભે માથું મૂકીને ખાલી થઈ જશે! સામે ભાવુક છાત્રા ઊભી હતી. ક્યાં છાત્રા હતી? તે તો હવે સ્ત્રી હતી! આત્મીય હતી, નજીક હતી. તેને શ્વાસોથી અનુભવી શકાતી હતી. એ પળે તો પરવશ બની ગઈ હતી; એટલી પરવશ કે... થયું કે તે આ શ્રેયાને પોતાની વાત કહી દે, ખાલી થઈ જાય, રડી લે, સામટું રડી લે. કેવી સરસ કૉફી બનાવી હતી? રવેશમાં ઓળખીને સાદ પાડ્યો હતો. બસ... કહી જ દે. બોલી પણ ખરી : ‘શ્રેયુ...’ તે ત્યાં અટકી હતી પણ પેલીએ શરૂ કહ્યું હતું ઃ ‘પન્ના દીદી, તમારી છાત્રા કેટલી દુઃખી છે એ સાંભળી શકશો?’ ખભે માથું મુકાયું હતું, મન મેલીને રડી પડી હતી. ત્રુટક ત્રુટક શબ્દોમાં વીતક કથા ગવાઈ હતી. ક્યાં નામો સિવાય કશું અલગ હતું? ખાલી જગ્યા પૂરો, પૂર્વાવર સંબંધ બધું અર્થહીન હતું. તેનું વસ્ત્ર ભીનું હતું. થીજી ગઈ હતી. હેં આમ? શ્રેયુને પણ? તેની તો છાત્રા? અચાનક પન્નાનો હાથ શ્રેયાની પીઠ પર ફરતો હતો. બીજા હાથથી આંસુ લુછાતાં હતાં. ભૂમિકા બદલાઈ ગઈ હતી. તે સાંત્વના આપતી હતી. તેનો ડૂમો અકબંધ હતો.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ⚬❖⚬❖⚬❖⚬❖⚬