અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હીરા રામનારાયણ પાઠક/પરલોકે પત્ર
હીરા રામનારાયણ પાઠક
આ – લોક
કજ્જલઘન રાત
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
મુજ મનમિત!
વીત્યાં કેટલાંય વર્ષ!
વાવડ નહિ. હવે તો…
આ… આવ્યો કંટાળો મને ભારી.
ક્હો, ક્યાં લગી આમ,
જીવ્યે જાઉં? રિબાયે જાઉં?
નહિ મિલન, નહિ દર્શનોદ્ગાર
નથી કાંઈ કાંઈ.
સિવાય કે —
કર્મકઠોર જીવિતનું
કરાલ કારાગાર રચ્યું મેં
ગહરા વિરહવિષાદને
ભારી દૈ ભીતર.
તેને ભેદીને,
બિચારો મારો શોક!
ચસીયે શકે કે લેશ,
ભંડાર્યો રૂંધ્યો બેશ
હે પ્રિય!
તેવાં નિશિવાસર વિતાવું :
ભૂખ-નીંદ ભાન વિના
આરામઆનંદ કેરી સાન વિના
જીવિત આ જીવ્યે જાઉં, જીવ્યે જાઉં
મજલ આ કાપ્યે જાઉં, કાપ્યે જાઉં.
પણ હવે!
મારા ધૈર્યે ગુમાવ્યું બધું ધૈર્ય.
કેવી મારી દશા! જાણો કૈં?
તમકવ્યા ગૌર મુખે
શ્યામ છાયા ઢળેલી આ છેય.
અલૂણી આ દેહ.
શૂન્ય ઉર વેણનેહ
હું, હું જ નહિ પોતે,
એક વેળા જેહ.
કેવી મારી દશા! જાણો કૈં?
દિનાન્તે,
શાન્ત સમુદ્રજલસુવરણ,
તે પરે છવાય ભીષણ,
અંધ અંધકારનું
ઘન આવરણ.
તે વેળા,
નાની-શી નાવડી :
મહીં છેક આછેરો
બિન્દુદીપ જ્વલિત.
ચહુદિશ વાયરાનો ફફડાટ,
હિય એનું હરઘડી
હાલમડોલ — ડાકમડોલ :
તે,
પ્હરોડિયે, પ્રસ્થાનની આશે
સિંધુકાંઠે સઢ સંકોચી,
ઊભે જેવી નિર્જીવ
વિના સઢ,
અસાહાય્ય, અશોભન, અડવી :
તેવું આ જીવિત
જીવનથી મુક્ત થાવા જીવી રહ્યું.
શું કહું?
ગઈ કાલ, સારીયે રયણી વ્હૈ ગૈ;
પ્હરોડે જરી જંપ,
આંખ જરા મળી ગૈ,
ને નીંદ મહીં
લાધ્યું એક સ્વપ્ન :
મહીં મિલનવિરહ એકાકાર
જેનો ઉરને ચચરાટ હજી ભારે.
આપણે બેય મળ્યાં,
વિરહદીર્ઘ કલ્પ બાદ :
આપણા એ જૂના
આવાસ તણી છાયામાં;
હતી, શોકઘેરી સાંજકની વેળ
પડખેથી પળે પળે પળી જતી ટ્રેન.
મિલનની સાથ,
ગતકાલ કેરો ભારેલો જે ભાર
આક્રન્દ રૂપે ફૂટે. વદું વેણ :
`આ જીવિત જ ન જોઈએ.'
સ્કંધે દઈ હસ્ત, કરુણાએ કહ્યું :
`કાચું ફલ બિનપક્વ,
ભોંયે તે શું પડે?
દેહાવધિ વિણ શું કે
જીવિત ખરી પડે?
સમજીને લેખી ઇષ્ટ,
જીવ્યે જવું;
ઇષ્ટ જીવન જીવ્યે જવું,
ન શું એ જ
જીવિતનો મર્મ?'
હજુ તો સુણું — ન-સુણું વેણ.
તમ થાવું અદૃશ્ય — અલોપ.
મારું રુદન — અસાહાય્ય લાચારી,
અને પ્રિય!
મારી આ દુર્ભાગી જલછાયી દૃષ્ટિને
તમ શુભ્રોજ્જ્વલ વસ્ત્રાન્તનો
હજીયે છ સ્પર્શ,
એ જ
વિરમું હું
લિખિતંગ
દુર્ભાગી, એકાકી
હું.
(परलोके पत्र, ૧૯૭૦, પૃ. ૧૭-૨૧)