મંગલમ્/વૈષ્ણવજન

From Ekatra Wiki
Revision as of 02:17, 27 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વૈષ્ણવજન

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે,
ભલે નરસૈંયો તેનું દર્શન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે.

— નરસિંહ મહેતા