મંગલમ્/સ્થિતપ્રજ્ઞ દર્શન

From Ekatra Wiki
Revision as of 13:21, 26 January 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્થિતપ્રજ્ઞ દર્શન

અર્જુન બોલ્યા
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ, જાણવો કેમ કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો?
શ્રી ભગવાન બોલ્યા
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે,
રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો.
દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ,
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો.
આસક્ત નહિ જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ,
ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી;
સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં.
પ્રયત્નમાં રહે તોયે શાણાયે નર ના હરે,
મન ને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી.
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,
ઇંદ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે.
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;
સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.
રાગ ને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયે વિષયો ગ્રહે,
વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા.
પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો સૌ નાશ પામતાં;
પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર.
અયોગીને નથી બુદ્ધિ અયોગીને ન ભાવના;
ન ભાવહીનને શાંતિ; સુખ ક્યાંથી અશાંતને?
ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન,
દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે.
તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયો થકી,
ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી;
જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા.
સદા ભરાતાં અચલપ્રતિષ્ઠ
સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;
જેમાં પ્રવેશે સહુ કામ તેમ
તે શાંતિ પામે નહીં કામકામી.
છોડીને કામના સર્વ ફરે જે નર નિઃસ્પૃહ,
અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત.
આ છે બ્રહ્મદશા એને, પામ્યે ના મોહમાં પડે;
અંતકાળેય તે રાખી બ્રહ્મ નિર્વાણ મેળવે.