આમંત્રિત/૨૨. ખલિલ

From Ekatra Wiki
Revision as of 01:50, 29 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨૨. ખલિલ

શિયાળાના દિવસોમાં ઠંડીથી ઠરતાં રહેવું પડે, એ તો ખરું જ, પણ સાથે જ, એ દરમ્યાન દિવસો સાવ ટૂંકા થઈ ગયા હોય. સાડા ચાર વગે એટલે રાત પડવા આવી હોય એવું લાગવા માંડે. સાંજના છ-સાડા છમાં તો કાળુંધબ અંધારું થઈ ગયું હોય. જાણે મધરાત થઈ ગઈ. “અરે, પણ આનું કરવાનું શું? અહીં રહીએ છીએ તો અહીંની ઋતુઓના નિયમ સ્વીકારવા જ પડે ને”, ખલિલ હંમેશાં કહેતો. એ રવિવારે સચિન ખલિલના ફોનની રાહ જોતો હતો. એ કહે તે ટાઇમે એ અને જૅકિ એને અને રેહાનાને મળવા જવાનાં હતાં. એનો ફોન આવ્યો છેક સાડા ચાર વાગ્યે, કે “હજી તો ચર્ચા-વિચારણા ચાલુ છે. પરણનારાં બે અને પરણાવનારાં ચારની વચ્ચે મતભેદ ઘણો છે. એક પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું છે, એમ જ માનજે”, ખલિલે કહ્યું. એટલે એમને ન્યૂયોર્ક પાછાં આવતાં તો રાત થઈ જવાની. ઉપરાંત, બંનેનાં પૅરન્ટ્સ એમને જમીને જ જવાનો આગ્રહ કરતાં હતાં. આ દરમ્યાન પાપા અને દિવાન અંકલ તો નીકળી ગયા હતા - શર્માજીને ત્યાં જવા. એમને માટે હૉસ્પિટલમાં માનિનીની ખબર કાઢવા જવા કરતાં શર્માજી પાસે જઈને બેસવું જ વધારે સારું હતું. સચિનને થયું કે તો પછી અત્યારે સમય છે તો એ અને જૅકિ માનિનીની ખબર કાઢી આવી શકે. એક બાજુ, જૅકિને સાથે આવવાની જરૂર નહતી, પણ બીજી બાજુ, એ સાથે હોય તો હંમેશાં સચિનને ગમે જ. એણે જૅકિને પૂછ્યું, ને એને પણ સાથે જ રહેવું હતું. જૅકિએ એક વાર પૂછ્યું ખરું કે માનિની કોણ છે, પણ તે સ્વાભાવિક ભાવે. જાણવાની એવી કોઈ વૃત્તિ પણ નહીં, અને ફરી એણે પૂછ્યું પણ નહીં. રસ્તામાં સચિન એને માનિની વિષે કહેવા માંડ્યો. કશું છુપાવવા જેવું પણ નહતું, અને ખાસ કશું કહેવા જેવું પણ નહતું. જે સાંજે પાપા અને દિવાન અંકલ સાથે જવું પડ્યું હતું, અને એ જૅકિને મળી નહતો શક્યો, તે જ સાંજે શર્માજીને ત્યાં એમની પૌત્રી માનિનીને અને એનાં ચાર ફ્રેન્ડ્સને મળવાનું થયેલું. સિગારેટ, દારૂ અને આછકલું વર્તન સચિનથી ખમાતું નહતું. વિવેક પૂરતું સાથે રહીને પછી એ નીકળી ગયેલો. માનિનીએ ફોન નંબર માગ્યો એટલે પરાણે આપેલો. થોડા દિવસ પછી એને મળવું પડ્યું - એ પણ પરાણે, અને વિવેક ખાતર. પછી માનિનીએ એને જે બધું કહેલું અને જે ઑફર આપેલી તે સાંભળીને ખલિલ બહુ હસ્યો હતો, ને એણે ધાર્યું હતું કે સાંભળીને જૅકિ પણ બહુ જ હસશે. અત્યારે જૅકિએ સાંભળ્યું, એ જરા જેવું મલકી, જરા ભવાં ઊંચાં થયાં, પણ માનિનીની અંદર કેવું ખાલીપણું હશે, તેનું અનુમાન કરીને એ માનિનીને માટે દુઃખ અનુભવતી હતી, તે સચિન જોઈ શક્યો. એણે જૅકિનો હાથ પકડી રાખ્યો. હૉસ્પિટલના રૂમમાં માનિની એકલી હતી. એનાં પૅરન્ટ્સ ડૉક્ટર સાથે ચર્ચા કરતાં હતાં, એમ નર્સે જણાવ્યું, ને સચિનને પાંચેક મિનિટ આપી. માનિની જાગતી હતી. સચિન કશું બોલે તે પહેલાં એણે અશક્ત અવાજે કહ્યું, “હલો હૅન્ડસમ. તું યાદ કરતો હતો મને, એમ ને? તો હવેથી મળીશુંને આપણે?” હજી તો એ હૉસ્પિટલના ખાટલામાં પડેલી હતી, ને તોયે કહેવાનું એનું એ જ હતું? સચિન જરા ડઘાઈ ગયો હતો, તે જોઈને પીઠ પર હાથ મૂકીને એને સંભાળી લેવા જૅકિ એની પાસે આવી. “ઓહ”, જૅકિને જોઈને માનિની બોલી. “યાદ આવ્યું, તેં કહેલું કે તું પરણીશ.” આટલું બોલતાંમાં જ એ થાકી જતી લાગી. સચિન એને નહીં બોલવા સમજાવે તે પહેલાં ફરી માનિનીએ કશું કહ્યું. અવાજ સાવ ધીમો થઈ ગયો હતો. “તું બહુ લકી છોકરી છું”, એણે જૅકિને ઉદ્દેશીને કહ્યું. આવી હાલતમાં પડેલી માનિનીને માટે સચિન દિલગીર હતો. એ એને કહેવા માગતો હતો, આઈ ઍમ સૉરિ—, પણ માનિનીએ આંખો મીંચી દીધી હતી. રૂમમાં દાખલ થયેલી નર્સે કહ્યું, “એ તરત થાકી જાય છે હજી.” સચિન કુટુંબી નહતો, તેથી “શું થયું છે? કેમ છે હવે? ક્યારે સારું થઈ જશે?”, જેવું કશું પણ પૂછવાનો હક્ક એને નહતો. ને કુતૂહલ માટે આવું બધું પૂછવું સારું પણ ના લાગે. એના સમાચાર શર્માજી દ્વારા પાપાને મળતા રહેશે, ને ત્યારે સચિનને પણ જાણવા મળશે. જૅકિએ એનો હાથ પકડ્યો, અને એ પણ ઉદાસ જેવું સહેજ હસી. બહાર શિયાળાનું ગાઢ અંધારું થઈ ગયું હતું. છૂટાં પડતાં પહેલાં બંને જરા વાર સાથે બેસવા માગતાં હતાં. નજીકમાં એક નાની જગ્યામાં સૅન્ડવિચ અને સૂપ મળે તેમ હતા. ગરમ સૂપ સારો પડશે અત્યારે, કહી બંને અંદર ગયાં. થોડી વાર ચૂપચાપ બેઠાં. સચિનને ફરીથી અંજલિ યાદ આવી જતી હતી. એને ખરાબ સોબત થઈ હોત તો? આવી હાલત એની પણ થઈ હોત તો? કોણ કાળજી કરત એની? અમને તો કદાચ ખબર પણ ના પડી હોત. જૅકિને એણે કહ્યું, “છોકરીઓ કેવી ગરવલ્લે ચઢી જઈ શકે છે. ઇન્ડિયન કુટુંબોમાં જન્મેલી હોય, પણ અહીં જ ઉછેર, વસવાટ ને જીવન હોય તેથી એ બધીમાં અને ગોરી અમેરિકન છોકરીઓમાં કોઈ તફાવત ના ગણાય.” “આપણી ઓળખીતી હોય એટલે એની આવી હાલત થયેલી જોઈને આપણો જીવ બળે, બાકી અસંખ્ય છોકરીઓ સાથે આવું બનતું હશે.” “આપણે ન્યૂયોર્કમાં ગરીબ અને બેઘર લોકો કેટલી મોટી સંખ્યામાં છે, તે જોયું ને. એ સિવાય, કેટલીયે હેરાનગતીનો ભોગ બનતી સ્ત્રીઓની સંખ્યા તો પાછી જુદી. કહે છે, કે દર વીસ સેકન્ડે એક સ્ત્રી પર બળાત્કાર થતો હોય છે. કદાચ આ આખા દેશની સરેરાશ છે. દારુની લતની સમસ્યા પછી, બીજા જ નંબરે આવે છે પત્ની કે ગર્લફ્રેન્ડને મારવાની સમસ્યા.” જૅકિએ કહ્યું, “આ બધી આધુનિક કાળની કરુણતાઓ છે. મારું માનવું છે કે દુનિયાભરમાં સર્વત્ર આવું બધું થતું જ હશે.” જરાક ચૂપ રહીને, ફરીથી જૅકિની હાથ પકડીને, બહુ લાગણી સાથે સચિને કહ્યું, “જૅકિ, ખરેખર તો હું લકી છું.” ઘેર સુજીત પાસે માનિનીની તબિયત માટે વધારે સમાચાર હતા. શર્માજીએ કહ્યું, કે ડૉક્ટરે હજી એમ જ જણાવ્યું છે કે એ સારી ક્યારે થશે તે હજી કહેવાય એમ નથી. ટ્રીટમેન્ટ ચાલુ રહેશે, અને સુધારો થાય છે કે નહીં, કેટલો થાય છે વગેરે વિષે પછીથી જ કહી શકાશે. એ કેવી નિર્બળ થઈ ગઈ હતી, તે સચિને પાપાને કહ્યું. “આપણો જીવ બળે જ, ભલેને એણે અણસમજ અને અસંયમને કારણે પોતાની આવી હાલત કરી હોય”, સુજીત બોલ્યા. ખલિલે ફોન કર્યો ત્યારે સચિન લગભગ ઊંઘી ગયો હતો. ‘હવે કાલબાલ જોઈશું’, એણે કહ્યું. પણ રેહાનાને કે જૅકિને એ અઠવાડિયાંમાં મળવાનું ફાવે તેમ જ નહતું. બંનેને બહુ કામ હતું એમની ઑફીસોમાં. ખલિલને જે બન્યું તેની ચર્ચા તરત જ કરવી હતી. ઠંડી એવી સખત હતી કે બહાર કોઈ જગ્યા શોધવા આંટા મરાય તેમ નહતા. હજી પાંચ વાગ્યા નહતા, ને એ સચિનની ઑફીસે પહોંચી ગયો.. “અરે, એ છોકરીઓને ફાવે એવું ના હોય તો નહીં, આપણે તો વાત કરીએ”, એ જરા નિરાશ થયેલો હતો, કે રેહાના સાથે આવી શકી નહતી. સૌથી પહેલાં તો બંનેનાં પૅરન્ટ્સ માનવા જ તૈયાર નહતાં કે ખલિલ અને રેહાનાને કોઈ જ વિધિ કરવામાં રસ નહતો. એમણે મનાવવા પ્રયત્ન કર્યા, ગુસ્સે થયાં, વિનંતી કરી, દલીલો કરી કે સારું ના લાગે, લોકો શું કહેશે, વિધિ વગર લગ્ન થયાં જ ના ગણાય, એ રીતે સાથે રહેવું પાપ ગણાય - ત્યારે તો ખલિલ હસવું રોકી જ ના શક્યો. પાપ?, ને આ કાળમાં? એણે ચારેય વડીલોને કહ્યું, “તમારે ધામધૂમ કરવી છે, લોકોને બતાવવું છે કે કેટલા પૈસા ખરચવાનાં છો, તમે બધાં કેટલાં પૈસાદાર છો. બરાબર? સારું. તો હું ને રેહાના તમે નક્કી કરશો તેટલા પૈસા તમને વાપરવા દઈશું.” બંને માતાઓ ખુશ થઈને કહે, “ખરેખર?” રેહાના તરત બોલી, “ચોક્કસ વળી. તમે કહેશો એટલા પૈસા આપણે વાપરીશું.” પછી માતાઓના મનના ફુગ્ગાને ફોડતાં કહે, “અમારાં લગ્ન માટે નહીં, પણ ચૅરિટિ માટે. હું ને ખલિલ જેટલી જરૂર હોય તેટલો જ ખર્ચો કરવા માગીએ છીએ. બાકીનું બજેટ આપણે દુખિયારા લોકો માટેની સંસ્થાઓમાં વહેંચી દઈશું. કોઈને સહેજ અમથી ખુશી આપવાના વિચારથી મનમાં સારું નથી લાગતું, મૉમ? ડૅડ?” આ પ્રશ્નનો જવાબ હા સિવાય શું હોઈ શકે? હજી રૂહીને સમજાવવાની હતી. એણે તો કેટલાં ફૅન્સી કપડાં ખરીદવાના વિચારો કરી રાખેલા. રેહાનાએ ધીરેથી એને કહ્યું, “તું જરૂર નવાં કપડાં લેજે, રૂહી. પણ વધારે પડતાં મોંઘાં ને ભપકેદાર સારાં નહીં લાગે. આપણે ખૂબ સરસ અને સ્ટાઇલિશ કપડાં ખરીદીશું તારે માટે. તું સચિનભાઈની જૅકિને જોઈશ ને, ત્યારે સમજીશ. એની સાદગી અને સ્ટાઇલ તને છક કરી દેશે.” રૂહીને બહુ ખાતરી ના થઈ - એવી તે કેવી હશે એ જૅકિ. પણ રૂહીએ એક જીદ તો ના જ છોડી. એને મેંદી અને સંગીતનો થઈને એક પ્રસંગ તો જોઈતો જ હતો. “દિદિ, આપણા ઘરમાં આ પહેલો પ્રસંગ છે. ને છેલ્લો પણ ગણાય. મારે માટે તો હજી બહુ વર્ષોની વાર છે.” રેહાનાએ ખલિલની સામે જોયું. એણે ખભા ચઢાવ્યા, પણ કહ્યું, “ભલે. પણ એ પ્રસંગ દિવસના ટાઇમે રાખવો પડશે. અગિયારથી ચાર, બસ.” “હાશ, મેં એ માટે બહુ સરસ ચણિયા-ચોળી જોઈ રાખ્યાં છે.” રેહાના શું કહે નાની બહેનને? “તો બસ, શનિવારની સવારે આ મેંદી અને સંગીત થશે, અને રવિવારની બપોરે સગાંઓને માટે લંચ થશે.” ખલિલના બોલવા પરથી જ વડીલો સમજી ગયાં કે આમાં કોઈ ફેરફાર એ કરવા દેવાનો નથી. રેહાનાના પપ્પા સંમત થયા, “ખરેખર પૂરતું છે આટલું.” ખલિલના પપ્પાએ કહ્યું, “ક્યારે રાખવાનું છે આટલું?” એમના અવાજમાં જરા ચીડ હતી. “અમે જૂન મહિનાના બીજા વીક-ઍન્ડનો વિચાર કર્યો છે. અને આ બાજુ કોઈ હૉલ હોય તે રિઝર્વ કરાવી લેજો. મોટા ભાગનાં આમંત્રિતો આસપાસથી ને નજીકથી જ આવવાનાં, એટલે આ બાજુ રાખવું જ સારું પડશે.” રેહાનાનાં મા પણ હવે આ જાતના વિચારોથી ટેવાવા માંડ્યાં હશે. એમણે કહ્યું, “મેંદી અને સંગીતનો કાર્યક્રમ મોટે ભાગે લેડિઝ માટે જ હશે. થોડા ઓળખીતા યન્ગ છોકરાઓ કદાચ આવે. એટલી સંખ્યા તો આપણી બેઝમેન્ટમાં જ સમાવી લેવાશે.” રેહાના અને ખલિલ સામસામે જોઈને મોઘમ હસ્યાં. બંને મનમાં કહેતાં હતાં, જોયું, ધીરે ધીરે બધાં સંમત થશે, ને પછી તો મોટાઈ પણ કરવા માંડશે, કે ખલિલ ને રેહાના - બંનેનંા મન કેવાં ઉદાર છે ! હવે કોર્ટમાં જઈને લગ્ન રજિસ્ટર કરાવવાની તારિખ નક્કી કરવાની ને?, વડીલો બોલ્યાં. એ પણ રેહાના અને ખલિલે નક્કી કરી જ લીધી હતી. રેહાનાની વર્ષગાંઠ મે મહિનાની વીસમી તારિખે આવે. એ ગુરુવાર હશે. દિવસ પણ સારો, તો એ દિવસે કોર્ટમાં જવાનું રાખવાનું બંનેએ વિચારી લીધેલું. કોર્ટમાં પરણનારાં સાથે સાક્ષી તરીકે કોઈને લઈ જવાના હોય છે. એ બાબતે પણ ખલિલે વિચારી રાખેલું, કે એ કેવળ સચિનને જ સાથે રાખવા માગતો હતો. વધારે કોઈને નહીં. આ વાત એ અત્યારે ખાનગી જ રાખવાનો હતો. જ્યારે આ સાંભળશે ત્યારે ચારેય મા-બાપો છંછેડાશે, પણ કાંઈ નહીં; થોડી વારમાં, કે થોડા વખતમાં આ પણ સ્વીકારી લેશે. વળી, કોર્ટમાં સહી કરવાના દિવસથી જ રેહાના રજા લઈ લેશે. પછીનો વીક-ઍન્ડ એટલે મૅમોરિયલ દિનની ત્રણ દિવસની રજા, એટલે રેહાનાના એક-બે દિવસ ઓછા કપાય ને. વળી, ક્યાંક બહારગામ જઈ આવવું હોય તો યે મેંદી ને સંગીતના પ્રસંગ માટે વચમાં ઘણો ટાઇમ રહે છે. વડીલો ફરીથી જરા પાછાં પડ્યાં. બધું જ આ બંને વિચારીને અને નક્કી કરીને જ આવ્યાં છે. આપણને પૂછવા-કરવાનું રાખ્યું જ નથીને. વાત તો સાચી જ હતી, પણ બંને જણ મૅચ્યૉર છે, પોતપોતાના પ્રોફેશનમાં આટલી પ્રગતિ કરી છે, તો “ઈચ્છા પ્રમાણે ભલેને કરતાં.” રેહાનાના પપ્પા હવે લગભગ ગર્વ લેવા માંડી ગયા હતા. “કેટલી અસામાન્ય વિચારસરણી છે આ બંને છોકરાંઓની.” એ ચારેય મા-બાપોને, અને નાની બહેન રૂહીને પણ, હજી એ ખબર નહતી કે “આ બંને છોકરાંઓ” એક ખૂબ સ્પેશિયલ પ્રોગ્રામ ઘડી રહ્યાં હતાં. એમાં ચારેય વડીલોનો સમાવેશ પણ નહતો થવાનો!