ખારાં ઝરણ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
ખારાં ઝરણ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
પ્રારંભિક
અનુક્રમ
- 1 પંખીઓ હવામાં છે.
- 2 દશ્યો છે, બેશુમાર છે
- 3 દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે
- 4 શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
- 5 એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ
- 6 માંડ થયું છે મન મળવાનું
- 7 આમ તો બરદાસ્તની પણ બહાર છે
- 8 ખૂબ ઊડયા, તો બળીને ખાક છે
- 9 યાદ આવે તું જ વારંવાર, હોં
- 10 નામ તારું કોઈ વારંવાર લે
- 11 તડકો છાંયો સરખો તોળું
- 12 સાચું છે કે ખોટું છે
- 13 હોઈએ શું હોઈએ તારા વગર
- 14 બાળપણમાં ડોકિયું કરવું નથી
- 15 તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ
- 16 રણઝણ રણકતા કાન છે
- 17 તું કહે છે કે હવે હું જાઉં છું
- 18 કિનારે જઉં કે નદીમાં તરું
- 19 મૃત્યુ
- 20 આભ અનરાધાર, નક્કી
- 21 કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા
- 22 બારી ખોલી આભ ! નીચે આવને
- 23 દેહ વિશે રમમાણ છે, વ્હાલા
- 24 હે નમાયા શ્વાસ! પૂછી લે તરત
- 25 માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી
- 26 સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં
- 27 જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો
- 28 સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું
- 29 છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર
- 30 જેમ બાળક જાય અંગારા તરફ
- 31 પોપટને પણ પૂછ્યું પલાખું
- 32 વહાણને ડૂબાડનારી ક્યાં જડે
- 33 ક્યાં ફિતૂરી ફાંકડી છે
- 34 તાક્યો એણે કેમ તમંચો
- 35 એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ
- 36 અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને
- 37 છેવટે ગાયબ થયો અંધારમાં
- 38 નેજવામાં નભ લઇ બેસી રહીશ
- 39 આગ રંગે જાંબલી છે
- 40 પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે
- 41 ઝાડ પડે ત્યારે શું થાય
- 42 શહેર, શેરી ને શ્વાન
- 43 કેવળ રહી છે યાદો
- 44 પહોંચવાનું ગેબી અણસારા સુધી
- 45 જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે
- 46 હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું
- 47 એવી કેવી વાત છે
- 48 સૌ સમસ્યા જેવી છે એવી જ છે
- 49 ઊંઘમાંથી જાગ, બાળક
- 50 હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો
- 51 ‘આવું’, ‘આવું’ કહી ના આવે
- 52 હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે
- 53 ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું
- 54 ઝીણી ઝાણી છાંટ છે વરસાદની
- 55 શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું
- 56 છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં
- 57 મુક્તક
- 58 ગઝલ
- 59 એમ તો જીવાય છે તારા વગર
- 60 ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે
- 61 કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ
- 62 ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી
- 63 એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં
- 64 તું પ્રથમ એને અહીં સાક્ષાત કર
- 65 મન કરો રમમાણ ક્યાં છે
- 66 કાયમી આ ઘર નથી
- 67 મને તો હતું કે તું ભૂલી ગઈ
- 68 છે ખરો કે લા-પતા, ભૈ
- 69 રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં
પંખીઓ હવામાં છે.
પંખીઓ હવામાં છે,
એકદમ મઝામાં છે.
પાંખ કેમ ન વીંઝે?
આભ સરભરામાં છે.
વૃક્ષ યાદ આવે છે?
જીવ પાંદડાંમાં છે?
શોધ શોધ ટહુકાઓ,
ક્યાંક આટલામાં છે.
કૈંક પંખી મારામાં,
એક-બે બધાંમાં છે.
દશ્યો છે, બેશુમાર છે
દશ્યો છે, બેશુમાર છે
દૃશ્યો છે, બેશુમાર છે,
આંખો છે કે વખાર છે?
આકાશે ધક્કો માર્યો,
ખરતા તારે સવાર છે.
ગુલામપટ્ટો પહેરાવે,
ઇચ્છાઓનું બજાર છે.
નામ જવા દો ઈશ્વરનું,
ગામ આખાનો ઉતાર છે.
પરપોટામાં ફરે હવા,
જળ મધ્યેનો વિહાર છે.
મેં દીઠી છે સુગંધને,
પતંગિયાનો પ્રકાર છે.
મેં સારેલાં આંસુઓ,
તારે નામે ઉધાર છે.
દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે
દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે,
ખૂબ ખુશબોદાર મારા શ્વાસ છે.
અંત વેળાની આ એકલતા સઘન,
તું કહે છે કે ઘણાં ચોપાસ છે.
ખોટકાવી નાંખજો ઘડિયાળ સૌ,
રોજની ટકટક, સમયનો ત્રાસ છે.
સ્પર્શતામાં લોહીના ટશિયા ફૂટે,
આ હથેળીમાં ઊગેલું ઘાસ છે.
મોકળું મન રાખ, માડી સરસતી!
આ ચિનુ મોદી તમારો દાસ છે.
શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
તેજ ઓળંગતું એક પંખી હતું.
છેક ઊંડે હતો ક્યાંક કુક્કુટ ધ્વનિ,
તેજ ખંખેરતું એક પંખી હતું.
ક્યાં ગયું ? ક્યાં ગયું ? ક્યાં ગયું એ પછી ?
તેજ ફંફોસતું એક પંખી હતું.
સૌ દિશ મૂઢ છે, વાયુ નભ જળ, ધરા,
તેજ ફંગોળતું એક પંખી હતું.
સાચવ્યું કેમ સચવાય એ પિંજરે?
તેજ તગતગ થતું એક પંખી હતું.
એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ
એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.
ઢીંક મારીને મને આગળ નીકળતો હોય છે,
એ છિંકોટા મારતો ઉદ્રેક હોવો જોઈએ.
ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને,
આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ.
વેગથી વહેતી હવા, હોડી થવાનો ડર હતો,
અંત વખતે પાણીનો અભિષેક હોવો જોઈએ.
માત્ર મારી સારપોથી કૈં જ વળવાનું નથી,
દોસ્ત ! તારો પણ ઇરાદો નેક હોવો જોઈએ.
માંડ થયું છે મન મળવાનું
માંડ થયું છે મન મળવાનું,
આ ટાણું એમ જ ટળવાનું?
આંખ મીંચી દો પરથમ પહેલાં,
સ્વપ્ન પછી આંખે પળવાનું.
રોજ કુહાડા થડ પર પડતા,
બોલ, હવે ક્યારે ઢળવાનું?
કેમ મને મૂંઝવવા ઈચ્છે?
દરિયામાં ક્યાં દૂધ ભળવાનું?
બે આંખે ‘ઇર્શાદે’ છે આંસુ,
ઊને-પાણીએ ઘર બળવાનું?
આમ તો બરદાસ્તની પણ બહાર છે
આમ તો બરદાસ્તની પણ બહાર છે,
જી, હૃદય પર એવા એવા ભાર છે.
સત્ય છે પણ તું તરત બોલી ન દે,
એ સમજદારીની તીણી ધાર છે.
ખાસ ટાણે માંડ આવે આંસુઓ,
ઓરમાયો, મેઘનો, વહેવાર છે.
વૃક્ષ એ આખુંય ક્યારે વન નથી,
પાંદડાનો એ ફક્ત વિસ્તાર છે.
આપનો ‘ઇર્શાદ’, ખાસ્સો છે ઋણી,
આ બધા ઘા કેવા નકશીદાર છે.
ખૂબ ઊડયા, તો બળીને ખાક છે
ખૂબ ઊડ્યા, તો બળીને ખાક છે,
વ્યોમમાં એવી તો કોની ધાક છે?
જાગીને જોશો પછીથી લાગશે,
ઊંઘમાં ચાલ્યાનો કેવો થાક છે.
ચંદ્રની દાનત ન ચોખ્ખી લાગતી,
આપનો પણ ક્યાં ઇરાદો પાક છે?
રંગ, કોમળતા, સુગંધી, તાજગી,
પુષ્પને ક્યાં કૈં કશાનો છાક છે.
એ કહે છે : ‘હું અહીં છું, છું અહીં’,
ને બધા લોકોને કાને ધાક છે.
યાદ આવે તું જ વારંવાર, હોં
યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર, હોં.
એક પડછાયો લઈ સંબંધનો,
હું તવંગર થાઉં બારોબાર, હોં.
ક્યાંક ઝાકળને પવન અડકી જશે,
તું ખરેખર ખૂબ બેદરકાર, હોં.
તું જુએ છે ને બનું છું બાગ બાગ,
શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં.
જીવવાનો આ તરીકો છોડી દે,
સૌ નિયમ છે લાગણી લાચાર, હોં.
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.
શું કર્યું? જલસા કર્યા; ગઝલો લખી,
આપણો આ આખરી અવતાર, હોં.
નામ તારું કોઈ વારંવાર લે
નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.
આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.
તું નિમંત્રણની જુએ છે વાટ ક્યાં?
તું મરણ છે, હાથમાં તલવાર લે.
હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.
શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.
બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો કર્યો હુંકાર, લે.
એ કહે ‘ઇર્શાદ, ઓ ઇર્શાદજી’,
ને હતો હું કેવો બેદરકાર, લે.
તડકો છાંયો સરખો તોળું
તડકો છાંયો સરખો તોળું,
આંખો પર ક્યાં અશ્રુ ઢોળું?
દરવાજા પર સન્નાટો છે,
ક્યાંથી ઘરમાં પેઠું ટોળું?
જળ છે ને છે અહીં ઝાંઝવું,
જે ચાખું એ લાગે મોળું.
આખા જગમાં ક્યાંય જડે ના,
ઇર્શાદ સરીખું માણસ ભોળું.
સાચું છે કે ખોટું છે
સાચું છે કે ખોટું છે?
આંસુથી શું મોટું છે?
હોય અહીં વિસ્તરતું રણ,
ખાલી ખોટી દોટું છું.
યાદ રહે ક્યારે અમથું?
ઘેરી ઘેરી ચોટું છે.
પંખીએ જળમાં જોયું,
‘માળું, મારું ફોટું છે.’
સ્વપ્ન નથી આવ્યાં પરબારાં,
પાંપણ પર પરપોટું છે.
હોઈએ શું હોઈએ તારા વગર
હોઈએ શું હોઈએ તારા વગર?
વાત માંડું કેમ હોંકારા વગર?
માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
દેહ શણગારું શું ધબકાર વગર?
તારી જેમ જ ઊંઘવું છે, ઊંઘવું,
ઊંઘવું છે મારે અંધારાં વગર.
એક નબળી ક્ષણ હવે તો જોઈએ,
છોડું હું મેદાન, અણસારા વગર.
હું નહીં હોઉં પછી તું શું કરીશ?
યાદ કરશે કોણ કહે, મારા વગર?
બાળપણમાં ડોકિયું કરવું નથી
બાળપણમાં ડોકિયું કરવું નથી,
આ કળીને પુષ્પ થૈ ખરવું નથી.
જાય છે, એ જાય છે, ક્યાં જાય છે?
આ બધું જાણ્યા વગર મરવું નથી.
હાથ-પગ તો ક્યારના તું વીંઝતો,
પાણી છે ને પાણીમાં તરવું નથી?
સૌ ક્ષણો હાજરજવાબી હોય છે,
તોય સંચિત મૌન વાપરવું નથી.
સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.
તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ
તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ,
ઝાંઝવાની આ જબરદસ્તી જુઓ.
રુ-બ-રૂ એ થાય એવી છે વકી,
આ બગીચે પુષ્પની વસ્તી જુઓ.
આપ પાછે પગ જરા ચાલી જુઓ,
માત્ર છાપાં ન જુઓ, પસ્તી જુઓ.
મન-મગજની રોજની તકરારમાં,
થાય છે મોંઘી ક્ષણો સસ્તી, જુઓ.
રેતની ગરમી અને ખારો પવન,
એ છતાં ‘ઇર્શાદ’ની મસ્તી જુઓ.
રણઝણ રણકતા કાન છે
રણઝણ રણકતા કાન છે,
વૃક્ષો ઉપર ક્યાં પાન છે?
સૂરજ ઉઘાડે બારણું :
ઘરમાં ઘણા મહેમાન છે.
તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીને વાન છે.
બિંબાય જળમાં આભથી,
ક્યાં ચંદ્ર કમ શેતાન છે?
જોયું ન જોયું થાય છે?
એ ક્યારનો બેભાન છે.
જે જે હતું ભરચક બધું,
તું છે છતાં વેરાન છે.
આ પ્રેમ બીજું કંઈ નથી,
‘ઇર્શાદ’ કાચું ધાન છે.
તું કહે છે કે હવે હું જાઉં છું
તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.
તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.
વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.
કિનારે જઉં કે નદીમાં તરું
કિનારે જઉં કે નદીમાં તરું?
કશો એક નિર્ણય હવે તો કરું.
હવે લહેરખી હચમચાવે મને,
અને ડાળ પરથી હું ખરખર ખરું.
ઘડામાં તસુભાર જગ્યા નથી,
હવે કેમનું દોસ્ત ! પાણી ભરું?
ચડે હાંફ, લોહી અટકતું વહે,
ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું.
થઈ શ્વાસની કેવી લાંબી શરત?
ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું.
મૃત્યુ
હાથ એ લંબાવશે તો શું થશે?
ના કહ્યે ધમકાવશે તો શું થશે?
બેય પગ ચોંટી ગયા છે ભોંયમાં,
દ્વાર એ ખખડાવશે તો શું થશે?
હું નહીં ખોલી શકું કોઈ રીતે,
એને ઓછું આવશે, તો શું થશે?
ખુલ્લી બારીમાંથી કરશે હાથ એ,
ને તને બોલાવશે તો શું થશે?
હું ઘણો વખણાઉં છું આતિથ્યમાં,
ધૃષ્ટ એ લેખાવશે તો શું થશે?
આંખ મીંચાતી વખતનું સ્વપ્ન આ,
પાંપણો ભીંજાવશે તો શું થશે?
શ્વાસને ‘ઇર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે?
આભ અનરાધાર, નક્કી
આભ અનરાધાર, નક્કી,
મેઘ ઠંડોગાર, નક્કી.
શ્વાસની સરતી જમીને,
સ્પર્શના સંચાર, નક્કી.
કોઈનો ક્યારે ભરોસો?
સર્વના વહેવાર નક્કી.
આજ વરસે, કાલ વરસે,
છે બધા અણસાર નક્કી.
છોડ ખોટા તાયફાઓ,
મોત છે ખૂંખાર, નક્કી.
કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા
કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા,
એ બધાના આદી બંદા થૈ ગયા.
તું નથી એવી પ્રતીતિ થૈ ગઈ,
હાથ મારા ઠંડા ઠંડા થૈ ગયા.
ખૂબ જાણીતા થયા આગંતુકો,
મંદ વા’તા વાયુ ઝંઝા થૈ ગયા.
મેં લુછેલાં આંસું સાચકલાં હશે,
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા.
બારી ખોલી આભ ! નીચે આવને
બારી ખોલી આભ ! નીચે આવને,
સાંકડું બનતું જગત અટકાવને.
સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી?
પુષ્પ સૌ નિર્બંધ બનતાં જાવને.
હું તને શોધી વળ્યો મનમાં બધે,
બહાર છે? તો પાછી ઘરમાં આવને.
જો થયું અંધારું, દેખાતું નથી?
એક દીવો લેખીને પેટાવને.
જીવવાની લત ઘણી મોંઘી પડે,
મૂર્ખ આ ઇર્શાદને સમજાવને.
દેહ વિશે રમમાણ છે, વ્હાલા
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા?
ભાષાને મર્યાદા કેવી?
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
રાતે ઝાકળ છાપો મારે,
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
હે નમાયા શ્વાસ! પૂછી લે તરત
હે નમાયા શ્વાસ! પૂછી લે તરત,
જીવવાની શી શી રાખી છે શરત.
દેહ જો ના હોત તારું થાત શું?
જીવ, મારા જીવ, ક્યાં ફરતો ફરત?
હુંય સમજું છું મરણ વિચ્છેદ છે,
હુંય મારી બાદબાકી ના કરત.
પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત?
સાંજના અંધારથી શું બ્હી ગયો?
રાતનું આકાશ તારાથી ભરત.
માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી
માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
છું શિખરની ટોચ પર તો કૈં જ બોલાતું નથી.
રોજ મારા નામ જોગી ચીઠ્ઠી મોકલતા તમે,
રોજ આંખો તાણતો, પણ કૈં જ વંચાતું નથી.
રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલી, પાંદડાં,
કૈંક ખૂટે છે કે બુલબુલ એ છતાં ગાતું નથી.
ખૂબ સગવડ છે છતાં પણ શું કહું આ સ્વર્ગને?
મારી સાથેનું અહીં તો કોઈ દેખાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલક કે ઇર્શાદ પકડાતું નથી.
સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં
સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં,
કોણ પડછાયા ખરીદે ઊંઘવાની જિદ્દમાં?
એમને બે આંખ વચ્ચે કાયમી વસવું હતું,
પાણી પાણી થઈ ગયો છું, ઝાંઝવાની જિદ્દમાં.
શ્વાસને ચાબૂક મારી દોડતા રાખ્યા અમે,
કેટલા હિંસક થયા આ દોડવાની જિદ્દમાં?
‘હું અરીસે ક્યાં રહું?’ એ ગડમથલ છે બિંબને,
ખૂબ ગમતો એક ચહેરો ધારવાની જિદ્દમાં.
આ જગત લોકો કહે એવું જ છે ઈર્શાદિયા
ઝેર તારે ચાખવાં છે જાણવાની જિદ્દમાં?
જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો
જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો,
આંસુ સાથે ચેડાં હું ડરતો રહ્યો.
બાળકો જેવી જ તારી હરકતો,
શ્વાસ ! તારી જિદ્દથી ડરતો રહ્યો.
સહેજ વધઘટ થાય છે અજવાસમાં,
ભીંત પરથી પોપડો ખરતો રહ્યો.
ડૂબકી શું મારશો બ્રહ્માંડમાં?
તું સપાટી પર, તટે તરતો રહ્યો.
તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો?
સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું
સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.
તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.
સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું?
હું અરીસામાં મઢાતું બિંબ છું.
કેમ અટકી જાઉં છું કોને ખબર?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.
કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની
તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું.
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર,
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઇચ્છા એકલી વટભેર ચાલી ન શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
જેમ બાળક જાય અંગારા તરફ
જેમ બાળક જાય અંગારા તરફ,
મન ભલેને જાય મૂંઝારા તરફ.
હું નહીં પહોંચી શકું તારા સુધી,
ડગ ભલે ભરતો રહ્યો તારા તરફ.
આંગળી ચીંધીને દેખાડ્યો મને,
કેવી બતલાવી દયા મારા તરફ.
ફોસલાવે છે, પટાવે છે પવન,
હોડી ખેંચી જાય ઓવારા તરફ.
કાનપટ્ટી પકડી ઓછું કાઢશે?
ધ્યાન થોડું આપ અણસારા તરફ.
તું વિચારી લે હજીયે છે સમય,
કોણ ખેંચી જાય અંધારાં તરફ?
લ્યો, તપાસો ગળફામાંના લોહીને,
એ સગડ લૈ જાય હત્યારા તરફ?
ઊડશે ‘ઇર્શાદ’ પંખી ડાળથી,
એમનું છે ધ્યાન દેકારા તરફ.
પોપટને પણ પૂછ્યું પલાખું
પોપટને પણ પૂછ્યું પલાખું,
કોઈ રીતે તારું મન રાખું.
અરધાં અરધાં થઈ ગયાં તો,
ક્યાંથી આવે અશ્રુ આખું?
સદા અતિથિ વિચાર આવ્યો,
ખુલ્લો આ દરવાજો વાખું?
નભમાં ક્યાં એક્કેય માળો?
પંખીનું શું ભવિષ્ય ભાખું?
છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં, નાખું?
વહાણને ડૂબાડનારી ક્યાં જડે
વહાણને ડૂબાડનારી ક્યાં જડે?
પાણી પર પગલાં હવાનાં ક્યાં પડે?
સાચવીને રાખ એને આંખમાં,
સ્વપ્ન છે; આંસુની માફક નહીં દડે.
કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે?
ભીંત પર એકાદ પડછાયો હજી,
દેહ શોધી કાઢવા હાંફે ચડે.
તું કસોટી કર નહીં ‘ઇર્શાદ’ની,
મૂર્ખ છે, એને કશું નહીં આવડે.
ક્યાં ફિતૂરી ફાંકડી છે
ક્યાં ફિતૂરી ફાંકડી છે?
બોબડી બારાખડી છે.
હોય ક્યાં હસ્તામલકવત્,
કોઈને ક્યાં આવડી છે?
અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.
જો, ગહનમાં એ ઘમકતી,
તીક્ષ્ણ વેધક શારડી છે.
રોજ નબળો દેહ પડતો,
ને તને જીવની પડી છે.
પાણીને તળિયે હતી એ,
રેત રણમાંથી જડી છે.
શ્વાસ શું ‘ઇર્શાદ’ છોડે?
જિંદગી જિદ્દે ચડી છે.
તાક્યો એણે કેમ તમંચો
તાક્યો એણે કેમ તમંચો?
શું ક્હે છે, તારો વહીવંચો?
રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે?
અટકાવી દે શ્વાસનો સંચો.
એક ન જડતો સાચો માણસ,
ક્યાંથી ભેગા કરશો પંચો?
આંખોમાં એક્કે ના આંસુ,
તમે છાપરાં શીદને સંચો?
જીવ જશે જ્યારે ઝંપે છે,
શરીરનો ‘ઇર્શાદ’ સકંચો.
એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ
એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ,
મોત છે ઊંડો કૂવો? સહેજ પૂછી તો જુઓ.
સાવ પાસે આભ ગોરંભાય, વાદળ ગડગડે,
છાપરામાં છે ચૂવો? સહેજ પૂછી તો જુઓ.
માર્ગ છે, પગલાંય છે, પંથી કશે દેખાય છે?
માત્ર અધમણ ના રુવો! સહેજ પૂછી તો જુઓ.
રાતદિન એકાંતમાં કે શાંત સૂના ઘાટ પર,
મેલ મનનો ક્યાં ધૂવો? સહેજ પૂછી તો જુઓ.
આપણા ‘ઇર્શાદ’ને શું વાણીના વળગાડ છે,
કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ.
અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને
અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને,
માત્ર અંધારું અડે? તું પૂછને.
એક ફુગ્ગાની હવા નીકળી જતાં,
આભને ખાલી ચડે? તું પૂછને.
હું ખસી જાઉં પછી પણ દર્પણે,
આપણાં બિંબો પડે? તું પૂછને.
દેહમાંથી જીવ ગાયબ થાય છે,
ક્યાંયથી પાછો જડે? તું પૂછને.
સાવ સાચી વાત છે ‘ઇર્શાદ’ એ?
શિર કપાતાં ધડ લડે? તું પૂછને.
છેવટે ગાયબ થયો અંધારમાં
છેવટે ગાયબ થયો અંધારમાં,
શું લખ્યું છે સૂર્યના અવતારમાં?
આંસુઓને જોઈ તું ગદગદ્ ન થા,
આવું તો ચાલ્યા કરે વહેવારમાં.
આ પવન-વાણી હતાં કોની કૃપા?
કેમ ના સમજે કદી અણસારમાં?
મામલો મનનો ઘણો છે જોખમી,
કાચનાં વાસણ ભર્યાં ભંડારમાં.
આમ છે કે ખાસ તું નક્કી ન કર,
જા પ્રથમ ‘ઇર્શાદ’ના દરબારમાં.
નેજવામાં નભ લઇ બેસી રહીશ
નેજવામાં નભ લઈ બેસી રહીશ?
તું ધધખતું રણ લઈ બેસી રહીશ?
આ ક્ષણો ભડભડ સળગતી ક્યારની,
ક્યાં સુધી તું હઠ લઈ બેસી રહીશ?
આ પવન, ક્યારેક, પથ્થર થાય છે,
એટલે ગોફણ લઈ બેસી રહીશ?
આ બરફનો પહાડ ક્યારે પીગળે?
ક્યાં સુધી ધીરજ લઈ બેસી રહીશ?
કોણ સમજાવી શકે ‘ઇર્શાદ’ને?
શિર નથી ને ધડ લઈ બેસી રહીશ?
આગ રંગે જાંબલી છે
આગ રંગે જાંબલી છે,
સત્યની ધૂણી ધખી છે.
આભની અદૃશ્ય સીડી,
પંખીની નજરે ચડી છે.
પુષ્પથી અત્તર થયો છું,
તું મને નક્કી મળી છે.
જો નહીં, તું સ્પર્શ એને
એ હવા પહેરી ઊભી છે.
એમણે આપેલ વીંટી,
મન, હજી તેં સાચવી છે?
જીવને જાકારો દે છે,
દેહની દાદાગીરી છે.
પૂછ જે ‘ઇર્શાદ’ને કે
શ્વાસની સિલક ગણી છે?
પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે
પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે?
તું નથી પથ્થર, નદીનો નાદ છે.
ક્યાં તને જોયો જ છે, જન્મ્યા પછી?
દૃશ્યમાંથી ક્યારનો તું બાદ છે.
આંખ તારી ભીની ભીની કેમ છે?
તું હસીને ના કહે : ‘વરસાદ છે’,
જો, બરાબર જો અને તું યાદ કર,
કોઈ ક્યાં છે આપનો ‘ઇર્શાદ’ છે.
માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું,
શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે.
ઝાડ પડે ત્યારે શું થાય
ઝાડ પડે ત્યારે શું થાય?
પંખી આભે રહેવા જાય?
પાણીમાં પરપોટા થાય,
રણને એનું બહુ ચૂંકાય.
કોણ હલેસે હોડીને?
વાયુ કૈં ઓછો દેખાય?
શ્વાસોની ધક્કા-મુક્કી,
દેહ બચાડો બહુ બઘવાય.
હું છું તો ‘ઇર્શાદ’ જીવે,
આવું કોને કોને થાય?
શહેર, શેરી ને શ્વાન
આ દરિદ્રી જણ નથી, આ શહેર છે,
ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે.
સાવ અધ્ધર, શ્વાસની આદત પડે,
ગીધ ચકરામણ નથી, આ શહેર છે.
ચાલવામાં માત્ર પડછાયા હતા,
એથી તો રજકણ નથી; આ શહેર છે.
કાળના સંતાપ શમવાના નથી,
આ ધધખતી ક્ષણ નથી; આ શહેર છે.
ડાકલા વાગ્યા કરે છે રાતદિન,
જાય એ વળગણ નથી, આ શહેર છે.
શહેરની શેરી હતી;
સ્તબ્ધતા પહેરી હતી,
ઊંટ બીજું શું કરે?
રેત ખંખેરી હતી;
સાપની છે કાંચળી,
પણ, ઘણી ઝેરી હતી.
બંધ ઘરની બારીઓ;
દૃશ્યની વેરી હતી,
તૂટતા એકાંતમાં,
દેહની દેરી હતી.
શહેરની શેરીમાં સૂતો શ્વાન છે,
આંખ ફરકે તોય એનું ધ્યાન છે.
કોઈ ઘરનો સહેજ પડછાયો ખસે,
તો તરત સરવા થનારા કાન છે.
એ પગેરું દાબીને જાણી જશે,
આપના વસવાટનું ક્યાં સ્થાન છે?
ખૂબ લાંબા રાગથી રડતો હતો,
આવતા મૃત્યુનું જાણે જ્ઞાન છે.
છેક છેલ્લી ક્ષણ હશે ‘ઇર્શાદ’ની,
શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે.
કેવળ રહી છે યાદો
કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.
સમજણ વધારવાનો,
રસ્તો બતાવ સાદો.
જ્યાં ત્યાં મને મળે છે,
શું છે હજી ઇરાદો?
સદ્ સામે સદ્ લડે છે,
ત્યાં શું કરે લવાદો?
ભવભવ વિરહમાં વીત્યા,
પૂરી કરો સૌ ખાદો.
શ્વાસોનો થાક નાહક,
મારા ઉપર ન લાદો.
મૃત્યુને છેટું રાખે –
‘ઇર્શાદ’ છે ને દાદો?
પહોંચવાનું ગેબી અણસારા સુધી
પહોંચવાનું ગેબી અણસારા સુધી,
આવવું સહેલું નથી મારા સુધી.
શોધવો છે એ તો નક્કી વાત છે,
હાથ લંબાવીશ અંધારાં સુધી.
મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ?
વીજળીના એક ઝબકારા સુધી.
તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ,
તું ધસી ક્યાં જાય અંગારા સુધી?
આંખ સામે કૈંક રસ્તાઓ હતા,
એક રસ્તો જાય છે તારા સુધી.
જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે
જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે,
દૂરનો તો દૂરનો તારો સહારો જોઈશે.
સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે.
સાવ કોરી આંખની એક જ હતી બસ માગણી,
છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે.
ચાલવા ને ચાલવામાં માર્ગ લંબાતો ગયો,
આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે.
સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઇર્શાદ’ તો,
આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે.
હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું
હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.
જેને કહો છો મિથ્યા એ તો જગત છે મિત્રો,
કેવી રીતે કહું કે નશ્વર બની ગયું છે?
આંસુનો મારો વાગ્યો અમને રહીરહીને,
પાણી હતું તે આજે પથ્થર બની ગયું છે.
વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.
‘ઇર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે?
તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે
એવી કેવી વાત છે
એવી કેવી વાત છે,
કે મિશ્ર પ્રત્યાઘાત છે?
છે પ્રબળ જિજીવિષા,
મોત પણ ઉદ્દાત્ત છે.
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.
હાથ ઊંચા કર નહીં,
આભ બહુ કમજાત છે.
હંસનાં વાહન મળ્યાં,
(ને) કાગડાની નાત છે.
જે નજરની બહાર છે,
એય ક્યાં બાકાત છે.
જે નથી ‘ઇર્શાદ’ તે,
ચોતરફ સાક્ષાત છે.
સૌ સમસ્યા જેવી છે એવી જ છે
સૌ સમસ્યા જેવી છે એવી જ છે,
એ કદી ક્યાં કોઈના જેવી જ છે?
વ્યર્થ ખેતી જાય એ ચાલે નહીં,
આંખની બધી નીપજ લેવી જ છે.
વેદના એમ જ નથી મોટી થઈ,
મેં જનેતા જેમ એ સેવી જ છે.
શ્વાસ જેવા દીકરે ભેગી કરી,
માલમિલકત વારસે દેવી જ છે.
શું મરણની બાદ દુનિયા હોય છે?
હોય છે, તો બોલને, કેવી જ છે?
ઊંઘમાંથી જાગ, બાળક
ઊંઘમાંથી જાગ, બાળક,
મુઠ્ઠી વાળી ભાગ, બાળક.
બંધ આંખો ખોલ ઝટપટ,
ચોતરફ છે આગ, બાળક.
પૂછશે આવી વિધાત્રી :
‘રાગ કે વૈરાગ, બાળક?’
જળકમળ જો છાંડવાં છે,
પ્રાપ્ત પળ પણ ત્યાગ, બાળક?
ખૂબ ઊંચે ઊડવું છે?
ખૂબ ઊંડું તાગ, બાળક.
એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.
મોત મોભારે જણાતું,
શું ઊડાડે કાગ, બાળક?
હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો
હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો,
બાપડો આ દેહ ઠેકાણે પડ્યો.
શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.
કોઈ સાંભળતું નથી મારી બૂમો :
‘ભીંત પર લટકાવવા ફોટો જડ્યો?’
સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લી વાર તું ક્યારે રડ્યો?
એમ લાગે છે મને ‘ઇર્શાદ’ કે,
કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો.
‘આવું’, ‘આવું’ કહી ના આવે
‘આવું’, ‘આવું’ કહી ના આવે,
ખોરંભે એ કામ ચડાવે.
લગાતાર ઇચ્છા જન્માવે,
જીવતેજીવત મન ચણાવે.
જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.
સામે પાર મને મોકલવા,
અણજાણ્યાને કાર ભળાવે.
જાત ઉપર નિર્ભર ‘ઇર્શાદ’,
ખોદી કબર ને પગ લંબાવે.
હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે
હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે?
હવે ખુશબો નથી એનો ફૂલોને વસવસો ક્યાં છે?
સમયસર બોલવું પડશે, નહીં ચાલે મૂંગા રહેવું,
ગગનને હોય છે એવી; ધરા! તારે તકો ક્યાં છે?
બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે?
ટપાલી જેમ રખડ્યો છું તને હું શોધવા માટે,
મળે તું નામ સરનામે મને, એ અવસરો ક્યાં છે?
ઘણીયે વાર પૂછું છું મને ‘ઇર્શાદ’ સાંજકના,
તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે?
ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું
ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું,
‘આ જીર્ણ ઝાડ આજ પણ પંખી ઉગાડતું’.
કેવું બિચારું બાપડું જૂનું જગત હતું?
મારા ગુનાઓનું જૂનું વાજું વગાડતું.
મારા મરણનાં કારણો શોધ્યાં નહીં જડે,
પાણી ઊંઘાડતું અને પાણી જગાડતું.
ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.
આ કેવી અવસ્થાએ મન પહોંચી ગયું હતું?
‘ઇર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું.
ઝીણી ઝાણી છાંટ છે વરસાદની
ઝીણી ઝાણી છાંટ છે વરસાદની,
વ્હાલની આ રીત છે ઇર્શાદની.
જન્મ લીધો ત્યારથી જીવ માંગતો,
જીવ લેશે જિદ્દ આ જલ્લાદની.
હું ગઝલમાં વાત મન સાથે કરું,
ક્યાં જરૂરી મારે તારી દાદની?
પાંપણો પર બોજ વધતો જાય છે,
કમ કરો વાતો પુરાણી યાદની.
કમ કરો વાતો પુરાણી યાદની,
વ્હાલની આ રીત છે ‘ઇર્શાદ’ની.
શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું
શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું,
શોધ સરનામું હવે અંધારનું.
આંખ શું મસળી રહ્યો છે, આંધળા?
રૂપ અપરંપાર મારા યારનું.
રૂ-બ-રૂ મળવાની મારી જિદ્દ છે,
એ જ કારણ આપણી તકરારનું.
ચાડિયા ઊભા કરો છો ખેતરે?
કૈં વિચાર્યું પંખીના ધબકારનું?
હોય હિંમત, થા પ્રગટ ‘ઇર્શાદ’માં-
ને પછી જો દૃશ્ય આ સંસારનું.
છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં
છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કૈંક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.
જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.
માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.
કેટલાં કીધાં જતન ‘ઇર્શાદ’ તેં?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.
મુક્તક
પાણીના તળિયે જઈ બેઠા છીએ,
કોઈનું ક્યાં નામ લઈ બેઠા છીએ?
સ્વપ્ન તો સા.. રે.. ગ.. મ સંસારની,
કંઠને તાળાં દઈ બેઠા છીએ.
ગઝલ
લ્યો, પલાંઠી વાળીને બેઠા છીએ,
શ્વાસ રોકી રાખીને બેઠા છીએ.
આભના ચહેરે પડી છે કરચલી,
પંખીને સંતાડીને બેઠા છીએ.
દાબડીમાં સાચવી રાખ્યું હતું,
આપનું મન જાણીને બેઠા છીએ.
હોઈએ, બેહદ ખુશીમાં હોઈએ,
આંસુ ઊંડાં દાટીને બેઠા છીએ.
મ્યાન કર ‘ઇર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.
એમ તો જીવાય છે તારા વગર
એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર?
આભને તાક્યા કરે એકીટશે,
આંખ પણ મૂંઝાય પલકારા વગર.
શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.
એક એવી ક્ષણ હવે આપો તરત,
ઊંઘ આવી જાય અંધારાં વગર.
ભીંત પર ચિતરેલ પડછાયો ફક્ત,
હોઈને શું હોઉં હું તારા વગર?
ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે
ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે,
દેહ માફક ક્યાં મારે છે? જીવ છે.
એ મુસિબતમાં નહીં સાથે રહે,
શ્વાસ અટકે કે સરે છે, જીવ છે.
લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે?
ભલભલાને છેતરે છે, જીવ છે.
અંધ, બહેરો, બોબડો છે તે છતાં,
દેહ પર શાસન કરે છે, જીવ છે.
ક્યાંય ઘર કરતો નથી. ‘ઇર્શાદ’ એ,
રોજ એ ફરતો ફરે છે; જીવ છે.
કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ
કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ,
આભ માથે ઊંચક્યાનું છે સ્મરણ.
રાત પડતાં હુંય અંધારું થયો,
જન્મ પહેલાંના જીવ્યાનું છે સ્મરણ.
હોય તળિયે તો કદાચિત હોય પણ ,
પાણી ખોબામાં ઝીલ્યાનું છે સ્મરણ.
આપનો વહેવાર બદલાઈ ગયો,
બારીથી ધુમ્મસ લૂછ્યાનું છે સ્મરણ.
પાંદડાં ‘ઇર્શાદ’ ફિક્કાં થાય છે,
ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ.
ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી
ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી?
આ મળી દુનિયા, પછીથી કેમ સંસારી હતી?
કૈંક વરસોથી નિમંત્રણ આપતો દરિયો મને,
આજ લંગર છોડી નાંખી નાવ હંકારી હતી.
વાયુની પીઠે ચડી ભડભડ સળગતા મહેલથી,
નાસવા માટે મળેલી તું છટકબારી હતી.
આ અહીં આવી ગયો ક્યાં ભીડ ભરચક શહેરમાં?
ગામના નાના તળાવે ડૂબકી મારી હતી.
અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.
એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં
એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં,
ક્યાંથી મકાન બાંધશો ફરતી જમીનમાં?
ટેકા વગરનું આભ ઝળૂંબે છે શિર ઉપર,
સારું થયું: શ્રદ્ધા લખી : મારા નસીબમાં.
શબ્દો પડે છે કાનમાં : ‘ચાલો, પ્રભુ હવે’,
તું આટલામાં તો નથી મારી નજીકમાં?
જન્નત છે એ તરફ અને તું છે બીજી તરફ,
બન્ને તરફ છે ખિસ્સા : મારા ખમીસમાં.
‘ઇર્શાદ’ છોને દોડે, આ શ્વાસ વેગમાં,
જીતી જવાનું ક્યાં છે કૌવત હરીફમાં.
તું પ્રથમ એને અહીં સાક્ષાત કર
તું પ્રથમ એને અહીં સાક્ષાત કર,
એ પછી એના વિશેની વાત કર.
કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.
શ્વાસનો આવાસ સૂનો થૈ ગયો,
વાતને જલદી સમજ ને રાત કર.
જીવને ખખડાવ ને એને કહે :
‘દેહની શું કામ તું પંચાત કર?’
સ્પષ્ટ શબ્દોમાં કહું ‘ઇર્શાદ’ ને :
‘જે મળે છે એ ક્ષણો રળિયાત કર’.
મન કરો રમમાણ ક્યાં છે
મન કરો રમમાણ ક્યાં છે?
એક પણ રમખાણ ક્યાં છે?
પાણી પાસે છે ખરાં, પણ,
વાયુ પાસે વ્હાણ ક્યાં છે?
સ્વપ્નની સરહદ હટાવે,
લક્ષ્યવેધી બાણ ક્યાં છે?
કેમ ઊડે છે કબૂતર?
જોઈ લે ભંગાણ ક્યાં છે !
‘જાવ તો સોગંદ છે, હોં’,
એવી ખેંચતાણ ક્યાં છે?
એક પળમાં દેહ છોડું -,
(એવાં) સ્વર્ગનાં ખેંચાણ ક્યાં છે?
જે ગયાં એ તો ગયાં છે,
ક્યાં ગયાં એ જાણ ક્યાં છે?
આ જગતને કોઈનું પણ,
ઠામકું બંધાણ ક્યાં છે?
કાયમી આ ઘર નથી
કાયમી આ ઘર નથી,
તું સમયથી પર નથી.
કેમ તું અધ્ધર ન જો?
ખોટું ના ક્હે : ડર નથી.
બૂઝવો ફાનસ બધાં,
ક્યાંય પણ ઈશ્વર નથી.
આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.
બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.
બંધ ઘર ખોલાવ નહીં,
કોઈ પણ અંદર નથી.
જો, હુકમ કરતો નહીં,
શ્વાસ છે, નોકર નથી
મને તો હતું કે તું ભૂલી ગઈ
મને તો હતું કે તું ભૂલી ગઈ,
અચાનક બધી બારી ખૂલી ગઈ.
છબીમાં પુરાયેલું પંખી ઊડ્યું,
જગતભરની ડાળીઓ ઝૂલી ગઈ.
અરે, સ્તબ્ધ જળ કેમનાં ખળભળ્યાં?
ગુના તારાટોળી કબૂલી ગઈ.
ધરા તો ધરા, નભ ને પાતાળમાં,
હવા એકલી ને અટૂલી ગઈ.
ગયા હાથ પગ વીંઝવાના ગયા,
અને લાશ પાણીમાં ફૂલી ગઈ.
પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.
ન બોલે, ન ચાલે ઈશારો કરે
‘ગઈ, વલવલંતી એ લૂલી ગઈ.’
છે ખરો કે લા-પતા, ભૈ
છે ખરો કે લા-પતા, ભૈ?
મન ગણે તે માન્યતા ભૈ.
આંખ મીંચી યાદ કર તો,
જીવતા ને જાગતા – ભૈ.
રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.
‘સાંકડું આકાશ બનજો’,
પંખી કેવું માંગતા – ભૈ?
વય વધેલી ઢીંગલીને,
ખૂબ ઊંડે દાટતા, ભૈ.
શું થયું ‘ઇર્શાદ’ તમને?
શ્વાસથી કંટાળતા, ભૈ?
રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં
રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?
સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં,
એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?
સહેજ પણ તેં ખ્યાલ મારો ના કર્યો?
હિંસ્ર વન વચ્ચે હરણ તેં ક્યાં મૂક્યાં?
કાલ સપને કૈં જ ના હું કહી શક્યો,
વાણી વચ્ચે વ્યાકરણ તેં ક્યાં મૂક્યાં?
શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને,
બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં?
(હંસાની મૃત્યુતિથિએ)