કાવ્યાસ્વાદ/૨૯

From Ekatra Wiki
Revision as of 10:14, 11 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૯

પોલેંડની ક્વયિત્રી ઇવા લિપ્સ્કાની કવિતા અહીં સંભારવા જેવી છે. માનવી એ લાગ જોઈને તરાપ મારનારું પ્રાણી છે. એ દુશ્મન સૂતો હોય તે ક્ષણની રાહ જુએ છે. જ્યારે દુશ્મનની હરોળના સૈનિકો સૂતા હોય ત્યારે ચોરપગલે પાછળથી એની નજીક સરે છે. પછી એની ખોપરીના પાછલા દરવાજા સિફતથી ખોલી નાખે છે. એના કપાળના સંકેલી લીધેલા પુલને નીચે પાડે છે. એના પર થઈને ટ્રક પસાર થાય છે. એ ટ્રકમાં વધેરેલા અન્તરાત્માનું તાજું માંસ ખડકેલું છે, એમાં નવા વિચારનાં તાજાં શાકભાજી છે, કલ્પનાની ઠારેલી કેક છે. સવારે એકબીજા પર આક્રમણ ન કરવાના દસ્તાવેજ પર સહીસિક્કા થઈ જાય છે. આમ તો ચારે બાજુ માનવીઓનું કીડિયારું ઊભરાયું છે, છતાં ચારે બાજુથી એકલતા સૂસવાતી હોય એવો અનુભવ થતો રહે છે. જાપાનનો કવિ કાનેકો મિત્સુહારુ પણ આ જ પ્રશ્ન પૂછે છે : ‘આ એકલતા ક્યાંથી ઝરપે છે?’ આ પ્રશ્ન પૂછતાંની સાથે જ આપણી નજર બધે ફરી વળે છે. આ સન્ધ્યાકાળે જેમનાં મુખ ફૂલની જેમ પ્રફુલ્લિત થઈ ગયાં છે એવી નારીઓની ત્વચામાંથી આ એકલતા ઝરપતી હશે? એમના મુખમાંથી એ સ્રવતી હશે? કે પછી આ મારા હૃદયમાંથી જ તો એ નહીં સ્રવતી હોય? આ એકલતા બારીના કાચમાંથી ચળાઈને આવતી ચાંદની જેવી ઝાંખીઝાંખી છે. બહાર બિછાવેલી ચટાઈ પર હમણાં જે પાંદડું ખરીને પડ્યું તે તો એકલતા નથી ને? આ એકલતા આપણી કરોડરજ્જુમાં ઊંચે ને ઊંચે આગળ વધે છે : ફૂગની જેમ, ભેજની જેમ. એની આપણને તો પછીથી જ ખબર પડે છે. એને કારણે હૃદયમાં સડો પેસે છે, એ એ પછી આપણે રોમેરોમમાંથી બહાર ઝરપવા માંડે છે.