અરૂપસાગરે રૂપરતન/દેહોપનિષદ

From Ekatra Wiki
Revision as of 02:39, 23 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૪ – દેહોપનિષદ

અરીસાઓ હવે પહેલાં જેવા નથી રહ્યાં. ઑફિસે જવાની ઉતાવળમાં ઝટપટ પાંથી પાડવા જરીક અરીસા પાસે અલપઝલપ મને જોઈ લઉં છું. ચાલીસ વરસે વળી સ્નોવ્હાઈટની અપરમાના જેમ અરીસાને સવાલો પુછાતા હશે ? આ આંખો પાસે નીચે થોડી કાળાશ આવી ગઈ છે. ખબર પણ ન પડે તેમ માથામાંથી વાળ ખરવા લાગ્યા છે. આંખમાં એક ઠંડી ધૂર્તતા ડોકાય છે. મૂછનો દોરો કહેવાતો ત્યાં ધોળાવાળનાં ઝાળાં બાજ્યાં છે. પહેલાં એક-બે ખેંચી કાઢતો તે ધોળવાળ લમણામાંથી ફૂટી અંદર પ્રસર્યા છે. ગાલ ઢીલા થઈ થોડા લચવા લાગ્યાછે. ! ઘડીભર દાઢી કરતાં કરતાં હાથનું રેઝર હાથમાં જ રહી જાયછે. હું અડધી દાઢીએ કબાટ ખોલી લગ્નવખતે અને કોલેજના Identity Cardના ફોટાઓ કાઢું છું ભોંઠો પડી મૂકી દઉં છું.

બધું બદલાય ગયું છે નહીં ? અરીસો અવાક્ છે. શરીરે ચડીને કોઈએ આ ધીંગાણું આદર્યુ છે. પાંચે ઇન્દ્રિયોના બારણેથી જગત જોયું છે, સુંઘ્ય છે, સ્પર્શ્યુ છે, સાંભળ્યું છે, સ્વાદયું છે. દેહના દરબારમાં ગંધારૂઢ પવનો, કરકરી દિવાલના સ્પર્શો, નારંગી ઉત્ફૂલ્લ પ્રભાતો, હણહણતી હેષાઓ, રસિકપ્રિયાના પરિરંભો, ગમક, મીંડ, તાનો, આંબલીના સ્વાદે અંબાઈ ગયેલા દાંતો, જ્ઞાન અજ્ઞાનના અધખુલ્લાં દ્વારો, પુણ્ય-પાતક ના હિસાબો, કેટકેટલું પડ્યું છે. આ દેહથી જ વિદેહી થયો છું. પવનથીય પાતળું મન આ દેહદુર્ગમાં આરામથી રહ્યું છે. ‘પહુપ બાસ સે પાતશ’ આત્માને દેહ રહેવા માટે આશરો આપ્યો છે. માત્ર આશરો જ નથી આપ્યો, પંચેઇન્દ્રિયની આંગળિએ જગતમાં ફેરવ્યો છે. જગતના આ Hardwareને Softwareમાં પરિણત કર્યો છે. લિપિને ઉકેલી છે. ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’માં બ્રહ્મ પાસે લટકાં કરવાં બ્રહ્મ તો જોઈશે ને ?

વચ્ચે એકવાર કવિ રાજેન્દ્ર શુક્લ સંસ્કૃતના કોઈ સેમિનારમાંથી સીધાં જ આકાશવાણીમાં આવ્યા’તા. એ સેમિનારમાં પર્યાયવાચી જેવા લગતા શબ્દો પંડ, દેહ, શરીર, કયા દરેક કેવાં અને સાર્થક છે અને દરેક શબ્દ પાછળ કયું લક્ષણ કયો ભાવ છે તેની વાત કરી. સિતાંશુ યશશ્વન્દ્ર તો વળી કહે છે કે આ શરીર કે જેને વડે હું મરી શકીશ. મરવું કેટલું દોહ્યલું છે તે અશ્વત્થામાને પૂછો. ઉપનિષદકારે દેહ દેવાલયમાં સંપૃક્ત જીવ એ જ શિવની વાત કરી. જેણે મીરાંબાઈએ ઉપાડી – ‘જૂનું તો થયું રે દેવળ, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું’. દેહની હવેલીની જાહોજલાલી હતી. રંગરોગાન ગોખગવાક્ષ હાંડી ઝુમ્મર સાંજીદા સંગતનો દબદબાભર્યો અસબાબ હતો. ઇન્દ્રિયોની પણછ તંગ હતી. તેજીલા તોખાર જેવું હતું આ શરીર. હવે જર જાગીર જમીનદારી વગરના જમીનદાર જેવું પડ્યું છે. હાથ-પગ હુક્કાપાણી ભરતાં, પડ્યો બોલ ઝીલાતો અને હવે હું કહું છું ને હું જ સાંભળું છે. આત્મા સાથે સંવાદ નથી સાધવો. એ ક્યાં મારો છે ? એ ક્યાં મારી ઓળખને ચિહનિત કરનારો છે. એ તો પરમાત્માનો અંશ ઘટાકાશ વિલીન થતા મહાકાશમાં ભળી જનારો. મને તો વ્હાલા આ ઠીબ ઠીકરાં જેણે મને રૂપાયિત કર્યો, પાત્રનો આકાર આપી જીવનને પાત્ર બનાવ્યો. એ આકારથી મેં આકારનો સાહ્યા, નિરાકારને નિરંજનને આરાધ્યા. આ શરીર કે જે પૂર્વજોએ આપ્યું. મેં કશુંક અદકું કર્યું અને પૂર્વજ બનવાના પંથે ચડ્યો. અંગ દેશના રાજવી પાસે ભલેને અંગ ઇન્દ્રિયો હવે નજર ચોરાવે છણકા વડચકા ભરે, એક વખતે એણે જે કામ આપ્યું છે તેની કૃતજ્ઞતાથી હૃદય ભરાઈ ગયું છે.

મન સાથે, હૃદય સાથે, આત્મા સાથે ગોઠડી માંડી ઉપનિષદો ગઝલો તત્વજ્ઞાનનાં ટૂંપણાંઓ રચ્યા છે. દેહે આ બધું નિવ્યાર્જ ભાવે કર્યું છે. અને દેહ સાથે કોઈ સંવાદ નહીં ? દેહાધ્યાસ છૂટતો જાય છે ત્યારે જ દેહનું મહત્વ સમજાવા લાગે છે. ભોમિયો વિના જે દેહ સાથે ડુંગરાઓ ભમ્યા’તા તેના માટે તો આ બધું –

‘अंगना तो परबत मया डयोढ़ी भई विदेश ! થઈ જાય છે. ક્યારેક આ શરીરને ‘इदम् शरीरम् शत संधि जर्जंरम् કે अंगम् गलितम् पालितम् मुंडम्’ તરીકે ઉતારી પાડ્યું છે. તો દેહના આધારે જ દેહને તિરોહિત કરતી કામકલા-કામ-વિજ્ઞાનમાં દેહનો સાધન અને સાધ્ય તરીકે મહિમા ગાયો છે. મન ને શરીર આપણે પૃથક્ પૃથક્ માનીએ છીએ પણ ક્યાં છે ખરું ? આ બધું એટલે ઉભરાઈ ગયું છે ? કે આજે મેં બ. ક. ઠા.ની ‘જર્જરિત દેહને’ કવિતા વાંચી. ભગતસાહેબ કહે છે કે વૃદ્ધાવસ્થાને વાચા આપતું આ સૉનેટ વિરલ છે. તેમાં પાકટતા સહ્રદયતા અને સમજણ ડહાપણ છે. કવિએ પોતાના જર્જરત દેહને સખા કહી ગોઠડી માંડી છે. જૈફ કવિની જૈફ દેહ સાથે દશકાઓ જૂની દોસ્તી છે. કવિ તેના પ્રિય સખા દેહને શું કહે છે તે તો તે બંનેને જાણ ન થાય તેમ દબાતા પગે પાછળ ઊભા રહી એ જનાન્તિક સંવાદ સાંભળવા જેવો છે. લો હવે તો હું પણ વચ્ચેથી ખસી જઉં –

જર્જરિત દેહને
સખા કહું ? તુરંગમ? તું છેક હારી ગયો ?
ત્રુટુ ત્રુટુ થઈ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ?
ન સ્થૈર્ય, નવ હોશ લેશ,, શ્વાસને ન વા વર્ત્તને
ખમાય લગિરે અનિમ, અહ શી દશા તાહરી !
તથાપિ સફરે પ્રલંબ મુજ સાથિ સંગી અરે,
હજીય મુજને જવું છ ડગ સ્વલ્પ, તું ચાલ જો :
હજી છ મુજને કંઈક અધૂરું પૂરું.
ઉકેલિ લઉં તે – પછી ઉભય તું અને હું છુટા
વિરામનમધુ પ્રાશવા, અક્રિયતોદધી સ્વ્લાવા,
જૂની સ્મૃતિ તણાં અનંત પતળાં રુચિર વાદળાં
તરંત ઉભરૈ રહંત રહિ હૈ જ વાગોળવા !
સબૂર જરિ, ના ચહું કશુંય જે ત્હને શક્ય ના,
કદી ન તગડીશ લે વચન ! સાથિ સંગી અહો,
જરા ઉચાળ ડોક; દૂર નથિ જો વિસામો હવે.
બ. ક. ઠા.}

બ. ક. ઠા.નું ચિત્ર જોયું છે. ભારે કાયા, પૂળા જેવી મૂછોથી ભરાવદાર ચહેરો, ગોળ ચશ્મા પાછળ ક્યારેક શારતી, ક્યારેક ઠારતી આંખો. એક વિદ્દ્વત્ ઉગ્ર શાલીન ચહેરો. એમના ફોટા તરફ ઝાઝીવાર ન જોવાય. બીક લાગે. લાગે કે હમણાં જ ત્રાડી ઉઠશે અને મારા હાથ અડધીમાંથી પડધી લખેલી કવિતાનો કાગળ એક ઝાટકે લઈ લીરે લીરા ફાડી નાખશે ને પછી કહેશે આને કહેવાય કવિતા ? આ એ જ બ. ક. ઠા. તેમના દેહ સાથે આટલા પ્રેમથી પંપાળી ફોસલાવીને નજાકતથી વાત કરે છે ? વિવેકાનંદે વિશ્વધર્મસંમેલનમાં ‘ભાઈઓ અને બહેનો’નાં સંબોધનથી બધાંને જીતી લીધાં તેમ આપણે પણ સખા કહી દેહને પ્રેમવીંજણો ઢોળી પોતાનો કરી લીધો છે. અહા, અરે, જો, લે જેવા પ્રયોગથી તો લથડપથડ ઢળતા દેહને થાબડી તેને પોરસ્યો છે. દેહ પર આરૂઢ થઈ દેહી એક દિવસ ઘટમાં ઘોડા ખેલાવવા નીકળ્યો હતો. આજે એ આરૂઢ થવાનો ભાવ નથી. વિનંતી છે દેહને. દેહે જે સાથ આપ્યો છે તેની કૃતજ્ઞતા છે. હવે કંઈ ઝાઝી ઝંખના નથી. જો દેહનો અનુગ્રહ, સાથ હોય તો થોડું ચાલવું છે. એવું કશું હવે કરવું નથી જે દેહને દુષ્કર હોય. હવે પીઠ પર ચાબુક વીંઝી તેને તગેડવો નથી. વિરામ-મધુના પ્રાશન પહેલાં આદર્યા અધૂરાં છે તે પૂરા કરવા છે. દેહ દેહી બંનેને વિસામો તો જોઈશે જ. દેહને પસવારી પોરસી દેખાડે છે કે જો વિસામો તો આ રહ્યો સામે જ. અધવચ્ચે કરાર પૂરો કર્યા સિવાય છુટા પડી જવું તો ઠીક નહીં. થોડું કામ ઊકલે ગુંચવાયેલી આ જાત ઊકલે પછી તું છુટ્ટો. આ કવિતા વાંચતા રોબર્ટ ફોસ્ટની “Woods are lovely dark and deep” પંક્તિઓ કેમ યાદ આવી ? તેમાં તો કવિએ ઘોડાની લગામ ખેંચી એડી મારી આગળ પ્રયાણ કર્યું હશે. અહીં તો દેહને થાબડી પંપાળી પૂછીને આગળ થોડો સાથ દેવાની પ્રેમ ભરી વિનંતી છે. આ સાંભળીને યમદેવ પણ ‘પછી આવીશ’ કહી પાછા ગયા હશે ને ?