ભજનરસ/નિગમ વેદનો નાદ
નિગમ વેદનો નાદ સાંભળી
મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે
જાગીને જોતાં મિથ્યા માયા
માંડ કર્યો છે મટકો રે-
જીવ જગત બેઉ અણછતાં છે,
ઘટપટાદિક ઘટકો રે,
નિષેધ-પદ તો નિશ્ચે ગયું છે,
હવે નહીં ખટપટનો ખટકો રે-
નર નાટકમાં, નાટક નરમાં,
નાચ નિરંતર નટકો રે,
મૂળદાસ સોં બ્રહ્મ સનાતન
વ્યાપક બીજ વટકો રે-
નિગમ વેદનો નાદ સાંભળી.
નરસિંહના પ્રભાતિયાંની જેમ મૂળદાસનાં પ્રભાતિયાં પણ બ્રહ્મ અને લીલાનો અભેદ-ઓચ્છવ સુંદર વાણીમાં ઊજવતાં જાય છે. પ્રભાતિયાં એટલે જ નિદ્રાભંગ માટે બજી ઊઠતાં ચોઘડિયાં. અહીં વેદનાદ કૃષ્ણનો વેણુનાદ બની માનવ-પ્રાણને જગાડે છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> નિગમ વેદનો... મટકો રે
ભાગવતને નિગમ કલ્પતનું રસથી દ્રવી પડતું ફળ કહેવામાં આવે છે. રસરાજની બંસીમાંથી આ અમૃત-૨સ ઝરે છે. એને જરાક ચાખતાં જ ચિત્તનું સ્વરૂપ પલટી જાય છે. એકવાર ચિત્તને આ રસનો ચટકો લાગે પછી તેને બીજે ક્યાંયે ચેન પડતું નથી. આપણી ભાષામાં આ ‘ચટકો' શબ્દ ગજબનો ચોટડુક છે. એ ઝીણો ડંખ બની મારે છે ને ઊંડો સ્વાદ બની જિવાડે છે. રસનો તો ચટકો હોય, કૂંડાં ન હોય' એ કહેવતમાં પણ જરા જેટલી માત્રામાં રુંવાડાં પલટી નાખતી ચટકાની અસર વ્યક્ત થઈ છે. ‘ચટકો' લાગે ત્યારે વિરહની વેદના વધે છે ને સાથે સ્મરણનો સ્વાદ પણ વધતો જાય છે. સૂફી એને કહે છે : ‘લતીફ ખલિશ‘-મજેદાર ખટકો. મૂળદાસે એક રાસમાં આ વેદના-માધુરીને કિલ્લોલતી કરી છે :
હરિ વેણ વાય છે રે હો વનમાં
તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.
ચિત્તડામાં ચટપટી રે હો લાગી,
જીવણ જોવાને હું જાગી,
ત્રિભુવન નીરખ્યા રે હો તમને
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં-
હરિવેણ વાય છે રે હો વનમાં.’