પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ

Revision as of 06:28, 24 April 2025 by MeghaBhavsar (talk | contribs)


ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ

આપણે આરંભમાં કહેલું કે ઍરિસ્ટૉટલ કળા અને કવિતાને પ્લેટોએ એના પર લાદેલાં ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનાં ધોરણોમાંથી મુક્ત કરે છે. ઍરિસ્ટૉટલના અનુકરણ એટલે કે સર્જનાત્મક કવિકર્મ, કાવ્યગત સત્ય અને કાવ્યની આકૃતિ વિશેના વિચારો આપણે તપાસ્યા તે પરથી આ હકીકતની પ્રતીતિ પણ થઈ હશે, પરંતુ ઍરિસ્ટૉટલના ‘પોએટિક્સ’માં નૈતિક દૃષ્ટિબિંદુની ક્યાંયે ગંધ સરખીયે નથી આવતી એમ કહી શકાશે ખરું? વસ્તુતઃ કેટલાક વિવેચકોને ઍરિસ્ટૉટલની કાવ્યચર્ચાનાં કેટલાંક સ્થાનોએ ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ ડોકાતું લાગ્યું છે. આ સ્થાનોને તપાસી આપણે આટલી ચોખવટ કરવી જોઈએ : એ સ્થાનોએ નૈતિક દૃષ્ટિબિંદુ રહેલું છે ખરું? એ નૈતિક દૃષ્ટિબિંદુનું સ્વરૂપ કેવું છે? અને ઍરિસ્ટૉટલના કાવ્યમૂલ્યાંકનમાં એ નૈતિક દૃષ્ટિબિંદુ કંઈ ભાગ ભજવે છે ખરું? નૈતિક દૃષ્ટિબિંદુનો વહેમ આવે એવું એક મહત્ત્વનું સ્થાન તે ઍરિસ્ટૉટલે ટ્રૅજેડીની ક્રિયા અને એનાં પાત્રોને ઓળખાવતાં વાપરેલું એક વિશેષણ છે. ગ્રીકમાં એ શબ્દ spoudaios (સ્પાઉડેઇઑસ) છે; અંગ્રેજીમાં એનો અનુવાદ good (ગુડ), noble (નોબલ) કે serious (સિરિઅસ) શબ્દથી કરવામાં આવે છે, ગુજરાતીમાં આપણે એને માટે ‘ઉદાત્ત’ કે ‘ગંભીર’ શબ્દ વાપરીએ છીએ. ઍરિસ્ટૉટલ કળાના અનુકરણવિષયની વાત કરતાં કહે છે કે ટ્રૅજેડી ઉદાત્ત મનુષ્યોનું નિરૂપણ કરે છે, કૉમેડી નિકૃષ્ટ મનુષ્યોનું નિરૂપણ કરે છે. ટ્રૅજેડીની વ્યાખ્યા આપતી વખતે પણ ઍરિસ્ટૉટલ એમાં ઉદાત્ત ક્રિયાનું નિરૂપણ હોય છે એમ કહે છે. વળી ઍરિસ્ટૉટલને કૉમેડી કરતાં ટ્રૅજેડી પ્રત્યે પક્ષપાત છે એ હકીકત અછતી રહેતી નથી. આને સેઇન્ટ્‌સબરી જેવા ઍરિસ્ટૉટલના નીતિવાદી ધોરણનું સૂચક ગણે છે. (એ હિસ્ટરી ઑવ્‌ ક્રિટિસિઝમ, ૧, પૃ. ૩૭) એ રીતે કે ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીમાં નૈતિક ઉદાત્તતાનો આગ્રહ રાખે છે અને એ કારણે એને ઊંચો કાવ્યપ્રકાર ગણે છે. આ ઉપરાંત ટ્રૅજેડીમાં નિરૂપાતા ચરિત્રની આવશ્યકતાઓ દર્શાવતી વખતે પણ ઍરિસ્ટૉટલ કહે છે કે ચરિત્ર ‘સારું’ (ગુડ) હોવું જોઈએ. ટ્રૅજેડીના ચરિત્ર વિશેનાં આ સર્વ ધોરણોને બુચર પણ ઘેરા નૈતિક રંગે રંગાયેલાં માને છે. (ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ૨૩૮) ટ્રૅજેડી એની વિશિષ્ટ અસર કેવી રીતે જમાવે છે તેની ચર્ચા ઍરિસ્ટૉટલ કરે છે ત્યારે પણ ટ્રૅજેડીના ચરિત્ર વિશેનાં ઉપર નોંધ્યાં તેવાં ધોરણો દેખા દે છે. ટ્રૅજેડીએ કરુણા અને ભયની લાગણીઓ જગાવવાની હોય છે. આ એ કેવી રીતે જગાવી શકે? સારા માણસને કશી પણ ભૂલ વિના આપત્તિનો ભોગ બનતો નિરૂપીને? ઍરિસ્ટૉટલ કહે છે – ના, એથી તો આપણને આઘાત લાગે. ખરાબ માણસને આપત્તિનો ભોગ બનતો નિરૂપીને? ઍરિસ્ટૉટલ કહે છે – ના, એથી તો માત્ર આપણી નૈતિક બુદ્ધિ સંતોષાય. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ સારો માણસ કોઈક ભૂલને કારણે આપત્તિનો ભોગ બને તો જ કરુણા અને ભયની લાગણીઓ જન્મે. ઍરિસ્ટૉટલ ટ્રેજિક અસર નિપજાવવા માટે આ એક જ સ્થિતિ યોગ્ય ગણે છે. એને બોઝાંકે જેવા ઍરિસ્ટૉટલની નૈતિક દૃષ્ટિનું પરિણામ ગણે છે, કેમ કે ખરાબ માણસની આપત્તિને એ કરુણાજનક ગણતા નથી અને સારા માણસની આપત્તિનું કારણ એની કોઈક ભૂલ હોવી જોઈએ એવો એ આગ્રહ રાખે છે. (એ હિસ્ટરી ઑવ્‌ ઇસ્થેટિક, પૃ. ૧૯) ટૂંકમાં, આ બધા ઉલ્લેખો આપણા મનમાં એવી છાપ ઊભી કરે છે કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ ટ્રૅજેડીમાં સદ્‌ગુણી પાત્રો હોવાં જોઈએ, એ પાત્રો પોતાની કોઈ ભૂલનો ભોગ બનતાં હોવાં જોઈએ અને એમાંથી કોઈ ગંભીર નૈતિક બોધ પ્રગટ થતો હોવો જોઈએ. આ સાચું છે? બધા ઉલ્લેખોને ઍરિસ્ટૉટલે આપેલાં દૃષ્ટાંતો અને એમની સમગ્ર ચર્ચાના સંદર્ભમાં વિચારીએ તો ઍરિસ્ટૉટલ પર નૈતિક વલણ આરોપવું મુશ્કેલ જણાય છે. ઓછામાં ઓછું, નીતિ વિશેનો જે આપણો ખ્યાલ છે તે તો ઍરિસ્ટૉટલની વિચારણામાં બંધબેસતો થતો નથી. દાખલા તરીકે, કળાના અનુકરણવિષય મનુષ્યો ભિન્નભિન્ન કોટિના હોય છે એની વાત કરતાં એમણે સાહિત્યમાંથી ટ્રૅજેડી અને કૉમેડીનાં ઉદાહરણ આપ્યાં, એની સાથે જ ચિત્રકળામાંથી પણ ઉદાહરણ આપ્યાં છે : પૉલિગ્નૉટર્સ મનુષ્યોને વધારે ઉદાત્ત રૂપે ચીતર્યા છે. પાઉસને ઓછા ઉદાત્ત રૂપે અને ડાયનિસિઅસે છે તેવા રૂપે. ચિત્રમાં આપણે માનીએ છીએ એવી નૈતિક ઉદાત્તતા કેમ આવી શકે? એ જ રીતે ઍરિસ્ટૉટલ હોમરનાં પાત્રોને ‘વધારે ઉદાત્ત’ ગણાવે છે. ત્યાં પણ, બુચર કહે છે તેમ, એ પાત્રો સામાન્ય લોકો કરતાં માત્ર સદ્‌ગુણોની દૃષ્ટિએ ચડિયાતાં નથી; સંકલ્પ, લાગણી, ક્રિયા અને વિચારની શક્તિઓની બાબતમાં પણ ચડિયાતાં છે. એટલે જ ઍરિસ્ટૉટલની ચરિત્રવિભાવનાને નૈતિક રંગે રંગાયેલી માનનાર બુચરને પણ લાગે છે કે ઍરિસ્ટૉટલનું નૈતિક સૂત્ર આ ઉદાહરણોમાં ભાંગી પડવાની હદે પહોંચે છે. (ઍરિસ્ટોટલ્ઝ થિઅરી ઓવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ૨૩૧) ટ્રૅજેડીની વ્યાખ્યામાં – ટ્રૅજેડીની ક્રિયા ઉદાત્ત હોય છે એમ કહેતી વખતે – તો ઍરિસ્ટૉટલ ‘ઉદાત્ત’ શબ્દના ‘નૈતિક દૃષ્ટિએ ઉદાત્ત’ એવા અર્થને બદલે ‘ગંભીર’, ‘પ્રભાવક’, ‘ભવ્ય’ – એવા અર્થ તરફ સરી ગયા છે એમ બુચરને કહેવું પડે છે. ઍરિસ્ટૉટલનું કોઈ નૈતિક સૂત્ર કલ્પવું અને પછી એને ભાંગી પડતું માનવું એના કરતાં એવું કોઈ નૈતિક સૂત્ર કલ્પવું જ નહીં એ યોગ્ય નથી શું? પણ તો પછી ઍરિસ્ટૉટલ સારા-ખરાબનો ભેદ કરે છે એનો અર્થ શો છે? એમ લાગે છે કે ઍરિસ્ટૉટલ ‘સારું’ કે ‘ઉદાત્ત’ અને ‘ખરાબ’ કે ‘નિકૃષ્ટ’ એ શબ્દોને વ્યાપક અર્થમાં વાપરે છે. ગ્રીકો માટે સદ્‌ગુુણ અને દુર્ગુણ એ સ્થિતિઓ નહોતી, વૃત્તિઓ હતી. ‘સારા’ એટલે ઉત્કૃષ્ટતા માટે મથનારા, જીવનને ગંભીરતાથી લેનારા અને તેથી આપણે માટે ગણનીય બનતા લોકો; ‘ખરાબ’ એટલે એ માટે નહીં મથનારા, જીવનને ગંભીરતાથી નહીં લેનારા અને તેથી આપણે માટે નગણ્ય બની રહેતા લોકો આમ, ‘સારાપણું’ કે ‘ઉદાત્તતા’ એટલે માત્ર નૈતિક સારાપણું જ નહીં પણ માણસની કોઈ પણ શક્તિની ઉત્કૃષ્ટતા, પ્રભાવશાલિતા. ‘ખરાબપણું’ કે ‘નિકૃષ્ટતા’ એટલે માત્ર નૈતિક ખરાબપણું નહીં, પણ માણસની કોઈ પણ શક્તિની નિકૃષ્ટતા, તુચ્છતા. ટ્રૅજેડીમાં માનવચિરત્ર પ્રભાવક રીતે રજૂ થતું હોય છે. કોઈ વખતે એનું કારણ નૈતિક ઉત્કૃષ્ટતા હોય. કોઈ વખતે સંવેદનશક્તિની કે ઇચ્છાશક્તિની પ્રબળતા પણ હોય. કૉમેડીમાં માનવચરિત્ર હાસ્યાસ્પદ રીતે રજૂ થતું હોય છે. કોઈ વખતે એનું કારણ નૈતિક ખામી હોય તો કોઈ વખત બુદ્ધિની કે લાગણીની ખામી પણ હોય. જૉન જોન્ઝ કહે છે કે ખ્રિસ્તી ધર્મની અસર નીચે આપણે (એટલે કે યુરોપના લોકો) જે ચોકસાઈથી દુષ્ટતા અને મૂર્ખાઈને જુદી પાડીએ છીએ તે રીતે ગ્રીકો જુદી પાડતા નહોતા. (ઑન ઍરિસ્ટૉટલ ઍન્ડ ગ્રીક ટ્રૅજેડી, પૃ. ૧૫) એમની દૃષ્ટિએ તો એ બન્ને એક વર્ગમાં આવે. હૅમિલ્ટન ફાઇફ પણ કહે છે કે ‘બેડોળ’ (અગ્લી) એ ગ્રીકોને મન ‘ખરાબ’ (બૅડ)ના પર્યાયરૂપ શબ્દ હતો. (ઍરિસ્ટૉટલ્ઝ આર્ટ ઑવ્‌ પોએટ્રી. પૃ. ૧૩) આ રીતે spoudaios (સ્પાઉડેઇઓસ) પણ વ્યાપક સંજ્ઞા હતી. એ ધ્યાન રાખવું જોઈએ. જો આમ હોય તો ઍરિસ્ટૉટલના સારા- ખરાબના ધોરણને નીતિવાદી ધોરણ કહી શકાય નહીં. એ ધોરણ કલા કે કવિતામાં માનવચરિત્રના સાક્ષાત્કારમાં અનુભવાતી ભિન્નભિન્ન અસરને લગતું છે, અથવા તો માનવચરિત્રના નિરૂપણની ભિન્નભિન્ન રીતિઓને લગતું છે એમ કહી શકાય. ‘સારું’, ‘ખરાબ’ એ સંજ્ઞાઓના વ્યાપક અર્થને લક્ષમાં રાખીએ તો આપણે આગળ નોંધેલા બીજા ઉલ્લેખોમાં પણ નૈતિક વલણ જોવાની જરૂર રહેતી નથી. ટ્રૅજેડીનાં ચરિત્રો સારાં હોવાં જોઈએ એમ એ કહે છે ત્યારે ચરિત્ર જે-તે વર્ગના પ્રશસ્ય નમૂનારૂપ હોવું જોઈએ એમ એમને અભિપ્રેત હોવા સંભવ છે. ઍરિસ્ટૉટલની ચરિત્રની વિભાવના વર્ગીય લક્ષણોને સ્પર્શે છે એ આપણે જોઈ ગયા છીએ, અને અહીં ચરિત્ર સારાં હોવાં જોઈએ એમ કહીને તરત જ એ નોંધે છે કે. “સ્ત્રીને ઊતરતા પ્રકારની વ્યક્તિ કહી શકાય, અને ગુલામને તો તદ્દન કિંમત વગરની વ્યક્તિ; છતાં સ્ત્રી પણ સારી હોઈ શકે અને ગુલામ પણ.” ટૂંકમાં, ટ્રૅજેડીમાં હલકા દરજ્જાનાં પાત્રો આવે તોયે એમનું નિરૂપણ એ વર્ગના હાસ્યાસ્પદ નમૂના રૂપે નહીં, ગંભીર નિરીક્ષણને યોગ્ય નમૂના રૂપે થવું જોઈએ એમ એમનું કહેવું છે. આ રીતે જોઈએ તો ટ્રૅજેડીની વિશિષ્ટ અસર જન્માવવાને માટે જે પરિસ્થિતિને ઍરિસ્ટૉટલે ઉચિત ગણી છે તેમાં પણ નૈતિક દૃષ્ટિબિંદુ કામ કરતું નહીં દેખાય. સારા મનુષ્યોમાં માત્ર નૈતિક દૃષ્ટિએ સારા મનુષ્યોનો જ નહીં પણ બીજી રીતે પણ પ્રભાવશાળી મનુષ્યોનો સમાવેશ થશે, એટલે ટ્રૅજેડીનું ક્ષેત્ર પણ, ઍરિસ્ટૉટલમાં નૈતિક દૃષ્ટિબિંદુ જોનારા વિવેચકો ફરિયાદ કરે છે તેમ, સંકુચિત નહીં બને. સારા મનુષ્યોની જે ભૂલને કારણે એમના પર આપત્તિ આવી પડે છે એ ભૂલ પણ કોઈ નૈતિક સ્ખલન નથી. એટલે એ રીતે પણ નૈતિક દૃષ્ટિબિંદુ વચ્ચે આવતું નથી. સંપૂર્ણ સારો માણસ, એની કશી પણ ભૂલ વિના વિપત્તિનો ભોગ બને એને ઍરિસ્ટૉટલ આઘાતજનક ગણે છે ત્યારે પણ એ ત્યાં અનુભવાતી લાગણીને ટ્રેજિક અનુભવથી જુદા પ્રકારની ગણે છે. એટલે કે એનું ધોરણ રસશાસ્ત્રીય છે, નીતિશાસ્ત્રીય નથી. સારો એટલે નૈતિક દૃષ્ટિએ સારો એવો મર્યાદિત અર્થ ન હોય પછી ધોરણ નીતિશાસ્ત્રીય રહે જ ક્યાંથી? ખરાબ માણસ ટ્રૅજેડીના ક્ષેત્રમાં ન આવે એ તો સ્વાભાવિક છે, કેમ કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ એ કૉમેડીનો વિષય છે. આ રીતે, ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ કામ કરતું લાગે ત્યાંયે સમગ્રપણે જોતાં નૈતિક દૃષ્ટિબિંદુ રહેલું નથી; એનું ધોરણ આપણા નૈતિક ધોરણને મળતું આવતું તો નથી જ. આ બાબતને બીજી હકીકતોથી પણ સમર્થન મળે છે. ઍરિસ્ટૉફનીઝ યુરિપિડીઝના અનૈતિક પ્રભાવ વિશે ઘણી વાતો કરે છે; ઍરિસ્ટૉટલ યુરિપિડીઝના દોષો બતાવવા છતાં આ વિશે એક અક્ષરે ઉચ્ચારતા નથી. સૉફક્લીઝની એ પ્રશંસા કરે છે પણ એના નૈતિક શિક્ષણ માટે નહીં, એની કૃતિઓમાં દેખાતી સંઘટનાની એકાત્મકતા માટે. ઍરિસ્ટૉટલ નૈતિક દૃષ્ટિબિંદુથી કળાનું મૂલ્યાંકન કરતા નથી. ટ્રૅજેડી-કૉમેડીનું વર્ગીકરણ રસશાસ્ત્રને ધોરણે કરવામાં આવ્યું છે અને ઍરિસ્ટૉટલનો કૉમેડી કરતાં ટ્રૅજેડી પ્રત્યે વધારે પક્ષપાત હોય તો એનું કારણ પણ એ જ હોઈ શકે કે ટ્રૅજેડી કૉમેડી કરતાં વધારે ઊંડો, ઊંચો રસાનુભવ કરાવે છે.