કવિલોકમાં/અધ્યાત્મભાવના છત્ર નીચે

Revision as of 10:07, 6 April 2025 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અધ્યાત્મભાવના છત્ર નીચે | }} {{Poem2Open}} <poem> વરદા, સુન્દરમ્, પ્રકા. આર. આર. શેઠ, અમદાવાદ-મુંબઈ, ૧૯૯૦ </poem> ૧૯૫૧માં 'યાત્રા' પછી છેક ૧૯૯૦માં 'વરદા'. ઓગણચાલીસ વર્ષ સુધી સુન્દરમના કાવ્યસંગ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અધ્યાત્મભાવના છત્ર નીચે

વરદા, સુન્દરમ્, પ્રકા. આર. આર.
શેઠ, અમદાવાદ-મુંબઈ, ૧૯૯૦

૧૯૫૧માં 'યાત્રા' પછી છેક ૧૯૯૦માં 'વરદા'. ઓગણચાલીસ વર્ષ સુધી સુન્દરમના કાવ્યસંગ્રહ વિના આપણને ચાલ્યું! ગુજરાતી પ્રજાને આવી તો કેટલીબધી વસ્તુ વિના ચાલી શકે છે ત્યાં આનો અફસોસ શો કરવો એમ મન વાળીએ ત્યાં યાદ આવે કે ગાંધીયુગ અને અનુગાંધીયુગના અન્ય કવિઓની તો સમગ્ર/સકલ કવિતાના ધોધ આપણે ઝીલ્યા ત્યારે સુન્દરમનો એક કાવ્યસંગ્રહ પણ નહીં? એવું નથી કે સુન્દરમની કાવ્યોપાસના વિરમી ગઈ હતી, એમની નિજી તાજગી સાથે એ ચાલુ જ રહી હતી અને સુન્દરમ્ ગદ્યગ્રંથો આપવામાં એકાગ્ર થયા હોય તોયે એમની પાસેથી એક કાવ્યસંગ્રહ ન કઢાવી શકવામાં મને તો આપણી નિઃસ્પૃહતા જ દેખાય છે. ગાંધીયુગના આપણા બે અગ્રણી કવિઓ સુન્દરમ્ અને ઉમાશંકર. એક શ્વાસે આપણે બંનેનાં નામ લઈએ એવી સમકોટિ એમની પ્રતિભા. પણ, સ્વાભાવિક રીતે જ, આપણા ઘણાબધાનો વ્યક્તિગત પક્ષપાત થોડોઘણો જુદો હોવાનો. મને હંમેશાં સુન્દરમ્ કંઈક વધુ સ્પર્શી ગયા છે. સુન્દરમની કવિતામાં મને સવિશેષ મૂર્તતા લાગી છે. મૂર્તતા આવે છે ઇન્દ્રિયગોચર નિરૂપણોના આશ્રયથી, પણ તે ઉપરાંત ભાવોત્કટતા, કલ્પનાશીલતા, વાણીની રમણીયતા વગેરે ગુણો પણ સુન્દરમની કવિતાને સ્પર્શક્ષમ બનાવે છે. 'કાવ્યમંગલા' અને 'વસુધા' પછી સુન્દરમના ભાવજગતમાં યોગ-અધ્યાત્મનું એક જુદું જ પરિમાણ ઉમેરાયું. મને આ વિષયની કોઈ રુચિ ઊભી થઈ નથી એટલે એમની કવિતાનું હવે મને કેટલું આકર્ષણ રહે એનો સંશય મને જ થાય. પણ મેં જોયું કે ભાવજગત બદલાયું પણ સુન્દરમના કવિગુણો તો યથાવત જ રહ્યા છે ને એ કવિગુણોથી એમની ઘણીબધી કવિતા મને હજુ સ્પર્શી જાય છે. 'યાત્રા'માંથી પસાર થવાનો અનુભવ તો ઝાંખો થઈ ગયો છે, પરંતુ 'વરદા'નો તાજો અનુભવ સુન્દરમ્ એ સુન્દરમ્ છે એની દૃઢ પ્રતીતિ કરાવનાર નીવડ્યો છે. કવિતાના આસ્વાદ માટે કવિની માન્યતા સાથે મેળ હોવો જોઈએ એવું તો મને કદી લાગ્યું નથી. હું અદ્વૈત વેદાંતી નથી — જગતને કદી મિથ્યા માની શકતો નથી, છતાં અખાભગતની કવિતામાં હું ઊંડો રસ લઈ શકું છું. કવિતાનું કવિતાપણું એ જ એક અદ્ભુત ચીજ છે. ખરી કવિતા સિદ્ધ થાય છે ત્યારે કવિની માન્યતા માન્યતા ન રહેતાં એક માનવીય સંવેદનનું રૂપ ધારણ કરે છે અને કોઈ પણ માનવીય સંવેદન કાવ્યભાવકને અસ્વીકાર્ય, અનાસ્વાદ્ય નથી હોતું. 'વરદા'માં અધ્યાત્મ, પ્રકૃતિ અને પ્રણય એ ત્રણ વિષયોનાં કાવ્યો સમાવાયાં છે, પરંતુ પ્રકૃતિ અને પ્રણયનાં કાવ્યો અધ્યાત્મના રંગથી અસ્પૃષ્ટ રહ્યાં છે એમ કહેવાય એવું નથી. અધ્યાત્મયોગ જો સુન્દરમના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ બની ગયો હોય તો એમ બને પણ કેમ? પણ આપણે માટે રસપ્રદ વાત તો એ છે કે અધ્યાત્મના રંગને કારણે પ્રકૃતિ અને પ્રણયના વિષયોને એક નવીન પરિમાણ મળ્યું છે; અધ્યાત્મરંગનો કૂચડો ફરી ગયો હોય અને પ્રકૃતિ અને પ્રણયના વિષયોની એ વિષયરૂપતાનો લોપ થયો હોય, એમની એ વિષયરૂપતા અપ્રસ્તુત બની ગઈ હોય એમ થયું નથી. પ્રકૃતિકાવ્યોમાં પ્રકૃતિની અવનવીન લીલાઓનું અને કવિના ભાવાવેશનું ગાન કરવા સાથે એ પ્રકૃતિના પ્રેરકનો સંકેત થયો છે અને પ્રણયકાવ્યોમાં મનુજપ્રણયની વિવિધ રસછટાઓ વર્ણવવા સાથે એ એક ‘મંજિલ' હોવાનો, નિત્ય વાસાનું સ્થળ નહીં હોવાનો ભાવ વ્યક્ત થયો છે. ક્યારેક અધ્યાત્મ, પ્રકૃતિ અને પ્રણયંની ભેદરેખાઓ ભૂંસાઈ પણ જતી દેખાય છે. અધ્યાત્મવિષયનાં અહીં જે કાવ્યો છે તેમાંથી બહુ ઓછાં, જેને આપણે સાંપ્રદાયિક કહીએ એવી ઘરેડ ને પરિભાષામાં વહે છે એ બીના મારા જેવા માટે ઘણી આશ્વાસક બની જાય છે. એવાં કાવ્યો 'યાત્રા'માં કંઈક વધુ હોવાનું મને ઝાંખું સ્મરણ છે. છંદોબદ્ધ કાવ્યોમાં, સૉનેટોમાં સુન્દરમની ભાષા સંસ્કૃતાઢ્ય બની જવાનું વલણ ધરાવે છે અને ત્યાં એવું પરિણામ નીપજવાની સ્થિતિ આવે છે. પણ આ સંગ્રહમાં તો છંદોબદ્ધ કાવ્યો, સૉનેટો ઘણાં ઓછાં છે ને ગીત પ્રકારની તથા પરંપરિત પદ્યની રચનાઓનું પ્રાચુર્ય છે. ઉપરાંત કેટલાંક છંદોબદ્ધ કાવ્યો પણ કશોક નવો કલ્પનાચમત્કાર કે નવી અભિવ્યક્તિછટા લઈને આવે છે. ‘આવો' અને 'જયોડસ્તુ' જેવાં કોઈ કાવ્ય રૂઢ શૈલીનાં સ્તુતિકાવ્ય પ્રાર્થનાકાવ્ય બનવા જાય છે, પણ ‘ત્રિ-પથ'માં પવનના, કિરણના, ચિતિના પથ લીધા એ રીતે વાતને મૂકવાથી કવિની ઈષ્ટ ભાવનાને નવો કાવ્યોદ્ગાર મળ્યો છે, એને હૃદયંગમ મૂર્તતા સાંપડી છે; તો 'સુવર્ણ પ્રકૃતિ’માં યુગયુગોથી અંગ પર ચડેલી આંગીઓ પ્રખર ભાનુના તેજથી પીગળી રહી છે અને અસલ સ્વર્ણ ધાતુ પ્રકાશિત થઈ રહી છે એ નૂતન કલ્પનાનો રસ દાખલ થયો છે, દેવપૂજાવિધિની ઘટનાને ઉલટાવી નાખીને નૂતન મર્મોદ્ઘાટન કરવામાં આવ્યું છે. ‘પ્રકાશો વરદાયિની’ પણ આમ તો એક સ્તુતિકાવ્ય - પ્રાર્થનાકાવ્ય સમું છે, રૂઢ તત્ત્વવિચાર એમાં સ્પષ્ટ છે, પરંતુ કલ્પનાવૈચિત્ર્ય તથા ઉક્તિવૈચિત્ર્યથી દીપતી કેટલીબધી પંક્તિઓ એમાં છે! –

  • દિશાને સ્કંધ એનો તે દુપટ્ટો દિવ્ય ઊતરો.
  • મરુતો મર્મરો પેલી સપ્ત તેજોની ગોઠડી,

  શ્વસી ર્હો ધરતીહૈયે અજતા એક પ્રીતડી.

  • આ ક્ષારાબ્ધિ થકી એક ક્ષીરાબ્ધિ રચવો હવે.
  • સુરના તરુથી વેડી લાવું છું કલ્પનું ફલ,

  ગૂંથું છું સૃષ્ટિને કેશે સિદ્ધિનું રક્તઉત્પલ.