ગિરીશ ભટ્ટની વાર્તાઓ/સુગંધ

Revision as of 10:41, 9 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)


સુગંધ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (૧)

એ બપોરે, સાવ અચાનક જ એક સુખ શુચિતાની ઝોળીમાં ઠલવાયું હતું. તે ચકિત થઈ ગઈ હતી. આંખો ચમકી હતી. મન ખળભળ્યું હતું. છેલ્લાં બે વર્ષમાં આવું ક્યારેય બન્યું હતું? સરે ફાઈલો તપાસતાં તપાસતાં કહ્યું : ‘તું પાર્લામાં રહે છે ને? ઈસ્ટમાં? વાહ, સરસ. તો આવી જા મારી ગાડીમાં. મારે ત્યાં એક મેરેજ-રિસેપ્સન અટેન્ડ કરવાનું છે. તારી કંપની રહેશે. બસ, તો બી રેડી. દસ મિનિટમાં જ નીકળીએ.' મહાનગર નિવાસી માટે આ પણ એક સુખ જ ગણાય. છેલ્લાં બે વર્ષોથી લોકલ ટ્રેનમાં અપ-ડાઉન કરતી હતી, ભીડમાં અફળાતી, ભીંસાતી, પિસાતી હતી. એક ચીજ બની જતી હતી અક્ષરશઃ; પણ ક્યારેય આવી વાત આવી હતી? આ હાડમારીઓ તેની જિંદગીનો હિસ્સો બની ગઈ હતી. અપશબ્દો, ગાળાગાળી, અપમાનો અર્થહીન બની ગયાં હતાં. પરમેશ્વરીએ તેને આ ભીડ વચ્ચેથી લોકલ ટ્રેનમાં આરોહણ કરવાનું શીખવ્યું હતું. અને એ જ રીતે અવતરણ. એ પછી બે મુક્ત શ્વાસો લઈને દોડવાનું જ હતું - લક્ષ્ય ભણી; કાં ઑફિસ ભણી કે પછી ઘર ભણી. ઘરે પહોંચીને તરત સ્નાન કરી લેતી. દિનભરનાં થાક, પ્રસ્વેદ, મથામણોથી હળવા થવાનો આ એક જ રસ્તો હતો. એ તો સાથે પરમેશ્વરી હોય ને, એટલે હસી પણ લેતી-આ બધાં વચ્ચે. પરમેશ્વરી અનુભવી હતી. પાંચ વર્ષથી આમ જ હતી. અપ-ડાઉન કરતી. તે ક્યારેક કહેતી : ‘શુચિ... પછી તું જ ટેવાઈ જઈશ. અરે, પછી તો તું ય ભળી જઈશ એ ટોળામાં. તું માનીશ, મને ય ક્યારેક એ લોકો સાથે ગાળો બોલવાનું મન થઈ જાય છે.' બી-એચ-કેથી ઓળખાતી વ્યવસ્થામાં પાસેનો ફ્લેટ પરમેશ્વરીનો હતો. એકાકી સ્ત્રી હોવાના સુખ-દુઃખ તે હસીને સહી લેતી હતી. હા, તેણે જ શુચિતાને જોબ અપાવી હતી. ‘કરને જોબ. તારા પુરુષને તારી કમાણી સાકર જેવી લાગશે, એનો થોડો સ્વાદ તનેય મળશે. મળશે.' એમ જ થયું હતું. વિશ્વાસે કહ્યું : ‘તેં જોબ મેળવી? કોણે, પરમેશ્વરીએ? ગુડ. જો, સાચવવાનું. કેવો છે તારો બોસ? અને શું આપવાનો છે મંથલી પેમાં?’ એ રાતે તેણે શુચિને કેટલી ખુશ કરી હતી? ટીપ પણ આપી હતી : ‘જો કોઈથી ડરવાનું નહીં. સાવધ રહેવાનું.'

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (ર)

શુચિના લંબગોળ ચહેરા પર પ્રસન્નતાની સાથે હળવાશ અનુભવાઈ. એક વાર માટે પણ આવી મુક્તિ ક્યાંથી. તે જોઈ રહી એ દૃશ્યો જે રોજ ભજવાતાં હતાં-બે વખત. આજે તે એમાં નહીં હોય. એ લોકલ ટ્રેન તેના વિના જ દોડશે! અને પોતે હશે આરામદાયક બેઠકમાં. જતી હશે સડસડાટ-લીસી સડકો પરથી. સર ડ્રાઈવિંગ કરતા હશે ને તે કાંચમાંથી આખી દુનિયા નિહાળતી હશે! ભીડનો તો પ્રશ્ન જ નહીં હોય. બે જ વ્યક્તિઓ- તે અને સર. અને પાછું, ખાસ્સી વહેલી પહોંચી શકશે તેના ઉપનગરમાં. શોપિંગ કરી શકશે, મહાલક્ષ્મી મંદિરે દર્શન થશે, નિરાંતવી પ્રદક્ષિણા કરી શકશે. પછી ફ્લેટ પર આવીને મસ્તીથી સ્નાન કરશે. આખો ઉપક્રમ કલ્પાઈ ગયો. આને સુખ જ કહેવાય ને! સો ટચનું ટનાટન સુખ. જેને યાદ કરવું ગમે તે સુખ. પરમેશ્વરી શું કહેતી હતી : ‘નથી યાદ કરવો એ મરદને. હા, તેની લાતો શરીર પર ચચરે છે ક્યારેક. અને ક્યારેક મન પર. શું ખોટી છું, આમ એકલી? એકાદ ચીજના બદલામાં સ્ત્રીએ આખી જિંદગી હોમી દેવી?’ શુચિને પતિ યાદ આવી જતો હતો. અરે, તેની સાથે જ પહેલીવાર મોટરગાડીમાં બેઠી હતી? લગ્ન પછી! ગાડીમાં ભીડ હતી. તે બંને હતાં, ડ્રાઈવર અને બીજી બે સ્ત્રીઓ હતી. અને એક પુરુષ ગોઠવાવા મથામણ કરતો હતો. ગાડી ચાલી પછી પવન આવતાં રાહત લાગી હતી. ત્યારે તેણે ધારીને એ પુરુષને જોયો હતો. દાંત સારા નહોતા પણ અવાજ સારો લાગ્યો. આછી મૂછ પણ ગમી. એ પછી તે ઓળખવા મથી રહી તેના પુરુષને, ક્યાં પૂરો ઓળખાયો હતો હજી પણ? ક્યારેક રાતે પ્રશ્નાવલિ થતીઃ ‘બોસ કશું કરતો તો નથી ને, અડપલાં બડપલાં? ને બીજાઓ? દરેકને ઓળખું છું, શુચિ. - દાક્ષિણ્યનો દેખાવ કરે અને લાભ લેતા જાય.’ તે કાયમ શંકાશીલ રહેતો, શુચિ માટે. અવારનવાર પર્સ, વસ્ત્રો બધું જ તપાસી લેતો. શુચિને મન થતું કે તે પણ આવા જ પ્રશ્નો પૂછે પતિને. નવી દિનચર્યામાં, જે થોડો સમય મળતો હતો એ પણ આમ જ વેડફાતો હતો. બધી જ વાતો થોડી કહેવાય પરમેશ્વરીને? પણ તે સમજી જ જતી હતી, દેખાવ જોઈને. તે કહેતી હતી શુચિને : ‘એમ થાય છે ને કે આખી જિંદગી લોકલ ટ્રેનમાં જ પૂરી થઈ જાય? ક્યાંય ઊતરવાનું જ ના આવે. એ ય લહેરથી દબાતાં, પિસાતાં હાલક-ડોલક ચાલ્યા જવાનું?' શુચિને લાગ્યું કે પરમેશ્વરી પાસે સાચું સુખ હતું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (૩)

અચાનક એક સુખ લાધ્યું હતું. શુચિતાને. સરે કહ્યું : ‘બેસી જા. આગલી બેઠક પર.’ તે બેસી ગઈ. પછી થયું - ‘આ તો સરની પાસે જ!’ પાછળની બેઠક તો ભરચક હતી. સરની બ્રિફકેસ, સરનો કોટ અને મસમોટો પુષ્પગુચ્છ. વધારાનો વોટર જગ. તે યોગ્ય જ હતી- આ બેઠક પર, એવી લાગણી થઈ. થયું- ‘આ બેઠક પર સરના પત્ની જ કાયમ બેસતા હશે ને? સરની પાસે તો તે જ હોય ને? પણ આજે તે હતી. વિચિત્ર લાગતું હશે સરને.’ અને સરે પણ હસીને એ જ કહ્યું, ‘શુચિતા. આ જગ્યા નિરુપમાની. તે જ બેસે. હકપૂર્વક. નિરુપમાની કઝિનના સનના મેરેજ છે. સારું થયું, તું આવી. એકલા એકલા તો કંટાળી જવાય.’ ‘હા સર,’ તે ટહુકી, સહાસ્ય. બોસ અને કર્મચારી વચ્ચે અંતર તો ખરું ને? તે ના પૂછી શકી કે કેમ નહોતાં, નિરુપમા મેડમ! થયું કે સર તેમની નિરુપમા વિના વિહ્વળ હશે. તેમની પાસે બેસતી, સપસપ કરતી એ રસિકા આજે નહોતી. અને એ સ્થાને તે હતી. વિચિત્ર અનુભૂતિ થવા લાગી શુચિતાને. કોઈ જુએ તો શું માની લે પતિ-પત્ની જ ને? ખાસ્સી રમૂજ થઈ, ગુદગુદી થઈ. પછી નિઃશ્વાસ નખાયો. આ બધું લખ્યું જ હોય છે, દરેક છોકરીની ડાબી હથેળીમાં, એ મુજબ જ કોઈની પત્ની બનાય. બીજી પળે થયું, ખરેખર, એવું જ હશે? ત્યાં સર બોલ્યા : ‘પાણી પીવું છે ? પાછળ વોટર-જગ છે. આ બધું નિરુપમાની ટેવ. બધું પરફેક્ટ જોઈએ. કશું જ ના ભૂલે.’ શુચિતા આશ્ચર્યમાં પડી. કેવા પત્નીઘેલા હતા સર? આ પ્રવાસ દરમિયાન આખી નિરુ-ગાથા કહી દેશે આ પુરુષ. કદાચ, પોકેટમાંથી કાઢીને તેનો ફોટો પણ બતાવશે! તેને વિવેક ખાતર હોંકારા દેવા પડ્યા; અને દીધા પણ. સમય નિરુપમાને સહારે પસાર થતો હતો. સરે આગ્રહ કરીને શીતળ જળનો ગ્લાસ આપ્યો. તે જોઈ રહી કે દરેક ઘૂંટે સર સુખ અનુભવતા હતા. આવું ક્યારેય થયું હતું વિશ્વાસ સાથે - એકેય વિષયમાં ? નિરુપમા ખરેખર નસીબવાળી જ હતી. સર શૈયામાં પણ તેને ખુશ ખુશ કરી દેતા હશે! તેને તેની રાતો યાદ આવી. અગિયાર વાગે શરૂ થતી શયનરાત્રીઓનો એક જ અર્થ રહેતો. વિશ્વાસ સંકેત કરે ને તેણે જાતને ધરી દેવાની, આવતીકાલની ચિંતા કરતાં કરતાં. એમાં પ્રેમનો ધાગો પણ ના મળે. પછી તેની ઊંઘ હરામ થઈ જાય, પ્રભાતે વાગતાં એલાર્મ સુધી. અને પાછો, નવો દિવસ તો ઉગાડવાનો હોય તેને. દિવસની દિનચર્યા પણ નક્કી જ હતી. શુચિતા અલગ અલગ ટિફિનો ભરતી અને સમય થતાં બંને પોતપોતાની દિશાઓની ટ્રેનો પકડી લેતાં. કોઈવાર પ્રશ્ન ઝબકી જતો : ‘કશું કરતો તો નથી ને, તારો બોસ?'

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (૪)

તે ગબડી પડી, મનોમન. ગાડી સર્યે જતી હતી. દૃશ્યો બદલાતાં હતાં. એક તરફ દરિયો હતો ને બીજી તરફ મોટી મોટી ઇમારતો. કોઈ સ્થાને, લોકલ ટ્રેન પણ પસાર થતી દેખાતી હતી થયું : પરમેશ્વરીને કહી શકી હોત તો કેટલું સારું થાત! તે બિચારી આંખો ફાડીને તેને ખોળ્યા કરશે, રેલ્વે પ્લેટફોર્મની ભીડમાં. તેણે એક વેળા કહ્યું હતું : ‘શુચિ, જાળવી રાખજે તારા પુરુષને. એ જ કામ આવશે, ઘડપણમાં. શુચિ... લોકો કહે છે કે એ સમયે જ સાચો પ્રેમ હોય છે પતિ-પત્નીને.’ તેનો વિષાદભર્યો ચહેરો ઘણું બધું કહી આપતો હતો. તે પરિતાપ અનુભવતી હતી, તેના આ અભાવ માટે. ‘શું ખોટો હતો? તેેણે પ્રતિકાર કર્યો અને તે ચાલી ગયો, છોડીને. શુચિ, એ હોત તો તે આટલી દુઃખી ના હોત. તે ગુસ્સો કરતો હતો તો ક્યારેક પ્રેમ પણ કરતો હતો. ના, આ તેની ભૂલ જ હતી.’ જલદ તેજાબ જેવી પરમેશ્વરી આ કહી રહી હતી. તેને વિશ્વાસ યાદ આવી ગયો. જાળવી લેવો એટલે શું? એક જ અર્થ એનો - જેવો હતો એવો સ્વીકારી લેવો. તે જે કરી રહી હતી એ શું હતું? ત્યાં જ સરે પ્રશ્ન કર્યો : ‘વોટ ઈઝ યોર હોબી, શુચિતા?’ તે ઝબકી ગઈ હતી. ક્યાં હતી તે? જોયું તો સર હસી રહ્યા હતા. ગાડી મધ્યમ ગતિથી જઈ રહી હતી. દરિયાઈ પવન... વિશિષ્ઠ ગંધ ઠાલવી રહ્યો હતો. ભીડ હતી પણ માફકસરની. જવાબ તો થોડો ગળી જવાય? તેણે, થોડો વિચાર કરીને ઉત્તર વાળ્યો : ‘સર, નૃત્યનો શોખ હતો, ગાંડો શોખ હતો એક સમયે.’ શુચિતા અતીતનાં દૃશ્યોમાં ઊતરી ગઈ. આઠ વર્ષની, દશ વર્ષની, પંદરની, અઢારની શુચિતાઓ સજીવન થઈ ગઈ. બંને હાથો આપોઆપ મુદ્રાઓ ધારણ કરવા લાગ્યા. આંખોયે નર્તન કરવા લાગી. શું પરિણામ આવ્યું? તાળીઓના ગડગડાટોમાંથી માંડ છૂટી થઈ ત્યાં જ તેની સામે બે વિકલ્પો ધરવામાં આવ્યા : ‘શુચિ, સારું એ તારું. ભાગી જા નાચવાવાળીઓ સાથે અથવા અમે કહીએ ત્યાં ચૂપચાપ પરણી જા.’ સર ઉત્સાહથી કહી રહ્યા હતા. ‘ગુડ હોબી, શુચિ. નિરુપમાને પણ નૃત્યનો શોખ, ફ્લેટનો એક કમરો, નૃત્ય માટે. સુવર્ણા દલાલ આવતી હતી- તેને શીખવવા. શુચિ, આખો દિવસ થા થા થૈ ચાલે. અરે, સ્ટેજ પરફોર્મન્સ પણ આપેલું. શું કહે છે એને? યેસ... આરંગટ્રેલ! અહીંના ભાઈદાસ હોલમાં. સુવર્ણા દલાલ પણ હતી. શુચિ... ટાઈમ્સમાં નિરુનો પોઝ પણ આવેલો. સાથે બ્રીફ... ડિટેઈલ્સ!’ અને શુચિ પરણી ગઈ હતી, વિશ્વાસને. સર હજીય... નિરુપમાના નૃત્ય વિશે કશું કહી રહ્યા હતા.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (પ)

તે હજી વિષાદમાંથી બહાર આવી શકી નહોતી. તાળીઓના ગડગડાટોએ સર્જેલો માહોલ છિન્નભિન્ન થઈ ગયો હતો. પરમેશ્વરી સુખી નહોતી. તે પણ સુખી નહોતી. એક નિરુપમા જ સુખમાં આળોટતી હતી. માંડ એક સુખ મળ્યું હતું, સર સાથે સહગમનનું, એ ય પળે પળે ખોવાતું જતું હતું. ત્યાં સરનું વાક્ય કાને પડ્યું : ‘ઓહ, યુ સિમ ટાયર્ડ. ચાલ, નટરાજની કોફી પીએ.’ ગાડી ધીમી પડી, વળાંક લેતી એક રેસ્ટોરા પાસે ઊભી રહી. સરે પગથિયા પાસે જ કોટ પહેર્યો, વાળ સરખા કર્યા અને હસ્યા. શુચિએ જોયા કર્યું એ દૃશ્ય. ‘શુચિતા, આ લોકો સરસ કોફી બનાવે છે, નિરુપમાને તો પ્રિય. ખાસ કોફી પીવા જ અહીં સુધી આવતાં.’ સરે આમાં પણ પત્નીને સાંકળી હતી. શુચિતાએ હસીને હોંકારો ભણ્યો. અહીં તેને એક સરસ કોમેન્ટ યાદ આવી ગઈ, પતિપત્નીની, પણ ના કહી. સર સાથે આવી વાત ના કરાય. તેણે લોકલ ટ્રેનમાં લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં સાંભળી હતી. ખૂબ જ હસવું આવ્યું હતું. સાચે જ કોફી સરસ હતી, અફલાતૂન સ્વાદ હતો. ના, તેણે ક્યારેય આવી કોફી આસ્વાદી જ નહોતી. નિરુપમાનો ટેસ્ટ, ખરેખર ઊંચો. અને સરનો ટેસ્ટ પણ ઊંચો જ ગણાય. તેમણે આખા ટોળામાંથી નિરુપમા જ શોધી કાઢી. કે નિરુપમાએ જ સર પર કળશ ઢોળ્યો હશે? શુચિતા... તું છે ને એટલે જામ્યું. નહીં તો મને કેટલો કંટાળો આવત? થર્મોસમાં કોફી લઈ લેવી છે? હજી વીસ મિનિટનો રસ્તો બાકી છે. નિરુપમા આમ કરતી. ધીમે ધીમે ઘૂંટ પીતી રહે, વાતો કરતી રહે. તે સવારે જ પહોંચી ગઈ છે. મહાલતી હશે લગ્ન. સરે નિરુપુરાણ ચાલુ જ રાખ્યું હતું. જો કે તેને ગમ્યું. સંસારની એક સ્ત્રીની સુખ-કથા હતી. એની છાલક તેને પણ મળી હતી, તે ભીંજાઈ હતી- વખતોવખત યાદગાર અનુભવ હતો. કેટલી વહેલી પહોંચવાની હતી પાર્લામાં? હજી પરમેશ્વરી તો પ્લેટફોર્મ પર પહોંચી હશે. શોધતી હશે તેને. તેને પણ ખાસ્સો સમય મળી જશે-શોપિંગ કરવાનો, મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવાનો. અરે, નિરાંતવી સ્નાન કરશે તે. ઘણાં સમયે તે આમ કરવાની હતી... સુખની અંતિમ છોળ ઝીલવાની હતી. સરે શું કર્યું અચાનક? બ્રિફમાંથી સેન્ટ-સ્પ્રે કાઢ્યો. અહોભાવપૂર્વક શુચિને બતાવ્યો. ‘અસલી ચીજ છે કનોજવાળાની. નિરુ લઈ આવી હતી. પ્રવાસે ગઈ હતી ને? જોઈ લે આ સુગંધ. ક્યાંય નહીં મળે, શુચિ... કહેતાં કહેતાં સરે પોતાના વસ્ત્રોને સ્પ્રેથી ભીંજ્યા અને શુચિનેય ભીંજવી.’ સ્તબ્ધ થઈ ગઈ શુચિ. સાવ અણધારી જ ઘટના. શુચિએ તો ક્યાંથી કલ્પી હોય? અરે, એ પુરુષની કલ્પનામાં પણ નહીં જ હોય. એ પળનો જ જાદુ. શુચિ નીતરી રહી સુગંધથી. લજ્જા તો અનુભવી પણ સાથે પાર વિનાની પ્રસન્નતા. આવું ક્યારેય નહોતું બન્યું તેની જિંદગીમાં. કદાચ, બનવાનું પણ નહોતું. તે લજ્જાતી રહી, હાથ આડા ધરતી રહી પણ એ પુરુષે હસતાં હતાં સ્પ્રે શરૂ કર્યો. સાથે સાથે નિરુનું પ્રશસ્તિ ગાન, સુગંધનું આવડી એવી ભાષામાં મહિમા-ગાન. સાવ કોરી શુચિ ભીતર લગી ભીંજાઈ ગઈ હતી. સુખની ચરમ સીમા હતી, ટોચ હતી. તે ધન્યા બની હતી. સર કહેતા હતા : ‘શુચિ... સારું થયું, તું હતી સાથે. હું આ બધી વાતો નિરુપમાને કહીશ. કેમ છે સુગંધ? પસંદ પડી ને?’

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (૬)

બાય-કર્યું તેણે, સરે. તે ગદ્ગદ્ બની ગઈ હતી. પાછી બીજે દિવસે સર મળવાના હતા, એ જ કેબિનમાં. રોજ રોજ કાંઈ આવી અનુભૂતિઓ થાય? સર પરપુરુષ હતા પણ પરિચિત હતા. તે રોજ અનેક વ્યક્તિઓ સાથે અથડાતી હતી. પુરુષો અને સ્ત્રીઓ. પરસેવાની અદલાબદલી થતી હતી એ સ્પર્શોથી. સર ક્યાં એકેય વાર સ્પર્શયા હતા તેને, સાવ નજીક હોવા છતાં પણ. અને તો પણ કેવી અનુભૂતિ હતી? જાણે વળગી પડી ના હોય સરને? કેવું કહ્યું, તે આ વાત નિરુપમાને કહેશે? વિશ્વાસ આ વાત જાણે તો? તે જરા થરથરી ઊઠી, આ વિચારથી. અરે, એ પુરુષ તો આ સુગંધ માત્રથી જ સળગી ઊઠે? પ્રશ્નો પૂછે! ‘કોણ હતો એ? તારો બોસ? તેણે તારી આ દશા કરી? શો અધિકાર હતો તેનો? શું તું તેની બૈરી હતી? તે કેમ ના ન પાડી? તારી પણ ઇચ્છા જ હશે. ઓળખું છું ને તને પગથી માથા સુધી. જોબ, શું આ માટે...? તું તો... વેશ્યા છો વેશ્યા.' તે કંપી, ભીતર ને બહાર. હજીયે લથબથ હતી. સુગંધથી તેણે તરત નિર્ણય લઈ લીધો. તે તરત ઘરે જશે. ઘસી ઘસીને સ્નાન કરશે. સુગંધનો આખો વંશ નિર્મૂળ કરવાનો હોય એ રીતે. એ રીતે વસ્ત્રોય ધોશે. રોજ પ્રસ્વેદ ધોવા સ્નાન કરતી હતી, આજે સુગંધ ધોવા.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ⚬❖⚬❖⚬❖⚬❖⚬