ગિરીશ ભટ્ટની વાર્તાઓ/બે બહેનો
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૧)
એક રાતે હસું હસું થાતી ગરિમાએ મોટી ગિરાને ચકિત કરી દીધી: બહેન, ખુશખબર આપવા છે. એક નહીં બે! તમને થશે કે નાની તો કમાલની છોકરી! હજી માડીને તો કશું કહ્યું જ નથી. બસ તમને જ. નાનીએ સરસ પૂર્વભૂમિકા બાંધી હતી. ગિરા વિચારમાં પડી ગઈ હતી. શું હશે વળી? ખુશખબરમાં બીજું શું હોય? હશે કોઈ છોકરાની વાત! પરિવારમાં બે અપરિણીત છોકરીઓ હતી. તે ત્રીસની ને ગરિમા છવ્વીસની. માને બધું યાદ હતું. એ પછી એક કસુવાવડ, એક જન્મ પછીનું મૃત્યુ અને એ પછીનો નવલ સોળનો, ક્યાં મોટીનું પત્યું હતું? તે પરણે તો પછી પરિવારનું શું થાય? પાંચ જીવ હતા. પુરુષ પાંચ છ પેઢીઓમાં હિસાબો લખે, ચોપડા ચીતરે, મહાનગરની સડકો પર સાઈકલ ચલાવે ત્યારે માંડ એ પાંચનું નભે. ને લકવો થયો એ શરીરને. જાણે આખો પરિવાર લકવાગ્રસ્ત! અચાનક સહુ નિરાધાર થઈ ગયા હતા. મોટીને જોબ શોધવી પડી. કૉલેજનો રસ્તો ભૂલવો પડ્યો. આવડતોના પ્રમાણપત્રો છાજલીઓ પરથી ખોળવાં પડ્યાં. હા. આવડે છે કોમ્પ્યુટર, કોમર્સનું જ્ઞાન-હિસાબો? એક વર્ષ ભણી હતી ને કૉલેજમાં. સુંદર હતી. એ માટે કશા પ્રમાણપત્રની જરૂર ન હતી. મળી ગઈ જોબ. ઘર હિલોળે ચડ્યું હતું. તે તૈયાર થઈને જોબ પર જાય ત્યારે જાણે પચ્ચીસની લાગે. ને સાંજે થાકીને પાછી ફરે ત્યારે ક્યારેક બત્રીસની પણ લાગે. બીજું તો કોણ જોવાનું હોય - મા િસવાય? ગૌરીની દૃષ્ટિ પુત્રી પર જ હોય. ખૂણામાં કણસતા પિતા કૃતજ્ઞ ભાવે જુએ. આખરે તે જ નિભાવતી હતી ઘરને. અને એક-બે નવી ચીજો પણ આવી હતી: અરીસો, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, નવી ફોલ્ડિંગ ખુરશીઓ, બારી-બારણાને પરદાઓ. દર વર્ષે વૃદ્ધિ થતી હતી. એ પુરુષનો અપરાધભાવ પણ વૃદ્ધિ પામતો હતો: અરે, તે વયમાં આવેલી ગિરાને પરણાવી પણ શકતો નહતો! આ તો પાતક લાગે. ફરજ હતી એક પિતાની. એક પછી એક, વર્ષો સરી રહ્યાં હતાં. ને હવે તો નાની પણ ક્યાં નાની હતી? એક માંડવે બેયને વિદાય કરવાનો સમય હતો ને તે મૂઢ, લાચાર! પાડોશમાં રહેતા એક ભલા ડૉક્ટર નિયમિત તપાસી જતા હતા પણ દવાઓ તો ખરીદવી પડે ને? મોટી દર મહિને થોકડીઓ લાવીને માને આપતી હતી. એ પુરુષ લાંબું ના ટકી શક્યો. એક સાંજે સહુ હાજર હતા, મોટી સિવાય. ને એ દૃષ્ટિ તેને જ શોધી રહી હતી. બસ એ છેલ્લી પળો હતી. મોટી ત્રણ દિવસ કામ પર ગઈ નહોતી. શ્વેત સાડી પહેરી હતી. ભીડ થઈ હતી એ ઘરમાં. કોઈએ ઉચ્ચાર્યું હતું: મોટી જોબ કરે છે ને? તો ઠીક. એક ધીમો અવાજ આવ્યો હતો: ને હવે ખર્ચ પણ ઓછો થશે ને? માંદગી કેટલી ખર્ચાળ હોય? કોઈએ કહ્યું નહોતું પણ... એક પથારી જેટલી જગ્યા ખાલી થવાની હતી. એ ખૂણામાં પલંગ ઉપરાંત બીજી કેટલી ચીજો-થૂંકદાની, શૌચની ખુરશી, ટબ, પાણીની માટલી, દવાઓ, ફાઈલો, થર્મોમીટર, નેપ્કિન, વસ્ત્રો, ફિનાઈલ પડી રહેતી હતી. ખાસ્સો અવકાશ સર્જાવાનો હતો. હા, ભીંત પર એ પુરુષનો લેમિનેટેડ ફોટો ટીંગાશે એય નક્કી હતું.
(ર)
અત્યારે એ જ સ્થાને એ બંનેનો પલંગ હતો. એક મૃત્યુ કેટલાંય પરિવર્તનો કરી શકે એ સિદ્ધ થયું હતું. પ્રથમ ઘરનો નકશો બદલાયો હતો. મા અને નવલ પાસેના ખંડમાં સૂતાં હતાં. નવલને પરીક્ષાની તૈયારી હોય ને મા તેને ચાનો મગ બનાવી આપે, વહાલની એક ટપલી મારે - એ એ ખંડમાં. આ ઓરડીમાં બેય બહેનો ભાગે પડતી નીંદર માણે, વિચારે, સંવાદો કરે. ના, લગ્નની વાત ક્યારેય ના કાઢે. કોઈ સખીની લગ્નવિષયક વાત નીકળી પણ જાય, પરંતુ તરત જ મોટી એમાંથી બહાર નીકળી જાય. મા હવે સાંજને સમયે બારીમાંથી ઊભી રહીને મોટીની પ્રતીક્ષા નહોતી કરતી. સમય ચાલ્યો જાય, સાંજ વિદાય લે પણ તે બારીમાં નહોતી જતી. રોજ એક સફેદ રંગની ગાડી તેને મૂકવા આવતી હતી. તે સ્ફૂર્તિથી આગલી સીટમાંથી હાર આવતી હતી. હાથ ફરકાવીને વિદાય લેતી હતી. તેને ચિંતા પણ થતી કે આ દૃશ્ય અન્ય કોઈએ જોયું તો નહીં હોય ને? અરે, રસ્તા પર અનેક લોકો હોય - જાણીતા અને અજાણ્યા. કોઈ જુએ તો શું માને? અરે, એ જ માને જે નજરે દેખાયું હોય? અને પછી એમાં જરૂરી રંગો પૂરતાં કેટલી વાર લાગે? ને કોઈ સ્ત્રીઓ પૂછે પણ ખરી: ‘તમારી મોટીએ તો સરસ છોકરો શોધી કાઢ્યો. પેલો મોટરવાળો છે એ જ ને? પેંડા ક્યારે ખવડાવો છો?' ગૌરીને કેટલો ડર હતો, એ વાતનો. અને પુત્રીને એ વિશે કશું પૂછી શકતી પણ નહોતી. નવલ વાંચતો હોય ને તે ચિંતામાં સોરાતી હોય: શું હશે? કેટલી ખુશ હોય છે મોટી? જતી વખતે તો ખુશ હોય પણ આવે ત્યારે પણ ખુશ? ના, થાક તો લાગે જ નહીં! તે પતિની સેવાચાકરીમાં એટલી વ્યસ્ત હતી કે ત્યારે આવી બધી વાતો માટે સમય જ નહોતો. ને હવે સમય જ હતો. વળી ક્યારેક થઈ આવતું કે આમાં તે ક્યાં દોષી હતી; પરણાવવા જેવડી વયે જોબ કરતી હતી. તેને પણ કશુંક થાય ને માનવસહજ? તે ગરિમા પણ ઝટપટ મોટી થતી જતી હતી. શું એય...? ક્યાં માનતી હતી તે? ના, પહેલાં મોટી જ. એમ જ થાય. મોટી ભાર વેંઢારે એટલે તેને ભૂલી જવાની? ક્યારેક કહેતી કે જોબ કરશે. મોટીને મુક્ત કરશે. પહેલાં તેને પરણાવશે અને તે પછી જ - આ નવલ જોબ કરશે ત્યારે તે પણ કોઈને પરણી જાશે. માને રોજ ફડક ફડક થાય. એય પેલી ગાડી ઝાંપે ઊભી રે'શે! તે ઉતરશે, હાથ ફરકાવતી-બાય બાય કરશે. થનગનતી, ગણગણતી, તરત દાદર ચડીને બારણું ખખડાવશે. પછી અધખુલ્લાં બારણાને હડસેલી ‘માડી'... કહેતી તેને વળગી પડશે. ત્યારે શું તેનાં વસ્ત્રો પરની સુગંધોને ખોળ્યા કરવી? ગૌરીબહેન શાહમૃગવૃત્તિ પર આવી ગયાં હતાં. એ બારી પાસે જવું જ શા માટે? ઘળિયાળ ભણી જોવું જ નહીં. એ દિશા ભણી અંધ બની જવું. તેમને યાદ આવી જતું હતું. લગ્નના પ્રસ્તાવો તો આવ્યા જ હતા. છેલ્લો પ્રસ્તાવ તો પતિના મૃત્યુ પછી તરત જ આવ્યો હતો. તે શ્વેત સાડીમાં હતી. ઘરમાંની ભીડ ઓછી થઈ હતી. નવલે શ્રાદ્ધવિધિઓ આટોપી હતી. ઘરનો એ ખૂણો હજી પણ રિક્ત હતો. એ લોકોને ગિરા પસંદ પડી ગઈ હતી. કહે - ભલે જોબ કરે. ગિરા એકાંતમાં કેટલી હસી હતી? ને પછી રડી હતી. એ બધું ગૌરીબહેનને એના સૂચિતાર્થો સહિત યાદ આવતું હતું. હા, એનો અર્થ આ હોઈ શકે. ગિરાએ ના પાડી હતી. ને ત્યારે જ નાનીએ નક્કી કરી નાખ્યું હતું કે જોબ શોધશે, મોટીને પરણાવશે. મોટીએ વધુ બલિદાન આપવાનું જરૂરી નથી, તેણે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું શરૂ કર્યું હતું.
(૩)
ગરિમાએ પાણી પહેલાં પાળ બાંધી હતી: મોટી બહેન નામ જરા જુનવાણી લાગશે. પછી તેણે ઉચ્ચાર્યું હતું: તેમનું નામ રામપ્રસાદ. મોટી સાચી જ પડી હતી. પુરુષની જ વાત હતી. નામ હતું રામપ્રસાદ, રસવૃત્તિ સતેજ થઈ, રાત્રિ દરમિયાન ક્યારેય પુરુષની વાતો ક્યાં થતી હતી? ગરિમાને મર્યાદા નડે. ને તેને પણ નડે. ‘હં... બોલ.’ તેનાથી હોંકારો દેવાયો. જરા નજીક સરી. ગરિમાએ પુનઃ શરૂ કર્યું હતું. મોટી બહેન, ગણેશ મંદિરમાં રહેતા શાલિનીતાઈ ખરાંને? બસ, તેમણે આંગળી ચીંધી. કહે - ગરિમા આ રામપ્રસાદને ઓળખે છે તું? તે તો તને ઓળખે છે. ખાદી ભંડાર સંભાળે છે. મેનેજર પછીનો માણસ. કેટલું જાણે છે? મરાઠી તો જાણે પણ દેવભાષામાં પણ પ્રવીણ. મેઘદૂત કંઠસ્થ. ગંગા લહરીનો અનુવાદ કરે છે. મોટા વિદ્વાનો સાથે પત્રાચાર ચાલે. ગિરા અટવાઈ ગઈ હતી. આ તો રામપ્રસાદને ગુરુસ્થાને સ્થાપી રહી હતી. ને આમાં ખુશખબર શા હશે? થોડા સમયના મૌન પછી તે સાવ નજીક આવીને બોલી: ‘બહેન તું પરણી લે રામપ્રસાદને. માત્ર નામ પર ના જતી. ખાદીનાં વસ્ત્રો તો જોબ પર હોય ત્યારે જ પહેરે. બાકી તો સરસ થઈને ફરે. ના, છેલબટાઉ નહીં. આછકલાઈનું નામ નહીં. સરસ ભાષા, સભ્ય વહેવાર, સૌમ્ય ચહેરો. સંવાદોમાં દુનિયાદારીનું ઊંડાણ પ્રગટ થાય.' ગિરા ચોંકી હતી. તે હવે એ રામપ્રસાદમાં તણાવા લાગી હતી. આવો પુરુષ તો ગમે. રસથી ભર્યોભર્યો હતો. ને વર્ણન તો હજી પણ કર્ણપટ પર વરસી રહ્યું હતું: ‘મોટી બહેન, શાલિનીતાઈએ શું કહ્યું, ખબર છે? પુરુષનો વર્ણ તો શ્યામ હોય. કેવો હતો કૃષ્ણ? બહેન રામપ્રસાદ જરા શ્યામ વર્ણના છે. પૌરુષી શરીર ને માર્દવ શું સ્મિત! ગૌર તો સ્ત્રીઓ હોય, પુરુષ તો...!’ તેને વળી શંકા જાગી હતી કે નાની જે રીતથી કહી રહી હતી એ તો એક જ વાત ફલિત કરતી હતી કે તે એ પુરુષના પ્રેમમાં હતી. ને શું કહી રહી હતી? બહેન તું પરણી લે રામપ્રસાદને. કેટલું વિચારી ચૂકી હશે, ગરિમા? બોલને, મોટી બહેન. પરણીશને રામપ્રસાદને, બધું શાલિનીતાઈ કરવાનાં છે. મંડપ તેમના ઘરે બંધાશે. મંગલાષ્ટક તેઓ ગાશે. મોટી બહેન, મારે સવાર સુધીમાં તારો જવાબ જોઈએ. અને એય પાછો હાનો! નાનીએ તરત બીજી ખુશખબરી પણ કહી નાખી હતી: ‘મોટી બહેન, મેં બધી ગોઠવણ કરી છે. મને એક જોબ મળે છે. બસ મારો જવાબ બાકી છે. તમે નચિત બનીને પરણો રામપ્રસાદને.’ મોટી ખુશખુશાલ થઈ ગઈ હતી. વાહ! નાનીએ તો કમાલ કરી. એકસામટા કેટલા પ્રશ્નો ઉક્લી નાખ્યા? પરણવું તો હતું જ તેને? કોને ના હોય? પરિવાર વચ્ચે આવી જતો હતો. સંકટ જ હતું જે તેણે પાર કર્યું હતું. પિતાની માંદગી, નાની ને નવલનો અભ્યાસ, ઘરખર્ચ? અને હજી પણ એ પ્રશ્નો તો હતા જ. તેણે આવું કશું ક્યાં વિચાર્યું હતું? એકેય રામપ્રસાદ તેની કલ્પનામાં હતો? નાનીએ આખું શબ્દચિત્ર ખડું કર્યું હતું. તે હવે તેણે એમાં પ્રવેશ કરવાનો હતો. અરે, તે લગભગ પ્રવેશી પણ હતી. બે ડગ મુકાઈ ગયા હતા. શું ખોટું? આ પુરુષ તો સાવ ભિન્ન ગણાય રામપ્રસાદથી. કેવળ નર! પામી પામીને શું પમાય? ને આખો રસ્તો છળનો. હોટેલમાં ઈન્ટરવ્યુ લીધો. તેણે હોંશે હોંશે ફાઈલ બતાવી. કોમ્પ્યુટર જ્ઞાન, કૉલેજ અભ્યાસ મૂક્યો ત્યાં સુધીની માર્કશીટ, બે-ચાર લાચારીના શબ્દો, સારા મરોડદાર અક્ષરોની ગુણગાથા ને અંતે-સર, મને એક તક આપો. આઈ એમ નીડી! એ માણસ ઉદાર બની ગયો હતો. ‘આવી જા કાલથી. મને તારી સ્થિતિ સમજાય છે.’ કહીને ગાલ પર ટપલી મારી હતી. પછી એ ટપલી ધીરે ધીરે વિસ્તરી હતી. ઓહ! કેટલી વિસ્તરી હતી? તે પ્રતિકાર પણ ક્યાં કરી શકી હતી? હવે તે એક ઝાટકે એ તંતુ તોડી નાખશે. નાની તેની મુક્તિદાતા હતી. એટલા સમયમાં બધું જ વિચારાઈ ગયું હતું. તે હવે શાલિનીતાઈને મળશે, રામપ્રસાદને મળશે, પૂછશે કે તે તેમને પસંદ છે કે નહીં. ને તે કહેશે કે... બધી બાબતો નવેસરથી કરશે. શરમાશે પણ ખરી. એક સ્ત્રી બની જશે નખશિખ. હા, ગત વર્ષોનું પ્રાયશ્ચિત્ત પણ કરશે. પાપ જ ગણાયને? એક નકોરડો ઉપવાસ કરશે, મંદિરમાં જઈને ક્ષમાપના સ્તોત્ર ગાશે. નાની ઇચ્છે છે એમ રામપ્રસાદને પરણશે. નાનીએ ક્યાં નક્કી કરી હશે જોબ? કેટલી મોટી થઈ ગઈ નાની ? મોટીને પરણાવતી હતી! નાનીએ ક્યાં શોધી હશે જોબ? અરે, રામપ્રસાદે જ આપી હશે ખાદી ભંડારમાં. નવલ જોબ પર ચડી જાય ત્યાં સુધી જ હતું ને? એ પછી તો નાનીને પણ પરણાવી દેવી - કોઈ ગમતા શ્યામપ્રસાદ સાથે. ગિરા ખુશીથી તરબોળ હતી. ને નાનીએ અધૂરો તંતુ લંબાવ્યો હતો. ‘મોટી બહેન એ લોકોએ મને હોટલમાં બોલાવી હતી. કોઈ એબીસી કંપનીનો માલિક હતો. ભલો પુરુષ જણાયો, ફાઈલ જોઈ, હેન્ડ રાઈટિંગ જોયા ને કહ્યું: બેબી, આવી જા કાલથી, શી મેનર હતી! યંગ હતો.’ ને મોટી તંદ્રામાંથી ઝબકી ગઈ હતી. શું કહેતી હતી નાની? તેને આ જોબ મળી હતી? દેહમાંથી એક લખલખું પસાર થઈ ગયું. આ જોબ મળી નાનીને? તેની દૃષ્ટિ સમક્ષ અનેક દૃશ્યો તગતગવા લાગ્યાં. એ પુરુષ ને નાની! નો. નો. નેવર! ને મોટીએ હતી એટલી શક્તિ એકઠી કરીને કહી દીધું હતું. નાની, નથી કરવી જોબ. તું જ પરણી જા એ રામપ્રસાદને મારી આજ્ઞા છે તને!
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ⚬❖⚬❖⚬❖⚬❖⚬