<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
૩૩કાવ્યો
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
પ્રારંભિક
અનુક્રમ
- 1 હાથ મેળવીએ
- 2 ઘર
- 3 પથ્થર થરથર ધ્રૂજે
- 4 ટગર ટગર
- 5 અજાણ્યું એકે ના
- 6 મુખ અને મહોરું
- 7 શું ધૂણો?
- 8 ભવ્ય એકલતા
- 9 રિલ્કેનું મૃત્યુ
- 10 પૂર્ણાંક
- 11 પુનશ્ચ
- 12 આ પાનખરમાં
- 13 માઘની પૂર્ણિમા
- 14 દેશવટો
- 15 સંવાદ
- 16 ભીડ
- 17 મેદાનમાં
- 18 બે કૌંસ વચ્ચે
- 19 બે પાય ધરવા જેટલી
- 20 આ વસંત
- 21 આ નગરની ભીંત પર
- 22 ઘૂમે વંટોળિયો
- 23 બ્રિટાનિયા!
- 24 આવો અગર ન આવો
- 25 ટેકરીની ટોચ પર
- 26 પૂંઠે પૂંઠે
- 27 હું ને –
- 28 નિન્દું ન હું
- 29 ચાલ, ફરીએ
- 30 ફરવા આવ્યો છું
- 31 સદ્ભાગ્ય
- 32 વિદાયવેળા
- 33 આ હાથ
હાથ મેળવીએ
લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...
શું શું નથી હોતું તમારા હાથમાં?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ...
ખાલી તમારો હાથ?
ના, ના, આપણા આ બે ય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ!
ઘર
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો શું તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
પથ્થર થરથર ધ્રૂજે
પથ્થર થરથર ધ્રૂજે!
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?
પથ્થર થરથર ધ્રૂજે!
અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!
એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પ્હેલો ફેંકે!’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!
ટગર ટગર
ટગર ટગર હું જોતો રહું છું ટોળાં,
અહીં તહીં ભટકે જે ભોળાં ભોળાં!
સ્વત્વ નહીં, વ્યક્તિત્વ નહીં, નહીં નામ અને નહીં રૂપ,
હાથ કોઈને આવે નહીં શું હોય હવામાં ધૂપ,
ગીત નહીં, ગુંજન નહીં, કિન્તુ ચીસ અગર તો ચૂપ!
જીવતા જાણે હોય મૃત્યુના ઓળા!
લાખ ફૂલોના ઢગલાનાં હું રાતે જોતો સપનાં,
એની નીચે સાપ સરકતા નીરખું છાનાછપના,
ફૂલ ફૂલને કોરે કીડો; કેવળ આ ન કલપના!
સોય સમા શા વીંધે મારા ડોળા,
નગર નગર હું જોતો રહું છું ટોળાં!
અજાણ્યું એકે ના
અહીં પૃથ્વીલોકે,
કશા હર્ષે શોકે,
મબલક મનુષ્યો સ્થળસ્થળે,
પથ, વિજન, જ્યાં ત્યાં નિત મળે;
અજાણ્યું એકે ના, પરિચિત બધાનાં મુખ મને;
અરીસામાં જાણે નિજ મુખ નિહાળું, સુખ મને!
મુખ અને મહોરું
તમારા મુખ પરે મહોરું
કશું રંગીન ને રસથી ભર્યું
નટની અદાથી છે ધર્યું,
કાં કે તમે માની લીધું છે કે અસલ મુખ સાવ છે કોરું!
ક્ષણે ક્ષણ કેટલી ચિંતા અને ભય
કે રખે સરકી જશે
ને સત્યનું મુખ સ્હેજમાં ફરકી જશે!
ક્યાંથી હશે સુખ જ્યાં જીવન છે છેક છલનામય?
કહો તેના ભલા, સમ ખાઈને કહું
કે હજુ એકે અસુન્દર મુખ નથી દીઠું.
હશે આ પૃથ્વી પર કંઈ મુખ સમું મીઠું!
હું તો મુખદર્શને નિત ધન્યતા લહું.
રે તમે એકાદ ક્ષણ માટે અસલ મુખ
સ્હેજ તો પ્રગટો! ભલા, નહીં હોય ત્યારે આટલું દુ:ખ!
શું ધૂણો?
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
હે પ્રેમીજન, એકાદો તો ક્યાંક
હૃદયમાં ખાલી રાખો ખૂણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
નોટબુકમાં પાને પાને લેખ
પ્રેમનો તમે લખી છો નાખ્યો,
ક્યાંક સુધારા, ક્યાંક વધારા કાજ
અગર જો હોય હાંસિયો રાખ્યો!
ભલે ભાવતાં ભોજન ચાખો!
જરીક રાખો કોષ ઉદરનો ઊણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
સૌ જાણીતા માનીતાથી ભર્યો
હૃદયનો ખંડ તમે જો ખાસ્સો,
શું કરશો જ્યાં કોઈ અજાણ્યું
આવી માગે એક રાતનો વાસો?
ગળાબૂડ છો ગરક પ્રેમમાં?
ભલે ડૂબો તો! તમે બધિર, નહીં સુણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો!
ભવ્ય એકલતા
‘હું અટૂલો છું, અટૂલા છો તમે!’
– એ વાત,
વારંવાર એની એ જ બસ પંચાત
સૌને કેટલા રસથી
અને ક્યારેક તો કેવા ચડસથી
ગીતમાં ગાવી ગમે!
એથી ક્ષણેક્ષણ ચિત્ત કેવું યુદ્ધમાં રમતું રમે!
હું ને તમે સૌ સાથમાં –
આ આપણી સારીય માનવજાત
કે જે રાતદિન દિનરાત
આખા વિશ્વની નિર્જીવતામાં જીવતી ભમતી ભમે
તે એકલી.
ના કોઈ છે સંગાથમાં.
કેવી ભયાનક ભવ્ય એકલતા!
(અગર જો કે વિરલ ને ધન્ય પણ
સૌ આપણે એથી થતા!)
– એ વાત
એનો એક પણ આઘાત
તમને કે મને કે કોઈનેયે ના દમે!
ને તો પછી આ યુદ્ધ તે શાનાં શમે?
રિલ્કેનું મૃત્યુ
ગુલાબ અર્પ્યું નિજ પ્રેમપાત્રને
ને શૂળ કૈં કંટકની સહીને,
વાંછ્યું’તું જે મૃત્યુ મનુષ્યમાત્રને
તને મળ્યું ઈપ્સિત, એ લહીને
તેં હોંસથી દર્દ હશે જ માણ્યું!
તારે મુખે જે ગયું’તું ગવાઈ
તે સર્વનું સત્ય હશે પ્રમાણ્યું
શું આમ આ કંટકથી ઘવાઈ?
તારી સખી પાસ ગુલાબ જે રહ્યું
સુવાસ એમાં તવ પ્રેમની ભળી
(અસ્તિત્વનું શ્રેષ્ઠ પ્રતીક તેં કહ્યું!)
ને મૃત્યુનીયે સુરખી વળી ઢળી;
મ્હેકી રહ્યો જીવનનો જ અર્થ :
ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ!
પૂર્ણાંક
અપૂર્ણાંકોનું ના ગણિત કદીયે પ્રેમ ભણતો,
અને કોઈનુંયે હૃદય નહિ એ પૂર્ણ ગણતો;
પછી તો બીજાને નિજ હૃદય પોતે જ ધરવું!
નહીં તો જીતી લૈ અવરજનનું, પૂર્ણ કરવું!
પુનશ્ચ
સંસારનાં સકલ યુગ્મ પુનશ્ચ ધન્ય!
આ માનવીજગત જે લયતાલભગ્ન
એમાં તમે વરવધૂ! રચ્યું આજ લગ્ન,
સંવાદનું પુનિત પર્વ કશું અનન્ય!
આ પાનખરમાં
આ પાનખરમાં (આપણા યુગમાં) પ્રભાતે
સાવ સૂકાં પર્ણમાં સરતું
અને સુસવાટ કરતું
કોણ આ તે?
સૂર્યતેજે ઝગમગે આ નૂર
કોનું, જોઈ જેને આંખથી પાણી ઝરે?
છે કેટલું તો ક્રૂર!
અને કોની હશે આ તીક્ષ્ણ કાતિલ ધાર?
એ તો જંગલીની જેમ જે અહીં તહીં ફરે
તે આ પવનની કેડ પરની છે કટારી ઝૂલતી!
જો કોઈનીયે હૂંફનું પ્હેર્યું કવચ ના હોય ને
તો ના નીકળવું બ્હાર!
એ તો મૃત્યુની ઠંડક લઈ હૈયામહીં જૈ હૂલતી!
માઘની પૂર્ણિમા
માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર
શો ચાલતો મધ્યાકાશમાં મંદ મંદ!
ટાઢમાં થરથરે,
કિન્તુ કોને જઈ કરગરે?
બંધ સૌ બારી ને દ્વાર,
ર્હે કોણ તે આ સમે બ્હાર?
ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો
ત્યાં ઘટામાં પડ્યો ર્હેત
આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો!
કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી
ડાળ પકડી અને આભ ચડવા જતો
ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર,
તે હજુય છે મુખ પરે નખક્ષતો!
શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય;
પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય!
આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે!
ચિત્ત આ સ્વચ્છ છે, ચાંદની જો રસે!
દેશવટો
આ દેશની બ્હાર ગયા વિના જ
મળી શકે દેશવટો સદાયનો,
છો ત્યાં થકી દૂર થયા વિના જ
પ્રસંગ હા, પ્રાપ્ત થતો વદાયનો;
હૈયાથકી હેતભર્યો સર્યો છતાં
એ શબ્દનો જો પડઘો પડે ના,
પ્રસાદ હો કૈં રસનો ધર્યો છતાં
જો કોઈની અંગુલિયે અડે ના;
એકાંત ત્યારે અનિવાર્ય, જાણે
અજ્ઞાત કોઈ પરદેશ જેવું,
ને જાત સાથે વસવું પરાણે
જેની ન હો ઓળખ, ક્રૂર કેવું!
લખ્યો ન આ દેશવટો અનન્ય
લલાટ સૌને, કવિનેય, ધન્ય?
સંવાદ
બે જણ મળ્યા,
વાતે વળ્યા,
ને કેટલાયે શબ્દ બસ મુખથી સર્યા,
સૌ રસભર્યા;
ને જીભ જ્યાં થાકી,
વળી લાગ્યું હવે કૈં ના રહ્યું બાકી;
અને શોધ્યા છતાં યે શબ્દ ના જ્યારે જડ્યા,
છૂટા પડ્યા.
શું શું પરસ્પરનું સુણ્યું? બહુ બહુ સ્મર્યું,
ત્યારે જ જાણ્યું અન્યનું એકેય તે ન્હોતું કશું
કાને ધર્યું;
તો શું કર્યું?
હા, આત્મસંભાષણ નર્યું!
એકાંત હાવાં શાંત નિજનિજનું રચે,
સંવાદ ત્યાં સાચો મચે!
ભીડ
અસહ્ય આ માનવની ન ભીડ?
રાતી થતી આંખ કદીક વાગતી
જો કોકની ઝૂંક જરીક, ભાંગતી
કૈં પાંસળી જો કદી પેસી જાય
કોણી, કદી તો ચગદાય પાય;
મેલી હવા, કેમ ભરાય શ્વાસ?
શું ખાનગી? ના પરદૃષ્ટિથી બચો!
કોલાહલે શું કવિતાય તે રચો?
અન્યોન્ય હૈયા પર હોય વાસ;
ત્યારે ચડે શું મનમાં ન ચીડ?
અસહ્ય આ માનવની છ ભીડ!
એકાંતમાં હોય રચ્યું જ નીડ...
ત્યાં શૂન્યતાની નહિ હોય પીડ?
અસહ્ય આ માનવની ન ભીડ!
મેદાનમાં
અહીં આ જ મેદાનમાં કાલ સાંજે
(કહે છે કે જે ન આવ્યા તે અક્કરમી!)
માનવોની મેદની શી ગજાવી,
તે હવામાં છે હજુ એની ગરમી;
ને તાલીઓ શી બજાવી,
તે પડઘા તો હજુ ગાજે!
અહીં એ જ મેદાનમાં આજ હવે
(કાલ સાંજે દરમાં જે ભાગી ગઈ)
અસંખ્ય આ કીડીઓ
(કે જેના ઉદ્યમને કવિજન ઉમંગથી સ્તવે!)
દરમાંથી બ્હાર બધે ઊભરાતી,
કોણ જાણે કેમ પણ ખૂબ રાતી,
ચૂપચાપ જાણે કૈં ન બન્યું એમ કામે કેવી લાગી ગઈ!
બે કૌંસ વચ્ચે
જન્મ મૃત્યુ કૌંસ બે,
વચ્ચે વહે આ જિંદગી;
જે વ્યાકરણથી-પૂર્ણ-ના તે વાક્ય જેવી,
લય ન જેને, કે ન જેને ચિહ્ન કોઈ વિરામનું,
ના અલ્પ કે ના પૂર્ણ, ના આશ્ચર્ય કે પ્રશ્નાર્થનું;
ને એકલાનો અર્થ પણ ના!
કિન્તુ જે સંપૂર્ણ આખું વાક્ય
– જેમાં અંતરાલે એ વસે
એ વાક્યના તો અર્થમાં વૃદ્ધિ કરે,
ક્યારેક તો એ વાક્યના સંવાદમાં, સૌંદર્યમાં શુદ્ધિ કરે!
બે પાય ધરવા જેટલી
બે પાય ધરવા જેટલી
મારે જગા બસ જોઈએ,
એથી વધારે તો હજી
ક્યારેય તે રોકી નથીને કોઈએ!
જ્યાં જ્યાં ફરું,
ટટ્ટાર હું જેની પરે ઊભો રહ્યો – બે પાય
તે જ્યાં જ્યાં ધરું
ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય
તે મારી!
અને બાકી રહી જે સૃષ્ટિ સારી
તે હશે કોની મને પરવા નથી.
ને એકસાથે બે જગા પર
પાય તો ધરવા નથી.
આ વસંત
આ સૂરજ વરસે સોનું, સૌ કોઈ ઝીલો,
ના પૂછશો એ છે કોનું, હો કોઈ ઝીલો!
આ ચન્દ્રી અમૃત છલકે, સૌ કોઈ પી લ્યો!
એ તો માસે માસે મલકે, હો કોઈ પી લ્યો!
આ વસંત લાવે વાયુ, હો કોઈ ખીલો!
નહીં લાવે આખું આયુ, સૌ કોઈ ખીલો!
આ નગરની ભીંત પર
જ્યાં જુઓ ત્યાં આ નગરની ભીંત પર
લીટા લપેડા શા સજાવ્યા છે!
(હશે તો કેટલા સૌ માનવીનાં ચિત્ત પર?)
મૃત્યુંજયી કો મંત્રના આ જાપ
અહીં જાણે ગજાવ્યા છે!
ભલે આ સૂર્ય સળગે ગ્રીષ્મનો,
તે એક પણ લ્હોશે નહીં;
ઝંખું તને જલધાર, વર્ષા,
તુંય શું ધોશે નહીં?
ઘૂમે વંટોળિયો
ઘૂમે વંટોળિયો,
ભમતો ભમે છે કોઈ ભૂત જાણે ભોળિયો!
આ રે મધ્યાહ્ન ધખે લૂખા વૈશાખમાં,
ઝાઝેરી ધૂળ, પાંદ, તરણાં લૈ કાખમાં
ઘૂમે છે; જો જો ઝઝૂમે ન આંખમાં!
અવગતિયો જીવ આ તે કોણે ઢંઢોળિયો?
ભડકો થૈ સૂરજમાં હમણાં સળગશે,
ક્યાંથી આવ્યો ને હવે કોને વળગશે?
ત્યાં તો સપાટ સૂતો! જાણ્યું ના ઠગશે!
આખો અવકાશ એણે અમથો રે ડ્હોળિયો!
બ્રિટાનિયા!
બ્રિટાનિયા! ઍટમ બૉમ્બ ફોડ્યો?
પૃથ્વી પરે શ્રેષ્ઠ પ્રજા તું ચારસો
વર્ષોથકી ને તુજ ભવ્ય વારસો
સંસ્કારનો, સંયમ કેમ છોડ્યો?
તારી સ્વયંસિદ્ધ હતી મહત્તા,
તેં અન્ય જેવો ભય કેમ રે વર્યો?
આ રાષ્ટ્રનો પ્રેમ નથી, અહં નર્યો!
સ્વમાનનું નામ, ચહે તું સત્તા!
‘પ્રશાંત’નો આ ફળશે પ્રયોગ –
જો અંતમાં અન્ય પ્રયોગ નિષ્ફલ
આ માનવીસંસ્કૃતિનો જશે? છલ!
આ વંચના! કેવલ આત્મભોગ!
પ્હેલ્લો ધડાકો! નવ આંખ રોઈ?
છેલ્લો ધડાકો સુણશે ન કોઈ!
આવો અગર ન આવો
આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જોકે સદાય આવો એવી અમારી અરજી!
આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી
કે ‘આવશો સદા’ એ સપનું ગયા છો સરજી!
ને જો હવે ન આવો તો શું થશે અમારું?
કેવી રીતે જિવાશે? – એવા અમે ન ગરજી!
આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જોકે સદાય આવો એવી અમારી અરજી!
ટેકરીની ટોચ પર
ટેકરીની ટોચ પર ચોથે માળ
વસું મિત્ર મડિયાને ઘેર,
ત્રણ બાજુ ઊછળતો અબ્ધિ
અને એક બાજુ મુંબઈ શું શ્હેર.
સુણી રહું ઘેરું ઘેરું ઘૂઘવતો
અબ્ધિ અહીં દિનરાત ગાય,
જોઈ રહું ક્ષિતિજ પે ઝૂકી ઝૂકી
આભ જે આ મૂગું મૂગું ચ્હાય.
નીચે ત્યાં શું નગરજનોની
નસનસે હશે તરંગનો તાલ?
પરસ્પર મિલનમાં માનવીને
ઉર હશે આવું કોઈ વ્હાલ?
પૂંઠે પૂંઠે
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?
નથી કોઈ સંગ,
નયનમાં નથી કોઈ સ્વપનનો રંગ;
હૃદયમાં નથી કોઈ ગતનું રે ગીત,
કેવળ છે સાંપ્રતની પ્રીત;
નથી કોઈ યાદ,
ઓચિંતાનો તોયે કોનો કરુણ આ સાદ –
‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’?
ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે?
કેવો ભાર લાગે!
પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે,
અલોપ જે જોતાંવેંત
એવું તે આ કોનું પ્રેત?
આગળ આ તો યે કોનો પડછાયો પડે?
ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
હું ને –
હું ને મારો પડછાયો,
પણ રાતે જ્યાં દીપક બૂઊયો
હું ત્યાં એકલવાયો!
નિન્દું ન હું
નિન્દું ન હું કંટકને કદી હવે!
છો અન્યથા સૌ કવિઓ કવે – લવે!
હું કેમકે કંટકથી સવાયો
ગુલાબની ગંધ થકી ઘવાયો!
ચાલ, ફરીએ
ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
બ્હારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!
એકલા ર્હેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
ચાલ, ફરીએ!
ફરવા આવ્યો છું
હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
– રે ચહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું!
સદ્ભાગ્ય
સદ્ભાગ્ય શું હોય મનુષ્ય હોવું?
ક્ષણેક આનંદ, સદાય રોવું;
ક્ષણેકનું યૌવન, વૃદ્ધ થૈ જવું;
ક્ષણેકનો પ્રેમ, સદાય ઝૂરવું;
ક્ષણેક જે પ્રાપ્ત, સદાય ખોવું;
સદ્ભાગ્ય શું હોય મનુષ્ય હોવું?
સદ્ભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું?
સૌંદર્ય જ્યાં નિત્ય નવીન જોવું,
જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત
ને શિલ્પમાં યૌવન કાલમુક્ત,
ધરા અહો ધન્ય, ન સ્વર્ગ મ્હોવું;
સદ્ભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું?
વિદાયવેળા
વિદાયવેળા નવ કો વ્યથા હો!
નિ:શ્વાસ ના, નીર ન હોય નેણમાં;
ના મ્લાન એકે મુખરેખ, વેણમાં
કૃતઘ્નતાની નવ કો કથા હો!
બે માનવીનું મળવું – અનન્ય!
એમાં ય જો આદરસ્નેહ સાંપડે,
ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે;
કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય!
અહીં મળે માનવ જે ગમી જતું
જોતાં જ, તો બે ક્ષણ ચાહી લેવું!
અને પછી સંગ ઉરે રમી જતું
જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!
હો ધન્ય સૌ માનવલોકમેળા,
કૃતજ્ઞતા માત્ર વિદાયવેળા!
આ હાથ
આ હાથ મારો પ્રિય મૃત્યુને વર્યો!
પરંતુ એ જે ક્ષણથી તને ગમ્યો,
તારા વળી હાથ વિશે રહી રમ્યો,
રે ત્યારથી તો નિત અમૃતે ભર્યો!