અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/બા ન હોય ત્યારે

Revision as of 05:15, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બા ન હોય ત્યારે|ઉષા ઉપાધ્યાય}} <poem> બા ન હોય ત્યારે આમ તો કશું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બા ન હોય ત્યારે

ઉષા ઉપાધ્યાય

બા ન હોય ત્યારે
આમ તો કશું ન થાય...

બાપુજી ઑફિસે જાય
દાદીમા માળા ફેરવે,
મનુ કૉલેજ જાય...
બધું જ થાય,
પણ જાણે મોળું મોળું,
ખાંડ વગરની ચા જેવું.

બા ન હોય ત્યારે
કોઈ ગુસ્સે ન થાય,
મનુ રાતે મોડો આવે તો
કોઈ વારેઘડીએ અધીરાઈથી
બારીએ ન ડોકાય,
ઘડિયાળના કાંટા બરછી-ભાલાં જેવાં
ન થઈ જાય,
કોઈની વ્યાકુળ આંખે
હમણાં પડ્યાં કે પડશે એવાં
અદૃશ્ય આંસુઓનાં તોરણ ન બંધાય,
ગળે બાઝેલા ડૂમા આડે
ઠપકાને ઓગાળી દઈ
કોઈ મનુને પૂછે નહીં...
“થાક્યો હોઈશ ભાઈ,
થાળી પીરસી દઉં ને?
બા ન હોય ત્યારે
સવાર પડે, પણ પૂજા કરવા બેઠેલાં દાદીને
વાટ જડે નહીં
ઠાકોરજીને મોહનથાળ ને ઠોર મળે નહીં
બાપુજીને ગંજી, પાકીટ, ચાવી મળે નહીં
રસોડામાંથી વઘારની સોડમ તો આવે
પણ એમાં દાઝેલાં શાકની ગંધની
ભેળસેળ થઈ જાય,
પાણીની ઠીબ સુકાઈ જાય,
પંખી ચણ વિના ઊડી જાય,
તુલસી સુકાઈ જાય...

બા ન હોય ત્યારે
આમ તો કશું ન થાય,
એટલે કે
કશું જ ન થાય...