ભારતીય કાવ્યસિદ્ધાંત/અભિધા

From Ekatra Wiki
Revision as of 03:10, 11 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અભિધા

❊ साक्षात् संकेतितं योऽर्थमभिधत्ते स वाचकः ।
❊ स मुख्योऽर्थस्तत्र मुख्यो व्यापारोऽस्याभिधोत्त्यते ॥

જે અર્થ પરત્વે શબ્દનો સંકેત રહેલો હોય, એ અર્થને જ્યારે શબ્દ સીધેસીધો પ્રગટ કરે, ત્યારે એને વાચક શબ્દ કહે છે અને એ અર્થ આપતી શક્તિને અભિધાશક્તિ કહે છે. સંકેતિત અર્થને સાક્ષાત્ પ્રગટ કરે ત્યારે જ શબ્દને વાચક શબ્દ કહેવાય. કેટલાક શબ્દોના સંકેતિત અર્થ ઘણા હોય છે. દા.ત. ‘હરિ’ એટલે ‘વિષ્ણુ’ પણ થાય અને ‘વાંદરો’ પણ થાય. હવે કોઈ સ્થળે ‘હરિ’ શબ્દ વિષ્ણુ માટે વપરાયો હોય અને એ જ વખતે એનો ‘વાંદરો’ એવો અર્થ સ્ફુરતો હોય, તો સંદર્ભ આદિને કારણે જે અર્થ પહેલો – સાક્ષાત્ પ્રાપ્ત થાય તે જ વાચ્યાર્થ, એ અર્થ પરત્વે જ એ શબ્દ વાચક અને એ અર્થ પ્રાપ્ત કરાવતી શક્તિ તે અભિધા. એક ઉદાહરણ લઈએ. કોઈ રાજાની રાણીનું નામ ‘ઉમા’ હોય અને એ રાજાના દરબારમાં કોઈ એમ ઉચ્ચારે કે ‘ઉમાપતિનો જય હો’ તો તેમાંથી ‘રાજાનો જય હો’ એવો અર્થ પ્રાપ્ત થાય છે તે વાચ્યાર્થ રાણીના અર્થમાં ‘ઉમા’ શબ્દ વાચક અને આ અર્થ આપતી શક્તિ તે અભિધા. પણ ‘ઉમાપતિનો જય હો!’ એ ઉક્તિમાંથી ‘શંકરનો જય હો!’ એવો અર્થ પણ સ્ફુરે છે, કારણ કે ‘ઉમા’ એટલે પાર્વતી પણ થાય. ‘ઉમા’નો અર્થ સંકેતિત હોવા છતાં આ દાખલામાં સાક્ષાત્ પ્રાપ્ત થતો નથી. અભિધાશક્તિ તો ‘ઉમા’નો ‘એ નામની રાજાની રાણી’ એવો અર્થ આપીને વિરમી ગઈ, એટલે ‘ઉમા’નો ‘પાર્વતી’ એવો અર્થ વ્યંજનાશક્તિને કારણે પ્રાપ્ત થાય છે, પરિણામે ‘ઉમા’નો આ બીજો અર્થ વ્યંગ્યાર્થ કહેવાય અને એ અર્થ પરત્વે ‘ઉમા’ શબ્દ વ્યંજક કહેવાય. આમ, અભિધા દ્વારા સંકેતિત અર્થ સાક્ષાત્ પ્રાપ્ત થાય છે.