<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
આંગણાની કોયલના ૭૫ ટહુકા...
મા ભોમની આઝાદીનાં ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી દેશભરમાં થઇ એટલે હું ૭૫ લોકગીતો સહ રસદર્શનના ‘ટહુકા’ લઈને આવ્યો છું. કોયલ આપણા આંગણે ટહુકે ત્યારે મન પ્રસન્ન થઇ જાય. એ તો આંબાવાડિયાનું પંખી છે, ટહુકીને ઉડી જશે પણ આપણા ઘરમાં માતા, પત્ની, બહેન, પુત્રી જેવી કોયલો હોય જે અહર્નિશ આંગણે ટહુકીને આપણા આંગણરૂપી આંબાવાડિયાને મહેકતું-ગહેકતું રાખે છે. આપણે આંગણે આજે ભલે નહિ થતા હોય પણ અગાઉ ઘરની જ કોયલોએ લોકગીત ગાયનના ટહુકા કર્યા હશે. જો કાન માંડીને સાંભળશું તો આજે પણ એ સંભળાશે! આંબાની કોયલ જેટલો જ અહોભાવ આંગણાની કોયલો માટે પણ રાખીએ કેમકે લોકગીતોની કંઠપરંપરાને જીવંત રાખવામાં આંગણાની કોયલોના ટહુકા જ નિમિત્ત બન્યા છે ને એટલે આ પુસ્તકનું નામ ‘આંગણે ટહુકે કોયલ’ રાખ્યું છે.
લોકગીત ગાયનની પરંપરાને જીવંત રાખવા, યુવા અને ઉચ્ચશિક્ષિત લોકોને ગમતું કરવા ગુજરાતની દસેક યુનિવર્સિટીઓ અને ૩૦૦ થી વધુ કોલેજોના ત્રણ લાખથી વધુ યુવા ભાઈબહેનો સમક્ષ લોકગીતો સંભળાવી, અર્થ સમજાવી તેમને રસ લેતાં કરવા પ્રયાસ કરતો રહ્યો છું. સામાન્યરીતે જે લોકગાયક-ગાયિકા લોકગીત ગાતાં હોય તેઓ સારું લેખન ભાગ્યે જ કરી શકતા હોય અને જે વિદ્વાનો લોકસાહિત્ય-લોકસંગીત વિષયક સંશોધન, લેખન કરી શકતા હોય તેઓ ગાઈ ન શકતા હોય પણ મને કુદરતે બન્ને વિદ્યા આપી છે જેનો પરસ્પર પ્રભાવ મારા ગાયન અને લેખન પર પડ્યો છે.
આ પુસ્તકને ઓનલાઇન ઉપલબ્ધ કરવા બદલ એકત્ર ફાઉન્ડેશનનો આભારી છું.
— નીલેશ પંડ્યા