અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/બરફનાં પંખી

From Ekatra Wiki
Revision as of 19:52, 11 October 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બરફનાં પંખી

અનિલ જોશી

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે.
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલાં-સૂકાં જંગલ વચ્ચે
કાબરચીતરાં રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ.
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં,
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
(બરફનાં પંખી, પૃ. ૩૦)



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt698229f61fa063_82393877


અનિલ જોશી • અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ