અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/ફિલસૂફી સમજી લીધી
ફિલસૂફી સમજી લીધી
મરીઝ
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું!
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.
દુ:ખ તો એનું છે કે એ દુનિયાનાં થઈને રહી ગયાં,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.
દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.
કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.
કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.
એ હવે રહીરહીને માગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d58062f8ac5_82300730
`મરીઝ' • જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ