અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉપહાર
Revision as of 07:22, 3 April 2024 by Shnehrashmi (talk | contribs)
ઉપહાર
‘કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે![1] સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!
તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની!
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્ગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું.
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!
- ↑ આ સંબોધન પ્રો બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે.
Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d0a20b5f125_05382277
કાવ્યપઠન • વિનોદ જોશી