પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ટ્રૅજેડીનું સ્વરૂપ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/ટ્રૅજેડીનું સ્વરૂપ to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ટ્રૅજેડીનું સ્વરૂપ without leaving a redirect) |
(No difference)
| |
Revision as of 01:01, 28 April 2025
અત્યાર સુધી આપણે કવિતાસામાન્યના કેટલાક મુદ્દાઓ વિશેની ઍરિસ્ટૉટલની વિચારણાનો અભ્યાસ કર્યો. જેમ કે, કવિતામાં રહેલું કલાત્મક અનુકરણ, કવિતામાં રજૂ થતું સત્ય, કવિતામાં આકૃતિનું મહત્ત્વ, કવિતાનું લક્ષ્ય અને કવિતાનું ફલ વગેરે, પરંતુ ‘પોએટિક્સ’માંથી ‘કવિતા’ વિશેની આવી બધી ચર્ચાઓ શોધવા જનારને નિરાશા સાંપડે. ઍરિસ્ટૉટલ એમના ગ્રંથના આરંભમાં કળા અને કવિતાના ભિન્નભિન્ન પ્રકારોનો લાક્ષણિક સંક્ષિપ્ત પરિચય અને ક્યાંક થોડો ઇતિહાસ આપે છે અને પછી ટ્રૅજેડીની વાત આવતાં એની વ્યાખ્યા આપી એનો વિસ્તાર કરે છે. ઍરિસ્ટૉટલના ગ્રંથનો ઘણો મોટો ભાગ ટ્રૅજેડીના સ્વરૂપની આ ચર્ચામાં રોકાયેલો છે. ટ્રૅજેડીની સાથેસાથે કરેલાં કૉમેડીવિષયક રડ્યાંખડ્યાં નિરીક્ષણો અને ટ્રૅજેડીની ચર્ચાને અંતે જોડેલી એપિક વિશેની થોડી ચર્ચાને બાદ કરીએ તો એમ કહી શકાય કે ઍરિસ્ટૉટલનો ગ્રંથ કાવ્યના એક જ પ્રકાર વિશે છે અને તે ટ્રૅજેડી. આમ છતાં ઍરિસ્ટૉટલની ટ્રૅજેડી-વિચારણામાંથી જ આપણને કવિતાસામાન્ય વિશેના કેટલાક વિચારવા જેવા મુદ્દાઓ પ્રાપ્ત થાય છે, કેમ કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિ એક ફિલસૂફની દૃષ્ટિ છે, એક તાર્કિકની દૃષ્ટિ છે. સામાન્યમાંથી વિશિષ્ટને એ ફલિત કરે અને વિશિષ્ટમાં અનુપ્રવિષ્ટ સામાન્યને સ્પર્શ્યા વગર એ રહે નહીં. ટ્રૅજેડીને એ કવિતાના એક પ્રકાર તરીકે જુએ અને ટ્રૅજેડીનાં લક્ષણો બતાવતી વેળા કવિતા તરીકેના એના સામાન્ય ધર્મો કયા છે તથા એક કાવ્યપ્રકાર તરીકેના એના વિશિષ્ટ ધર્મો કયા છે એ બન્ને પર એમની નજર હોય. ટ્રૅજેડીની ચર્ચા ઍરિસ્ટૉટલે એવી મૂલગામી, વ્યાપક, સર્વાંગી દૃષ્ટિથી કરી છે કે એમાંથી કવિતાના સામાન્ય પ્રશ્નો વિશેના એમના વિચારો પણ સહેલાઈથી તારવી શકાય છે. પણ આગળ કહ્યું તેમ ‘પોએટિક્સ’ના કેન્દ્રમાં છે ટ્રૅજેડીની વ્યાખ્યા. ઍરિસ્ટૉટલની સર્વ ચર્ચાવિચારણાની એ આધારશિલા છે. આપણે હવે એનો જ અભ્યાસ કરવાનો બાકી રહે છે. એ અભ્યાસ કરીશું એટલે ઍરિસ્ટૉટલની ચર્ચાવિચારણાની નક્કર ભૂમિકા આપણને પ્રાપ્ત થશે અને કાવ્યના એક પ્રકારની વિશિષ્ટતાઓને ઍરિસ્ટૉટલ કેવી સૂઝથી પારખે છે એ પણ જોવા મળશે. ઍરિસ્ટૉટલની ટ્રૅજેડીની ચર્ચા ટ્રૅજેડીના મૂલ તત્ત્વને સ્પર્શવા મથે છે અને પછીની ટ્રૅજેડી વિશેની સર્વ ચર્ચાવિચારણા ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને ચાલી છે એ રીતે પણ એનું મહત્ત્વ છે. ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે : “ટ્રૅજેડી એટલે એક ગંભીર, સ્વયંસંપૂર્ણ અને નિશ્ચિત કદની ક્રિયાનું અનુકરણ; એ અનુકરણ થયેલું હોય છે, જેના વિવિધ પ્રકારો નાટકના જુદાજુદા ભાગમાં જોવા મળતા હોય એવી દરેક પ્રકારના કલાત્મક અલંકરણથી શોભતી ભાષામાં, અને કથનની નહીં પણ અભિનયની રીતિથી; ટ્રૅજેડી કરુણા અને ભય દ્વારા લાગણીઓનું ઉચિત કૅથાર્સિસ સાધે છે.”૩૦ આ વ્યાખ્યામાં ટ્રૅજેડીનો એક કળા તરીકેનો સામાન્ય ધર્મ એ બતાવેલો છે કે એ એક અનુકરણ છે. આ સામાન્ય ધર્મ છે કેમ કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ બધી કળાઓ અનુકરણ છે. આ અનુકરણ તે કલાત્મક નિર્માણની કોઈક પ્રક્રિયા છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં એટલું જ નોંધીશું કે સ્વયંસંપૂર્ણ ક્રિયાનું ભાષાના માધ્યમથી અને અભિનયની રીતથી અનુકરણ થાય છે એમ કહેવામાં ‘અનુકરણ’નો એ વિશિષ્ટ ખ્યાલ જ વ્યક્ત થાય છે. અનુકરણ એ ટ્રૅજેડીનું સામાન્ય લક્ષણ, તો એનાં વિશિષ્ટ લક્ષણ કયાં? બધી કળાઓ અનુકરણ છે, પણ એ બધી જુદી પડે છે એમનાં વિષય, માધ્યમ કે રીતને કારણે. તેથી કોઈ પણ કળાપ્રકારને સમજાવવા માટે એનાં વિષય, માધ્યમ અને રીતની વાત કરવી જોઈએ. આપણે જોઈશું તો જણાશે કે ઍરિસ્ટૉટલની વ્યાખ્યા ચાર ભાગમાં વહેંચાયેલી છે અને એના પહેલા ભાગમાં ઍરિસ્ટૉટલે ટ્રૅજેડીના વિષયની વાત કરેલી છે. ટ્રૅજેડી ક્રિયાનું અનુકરણ છે એમ કહીએ એટલે ટ્રૅજેડીનો વિષય ક્રિયા છે એવો અર્થ થયો. પણ ઍરિસ્ટૉટલ ‘ક્રિયા’ દ્વારા બીજું ઘણુંબધું ટ્રૅજેડીના વિષયમાં સમાવે છે. ક્રિયા મૂર્ત થાય છે વસ્તુવિધાન દ્વારા, માટે વસ્તુવિધાન, ક્રિયા ક્રિયા કરનારને સૂચવે છે માટે માનવવ્યક્તિઓ; માનવવ્યક્તિઓ ચરિત્ર અને બુદ્ધિવ્યાપારનાં અમુક વિશિષ્ટ લક્ષણો ધરાવતી હોય છે માટે ચરિત્ર અને બુદ્ધિવ્યાપાર – આ બધાં ટ્રૅજેડીના વિષય ગણાય. આમાંથી વસ્તુવિધાન, ચરિત્ર અને બુદ્ધિવ્યાપાર એ ત્રણ વ્યાવર્તક તત્ત્વોને તારવી લઈ એને ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીના વિષય તરીકે ગણાવે છે. વ્યાખ્યાના બીજા ભાગમાં ઍરિસ્ટૉટલે ટ્રૅજેડીના માધ્યમની વાત કરેલી છે. ટ્રૅજેડીનું માધ્યમ છે અલંકૃત ભાષા. અલંકૃત ભાષા એટલે લય, સ્વરસંવાદ કે સ્વરમાધુર્ય કે ગાન અને છંદથી યુક્ત ભાષા. ટ્રૅજેડીનો કેટલોક ભાગ પદ્યમાં હોય, કેટલોક ગાન રૂપે પણ હોય. ટૂંકમાં, ઍરિસ્ટૉટલ પદરચના (ડિક્શન) અને ગાન (સૉંગ)ને ટ્રૅજેડીનાં માધ્યમ ગણાવે છે. વ્યાખ્યાના ત્રીજા ભાગમાં ઍરિસ્ટૉટલે ટ્રૅજેડીની રીતની વાત કરી છે. ટ્રૅજેડી અભિનય રૂપે રજૂ થાય છે એટલે કે દૃશ્યસામગ્રી દ્વારા દૃશ્યતા (સ્પેક્ટલ) એ ટ્રૅજેડીની રીત છે. આ બધાનો સરવાળો કરી ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીનાં છ અંગો બતાવે છે : વસ્તુવિધાન, ચરિત્ર, બુદ્ધિવ્યાપાર, પદરચના, ગાન અને દૃશ્યતા. ત્રણ વિષયને લગતાં, બે માધ્યમને લગતાં અને એક રીતને લગતું. આ છ અંગોમાં ટ્રૅજેડીની વિશિષ્ટતા રહેલી છે અને ઍરિસ્ટૉટલ એનો વ્યવસ્થિત વિચાર કરે છે, જેમ કે, ટ્રૅજેડીનું વસ્તુ કેવું હોય છે, એમાં કેવા પ્રકારનું ચરિત્ર રજૂ થાય છે, એની પદરચનાની વિશિષ્ટતા શી હોય છે, એમાં દૃશ્યતાનો શો ઉપયોગ હોય છે, વગેરે. આમાંનું કેટલુંક ઍરિસ્ટૉટલે વીગતે ચર્ચ્યું છે તો કેટલુંક સંક્ષેપમાં પતાવ્યું છે. આપણે ઍરિસ્ટૉટલની ચર્ચાને આધારે ટ્રૅજેડીની લાક્ષણિકતાઓને સમજવાનો અને વિશિષ્ટ ટ્રેજિક તત્ત્વ શામાં રહેલું છે તે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીએ. પણ તે પહેલાં ઍરિસ્ટૉટલની વ્યાખ્યામાં એક ચોથો ભાગ પણ છે અને એનો નિર્દેશ અહીં કરી લેવો જોઈએ. એ ભાગ ટ્રૅજેડીના કાર્ય (ફંક્શન)ની વાત કરે છે. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ કોઈ પણ વસ્તુનું વર્ણન, એ શું કરે છે તે બતાવવામાં ન આવે ત્યાં સુધી અધૂરું ગણાય. તો, ઍરિસ્ટૉટલ કહે છે, ટ્રૅજેડી પ્રેક્ષકોને કરુણા અને ભય પ્રત્યક્ષ કરાવી એનું કૅથાર્સિસ સાધે છે. આ કૅથાર્સિસ શું છે અને એનો ટ્રૅજેડીની વ્યાખ્યામાં શો હેતુ છે એની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. એટલે એનું પુનરાવર્તન આપણે નહીં કરીએ, પરંતુ ભય અને કરુણાની લાગણીઓનો આ ઉલ્લેખ ટ્રૅજિક અનુભવને સમજાવવામાં આપણને કામ આવશે, માટે એની નોંધ લઈ આપણે ટ્રૅજેડીની લાક્ષણિકતાઓનો પરિચય કરીએ. ૧ : ૧ : ૧ ટ્રૅજેડીનો વિષય છે ગંભીર, સ્વયંસંપૂર્ણ અને ચોક્કસ કદની ક્રિયા. ટ્રૅજેડીની વ્યાખ્યાનો આ ભાગ વધારે મહત્ત્વનો છે, કેમ કે એ ટ્રૅજેડીના વિષવના સ્વરૂપને અને એની કલાત્મક સંયોજનાને વ્યાપી વળે છે. એમાંયે ‘ગંભીર’ વિશેષણ સૌથી વિશેષ મહત્ત્વનું છે, કેમ કે એ ટ્રૅજેડીને કૉમેડીથી જુદી પાડી આપી આપણને ટ્રૅજેડીના અંતસ્તત્ત્વ સુધી લઈ જાય છે. આપણે ‘ગંભીર’ વિશેષણ વાપર્યું છે તે માટેનો ઍરિસ્ટૉટલનો શબ્દ તો છે spoudaios. (સ્પાઉડેઇઓસ). આ વિશેષણનો અર્થ સારી, ઉદાત્ત એટલે ગંભીર, પ્રભાવક, ઊંડા ભાવોથી યુક્ત એવો કંઈક થાય છે એ આપણે જોઈ ગયા છીએ. ટ્રૅજેડીની ક્રિયાને લગાવાયેલું આ વિશેષણ ટ્રૅજેડીને કૉમેડીથી જુદી પાડી આપે છે, કેમ કે કૉમેડીની ક્રિયા ‘સારી’ નહીં પણ ‘ખરાબ’ એટલે કે હળવા, તુચ્છ, હાસ્યાસ્પદ ભાવોથી યુક્ત હોય છે. ટ્રૅજેડી માણસોને તેઓ હોય છે તે કરતાં સારા નિરૂપે છે અને કૉમેડી માણસોને તેઓ હોય છે તે કરતાં ખરાબ નિરૂપે છે અથવા ટ્રૅજેડીમાં ઊંચી કોટિનાં પાત્રો હોય છે અને કૉમેડીમાં હલકી કોટિનાં – આવું-આવું ઍરિસ્ટૉટલ કહે છે ત્યારે એ ટ્રૅજેડી- કૉમેડી વચ્ચેના આ ભેદને જ પ્રગટ કરી રહ્યા હોય છે. આ બાબતમાં ઍરિસ્ટૉટલ એપિકને ટ્રૅજેડીની સાથે મૂકે છે અને સૅટાયરને કૉમેડીની સાથે. ટ્રૅજેડી અને એપિક માનવજીવનની ગંભીર બાજુને, એના ગંભીર પ્રશ્નોને રજૂ કરે છે; કૉમેડી અને સૅટાયર માનવજીવનની હળવી બાજુને, એની હાસ્યાસ્પદ બાબતોને રજૂ કરે છે. ટ્રૅજેડીની ગંભીરતાનો કંઈક વિશેષ ખ્યાલ ટ્રૅજેડી કયા પ્રકારના વસ્તુથી રચાય છે તે જાણવાથી આવશે. ટ્રૅજેડીના વસ્તુનું મૂળભૂત લક્ષણ એ છે કે એમાં ભાગ્યવિપર્યયનું આલેખન થયેલું હોય છે. રોજિંદા જીવનની સામાન્ય ઘટનાઓમાંથી ટ્રૅજેડી ન જન્મી શકે. પતિપત્ની વચ્ચે કોઈ કારણથી ઊંચાં મન થાય, એ થોડો સમય અબોલા લે અને અંતે કોઈ નિમિત્તથી એમની વચ્ચે સમાધાન થઈ જાય – આને ટ્રૅજિક વસ્તુ ન કહી શકાય. ટ્રૅજેડીમાં તો મહત્ત્વની ઘટનાઓ હોય અને માનવજીવનની ઊથલપાથલ હોય. ટ્રૅજેડી બે ઘડી મોજ ખાતર વાંચી શકાય નહીં, વાંચીને ઊંચી મૂકી દઈ શકાય નહીં. એ માનવજીવનની અકળ ગતિનું આપણને દર્શન કરાવે, જીવનનાં અણપ્રીછ્યાં રહસ્યોનો આપણને સાક્ષાત્કાર કરાવે, આપણી બુદ્ધિને મૂંઝવે અને આપણી કલ્પનાને ઉત્તેજે; આપણા ચિત્તને ગંભીર વિમર્શમાં ડુબાડી દે અને આપણા હૃદય પર ભાર કરે. ટ્રૅજેડીનું વસ્તુ વજનદાર હોય છે. ગંભીર, ઉદાત્ત, મહત્ત્વપૂર્ણ – આ બધાં વિશેષણો કંઈક વ્યાપક છે. કૉમેડીની ક્રિયાથી ટ્રૅજેડીની ક્રિયાને જુદી પાડવામાં અને ટ્રૅજેડીની ક્રિયાનો એક સામાન્ય ખ્યાલ આપવામાં એ કામ આવે, પરંતુ એથી ટ્રૅજેડીની ક્રિયાની વિશિષ્ટતાનો ચોક્કસ ખ્યાલ ન મળે, ટ્રૅજેડીની સમગ્ર સંકુલ છાપને સમજાવી ન શકાય. એ માટે તો, ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીની ક્રિયા માટે અને ટ્રૅજેડીની અસર માટે અવારનવાર વાપરે છે તેમ, ‘ટ્રેજિક’ વિશેષણ જ વાપરવું પડે, અને ‘ટ્રેજિક’ દ્વારા ઍરિસ્ટૉટલને શું અભિપ્રેત છે એનું પૃથક્કરણ કરવું પડે. ટ્રેજિક એટલે કરુણ એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ અને એ કંઈ સાવ ખોટો તો નથી. વ્યથાના દૃશ્યને ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીના વસ્તુવિધાનનાં ત્રણ આવશ્યક અંગો માંહેનું એક ગણે છે. વ્યથાનું દૃશ્ય એટલે વિનાશક કે પીડાકારક કૃત્ય થતું બતાવવું તે – જેમ કે, કોઈનું મૃત્યુ થાય, કોઈ શારીરિક દર્દથી પીડાય, કોઈને ઘા પડે વગેરે. આવી સ્થૂળ વ્યથાનો આગ્રહ આજે આપણે ન રાખીએ, પણ ગ્રીક ટ્રૅજેડીમાં આવાં દૃશ્યો લગભગ આવતાં. આમ છતાં, ઍરિસ્ટૉટલ આવી વ્યથાની તલવાર લટકતી હોય, એ પડે નહીં અને ઊલટાનું, એ છેલ્લે છેલ્લે ઊંચકાઈ પણ જાય એ જાતની પરિસ્થિતિને પણ ટ્રેજિક ગણાવવા તૈયાર છે. ‘ઇફિજિનિઆ’માં બહેન અજાણપણે ભાઈની હત્યાની તૈયારીઓ કરે છે અને અંતે ભાઈની ઓળખાણ થતાં એને બચાવી લે છે. સામાન્ય રીતે ટ્રૅજેડીના કરુણ અંત માટે પક્ષપાત બતાવનાર ઍરિસ્ટૉટલ અહીં સુખી અંતને પણ પસંદ કરે છે એ બતાવે છે કે ટ્રૅજિક બનાવ કરતાં ટ્રૅજિક પરિસ્થિતિ વધારે મહત્ત્વની છે. એક વાત સ્પષ્ટ છે કે અસાધારણ ભારે વિપત્તિમાં આવી પડેલી, આ પાર કે પેલે પાર એવી કટોકટીભરી પરિસ્થિતિમાં મુકાયેલી માનવવ્યક્તિઓનું ટ્રૅજેડી આપણને દર્શન કરાવે છે અને એમાંથી જન્મતા કરુણનો અનુભવ લઈને આપણે ઊભા થઈએ છીએ. ટ્રૅજિક એટલે આવો ઘેરો કરુણરસ. પણ છતાં ટ્રૅજિક એટલે કરુણ, માત્ર કરુણ, નર્યો કરુણ એવી સમજ ઍરિસ્ટૉટલની વિચારણાને ન્યાય કરતી નથી; કારણ કે આપણે તો કોઈ પણ દુઃખકારક કે પીડાકારક પરિસ્થિતિને કરુણ પરિસ્થિતિ તરીકે ઓળખાવીએ છીએ. ઍરિસ્ટૉટલ અમુક પ્રકારની કરુણ પરિસ્થિતિઓને જ લાક્ષણિક ટ્રૅજિક પરિસ્થિતિ તરીકે સ્વીકારે છે. ટ્રૅજિક તત્ત્વની ઍરિસ્ટૉટલની વિભાવના અત્યંત વિશિષ્ટ છે. આ વિશિષ્ટ વિભાવનાને સમજવી કેવી રીતે? એ સમજવા માટે ચાવીરૂપ શબ્દો છે – કરુણા અને ભય. ઍરિસ્ટૉટલ વારેવારે કહે છે કે ગમે તેવી ક્રિયાથી કે ગમે તેવા બનાવોથી ટ્રૅજેડી બનતી નથી, પણ કરુણા અથવા ભય જગાવતી ક્રિયા કે એવા બનાવોથી જ ટ્રૅજેડી બને છે.૩૧ ટ્રૅજેડીની વ્યાખ્યામાં કૅથાર્સિસની વાત કરતી વેળા પણ એમણે કરુણા અને ભયની લાગણીઓનો જ ઉલ્લેખ કર્યો છે એ અહીં યાદ કરવાની જરૂર છે. આનો અર્થ એ છે કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ કરુણા અને ભયની લાગણીઓ ટ્રૅજિક અનુભવનાં મુખ્ય ઘટક છે. આ કરુણા અને ભય શું છે? ખરેખરી ટ્રેજિક અસરને ઓળખવા માટે ઍરિસ્ટૉટલનાં કરુણા અને ભયને સમજી લેવાં જરૂરી છે. ઍરિસ્ટૉટલ કહે છે કે આ બન્ને પીડાના પ્રકારો છે. ધ્યાન રાખજો – બન્ને; માત્ર ભય નહીં, કરુણા પણ. કરુણા એટલે દુઃખી માણસ પ્રત્યેનો માત્ર દયાભાવ નહીં, એના દુઃખે આપણે પણ દુઃખી થવું. તો બીજાના દુઃખે આપણે ક્યારે દુઃખી થઈએ? એવું દુઃખ આપણા પર આવી પડે એમ આપણને લાગતું હોય ત્યારે. હવે ઍરિસ્ટૉટલ ‘રેટરિક’માં કરુણાની વ્યાખ્યા કઈ રીતે આપે છે તે જુઓ : કરુણા એક જાતની પીડા છે, જે કોઈ માણસ પર વિનાશક કે પીડાકારક અનિષ્ટ ઝઝૂમતું જોઈને આપણને થાય છે; એ માણસ એ અનિષ્ટને પાત્ર હોતો નથી, અને અનિષ્ટ એવું હોય કે જે આપણા પર કે આપણા કોઈ મિત્ર પર, અને તે પણ નજીકના જ સમયમાં, આવી પડે એમ આપણને લાગે.૩૨ આના પરથી સમજાશે કે ઍરિસ્ટૉટલ કરુણા માટે જે પરિસ્થિતિ કલ્પે છે તે કંઈક સર્વસામાન્ય હોય છે અને એમાં ભલે વાસ્તવિક આપત્તિ બીજાની હોય, માણસ પોતે પણ માનસિક રીતે સંડોવાયેલો હોય છે અને તેથી જ કરુણા એ પીડાનો એક અનુભવ બની રહે છે. હવે ઍરિસ્ટૉટલે ‘રેટરિક’માં આપેલી ભયની વ્યાખ્યા જુઓ : ભય એક જાતની પીડા કે ક્ષોભ છે, જે કોઈ વિનાશક કે પીડાકારક અનિષ્ટ (આપણા પર) ઝઝૂમતું હોવાના ખ્યાલમાંથી જન્મે છે.૩૩ આ વ્યાખ્યાઓ પરથી એક વાત તરત દેખાઈ આવશે કે ઍરિસ્ટૉટલનાં કરુણા અને ભય કેટલાબધા નજીકના ભાવો છે! ઍરિસ્ટૉટલ પોતે જ બન્ને વચ્ચેનો સંબંધ બતાવે છે કે જે કંઈ બીજાઓ પર આવી પડે કે આવી પડતું લાગે ત્યારે આપણને કરુણાનો ભાવ થાય, તે જ્યારે આપણા પર આવી પડે કે આવી પડતું લાગે ત્યારે ભયનો ભાવ થાય.૩૪ ખરેખર તો કરુણા અને ભય વચ્ચે અહીં બતાવ્યો છે એથીયે ઓછો ભેદ છે, કેમ કે ઍરિસ્ટૉટલ કરુણાના ભાવમાં પણ એ અનિષ્ટ આપણા પર કે આપણા મિત્ર પર આવી પડે એવા સંભવની કલ્પના જરૂરી માને છે. એ રીતે કરુણાના ભાવમાં પણ ભયની છાયા હોય છે જ એમ કહી શકાય. ભય અને કરુણા વચ્ચેની ભેદરેખા, આમ, બહુ સાંકડી બની જાય છે. કરુણા ક્યારે ભયમાં પલટાઈ જાવ એ કંઈ કહેવાય નહીં. આપત્તિનો ભોગ બનેલ માણસ આપણો એટલો નિકટનો સંબંધી હોય કે એની આપત્તિ આપણને આપણી આપત્તિ લાગે તો, ઍરિસ્ટૉટલ જ કહે છે કે, કરુણા ભયમાં પલટાઈ જાય.૩૫ કરુણા અને ભય એટલાબધા સંબદ્ધ ભાવો છે કે ઍરિસ્ટૉટલને મતે જ ભયનો ભાવ ન અનુભવી શકે તે કરુણાનો પણ ન અનુભવી શકે.૩૬ આ તો વ્યવહારમાં ભય અને કરુણાના અનુભવની વાત થઈ. નાટકનું શું? ત્યાં તો પરિસ્થિતિ જુદી જ હોય છે. ત્યાં કોઈ આપત્તિ વાસ્તવિક રીતે આપણા પર આવી પડવાપણું હોતું નથી. તો પછી ભયનો ભાવ ત્યાં કેવી રીતે થાય? ઍરિસ્ટૉટલને પોતાનાં કરુણા અને ભયને નાટકના સંદર્ભમાં સહેજ જુદી રીતે ગોઠવવાં પડે છે. ‘પોએટિક્સ’માં ઍરિસ્ટૉટલ કરુણા અને ભયની વ્યાખ્યા આપે છે તે જુઓ : કરુણા જન્મે છે કોઈ માણસ ઉપર એ પાત્ર ન હોય એવી આપત્તિ આવી પડવાથી; ભય જન્મે છે આપણા જેવા માણસ પર આપત્તિ આવી પડવાથી. ધ્યાન રાખજો, ‘આપણા પર’ કે ‘આપણા મિત્ર પર’ નહીં. ‘આપણા જેવા માણસ પર’, આ ‘આપણા જેવા’ એટલે શું? લાગે છે કે, સર્વસામાન્ય માનવીયતાના સહભાગી, આપણી જેમ પડતા, આખડતા, ઊભા થતા, રાગદ્વેષ અનુભવતા. જે પરિસ્થિતિમાં એ જે રીતે વર્તે તે પરિસ્થિતિમાં તે રીતે લગભગ આપણે પણ વર્તીએ કે સૌ કોઈ વર્તે. એમની સાથે આપણે તદ્રૂપ થઈ શકીએ, એમના ભાવિમાં આપણું ભાવિ આપણે જોઈ શકીએ. તો જ આપણે ભયનો ભાવ અનુભવી શકીએને? નાટકના અનુભવમાં કરુણા અને ભયના ભાવ એકબીજાની વધુ નજીક આવી જાય છે. કદાચ આ કારણે જ, ઍરિસ્ટૉટલ ઘણી વાર ભય અથવા કરુણા, ભયજનક અથવા કરુણાસ્પદ એવા વૈકલ્પિક શબ્દપ્રયોગ કરે છે.૩૭ મહત્ત્વની વાત આટલી જ છે કે ભય અને કરુણાના કોઈક વિલક્ષણ મિશ્રણ રૂપે ટ્રૅજિક અસર જન્મે છે. ભય અને કરુણાના આવા વિલક્ષણ ભાવો માત્ર વિપત્તિનાં દર્શનથી જાગતા નથી. એને માટે ખાસ પરિસ્થિતિ કે ઘટનાવિધાન જોઈએ. ઍરિસ્ટૉટલ જુદીજુદી પરિસ્થિતિઓનો વિચાર કરી એમાંથી ભય અને કરુણા જગાવવા માટે સૌથી વધુ યોગ્ય પરિસ્થિતિની પસંદગી કરે છે ત્યાં ટ્રૅજિક તત્ત્વની ઍરિસ્ટૉટલની વિભાવના કંઈક સ્પષ્ટ, નક્કર આકાર ધરતી લાગે છે. આપણે જોયેલું કે ટ્રૅજેડી એ ભાગ્યવિપર્યયનું નાટક છે. આ ભાગ્યવિપર્યવ ચારેક રીતે સંભવી શકે : (૧) સારો માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. (૨) ખરાબ માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. (૩) સારો માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે. (૪) ખરાબ માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે. આમાંથી પહેલા પ્રકારનો ઍરિસ્ટૉટલ વિચાર સુધ્ધાં કરતા નથી અને એ સમજાય એવું છે, કેમ કે માણસ સારો હોય અને એ મુશ્કેલીઓ વટાવીને સુખી બને તો એમાં આપણે દુઃખ પામવા જેવું કશું નથી. ઊલટાનું, એ એક આદર્શ સંતોષજનક ઇષ્ટ પરિણામ કહેવાય. એમાં સારા માણસને આપત્તિનો સામનો કરવાનો આવતો હોય તોયે નાટકનું લક્ષ્ય અને ગતિ એને સંપન્નાવસ્થાએ પહોંચાડવા તરફ હોય તો એથી, નાટકમાં કરુણતાના અવસરો આવતા હોય તોપણ, તે ‘ટ્રૅજિક’ બનતું નથી; આપણામાં ભય અને કરુણા જગાડવા માટે પૂરતી સામગ્રી એમાં નથી. (ઍરિસ્ટૉટલનો કરુણ અંત માટેનો પક્ષપાત ધ્યાનમાં રાખીએ તો તો એ વિકલ્પ આપોઆપ ઊડી જાય છે.) બીજા પ્રકારમાં કંઈક અજુગતું તો બને છે, પણ ઍરિસ્ટૉટલ સાચું કહે છે કે, એમાં કશુંયે ટ્રૅજિક નથી; એ જાતની પરિસ્થિતિ આપણી નૈતિક ભાવનાને સંતોષતી નથી તેમ ભય કે કરુણાની લાગણી જગાડતી નથી. ઊલટાનું, એ બુચર સૂચવે છે તેમ, આપણામાં પુણ્યપ્રકોપનો ભાવ જગાડે. (ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ૩૦૩-૦૪) આમેય સુખાન્ત ભાગ્યવિપર્યય એ ટ્રૅજેડી માટે બહુ યોગ્ય પ્રકારનો ભાગ્યવિપર્યય નથી. પણ ઍરિસ્ટૉટલ ત્રીજા અને ચોથા પ્રકાર જેમાં અંત કરુણ છે તેમને પણ ટ્રૅજેડી માટેની સમુચિત પરિસ્થિતિ તરીકે સ્વીકારતા નથી એમ આપણે જાણીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય. પણ અહીં જ ઍરિસ્ટૉટલની ટ્રૅજિક તત્ત્વની વિશિષ્ટ વિભાવના રહેલી છે. ખરાબ માણસના પતન વિશે ઍરિસ્ટૉટલ કહે છે કે એથી આપણી ન્યાયભાવના સંતોષાય છે, પણ ભય કે કરુણાનો ભાવ જન્મતો નથી. અહીં આપણને શેક્સ્પિઅરનાં મેકબેથ જેવાં પાત્રો યાદ આવે, જેમને સજ્જન તરીકે બહુ ઓળખાવી શકાય તેમ નથી, છતાં જેમનાં પતન અને વિનાશ ટ્રૅજિક લાગણી જન્માવી શકે છે. પણ આપણે ભૂલવું ન જોઈએ કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ આવા માણસો ખરેખર ‘ખરાબ’ ન કહેવાય. પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવનાર માણસ પણ ‘સારો’ માણસ. આપણને પ્રભાવિત કરે એવું કંઈ પણ એનામાં હોય તો એટલે અંશે એ ‘સારો’ માણસ બની જાય. એટલે જ તો ઍરિસ્ટૉટલ અહીં માત્ર ‘ખરાબ માણસ’ એમ કહેવાને બદલે ‘સંપૂર્ણપણે ખરાબ માણસ’ એમ કહે છે. સંપૂર્ણ ખરાબ એટલે તુચ્છ, સામાન્ય, નગણ્ય. આવા માણસના ભાગ્ય જોડે આપણે આપણું ભાગ્ય જોડી શકીએ નહીં. એટલે ભયનો ભાવ ન થાય; અને એ માણસ જે અવદશાને પામે છે એને એ પાત્ર હોય છે તેથી આપણને કરુણા પણ ન થાય. આમ, સંપૂર્ણપણે ખરાબ માણસનું પતન પણ ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ ટ્રૅજિક નથીઃ એથી આપણું હૃદય થોડું આર્દ્ર બને કે આપણને ખિન્નતા થાય એ જુદી વસ્તુ છે. આ તો સમજાય એવું છે, કરુણા અને ભયના ઍરિસ્ટૉટલના સિદ્ધાંત સાથે બંધ બેસે એવું છે. પણ સારો માણસ વિપત્તિનો ભોગ બને એનેયે ઍરિસ્ટૉટલ લાક્ષણિક ટ્રૅજિક પરિસ્થિતિ તરીકે સ્વીકારતા નથી તે શા માટે? ત્યાં કરુણ પરિણામ છે; માણસ સારો હોઈ વિપત્તિને પાત્ર નથી, તેથી કરુણાનો ભાવ જાગી શકે છે; સારા માણસ સાથે આપણે તાદાત્મ્ય અનુભવી શકીએ તેથી ભયનો ભાવ જાગવાની સામગ્રી પણ ત્યાં છે. છતાં ઍરિસ્ટૉટલ આને પણ લાક્ષણિક ટ્રૅજિક પરિસ્થિતિ તરીકે સ્વીકારતા નથી એ હકીકત છે. ઍરિસ્ટૉટલનો ખુલાસો આટલો જ છે – સારો માણસ આપત્તિનો ભોગ બને એથી ભય કે કરુણા જન્મતાં નથી. એ આપણને આઘાત લગાડે છે. એક વાત અહીં ખ્યાલમાં રાખવી જોઈએ. ઍરિસ્ટૉટલે અહીં એવા શબ્દો નથી વાપર્યા છતાં અહીં ‘સારો માણસ’ એટલે ‘સંપૂર્ણપણે સારો માણસ’ સમજવાનો છે. એ અત્યંત ન્યાય અને વિવેકપૂર્વક વર્તનારો હોય, અસ્ખલનશીલ હોય, વિપત્તિને અવકાશ આપે એવું કશું એને હાથે થાય નહીં. આવા માણસ પર વિપત્તિપરંપરા ખડકવાથી આપણને શી લાગણી થાય? ઍરિસ્ટૉટલ કહે છે – આઘાતની. આપણી ન્યાયબુદ્ધિને – વિવેકબુદ્ધિને આઘાત લાગે, આપણા ચિત્તતંત્રને એવો પ્રહાર થાય કે એ મૂઢ થઈ જાય, એમાં ભય અને કરુણા જેવી સૂક્ષ્મ લાગણીઓને અવકાશ ન રહે. ચિત્તતંત્રને ઘેરી વળનાર, એને બધિર બનાવી નાખનાર આઘાતની લાગણીથી ટ્રૅજિક લાગણીને ઍરિસ્ટૉટલ જુદી પાડે છે એ ખૂબ મહત્ત્વનું છે. તો પછી કેવા પ્રકારનો ભાગ્યવિપર્યય, ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ, આપણને લાક્ષણિક ટ્રૅજિક અનુભવ કરાવી શકે? કરુણા અને ભયની લાગણીઓ આપણામાં જગાવી શકે? ઍરિસ્ટૉટલ છેલ્લા બે પ્રકારોમાંથી વચલો માર્ગ ખોળે છે. એ કહે છે કે આપત્તિનો ભોગ બનનાર માણસ સારો હોય, પણ અત્યંત સારો ન હોય; એનામાં કંઈક સામાન્ય અંશ હોય પણ એ અત્યંત સામાન્ય ન હોય. એ ઊંચા કુળનો હોય, કીર્તિમંત હોય, સમૃદ્ધિવંત હોય. ટ્રૅજેડીની ભવ્ય, ગંભીર, ઉદાત્ત અસર માટે આ જરૂરી છે. પણ એ એટલોબધો સારો કે વિવેકપૂર્વક વર્તનાર ન હોય કે એ કશી ભૂલ ન કરે કે કોઈ ભૂલનો ભોગ ન બને. હકીકતમાં કોઈક ભૂલને કારણે જ એ આપત્તિનો ભોગ બને અને છતાં આ આપત્તિને એ યોગ્ય છે એવું તો આપણને ન લાગે. આમ સારા માણસ પર, એ પાત્ર ન હોય એવી આપત્તિ આવી પડવાથી, આપણે કરુણાનો ભાવ અનુભવીએ; અને એ કોઈક અનિવાર્ય ભૂલનો ભોગ બનતો હોય તેથી માનવબુદ્ધિની મર્યાદા આપણને એનામાં દેખાય, એ આપણા જેવો આપણને લાગે, આપણે પણ આવી રીતે ભૂલનો ભોગ બની શકીએ એમ આપણને થાય. અને આપણે ભયનો ભાવ અનુભવીએ. કરુણા અને ભયની લાક્ષણિક ટ્રૅજિક લાગણીઓ જગાવવા માટે આ જાતની પરિસ્થિતિ ઍરિસ્ટૉટલને મતે સર્વોત્તમ છે. માણસ પોતે પાત્ર ન હોય એવી આપત્તિનો ભોગ બને અને છતાં જે કંઈ બને તે અનિવાર્ય હોય એવું શી રીતે સંભવે? આનો જવાબ ઍરિસ્ટૉટલની ટ્રૅજિક ‘ભૂલ’ની વિભાવનામાં રહેલો છે. આ ભૂલ તે કોઈ ચારિત્ર્યદોષ કે નૈતિક સ્ખલન નથી, જેથી માણસનું પતન આપણને વાજબી લાગે. આ ભૂલ માટેનો ઍરિસ્ટૉટલનો જે શબ્દ છે – ‘હેમર્શિયા’ – તેનો વ્યુત્પત્તિજન્ય અર્થ છે માણસ તીરકામઠાંનો ઉપયોગ કરે અને નિશાન ચૂકી જાય તે. આમાં કાર્યદક્ષતાનો અભાવ છે. પણ માણસના ચરિત્રમાં જ કંઈક ખામી છે એવો એનો અર્થ થતો નથી. વળી, એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ‘હેમર્શિયા’ શબ્દ કોઈક વાસ્તવિક કૃત્ય સૂચવે છે, માનસબંધારણની કોઈ વિશિષ્ટતાનો એ નિર્દેશ કરતો નથી. ‘હેમર્શિયા’ એટલે અજ્ઞાનજન્ય ભૂલભરેલું કૃત્ય.૩૮ ઈડિપસ પોતે પિતાને મારશે અને માતાને પરણશે એવી પોતાના વિશેની ભવિષ્યવાણીથી બચવા કૉરિન્થ છોડે છે. રસ્તામાં મળેલા માણસ સાથે એને ઝઘડો થાય છે અને એ એની હત્યા કરે છે. આમાં એનો કોઈ ચારિત્ર્યદોષ કે બુદ્ધિદોષ પણ નથી પણ અજ્ઞાનથી ભરેલું આ પગલું એને વિનાશ તરફ દોરી જાય છે. એને ખબર નથી કે જેની એણે હત્યા કરી એ એનો ખરો પિતા હતો, એને ખબર નથી કે જે નગરમાં એ પ્રવેશે છે અને જ્યાં એ પોતે રાજા બને છે ત્યાંનો રાજા એ જ માણસ હતો. એને ખબર નથી કે રાજા બનીને જે વિધવા રાણીને એ પરણે છે એ એની માતા જ છે. જે કંઈ બને છે તે બનવું જોઈએ એમ જ બને છે અને છતાં ઈડિપસે ઇરાદાપૂર્વક કંઈ ખરાબ કર્યું હોય એમ આપણે કહી શકીશું નહીં. તોપણ આ બધાનાં પરિણામો તો એણે ભોગવવાં પડે છે. આનું નામ જ ટ્રૅજેડી! આજે આપણે મૅકબેથ કે લિઅરમાં ચારિત્ર્યદોષ જોઈએ છીએ અને એ ચારિત્ર્યદોષને કારણે જ એમની અવદશા થાય છે એમ આપણે માનીએ છીએ; એ અવદશા એમના સ્ખલનના પ્રમાણમાં ઘણી ભારે હોય છે તેથી આપણે ટ્રૅજિક લાગણી અનુભવીએ છીએ એમ આપણે કહીએ છીએ – આ બધો ઍરિસ્ટૉટલની ટ્રૅજેડીની વિભાવનાનો વિકાસ છે. ઇષ્ટ વિકાસ છે, કેમ કે પછીની – ખાસ કરીને શેક્સ્પિઅરની ટ્રૅજેડીઓને સમજવા એ ખૂબ જરૂરી હતો. પણ ઍરિસ્ટૉટલને આવો કોઈ મનોવૈજ્ઞાનિક રસ હોય એવું લાગતું નથી. ઍરિસ્ટૉટલ તો નાટકમાંના કોઈ વાસ્તવિક કૃત્ય પર આંગળી મૂકી કહે કે ટ્રૅજિક વિનાશનું આ મૂળ છે; એ કૃત્ય પાછળ કોઈ ચારિત્ર્યદોષ કામ કરતો હોય કે ન હોય એને એ મહત્ત્વ ન આપે. ઊંચી કોટિના માણસોની વિપત્તિ; એ વિપત્તિ પણ સામાન્ય પ્રકારની નહીં. જીવનમરણના સવાલો ઊભા કરતી વિપત્તિ; એ વિપત્તિને એ માણસો લાયક ન હોય; છતાં એ વિપત્તિ આણવામાં એમણે અજ્ઞાતપણે ફાળો આપ્યો જ હોય, વિપત્તિ જે રીતે આવે એ રીતે અનિવાર્ય લાગે – ઍરિસ્ટૉટલની ભયકરુણાની બનેલી ટ્રૅજિક લાગણી કેટકેટલી અપેક્ષાઓ રાખે છે! ખરી વાત એ છે કે આ કાંઈ સામાન્ય ભયકરુણા નથી, નર્યાં ભયકરુણા નથી, એમાં બીજા ઘણા ભાવોનો સંભાર ઍરિસ્ટૉટલે ભરેલો છે. જેમ કે વિસ્મયનો ભાવ, માનવબુદ્ધિની અલ્પતાનો ભાવ, વિધિવક્રતાનો ભાવ. આ બધાંનો સંમિલિત અનુભવ તે ટ્રૅજિક અનુભવ. ભય અને કરુણા એ શબ્દોથી છેતરાઈ જવાની જરૂર નથીઃ તો ઍરિસ્ટૉટલનો લાક્ષણિક ટ્રૅજિક અનુભવ આપણી પકડમાં નહીં આવે. ભય અને કરુણાની પાછળ, એની આજુબાજુ શું રહેલું છે એ પણ આપણે તપાસવું પડશે. ઍરિસ્ટૉટલના ટ્રૅજિક અનુભવમાં વિસ્મયના અને વિધિવક્રતાના ભાવો સમાવિષ્ટ છે એ વાત ઍરિસ્ટૉટલની એક બીજી ચર્ચાથી અત્યંત સ્પષ્ટ થાય છે. ઍરિસ્ટૉટલ ટ્રૅજિક વસ્તુવિધાનનાં ત્રણ અંગો ગણાવે છે – એક, વ્યથાનું દૃશ્ય, જેની વાત આપણે કરી ગયા છીએ. બીજાં બે તે પરિણામવિપર્યય અને અભિજ્ઞાન, સાદા વસ્તુવિધાનવાળી ટ્રૅજેડીમાં આ બે ન હોય, પણ સંકુલ વસ્તુવિધાનવાળી ટ્રૅજેડીમાં આ બંને જરૂરી છે, અને ઍરિસ્ટૉટલનો પક્ષપાત સંકુલ વસ્તુવિધાનવાળી ટ્રૅજેડી માટે છે. આ પરિણામવિપર્યય અને અભિજ્ઞાન શું છે? પરિણામવિપર્યય એટલે માણસ કરવા જાય કંઈક અને બની જાય બીજું જ કંઈક. ઈડિપસ શું કરવા ગયો અને શું થઈ ગયું? જેનાથી બચવા ગયો એ જ આવી પડ્યું. પેલો દૂત ઈડિપસને ચિંતામુક્ત કરવા આવે છે – રાજા પૉલિબિઅસ અને રાણી મેરપી (જ્યાં ઈડિપસ ઊછર્યો હતો તે) તમારાં ખરાં માતાપિતા નથી, તમે નકામા ભવિષ્યવાણીનો ડર રાખી એમનાથી દૂર ભાગો છો. પણ એ દૂતના આ સમાચારનું પરિણામ શું આવે છે? ઈડિપસને જાણ થાય છે કે જેની એણે હત્યા કરી હતી તે સજા લાઇઅસ તેનો પિતા હતો અને જેને એ પરણ્યો છે તે રાણી જોકૅસ્ટા જ એની માતા છે. દૂત અણધારી રીતે, ધાર્યા કરતાં ઊલટી રીતે જ. ઈડિપસને ભારે સંતાપની અને વિનાશની દશાએ પહોંચાડે છે. આ પરિણામવિપર્યયના મૂળમાં ટ્રૅજિક ભૂલ રહેલી હોય છે એ તરત સમજાય એવું છે. અભિજ્ઞાન એટલે ખરી હકીકત કે સ્થિતિનું ભાન થવું તે. ઈડિપસને પોતે શું કર્યું છે તેનું ભાન થાય છે તે અભિજ્ઞાન કહેવાય. અભિજ્ઞાનના ઘણા પ્રકારો હોય છે, પરંતુ ઍરિસ્ટૉટલ પરિણામવિપર્યય સાથે જોડાયેલા આ જાતના અભિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપે છે. પરિણામ નીપજી ચૂક્યા પછી ભૂલનું ભાન થાય એની કરુણતા કેટલી વેધક નીવડે છે! ઍરિસ્ટૉટલ જેને પરિણામવિપર્યય અને અભિજ્ઞાન તરીકે ઓળખાવે છે એને આજે આપણે પરિસ્થિતિની કે વિધિની વક્રતા કહીએ, અને આ વક્રતા વધારે વેધક એ કારણે બને છે કે બનાવો સંભવિતતાના કે આવશ્યકતાના નિયમ અનુસાર બનેલા હોય છે. ઍરિસ્ટૉટલ પોતે જ કહે છે કે ટ્રૅજિક અસર સૌથી સુંદર રીતે ઊભી થાય છે જ્યારે બનાવો અણધારી રીતે આવી પડે ત્યારે; અને તેમાંયે જો એ બનાવો પાછા કાર્યકારણના નિયમને અનુસરતા હોય તો તો ટ્રૅજિક અસર પરાકાષ્ઠાએ પહોંચે છે. આ પરિણામવિપર્યય અને અભિજ્ઞાનનું ઍરિસ્ટૉટલ કેટલું મહત્ત્વ કરે છે એ પણ જોવા જેવું છે. એ કહે છે કે ટ્રૅજેડીમાં આપણા હૃદયને હરનાર આ બે સૌથી સબળ અંશો છે. આમ, વૈચિત્ર્ય કે વક્રતામાંથી જન્મતો વિસ્મયનો ભાવ પણ ટ્રૅજિક લાગણીનું એક મહત્ત્વનું ઘટક છે. કરુણા, ભય, વિસ્મય, અને છેલ્લે, જીવનવૈષમ્યના ભાનમાંથી જન્મતો ઘેરો વિષાદ. ઍરિસ્ટૉટલ કહે છે કે દુશ્મન દુશ્મનને મારે કે મારવા તૈયાર થાય એમાં કશુંયે કરુણાસ્પદ નથી – સિવાય કે વ્યથા પોતે જ કરુણાસ્પદ છે. એ જ રીતે જેમને એકબીજા સાથે કંઈ લાગતું વળગતું નથી એમની વચ્ચેનો આવો બનાવ પણ કરુણાસ્પદ નથી. ખરેખરો ટ્રૅજિક બનાવ તો એ કહેવાય કે જે પ્રિયજનો વચ્ચે બને – ભાઈ ભાઈને મારે કે મારવા તૈયાર થાય, પુત્ર પિતાને કે માતા પુત્રને મારે કે મારવા તૈયાર થાય. ઍરિસ્ટૉટલ ટ્રૅજેડી માટે આવા લોહીના સંબંધો આવશ્યક ગણે છે તે બતાવે છે કે ટ્રૅજેડીનો કરુણ માનવસંબંધની ક્રૂર વિષમતા પર આધારિત છે. જે સંબંધમાં ઉદાત્તતાનો સંભવ છે ત્યાં જ લોહી રેડાતું આપણે જોઈએ છીએ. ઉદાત્ત સંબંધનો કેવો કરુણ વિપર્યાસ! આપણું હૃદય એક પ્રકારના ગંભીર વિષાદથી છવાઈ જાય છે. ઍરિસ્ટૉટલે કલ્પેલો ટ્રૅજિક અનુભવ કેટલોબધો વિશિષ્ટ છે એનો ખ્યાલ હવે આવ્યો હશે. કરુણા અને ભય – એ બેને જ એ ટ્રૅજિક લાગણીઓ તરીકે ઉલ્લેખે છે, પણ એ બે શબ્દોમાં એમણે કેટલોબધો અર્થસંભાર ભરેલો છે! એ બે લાગણીઓની સાથેસાથે, એની પાછળપાછળ કેટલું બીજું આવી ચડે છે! ઍબરક્રૉમ્બી એવી ફરિયાદ કરે છે કે ઍરિસ્ટૉટલે પ્રેમ અને આદરના ભાવો ગણનામાં લીધા નથી. ઍરિસ્ટૉટલે ટ્રૅજેડીનું કાર્ય ભય અને કરુણાના ભાવો જગાવવાનું માન્યું છે એની સાથેસાથે પ્રેમ અને આદરના ભાવો જગાવવાનું પણ માન્યું હોત તો એના સિદ્ધાંતમાં રહી ગયેલી ક્ષતિઓ નિવારી શકાઈ હોત એમ પણ તેઓ સૂચવે છે. (પ્રિન્સિપલ્ઝ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ, પૃ. ૧૧૪.) પણ ઍબરક્રૉમ્બી ભૂલી જાય છે કે કરુણા અને ભયના પાયામાં પ્રેમ અને આદર પડેલાં જ હોય છે. આપણા પ્રેમાદરના પાત્ર થઈ શકે એવા લોકોની વિપત્તિ જ આપણામાં ભય અને કરુણા પ્રેરી શકે એમ ઍરિસ્ટૉટલે ટ્રૅજેડીનાં પાત્રો સારાં, ઊંચી કોટિનાં, કીર્તિમંત હોય છે એમ કહીને સૂચવી દીધું છે. ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીમાં અનુભવવા મળતા બધા ભાવો ગણાવવા બેઠા નથી. એ તો ટ્રૅજેડીની સંવેદના વર્ણવવા બેઠા છે અને એમને કરુણા અને ભયનું રસાયણ એનો લાક્ષણિક વિશિષ્ટ અંશ લાગ્યો છે. એ કરુણા અને ભયને ઍરિસ્ટૉટલના સંદર્ભથી છૂટાં પાડીને જોવાથી ઍરિસ્ટૉટલને અન્યાય થાય. એ દ્વારા એમને ટ્રૅજેડીની કેવી સંકુલ અસર અભિપ્રેત છે તે જોવું જોઈએ. આમ જોઈએ ત્યારે આપણને સમજાય છે કે ટ્રૅજેડીના મૂળમાં હોય છે ઉદાત્ત માનવસંબંધનો કરુણ વિપર્યાસ. આ કરુણ વિપર્યાસનો ભોગ બને છે સારા, ઊંચી કોટિના, પ્રભાવશાળી મનુષ્યો. એ વિપર્યાસના હાથા બને છે એ માણસો પોતે જ, પણ અજાણતાં. આમાંથી ફલિત થાય છે માનવબુદ્ધિની અલ્પતા. એમાં ભાગ ભજવે છે વિધિની કોઈ અગમ્ય વક્રતા. આ બધી સામગ્રી આપણને ભીની કરુણા, સૂક્ષ્મ ભય, ઊંડા વિસ્મય અને ઘેરા વિષાદની એક સંકુલ કલાત્મક અનુભૂતિ અર્પે છે અને આપણને ગંભીર વિમર્શમાં ડુબાડી દે છે. આ જ ખરું ટ્રૅજિક તત્ત્વ. આ મૂળભૂત ટ્રૅજિક તત્ત્વની આજુબાજુ ઍરિસ્ટૉટલમાં સમસામયિક આકસ્મિક અંશો ગૂંથાયેલા દેખાશે, પરંતુ ટ્રૅજેડીનું આ હાર્દ આપણે સમજી લઈએ અને એનો વ્યાપક દૃષ્ટિથી, અહીંતહીં થોડા અર્થવિસ્તારથી, વિનિયોગ કરી શકીએ તો એ હજુયે માર્ગદર્શક બની શકશે. હકીકતે ટ્રૅજેડીની વિભાવનાનો વિકાસ પછીથી આ રીતે જ થતો રહ્યો છે અને એ વિકાસને પકડવા સારુ આ મૂલનું ગ્રહણ આવશ્યક છે. ૧ : ૧ : ૨ અહીં સુધીની ચર્ચા તે ઍરિસ્ટૉટલે કરેલી ટ્રૅજેડીના વસ્તુવિધાનની ચર્ચા છે. ટ્રૅજેડીના વિષયનાં બીજાં બે અંગ – ચરિત્ર અને બુદ્ધિવ્યાપાર વિશે ઍરિસ્ટૉટલને શું કહેવાનું છે? બુદ્ધિવ્યાપારમાં ઍરિસ્ટૉટલ ઉક્તિથી ઊપજતી સર્વ અસરોને સમાવે છે. ધારી અસર ઉપજાવે એવી વક્તાની ઉક્તિઓ હોવી જોઈએ – એ સિવાય ભાગ્યે જ કશું ઍરિસ્ટૉટલને કહેવાનું જણાય છે. અને આ વિષય માટે એ ‘રેટરિક’નો હવાલો આપી છૂટી જાય છે. ટ્રૅજેડીના ચરિત્રવિધાન માટે પણ ઍરિસ્ટૉટલને બહુ ઝાઝું કહેવાનું નથી. સંક્ષેપમાં એ ચાર મુદ્દા રજૂ કરે છે : ટ્રૅજેડીનું ચરિત્રવિધાન સારું (ગુડ), યુક્ત (અપ્રોપ્રિએટ), જીવનને વફાદાર (ટ્રુ ટુ લાઇફ) અને સુસંગત (કન્સિસ્ટન્ટ), હોવું જોઈએ. સુસંગતતાનું ધોરણ ઍરિસ્ટૉટલના એકાત્મક આકૃતિવિધાનના ધોરણ સાથે સંબંધ ધરાવે છે અને એની વીગતે ચર્ચા આપણે કરી ગયા છીએ. બધા કાવ્યપ્રકારોને એ ધોરણ લાગુ પડી શકે. યુક્તતાનું ધોરણ વર્ગલક્ષી ધોરણ છે. દા.ત. ઍરિસ્ટૉટલ કહે છે કે મર્દાની બહાદુરીનો એક પ્રકાર હોય છે, આવી બહાદુરી કે ધૃષ્ટતાભરી હોશિયારી (અનસ્ક્રૂપ્યુલસ ક્લેવરનેસ) કોઈ સ્ત્રીમાં બતાવવી એ યુક્ત ન કહેવાય. ઍરિસ્ટૉટલની ચરિત્રની વિભાવના સ્પષ્ટ કરતી વખતે આ વર્ગલક્ષી ધોરણનો નિર્દેશ આપણે કરેલો છે. અહીં આપણે માટે ચરિત્રવિધાન વિશેની બે વાત વધારે અગત્યની છે. એક તો ચરિત્રવિધાન જીવનને વફાદાર હોવું જોઈએ એટલે કે ટ્રૅજેડીની માનવવ્યક્તિઓ આપણી જેમ, ઘણા માણસોની જેમ, પડતી-આખડતી, હર્ષશોક અનુભવતી હોવી જોઈએ; આગળ આપણે કહ્યું છે તેમ, સર્વસામાન્ય માનવતાની હિસ્સેદાર હોવી જોઈએ. અને બીજી વાત એ કે ટ્રૅજેડીનું ચરિત્રવિધાન સારું એટલે ગંભીર, ઉદાત્ત હોવું જોઈએ. આની ચર્ચા પણ આપણે વારેવારે કરેલી છે. અહીં એક સ્પષ્ટતા આપણે કરીશું. સારું એટલે સંપૂર્ણ નિર્દોષ અને આપણે આદર્શ તરીકે રાખવા જેવું નહીં, ઍરિસ્ટૉટલ કહે છે કે કવિ શીઘ્રકોપી કે કાર્યોત્સાહ વિનાનાં કે બીજા કોઈ ચરિત્રદોષોવાળાં પાત્રોને રજૂ કરી શકે, માત્ર એમને રજૂ કરતી વખતે એમની લાક્ષણિકતાઓ જાળવવી જોઈએ અને છતાં એ પાત્રોનું ઉદાત્તીકરણ સાધવું જોઈએ. હા, ઉદાત્તીકરણ સાધવું જોઈએ, તો જ એ આપણા હૃદયને પ્રભાવિત કરી શકે, તો જ એમના ભાગ્યવિપર્યયને આપણે ગંભીરતાથી જોઈ શકીએ, તો જ આપણે કરુણા અને ભયના ભાવોથી પરિપ્લાવિત થઈ શકીએ. આપણે જોઈ શકીએ છીએ કે ઍરિસ્ટૉટલનાં આ વાક્યો આપણી સહાનુભૂતિ જીતી શકનારાં, દુષ્ટ કહેવાતાં પાત્રોને પણ એમની ટ્રૅજેડીમાં સમાસ કરી આપે એવાં છે. ટ્રૅજેડીના વસ્તુવિધાનની ચર્ચામાં ઍરિસ્ટૉટલે કેવા માણસની વિપત્તિ આપણામાં કરુણા અને ભયના ભાવો જગાવી શકે છે એની વાત કરી છે. તેમાંથી ટ્રૅજિક નાયકની એક વિભાવના ઊભી કરવામાં આવી છે. પોતાના જ સ્ખલનને કારણે, પ્રમાણમાં ઘણી ભારે એવી વિપત્તિનો ભોગ બનતી કોઈ એક વ્યક્તિ ટ્રૅજેડીના કેન્દ્રમાં હોય છે એવું. ઍરિસ્ટૉટલના નિરૂપણ પરથી, આપણને ભાસે છે. ઍરિસ્ટૉટલ ટ્રૅજેડી માટેના યોગ્ય નાયકની પસંદગી કરતા હોય એવું ત્યાં લાગે છે, પરંતુ જૉન જોન્ઝ માને છે કે ટ્રૅજિક નાયકની આ કલ્પના ઍરિસ્ટૉટલની નથી પણ એમના પર આરોપવામાં આવેલી છે. (ઑન ઍરિસ્ટૉટલ ઍન્ડ ગ્રીક ટ્રૅજેડી, પૃ. ૧૩-૧૪) ઍરિસ્ટૉટલે તો ‘નાયક’ શબ્દ ક્યાંય વાપરેલો નથી, ઊલટાનું, જૉન જોન્ઝ કહે છે કે, આ બધે ઠેકાણે ‘સારા માણસો’, ‘ખરાબ માણસો’ એમ બહુવચન જોવા મળે છે. માણસોને વિપત્તિના ભોગ બનાવનાર એમની પોતાની જ ભૂલો હોય છે કે કેમ એ પણ, ઍરિસ્ટૉટલે આપેલાં કેટલાંક દૃષ્ટાંતો જોતાં, શંકા થાય એવું છે. વળી, ઍરિસ્ટૉટલે આ ચર્ચા વસ્તુવિધાનના એક ભાગ રૂપે જ કરેલી છે. ચરિત્રવિધાનના ભાગ રૂપે નહીં. આ બધું આપણને જુદી રીતે વિચારવા પ્રેરે એવું છે અને એમ તો આપણને લાગ્યા વિના રહેતું નથી કે ઍરિસ્ટૉટલની વિચારણાની દિશા નાયકલક્ષી નથી, અને ચરિત્રલક્ષી છે એના કરતાં વધારે પરિસ્થિતિલક્ષી છે; તથા નાયકની વિભાવના જેટલી શેક્સ્પિઅરની ટ્રૅજેડીઓને બંધ બેસે છે તેટલી ગ્રીક ટ્રૅજેડીને બંધ બેસતી નથી. આમ છતાં ઍરિસ્ટૉટલની એ વિચારણામાં ટ્રૅજેડીના લાક્ષણિક ચરિત્રવિધાનની વાત અનુસ્યૂત છે જ અને એ કેવળ પરિસ્થિતિ વિશેની વિચારણા બની રહેતી નથી એ ભૂલવા જેવું નથી. એ રીતે ટ્રૅજિક નાયકની વિભાવના ઘડી કાઢવાની એમાં સગવડ તો છે જ! એટલે એને આધારે ટ્રૅજિક નાયકનો કોઈક ખ્યાલ ઊભો કરીએ તો એ ઍરિસ્ટૉટલની વિચારણાનો એક ઇષ્ટ વિકાસ કહેવાય. માત્ર ઍરિસ્ટૉટલના દૃષ્ટિકોણ વિશે ગેરસમજ ન રહેવી જોઈએ. ૧ : ૨ ઍરિસ્ટૉટલે ટ્રૅજેડીની ક્રિયાને જે ત્રણ વિશેષણ લગાડ્યાં છે – ગંભીર, સ્વયંસંપૂર્ણ અને કોઈક ચોક્કસ કદની – તેમાંથી એકનો જ આપણે વિચાર કર્યો. બાકીનાં બન્ને લક્ષણો કળાકૃતિમાં જે એકાત્મકતાની અપેક્ષા હોય છે તેને વ્યક્ત કરે છે અને તેથી એ માત્ર ટ્રૅજિક ક્રિયાનાં લક્ષણો છે એમ ન કહી શકાય; સર્વ કલાનાં એ લક્ષણો છે. એનો વીગતે વિચાર આપણે કરી ગયા છીએ. અહીં ટ્રૅજેડીની ક્રિયાના કદ વિશે ઍરિસ્ટૉટલને કંઈક ખાસ કહેવાનું છે તેની જ નોંધ આપણે કરીશું. ટ્રૅજેડીની ક્રિયાના કદ વિશે ઍરિસ્ટૉટલ કહે છે કે એમાં બનાવોનો એટલો ક્રમ આવે કે જે, સંભવિતતા કે આવશ્યકતાના નિયમ અનુસાર, ભાગ્યવિપર્યયને અવકાશ આપે. આમ કહેતી વખતે ઍરિસ્ટૉટલના મનમાં એપિક હોવાનો સંભવ છે, કેમ કે પછીથી એ ટ્રૅજેડીમાં એપિકરચના દાખલ કરવા સામે લેખકોને ચેતવે છે. એપિક-રચના એટલે બહુલક્ષી વસ્તુવિધાન (મલ્ટિપ્લિસિટી ઑવ્ પ્લૉટ્ઝ)વાળી રચના, જેમ કે, ‘ઇલિઅડ’ની આખી વાર્તામાંથી ટ્રૅજેડી રચવામાં આવે તો એ બહુલક્ષી વસ્તુવિધાનવાળી રચના કહેવાય. એપિક કવિતા એના વિસ્તારને કારણે બધા પ્રસંગોને જે ન્યાય આપી શકે છે તે ટ્રૅજેડીમાં શક્ય ન હોવાથી આવા પ્રકારની રચનાઓ નિષ્ફળતાને વરે છે એમ ઍરિસ્ટૉટલ દૃષ્ટાંતો આપી બતાવે છે. ઍરિસ્ટૉટલનું જે કંઈ તાત્પર્ય છે તે આ છે. ટ્રૅજેડીમાં એપિક કરતાં વધારે એકાત્મકતા હોય છે. ટ્રૅજેડી ઓછા સમય પર વિસ્તરે છે, તેથી એની અસર ઘનિષ્ઠ હોય છે અને ત્યાં કલા વધારે સિદ્ધ થઈ શકે છે.૩૯ એક ઠેકાણે તો એપિક અને ટ્રૅજેડીની લંબાઈનો ભેદ ઍરિસ્ટૉટલ સમયના ચોક્કસ માપથી બતાવે છે : “ટ્રૅજેડી, શક્ય હોય ત્યાં સુધી, સૂર્યના એક પરિક્રમણની મર્યાદામાં રહેવાનો કે એનાથી સહેજ આગળ જવાનો પ્રયત્ન કરે છે : જ્યારે એપિકની ક્રિયાને સમયની કોઈ મર્યાદા નથી.” સૂર્યનું એક પરિક્રમણ એટલે બાર કલાક કે ચોવીસ કલાક. એટલા સમયની ઘટનાઓ ટ્રૅજેડીમાં આવે એવો આનો અર્થ થયો. વસ્તુવિધાનની એકાત્મકતા (યુનિટી ઑવ્ પ્લૉટ) ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ અનિવાર્ય છે. એમાં આ સમયની એકાત્મકતા (યુનિટી ઑવ્ ટાઇમ) ઉમેરાઈ. પછી, ગ્રીક નાટકો, પરદાને અભાવે અને કૉરસની સતત ઉપસ્થિતિને કારણે લગભગ એક સ્થળનું દૃશ્ય જ રજૂ કરતાં, એટલે સ્થળની એકાત્મકતા (યુનિટી ઑવ્ પ્લેઇસ) ઉમેરો. આ થઈ ગયો ત્રિવિધ એકતાનો સિદ્ધાંત. રેનેસાં (પુનર્જાગૃતિ)કાળના વિવેચકોએ ઍરિસ્ટૉટલને નામે આને પ્રચલિત કર્યો અને એનું ચુસ્ત પાલન નાટક માટે આવશ્યક ગણ્યું. ત્રિવિધ એકતાનો સિદ્ધાંત હાસ્યાસ્પદ કક્ષાએ પણ પહોંચ્યો – નાટક જેટલો સમય ચાલે એટલા સમયનું જ એમાં વૃત્તાંત જોઈએ! ત્રિવિધ એકતા, જો સમજપૂર્વક અને સામર્થ્યથી સિદ્ધ કરી શકાય તો, નાટકની સઘન સુશ્લિષ્ટ છાપ અંકિત કરવામાં મહત્ત્વનો ફાળો આપી શકે. વીસમી સદીના એલિઅટ જેવા નાટ્યકારને પણ ત્રિવિધ એકતાનું આકર્ષણ રહ્યું છે અને ભવિષ્યના નાટક માટે એ ઇષ્ટ ગણાશે એમ પણ એ કહે છે. આમ છતાં, એનો કોઈ ચુસ્ત અને અફર નિયમ ન કરી શકાય. ગ્રીક નાટકમાં એ નિયમ મોટે ભાગે પળાયો હોય તો તે એ વખતે પ્રચલિત નાટ્યપ્રયોગની કેટલીક રૂઢિઓને કારણે. ઍરિસ્ટૉટલ સ્થળની એકતાનું તો નામેય લેતા નથી; સમયની મર્યાદિતતાનો ઉલ્લેખ એ એક હકીકત લેખે કરે છે – એક નિર્દેશ સાથે, કે “પહેલાં ટ્રૅજેડી એપિક કવિતા જેટલી જ છૂટ ભોગવતી હતી.” અને અત્યારની ટ્રૅજેડી પણ સૂર્યના એક પરિક્રમણની સમયમર્યાદા જાળવે છે “શક્ય હોય ત્યાં સુધી.” ઍરિસ્ટૉટલને આગ્રહ છે તે માત્ર ક્રિયાની એકતાનો. ક્રિયા સુસંબદ્ધ, એકાત્મક, સ્વયંસંપૂર્ણ હોવી જોઈએ. કલાકૃતિના સૌંદર્યનું આ લક્ષણ છે. કદ સુસંબદ્ધતાને, એકાત્મકતાને, સ્વયંસંપૂર્ણતાને હાનિ ન કરે એવું હોય એટલે બસ. ૨ ટ્રૅજેડીનાં માધ્યમ – પદરચના અને ગાન – ની સંતોષકારક ચર્ચા ઍરિસ્ટૉટલે કરી નથી. ગાન વિશે તો પછી એ કંઈ વાત જ નથી કરતા, સિવાય કે કૉરસનું ગાન લટકણિયા જેવું ન હોવું જોઈએ પણ ટ્રૅજેડીના ભાગ રૂપે હોવું જોઈએ એમ એ કહે છે. ‘પદરચના’ દ્વારા એમને ટ્રૅજેડીનો ગાન સિવાયનો છંદોબદ્ધ ભાગ અભિપ્રેત છે તે ધ્યાનમાં રાખવું જોઈએ.”40 ઍરિસ્ટૉટલની પદરચનાની ચર્ચા ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે એમ કહી શકાય. એક વિભાગ તે ઉચ્ચારણની લઢણો – આજ્ઞા, વિનંતી, પ્રશ્ન, ઉત્તર, ધમકી વગેરે દર્શાવતા કાકુઓનો વિચાર. આને ઍરિસ્ટૉટલ વક્તૃત્વના શાસ્ત્ર સાથે સંબદ્ધ ગણે છે અને કવિ એ જાણતો હોય કે ન જાણતો હોય એને એ મહત્ત્વ આપતા નથી. આ બાબતમાં કવિઓને જડ નિયમોથી બાંધવા કરતાં એમની પોતાની રીતે ચાલવા દેવાનું એ પસંદ કરે છે. બીજો વિભાગ તે શબ્દવિચાર. ઍરિસ્ટૉટલ શબ્દના પ્રકારો સદૃષ્ટાંત વર્ણવે છે : પ્રચલિત કે વપરાશના શબ્દો, અપ્રચલિત કે વિરલ શબ્દો, લાક્ષણિક શબ્દો, વિભૂષિત શબ્દો, નવનિર્મિત શબ્દો, વિસ્તારિત કે વિલંબિત (લેંગ્ધન્ડ) શબ્દો, સંકુચિત (કન્ટ્રૅક્ટેડ) શબ્દો, પરિવર્તિત શબ્દો. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ શૈલીની સંપૂર્ણતા તુચ્છ બન્યા વિના વિશદ બનવામાં રહેલી છે. તુચ્છતા અને દુર્બોધતા આ બન્નેમાંથી બચવા માટે, સરલતા અને નવીનતાનો સમન્વય સિદ્ધ કરવા માટે કવિઓએ કયા શબ્દપ્રકારોનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તેનું ઍરિસ્ટૉટલ થોડું વ્યવહારુ માર્ગદર્શન પણ આપે છે. એની વીગતોમાં આપણે ઊતરવા જેવું નથી. એક વાત નોંધવા જેવી છે, લાક્ષણિક શબ્દો (મેટફર) પરના પ્રભુત્વને ઍરિસ્ટૉટલ બહુ મોટી વસ્તુ ગણે છે. એ નૈસર્ગિક છે, એને માટે સામ્યો શોધતી આંખ જોઈએ અને તેથી એ પ્રતિભાની નિશાની છે એમ એ જણાવે છે.૪૧ શબ્દ વિશેની આ સામાન્ય ચર્ચા થઈ. કયા કાવ્યપ્રકારો માટે કયા શબ્દપ્રકારો વધારે ઉચિત છે તેની ઍરિસ્ટૉટલ જે ટૂંકી વાત કરે છે તે જ આપણે માટે અહીં મહત્ત્વની ગણાય, કારણ કે એમાંથી ટ્રૅજેડીની ભાષા વિશેનો ઍરિસ્ટૉટલનો અભિપ્રાય આપણને જાણવા મળે છે. આ બધા શબ્દપ્રકારોમાંથી, ઍરિસ્ટૉટલ કહે છે કે, ડિથિરૅમ્બ છંદની કવિતા માટે સામાસિક શબ્દો સૌથી વધારે યોગ્ય છે. હિરોઇક છંદની કવિતા (એટલે એપિક) માટે વિરલ શબ્દો, અને આઇઍમ્બિક છંદની કવિતા (એટલે ટ્રૅજેડી) માટે લાક્ષણિક શબ્દો. એપિકમાં બધા શબ્દપ્રકારો કામ આવી શકે, પરંતુ ટ્રૅજેડી તો નાટ્યપ્રકાર છે, એણે શક્ય હોય ત્યાં સુધી પરિચિત વાણીસ્વરૂપ વાપરવું પડે છે અને તેથી એને માટે સૌથી વધુ યોગ્ય શબ્દપ્રકારો એ કહેવાય કે જે ગદ્યમાં પણ વપરાતા હોય. આવા શબ્દપ્રકારો છે રોજિંદા વપરાશના શબ્દો, લાક્ષણિક શબ્દો, વિભૂષિત શબ્દો. નાટકની વાણીની લાક્ષણિકતાનો ઍરિસ્ટૉટલે વીગતે અભ્યાસ નથી કર્યો, પણ એ લાક્ષણિકતા એના ધ્યાન બહાર નથી એ અહીં દેખાઈ આવે છે. આવું જ ઍરિસ્ટૉટલના છંદોવિચાર વિશે કહી શકાય. છંદોવિચાર ઍરિસ્ટૉટલની પદરચનાની ચર્ચાનો ત્રીજો વિભાગ છે. ઍરિસ્ટૉટલ જુદાજુદા છંદોની પ્રકૃતિ જાણે છે અને તેથી ક્યાં કયા છંદ યોગ્ય છે તેનો વિચાર કરી શકે છે. દાખલા તરીકે, હિરોઇક છંદ સૌથી વધારે ઐશ્વર્યયુક્ત (સ્ટેટલિએસ્ટ) અને ગૌરવપૂર્ણ (મૅસિવ) છંદ છે, એમાં વિરલ અને લાક્ષણિક શબ્દો તરત બેસી જાય છે. એથી એ એપિક માટે સૌથી યોગ્ય છે. આઇઍમ્બિક અને ટ્રોકેઇક ટેટ્રૅમિટર છંદો સ્ફૂર્તિલા અને ગતિવાળા છંદો છે. ટ્રોકેઇક ટેટ્રૅમિટર નૃત્યને માટે વધારે અનુકૂળ છે અને જ્યાં સુધી સૅટિરિક કવિતા લખાતી અને એનો નૃત્ય સાથે વધારે સંબંધ રહેતો ત્યાં સુધી એ છંદ વપરાતો, પરંતુ એક વખત સંવાદનું તત્ત્વ દાખલ થયું કે એ છંદને સ્થાને આઇઍમ્બિક છંદ વપરાવા લાગ્યો. આઇઍમ્બિક છંદ, બધા છંદોમાં, બોલચાલની વધારે નજીક રહી શકે તેવો છે. આમ, ટ્રૅજેડી માટે ઍરિસ્ટૉટલ આઇઍમ્બિક છંદ પર પોતાની પસંદગી ઉતારે છે તેમાં નાટ્યછંદ વિશેની તેની સમજ દેખાઈ આવે છે. પદરચના અને છંદ વિશે, એમ કહી શકાય કે, ઍરિસ્ટૉટલે ટૂંકી પણ બહુ જરૂરી વાત, પાયાની વાત, કહી છે. ૩ ટ્રૅજેડી એ દૃશ્ય કાવ્યનો પ્રકાર છે અને કામ કરતા, અભિનય કરતા માણસો દ્વારા એની રજૂઆત થઈ શકે એવું એનું સ્વરૂપ હોય છે. આ બાબતમાં તે કૉમેડીની સાથે સમાનતા ધરાવે છે અને સૅટાયર અને એપિકથી જુદી પડે છે, કેમ કે છેલ્લા બન્ને કથનાત્મક કવિતાના પ્રકારો છે. દૃશ્યતાને ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીનાં છ અંગો માંહેનું એક ગણે છે, પણ ટ્રૅજેડીમાં દૃશ્યતા કેટલી, કેવી, કેમ સિદ્ધ કરવી એટલે કે ટ્રૅજેડીને કેવી રીતે ભજવવી એ વિશે ઍરિસ્ટૉટલે સંપૂર્ણ મૌન પાળ્યું છે. એનું આ મૌન સકારણ છે. એ કાવ્યશાસ્ત્રનો ગ્રંથ લખવા બેઠા છે, નાટયશાસ્ત્રનો નહીં. એ સાહિત્યના એક પ્રકાર લેખે ટ્રૅજેડીનો વિચાર કરી રહ્યા છે. એમના પોતાના જ શબ્દો જુઓ : “દૃશ્યતાને, ખરે જ, એનું આગવું આકર્ષણ છે, પરંતુ બધા ભાગોમાં એ સૌથી ઓછો કલાત્મક છે અને એને કવિતાકલા સાથે ઓછામાં ઓછો સંબંધ છે, કારણ કે, ટ્રૅજેડીનો પ્રભાવ, ખાતરીપૂર્વક કહી શકાય કે, નટો અને ભજવણીથી અલગપણે પણ અનુભવી શકાય. વળી દૃશ્ય અસરો ઉપજાવવાનું કામ કવિની નહીં પણ રંગનિષ્ણાતની કલા પર આધાર રાખે છે.” ટ્રૅજેડીનો બેવડો લાભ ઍરિસ્ટૉટલ એકબે વાર ગણાવે છે : એની દૃશ્યતાનું અનેરું આકર્ષણ છે, એ કારણે એ સૌથી વધારે તાદૃશ આનંદો આપી શકે છે અને છતાં ભજવાયા વિના માત્ર વાચનથી પણ એને માણી શકાય છે. આને કારણે તો એ ટ્રૅજેડીને એપિકથી ચડિયાતો કાવ્યપ્રકાર માને છે. ઍરિસ્ટૉટલે ટ્રૅજેડીની ભજવણીનો વિચાર ભલે ન કર્યો, ભજવવાના નાટક તરીકે એમણે ટ્રૅજેડીનો વિચાર કર્યો છે – જે વિચાર એક સાહિત્યવિવેચક તરીકે એમણે કરવો જોઈએ. ટ્રૅજેડીની એક મર્યાદા એ એ બતાવે છે કે એપિકની પેઠે અનેક દિશાની ક્રિયાઓ એ એકસાથે નિરૂપી શકે નહીં. ટ્રૅજેડીના લેખકોને એ સૂચના આપે છે કે એમણે નાટકનું વસ્તુ ગોઠવતી વખતે દૃશ્યને પોતાની નજર સામે રાખવું જોઈએ. જેથી રંગભૂમિ પર ખુલ્લી પડી જાય તેવી અસંગતિઓ પ્રવેશવા ન પામે. કવિએ યોગ્ય ચેષ્ટાઓથી નાટકનો અભિનય પણ કરતો જવો જોઈએ, કેમ કે એથી એ એમાં તદ્રૂપ થઈ શકે અને ભાવોને તાદૃશ રૂપે રજૂ કરી શકે. કવિઓએ, આવશ્યક નહીં છતાં, કવિતાને અનુષંગે જે કંઈ ઇન્દ્રિયાકર્ષણો ને રંગભૂમિક્ષમતા આવી શકતાં હોય એની પણ ઉપેક્ષા ન કરવી જોઈએ. એમ લાગે છે કે ઍરિસ્ટૉટલે રંગભૂમિની દૃષ્ટિને અવગણી નથી એમ બતાવવા માટે આટલી સૂચનાઓ પણ પૂરતી છે. બાકી વસ્તુવિધાનની, સુશ્લિષ્ટતાની, ઘનિષ્ઠ ટ્રૅજિક અસરની – આ બધી ચર્ચાઓની પાછળ તો નાટ્યાત્મકતાનાં ઊંચાં ધોરણો રહેલાં જ છે. ટ્રૅજેડીને ઍરિસ્ટૉટલે એક નાટક તરીકે જ જોઈ છે અને વિચારી છે. ટ્રૅજેડીની સ્વરૂપચર્ચા, ક્યાંક આછી અધૂરી છતાં ઍરિસ્ટૉટલની અભ્યાસપદ્ધતિનો એક સરસ નમૂનો છે. ટ્રૅજેડીને એમણે કેટલીબધી બાજુથી તપાસી છે! એના ઐતિહાસિક વિકાસક્રમને પણ ઍરિસ્ટૉટલે આલેખ્યો છે. ઍરિસ્ટૉટલની ટ્રૅજેડીની વિચારણામાં ક્યાંક સંદિગ્ધતા કે ક્યાંક અસંગતિ રહી ગયેલી લાગે તો એનું કારણ એ છે કે વિકાસક્રમની જુદીજુદી કક્ષાની ટ્રૅજેડીઓ ઍરિસ્ટૉટલની સામે છે અને ટ્રૅજેડીએ પોતાનું સ્વરૂપ સંપૂર્ણપણે સિદ્ધ કરી લીધું એમ મનાવવા એ માગતા નથી.૪૨ ઍરિસ્ટૉટલની ટ્રૅજેડીચર્ચાનું મહત્ત્વ બે કારણે ગણાય : એમણે ટ્રૅજેડીના આત્મભૂત તત્ત્વને સ્ફુટ કરી આપ્યું – એવી મૌલિક રીતે કે ટ્રૅજેડીનું નામ લેતાં ઍરિસ્ટૉટલ તરત મનમાં આવે; બીજું, ટ્રૅજેડીનો આધાર લઈ એ કાવ્યકલાનાં મૂળભૂત તત્ત્વોને આંબી વળ્યા. ઍરિસ્ટૉટલનું આ ઐતિહાસિક પ્રદાન છે.