અનુષંગ/કલ્પનનું સ્વરૂ૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Formating - Box added)
No edit summary
 
Line 62: Line 62:
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>
<center>
{|style="background-color: ; border: 2px solid #000000; width:80%"
{|style="background-color: ; border: 2px solid #000000; width:80%; padding:10px"
|<center>વિવેચકની આદત</center>
|<center>વિવેચકની આદત</center>
{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 01:37, 21 April 2025


કલ્પનનું સ્વરૂ૫[1]

કવિમાંથી વિવેચક બનતાં

કવિ જ્યારે વિવેચક બને છે ત્યારે તેની સામે એક નવો જ ભય આવીને ઊભો રહે છે – પોતાની જાતને નકારવાનો, પોતાની જાતને ખોટી પાડવાનો. એક કાવ્ય બીજા કાવ્યને કદી નકારતું નથી, જેમ એક અનુભવ બીજા અનુભવને નકારી શકતો નથી. નકાર કરવાની સ્થિતિમાં આપણે ત્યારે જ આવીએ છીએ જ્યારે આપણે આપણા અનુભવોમાંથી અર્થો તારવીએ છીએ કે કાવ્ય વિશે મૂલ્યનિર્ણયો કરીએ છીએ. કવિ જ્યારે વિવેચનની દુનિયામાં પ્રવેશે છે, ત્યારે એને બધું કૌતુકભર્યું લાગે છે. કવિતાની આરામભરી દુનિયામાં એનો કાવ્યશબ્દ જ કાનૂન હતો. એ દુનિયામાંથી આ વિવેચનની દુનિયામાં આવતાં એને કંઈક જુદું ભાસે છે : અહીં ફૂલોને નામ આપવામાં આવ્યાં છે; જે ઝરણાંઓમાં તે આજ સુધી ભોળાભાવે નાહ્યો હતો તે અહીં મોટીમસ નદીઓ બની ગયાં છે અને એને ‘અસરો’ કહેવામાં આવે છે; વાડો ચોખ્ખીચટ છે. અને ત્યાં પાટિયાં લટકે છે – “ડૅફડિલ ચૂંટો નહીં; એ વડર્‌ઝવર્થની માલિકીનાં છે.” એના જૂના સાથીઓ જે ક્યારેક એકલા લટાર લગાવતા હતા કે ક્યારેક નૃત્યમાં એકબીજાની સાથે જોડાતા હતા, તેમને અહીં સામસામા પલ્લામાં હંમેશ માટે મૂકી દેવામાં આવ્યા છે કે જુદાજુદા વાડાઓમાં વહેંચી દેવામાં આવ્યા છે. આ દૃશ્ય પર ટીકાટિપ્પણ કરવા જ્યાં કવિ મોઢું ખોલે છે ત્યાં તો લાઉડસ્પીકર તાડૂકી ઊઠે છે : “જોજે, પેલી ઊર્મિરંગી ભાષા અહીં વાપરી બેસતો! તું હવે વિવેચક છે, રખે ભૂલતો!” હા, તો હવે એ નિયમ અને તર્કની દુનિયામાં છે અને એ દુનિયાની ભાષા એણે વાપરવી જોઈએ. સંઘર્ષો જે ભાવાવેશથી અનુભવાય એ ભાવાવેશથી કહેવાય અને એ રીતે એમનું શમન થાય એવું કવિતાની ભાષામાં બનતું. આ નવી ભાષામાં એવું બનતું નથી. વિવેચક નોંધ લેવા પ્રવૃત્ત થયો છે અને એ નોંધ લે છે, જેટલી કાવ્યગત અનુભવની નહીં તેટલી એમાંથી કરેલાં શ્રેણીબદ્ધ તારણોની. આ તારણોનું કંઈપણ મૂલ્ય ત્યારે જ હોઈ શકે જ્યારે એ મૂળ કાવ્યાનુભવને કોઈક રીતે પણ પ્રકાશિત કરતાં હોય; અને જો વિવેચકે કાવ્ય વિશે ચિંતનમનન નહીં કર્યું હોય, પોતાની જાતનું કાવ્યને સંપૂર્ણ સમર્પણ નહીં કર્યું હોય, કાવ્યના ઊંડામાં ઊંડા ધ્વનિઓને ઝીલવા પોતાના કાનને સરવા નહીં કર્યા હોય, જે અનુભવમાંથી કાવ્યનો ઘાટ ઘડાયો એ અનુભવમાં કવિ ઓતપ્રોત થયો હતો એટલો એ પોતે ઓતપ્રોત નહીં થયો હોય, તો એનાં તારણો કાવ્યાનુભવને પ્રકાશિત નહીં કરી શકે. જે વિવેચક કવિતા પર પોતાનાં અંગત તારણો લાદે છે એનું લખાણ ઇતિહાસ, સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાનનું સારું લખાણ હોઈ શકે, પરંતુ એ લખાણ સાહિત્યિક વિવેચન છે એમ કદાપિ કહી શકાશે નહીં. સાવ સાદી રીતે કહીએ તો વિવેચકનું એક જ સર્વોપરી કાર્ય છે – આપણા કાવ્યભાવનને સરળ બનાવવાનું કે એની સીમાઓ વિસ્તારવાનું કે એમાં ઊંડાણ લાવવાનું. આ કામગીરી બજાવવાની ઘણી રીતો છે. પણ જો કાવ્ય અને વાચક બંને પ્રત્યે આદરનો ભાવ ન હોય તો કોઈ વિવેચનપદ્ધતિ એ કાર્ય સંતોષકારક રીતે ન કરી શકે. આ કહેવાની જરૂર ન હોવી જોઈએ, છતાં આજે વિવેચનમાં એવા ફકરાઓ આપણને વારંવાર મળે છે જેમાંના અપ્રામાણિક વિવાદ, ખુલ્લો આત્મમોહ અને પાંડિત્યભર્યો પરિભાષાડોળ વાચક પ્રત્યેનો દુરાગ્રહજન્મ તિરસ્કાર પ્રગટ કરે છે. ડ્રાઇડન, કોલરિજ, શેલી, આર્નોલ્ડ જેવા મોટા વિવેચકો જેને આપણે શૈલી તરીકે ઓળખીએ છીએ તો પ્રકારની સારી રીતભાત કદી ચૂકયા નથી.

કાવ્યમાં કલ્પનનું સ્થાન

કોલરિજે કહ્યું હતું : “વર્તમાન યુગમાં કવિ એવું વિચારતો જણાય છે કે પોતાનું મુખ્ય લક્ષ્ય... નૂતન અને ચિત્તાકર્ષક કલ્પનો આપવાનું છે.” કોલરિજ જે કવિતા વિશે વાત કરી રહ્યો હતો તેના કરતાં આપણી સમકાલીન કવિતાને આ વાત વધારે લાગુ પડે છે. કલ્પનની નૂતનતા, પ્રગલ્ભતા અને ફળદ્રુપતા એ આપણી સમકાલીન કવિતાનો સબળ અંશ છે. એ એના પર સવાર થયેલું ભૂત છે જે ક્યારેક એના હાથમાં ન રહે એવો પણ સંભવ છે. છેલ્લા લગભગ પચાસ વર્ષમાં ‘કલ્પન’ શબ્દ જ રહસ્યમય શક્તિ ધરાવતો થઈ ગયો છે. તેમ છતાં, એ બધી કવિતાનું નિત્ય તત્ત્વ છે અને દરેક કાવ્ય સ્વયં એક કલ્પન છે. જુદાંજુદાં વલણો આવે કે જાય, રૂપક[2]નું સ્થાન કવિતાના પ્રાણભૂત તત્ત્વ તરીકે, કવિનાં મૂલ્ય અને મહિમા દર્શાવનાર પ્રધાન તત્ત્વ તરીકે હમેશાં રહેવાનું. હર્બર્ટ રીડ કહે છે – “કવિનું મૂલ્યાંકન એના રૂપકોનાં વેગ અને મૌલિકતા પરથી કરવા આપણે હમેશાં તૈયાર રહેવું જોઈએ.” ઍરિસ્ટૉટલે પણ કહેલું : “સૌથી મોટી વસ્તુ તો છે રૂપક પર પ્રભુત્વ હોવું તે, આ એક જ વસ્તુ એવી છે જે બીજું કોઈ શીખવી ન શકે. એ નૈસર્ગિક પ્રતિભાની નિશાની છે.” અને ડ્રાઇડન : “કલ્પનરચના – કલ્પવું તેમાં જ છે કવિતાની ખરી ઉચ્ચતા અને કવિતાનું અસ્તિત્વ.” આ જોકે સદાકાળ સ્વીકારાયેલો મત નથી. સોળમી-સત્તરમી-અઢારમી સદીના વિવેચકો કલ્પનોને અલંકારરૂપ – માત્ર શોભાતત્ત્વ તરીકે જોતા. કલ્પનો કાવ્યના હાર્દરૂપ છે, કાવ્ય પોતે જ કલ્પનોની બહુલતામાંથી રચના પામેલું એક કલ્પન હોઈ શકે એ વિચાર છેક રોમૅન્ટિક આંદોલનના સમયમાં બહોળો પ્રચાર પામ્યો.

કલ્પનનું સ્વરૂપ : ઇન્દ્રિયગોચર શબ્દચિત્ર

કાવ્યાત્મક કલ્પન એટલે શું? સાદામાં સાદી રીતે કહીએ તો, કલ્પન એટલે શબ્દો વડે સર્જેલું ચિત્ર – શબ્દચિત્ર. એક વિશેષણ, એક રૂપક, એક ઉપમામાંથી ચિત્ર સર્જાઈ શકે. અથવા એવું બને કે કલ્પન આપણી સમક્ષ એવા વાક્યખંડ કે પરિચ્છેદ રૂપે આવે જે દેખીતી રીતે કેવળ વર્ણનાત્મક હોય, છતાં જેમાંથી આપણી કલ્પનાને બાહ્ય વાસ્તવના આબેહૂબ પ્રતિબિંબ કરતાં કશાક વિશેષનો અવબોધ થતો હોય. દરેક કાવ્યાત્મક કલ્પન, આથી જ અમુક અંશે રૂપકાત્મક હોય છે. એ આયનામાં થતું એવું દર્શન છે જેમાં જિંદગી પોતાના ચહેરા કરતાં વિશેષે તો પોતાના ચહેરા વિશેનું કોઈક સત્ય જુએ છે. દૃશ્ય કલ્પન એ કલ્પનનો સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે. ઇન્દ્રિગોચર ન જણાતાં બીજા ઘણાં કલ્પનોમાં પણ દૃશ્યતાનો કંઈક ઝાંખો સંસ્કાર વળગેલો હોય જ છે. છતાં એ સ્પષ્ટ છે કે કલ્પન દૃષ્ટિ સિવાયની બીજી ઇન્દ્રિયોમાંથી આવી શકે અને દૃષ્ટિ સિવાયની બીજી ઇન્દ્રિયોને એ અપીલ પણ કરી શકે. એકસાથે એકથી વધુ ઇન્દ્રિયસંવેદનોનાં કલ્પનો પણ હોઈ શકે. એમ કહી શકાય કે દરેક કલ્પનમાં – એકદમ ભાવનિષ્ઠ કે બુદ્ધિનિષ્ઠ કલ્પનમાં પણ – ઇન્દ્રિયગોચરતાનો કંઈક અંશ હોય જ છે.

ભાવાનુપ્રાણિત શબ્દચિત્ર

તો પછી કાવ્યાત્મક કલ્પન એટલે કશીક ઇન્દ્રિયગોચરતા ધરાવતું શબ્દચિત્ર એ વ્યાખ્યાને આપણે સંપૂર્ણ ગણીશું? ના, નહીં જ. કેમકે પત્રકાર અને વિજ્ઞાપન-લેખક પણ ઇન્દ્રિયગોચર શબ્દચિત્રો ઘણી વાર સર્જતા હોય છે અને એને આપણે કાવ્યાત્મક કલ્પન કહેતા નથી હોતા. એ માટે આપણી દલીલ એ હોય છે કે એમાં ભાવ (emotion) નથી હોતા, ભાવનો આવેશ (passion) નથી હોતો. તો પછી, કાવ્યાત્મક કલ્પન એટલે ભાવથી કે ભાવાવેશથી અનુપ્રાણિત શબ્દચિત્ર એમ કહીશું? કોલરિજે કહેલું : “કલ્પનો ગમે તેટલાં સુંદર હોય તોપણ, એ આપોઆપ કવિપણાનું લક્ષણ બની જતાં નથી. કલ્પનોનું, કોઈ પ્રબળ ભાવાવેશ વડે કે એવા ભાવાવેશથી ઉદ્‌બુદ્ધ થયેલા સહચારી વિચારો કે કલ્પનો વડે જેટલે અંશે સ્વરૂપાંતર થયું હોય તેટલે અંશે જ એ કવિપ્રતિભાનું પ્રમાણ બની રહે.” ઍરિસ્ટૉટલે રૂપક પરના પ્રભુત્વને કવિપ્રતિભાની નિશાની ગણાવેલી. કોલરિજનું આ વિધાન એનો વિરોધ કરતું નથી પણ એને સંતુલિત કરે છે. આપણે માટે આ વિધાન મહત્ત્વનું એટલા માટે છે કે એ ભાવાવેશ વડે કલ્પનોનું સ્વરૂપાંતર કરવા ઉપર અને એમના આંતરસંબંધ રચવા ઉપર ભાર મૂકે છે. વધુમાં, કોલરિજે કહેલું તેની અત્રે યાદ આપી શકાય કે આધુનિકો વારંવાર આવતાં, છતાં ભાંગ્યાંતૂટ્યાં અને તરેહતરેહનાં કલ્પનોની ચમકધમકને ખાતર, બલકે કંઈક કલ્પન અને કંઈક અમૂર્ત અર્થના બનેલા કોઈક દ્વિરૂપ તત્ત્વને (amphibious something) ખાતર ભાવાવેશ અને કવિતાના ભાવાવેશભર્યો પ્રવાહનો ભોગ આપે છે.

માનવભાવથી અલગ કાવ્યભાવ – ‘આનંદ’

આ વાત કરતી વખતે કોલરિજ એમ કહેવા માગતો ન હતો કે કાવ્યાત્મક કલ્પનો ભય, તૃષ્ણા, તિરસ્કાર, ગ્લાનિ જેવા માનવભાવોના ઉચિત વાહન તરીકે આવે એટલે અંશે જ એ મૌલિક પ્રતિભાના પ્રમાણરૂપ બને, પણ તેના કહેવાનો આશય એ હતો કે કાવ્યમાં તેને એકસૂત્રે બાંધનાર કોઈ વિષયવસ્તુ હોવું જોઈએ, જે ભાવાવેશથી કલ્પાયેલું હોય અને જેની ખિલવણી પણ ભાવાવેશ વડે થઈ હોય. વસ્તુતઃ હું માનવભાવ અને કાવ્યોચિત ભાવાવેશને જુદા ગણું; જોકે વિવેચકો સતત એવું કહેતા આવ્યા છે કે કશાક માનવભાવનું વાચકમાં સંક્રમણ કરવું એ કવિતાનું મુખ્ય લક્ષ્ય ન હોય તો ૫ણ કવિતાની રીત એવી હોય છે કે એમાંથી ભાવનું સંક્રમણ થાય છે. વિવેચકોનો આ મત એક અતિસરલીકરણ છે છતાં એમાં એને સ્વીકારીને ચાલીએ તો વાંધો ન આવે એટલો તથ્યાંશ છે જ. વસ્તુતઃ કાવ્ય ગ્લાનિનું હોય, નિર્ભ્રાતિનું હોય, ઘૃણાનું હોય, એ આરંભનો ભાવ કાવ્યોચિત ભાવાવેશને અધીન બની જાય છે, કાવ્યની સામગ્રીરૂપ બની જાય છે. એ મૂળ ભાવને કલ્પનોમાં ઉમેરાયેલા એક મનગમતા સ્વાદ રૂપે અને કલ્પનોની પેઠે કાવ્યભાવ – એને આનંદ, હર્ષ ગમે તે કહીએ – તેને ઉપકારક થતા તત્ત્વ રૂપે આપણે અનુભવીએ છીએ. મારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે કોઈ એક કવિતાના આપણા પ્રતિભાવો એકસરખા હોય છે એમ હું ધારી લેતો નથી; પણ કોઈ એક કવિતાના સર્વ વાચકોના પ્રતિભાવોમાં કોઈક સર્વસામાન્ય અંશ હોય છે એમ તો આપણે જરૂર ધારી શકીએ. આ સર્વસામાન્ય અંશને આપણે સાહસિક બનીને આનંદ કહીએ. ‘આનંદ’, હું જાણું છું કે કવિતાના પ્રભાવને વર્ણવવા માટે આજે જૂનવાણી અને અપર્યાપ્ત શબ્દ લાગે છે. મનોવૈજ્ઞાનિકો પણ, હું જાણું છું કે, કોઈને રસાનુભૂતિ (aesthetic emotion) વિશે વાત કરતાં જુએ તો ભારે ગુસ્સે થઈ જાય છે. મારો નમ્ર બચાવ તો એટલો જ છે કે, જ્યારે હું કોઈ કાવ્યથી હલી ઊઠું છું ત્યારે બીજા કોઈ માનવભાવથી અલગ એવો એક ભાવ હું અનુભવું – એને મનોવૈજ્ઞાનિકોને જે રીતે વર્ણવવો હોય એ રીતે વર્ણવે.

કાવ્યાનંદનાં મૂળ : ચોકસાઈ અને સાક્ષાત્કાર

તો હવે આપણે જોઈ શકીએ છીએ કે કાવ્યાત્મક કલ્પન એટલે વધતે કે ઓછે અંશે ઇન્દ્રિયગોચર એવું શબ્દચિત્ર, અમુક અંશે રૂપકાત્મક, સંદર્ભનિયત કોઈક માનવભાવના ધ્વનિવાળું પણ સાથેસાથે એવા એક વિશિષ્ટ કાવ્યભાવ કે ભાવાવેશથી અનુપ્રાણિત થયેલું અને વાચકમાં તેની નિષ્પત્તિ કરતું, જે –ના, આ તો નહીં ચાલે, મૂળ વાત તો હાથમાંથી છટકી ગઈ. ચાલો આપણે ફરી શરૂ કરીએ. બે જુદાંજુદાં કલ્પનો લઈને જોઈએ. એક પ્રેમભાવનું અને બીજું ગ્લાનિનું. ભિન્ન પ્રકારનાં હોવા છતાં બન્ને આપણામાં આનંદની એક જ જાતની લાગણી જગાડે છે. (આનંદની માત્રા તો સ્વાભાવિક રીતે જ દરેક વાચક પર આધાર રાખવાની.) તે, કલ્પનો આનંદ જન્માવે છે તે કઈ ગૂઢ પ્રક્રિયા દ્વારા? મિડલ્ટન મરીએ કહ્યું છે કે “ચોકસાઈથી કહેવાનો પ્રયત્ન કરો અને તમારું કથન રૂપકાત્મક બનીને જ રહેશે.” વળી, રૂપકમાં “સામ્ય સાચું સામ્ય હોય અને એ આ પહેલાં આપણે વણજોયેલું કે ભાગ્યે જ જોયેલું હોય એવી આપણી પ્રથમપહેલી અપેક્ષા હોય છે, જેથી આપણી સમક્ષ આવે ત્યારે એ સામ્ય સાક્ષાત્કાર કે ઉપલબ્ધિ તરીકે આવે.” એટલેકે આનંદના મૂળની તપાસ કરતાં બે તત્ત્વો હાથ આવે છે – ચોકસાઈ (precision) અને સાક્ષાત્કાર (revelation). અલબત્ત, અહીં ચોકસાઈ તે કવિની ચોકસાઈ, વિજ્ઞાનીની નહીં. કવિ જ્યારે પુનઃસર્જન કરે છે ત્યારે તેમાં મૂળ પદાર્થ અને પદાર્થ સાથે સંકળાયેલાં કવિનાં સંવેદનો બન્નેનો સમાવેશ થાય છે; અને કવિએ જેમનું સુખદ લગ્ન સિદ્ધ કરી આપ્યું છે એ, પદાર્થ અને સંવેદન, જ્યારે કોઈ કલ્પનને ઉછેરે છે (જેમાં એ બન્ને સાથે મળતાપણું જોઈ શકાય છે), ત્યારે જ કશુંક આપણી સમક્ષ સાક્ષાત્કાર કે ઉપલબ્ધિ રૂપે આવે છે. ટી. ઈ. હ્યૂમની એ વાત સાથે આપણે કદાચ સહમત ન થઈએ કે કવિતાનો “મહાન ઉદ્દેશ તો ભૂલચૂક વગરનું, ચોકસાઈભરેલું, અને સ્પષ્ટ વર્ણન કરવાનો છે.” પણ એના એ વિધાન સાથે તો આપણે તરત જ સહમત થઈશું કે “કાર્યની ફરજો આપણે માથે હોય છે એને લીધે આંતરિક અને બાહ્ય વિષયબોધ (perception) ઉપર મર્યાદાઓ મુકાય છે; તેથી જ કલાકારની સર્જનાત્મક પ્રવૃત્તિની ખાસ જરૂર પડે છે.” એટલે કે, લૌકિક જન એટલો બધો કાર્ય મગ્ન હોય છે કે એ સીધું કે ઊંડું જોઈ શકતો નથી; એનો વિષયબોધ, એના મનનાં પૂર્વ-રોકાણો વડે ઘેરાયેલો છવાયેલો રહે છે. કવિનું કાર્ય હ્યૂમ કહે છે તેમ, “પદાર્થો ખરેખર જેવા છે તેને રૂપે જોવાનું” છે; અને “પોતે જે જુએ છે, તેની જ બરાબર અભિવ્યક્તિ કરવા માટે મનની જે એકાગ્રતા, જાત પરનું જે પ્રભુત્વ આવશ્યક છે.” તે માટે કવિએ પોતાની જાતને કેળવવી જોઈએ. કવિતા “તાજાં નૂતન વિશેષણો અને રૂપકો પસંદ કરે છે તે એટલા માટે નહીં કે તે નવાં હોય છે... પણ એટલા માટે કે જૂનાં વિશેષણો-રૂપકો પદાર્થના પ્રાકૃતિક રૂપનો બોધ કરાવતાં બંધ થઈ જાય છે અને અમૂર્ત સંજ્ઞાઓ બની જાય છે.” “તાજાં રૂપકો અને વિશેષણોનો વિનિયોગ થયેલો જોવા મળે ત્યારે જ પેલી તાદૃશ પ્રતીતિ આપણે પામીએ છીએ, જે કલ્પન-વ્યવસ્થામાંથી મળી શકતી શુદ્ધ રસાનુભૂતિના ઘટકરૂપ છે.”

વાસ્તવિકતા અલગતામાં નહીં, સંબદ્ધતામાં

સવાલ એ છે કે કવિતાનાં કલ્પનોની બાબતમાં પણ, ચોકસાઈને પરમ ઉદ્દેશ માનવો આપણને બરાબર લાગે છે કે પછી આપણને રસપ્રતીતિ કે સાક્ષાત્કાર કરાવનાર, કાવ્યાનંદ અર્પનાર મુખ્ય તત્ત્વ તો કલ્પનોની તાજગી અને ચોકસાઈ છે એમ આપણે માનીશું? ઘણીવાર યંત્ર મનુષ્યની આંખ કરતાં વધારે ચોકસાઈથી, વધુ યથાર્થ રીતે પદાર્થનું દર્શન કરાવતું જણાય છે પણ આ તો ‘જડ’ ‘પ્રાણહીન’ ચોકસાઈ કહેવાય. એ કાવ્યાનંદ કે રસપ્રતીતિ ન જન્માવી શકે. એટલે કે કાવ્યાત્મક કલ્પનસૃષ્ટિમાં ચોકસાઈ સર્વેસર્વા નથી. ઘણી વાર પદાર્થનું વર્ણન બારીકાઈથી અને વધુ પડતી ચોકસાઈથી કરવામાં આવે ત્યારે પદાર્થ પોતે તો તેમાં ક્યાંય ખોવાઈ જતો હોય છે. કવિએ “પદાર્થોને એ ખરેખર જેવા છે એવા રૂપમાં જોવા” પ્રયત્ન કરવો જોઈએ એ સાચું છે; પણ કશાનું ખરેખરું વાસ્તવિક અસ્તિત્વ એની અલગતામાં, શુદ્ધ અને સ્વયં પર્યાપ્ત અલગતામાં હોતું નથી; વાસ્તવિકતામાં સંબંધિતતા કે સંબંધવ્યવસ્થા (relationship)નો સમાવેશ હોય છે અને સંબંધવ્યવસ્થા આવે એટલે, માનવવ્યક્તિઓની બાબતમાં તો, માનવભાવ આવે. પરિણામે કવિ જ્યાં સુધી પદાર્થો પરત્વે થતી પોતાની લાગણીઓ વિશે ચોક્કસ, સ્પષ્ટ ન હોય ત્યાં સુધી એ પદાર્થોને એમના ખરેખરા સ્વરૂપમાં જોઈ ન શકે, એમના વિશે ચોક્કસ, સ્પષ્ટ બની ન શકે. પદાર્થો વચ્ચેની સંબંધવ્યવસ્થા તથા પદાર્થો અને લાગણીઓ વચ્ચેની સંબંધવ્યવસ્થા પ્રગટ કરવાની આ આવશ્યકતા જ કવિને રૂપકનો આશ્રય લેવાની ફરજ પાડે છે; અને આ આવશ્યકતા જ, હું કહીશ કે, એવી અપેક્ષા રાખે છે કે કાવ્યની અંદર કલ્પનો કોઈક સબળ આંતરિક અનિવાર્યતાથી ગંઠાયેલાં હોવાં જોઈએ. એઝરા પાઉન્ડે એક વખત ટકોર કરી હતી, “મસમોટી સાહિત્યરચનાઓ કરવા કરતાં જીવનભરમાં એક કલ્પન આપવું તે બહેતર છે.” પરંતુ આ કોઈપણ અર્થમાં શક્ય નથી, કારણકે કલ્પનો વેરાનમાંથી ઊગી નીકળતાં નથી. રસલક્ષી દૃષ્ટિએ કદાચ કોઈપણ ઉત્તમ કલ્પન સ્વયંસંપૂર્ણ હોઈ શકે પણ તે સ્વયંસર્જિત નથી હોતું; અને અંતે તો, એવું પ્રસિદ્ધ કલ્પન જન્મ પામે એટલા માટે ઠીકઠીક વિપુલ સાહિત્યસર્જન કરવું પડ્યું હોય છે. હા, એક કલ્પન જીવી જાય એટલા માટે ઘણાંબધાં કલ્પનોએ જન્મ ધારણ કરવો પડે અને મૃત્યુવશ થવું પડે આ મુદ્દા પર ભાર મૂકવાનું કારણ એ છે કે કાવ્યનાં અમુક કલ્પનોને અન્ય કલ્પનોથી સ્વતંત્ર અને સ્વાયત્ત રૂપે જોવામાં આવે છે. હકીકતમાં તે નિયમશાસિત નક્ષત્રમાળાના મહત્ત્વના ગ્રહો સમાન હોય છે. બીજું, આપણે રૂપકો કે ઉપમાથી પ્રભાવિત થઈએ છીએ તેનું કારણ પણ કલ્પનોનાં આંતરસંબંધ તથા પરસ્પરાવલંબન છે.

કલ્પનાવ્યાપાર અને જ્ઞાનવ્યાપાર

રૂપકને ઘણી વાર પ્રજ્ઞાનું પહેલું પગથિયું, પ્રાચીનતમ જ્ઞાનપદ્ધતિ માનવામાં આવે છે વિકોએ કહેલું કવિતા માનવચિત્તનો પ્રાથમિક વ્યાપાર છે. સાર્વત્રિક સિદ્ધાંતો રચવાની કક્ષાએ પહોંચે તે પહેલાં માણસ કાલ્પનિક ખયાલો રચે છે. સ્વચ્છ મનથી વિચારે તે પહેલાં આકુલ ક્ષુબ્ધ ચિત્તવ્યાપારોથી એ આકલન કરે છે; શાસ્ત્રીય પરિભાષા વાપરતાં પહેલાં એ રૂપકોનો ઉપયોગ કરે છે અને શબ્દોનો રૂપકાત્મક ઉપયોગ એને માટે સાહજિક હોય છે.” આ વિચારસરણીને તાર્કિક રીતે આગળ લંબાવીએ તે આપણે આ પીકૉકે લીધેલા વલણ સુધી પહોંચી જઈએ કે કવિતા વિજ્ઞાનથી સ્થાનભ્રષ્ટ થવા નિર્માયેલી છે. પણ જે કલ્પનાવ્યાપાર જ્ઞાનવ્યાપારની અવેજીમાં જ હોય, રૂપક વૈજ્ઞાનિક પદ્ધતિના પ્રાથમિક રૂપથી વિશેષ કંઈ જ ન હોય તો બહેતર છે કે આપણે લખવા-વાંચવાનું બંધ કરી દઈએ અને પ્રયોગશાળાઓમાં ગોઠવાઈ જઈએ. કોલરિજને તો કેવળ વિચારવ્યાપારમાંથી ઉદ્‌ભવતી વસ્તુઓ પાનખરનાં ડાળ-પાંદડાંની જેમ કરમાઈ જતી લાગી હતી અને એને નવપલ્લવિત કરવા માટે કોઈ ઊંડાં મૂળમાંથી સિંચાતા જીવનરસની આવશ્યકતા જણાઈ હતી. એટલે કે કવિ માટે જ્ઞાનના વૃક્ષને નવ-પલ્લવિત કરવા માટે આ જીવનરસની જરૂર છે, જેથી અમૂર્ત વિચારોને ભાવાવેશ વડે સચેતન કરી શકાય અને સત્યને, વડર્‌ઝવર્થે કહેલું તેમ, ભાવાવેશને કારણે હૃદયમાં જીવંત રૂપે પામી શકાય.

કાવ્યગત સત્ય અને કલ્પનાવ્યાપાર

સત્યના આ વિષયમાં હું તસુ પણ નમતું જોખવા તૈયાર નથી. કાવ્યગત સત્ય, જેની વર્ડ્‌ઝવર્થે “વૈયક્તિક કે સ્થાનિક નહીં પણ સર્વવ્યાપક અને ક્રિયાશીલ (operative)” એવી વ્યાખ્યા આપી છે, તેને કાવ્યાનંદમાંથી ફલિત થતા અને મૌલિભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારવું જોઈએ. વૈજ્ઞાનિક સત્યની પેઠે એ પ્રમાણિત ન થઈ શકે. આપણે કાવ્યગત સત્યને પ્રમાણીએ છીએ, કેમકે એ ‘ક્રિયાશીલ’ છે, કેમકે એ, કૅન્ટ જેને જીવનનો વિકાસ કહેતા એવો આનંદ આપણામાં જન્માવે છે. નારીના હાવભાવ એના પ્રેમની જેવી અપ્રતિરોધ્ય પ્રતીતિ કરાવે છે તેવી અપ્રતિરોધ્ય પ્રતીતિ કવિતા આપણને એના સત્યની કરાવે છે. શબ્દોનો ઘૂંટેલો રંગ, સભાન લાલિત્ય, ઉક્તિનું અરૂઢ વૈવિધ્ય અને વૈપુલ્ય – આ નિશાનીઓથી આપણે કવિતાને ઓળખીએ છીએ : પણ અનુભવજગતના જે માર્ગ અને ખંડોની આપણે પૂર્વે જેવીતેવી માપણી કરી હતી, બેધ્યાનપણે મુલાકાત લીધી હતી, અલપઝલપ ઝાંખી કરી હતી તે સકલ માર્ગો અને ખંડોને જાણે કોઈ ગુરુચાવી મળી ગઈ હોય તેમ અજવાળી નાખનાર હૃદય પરનો ટકોરો તે કયો? કીટ્‌સે કહ્યું છે : “કલ્પનાને આદમના સ્વપ્ન સાથે સરખાવી શકાય – તે જાગ્યો અને જોયું કે તે સત્ય હતું.” તો વળી બ્લેઇક કહે છે : “માની શકાય તેવી પ્રત્યેક વસ્તુ સત્યનું એક કલ્પન હોય છે.” આ બન્ને પયગંબરી ઉદ્‌ગારો પરસ્પરપૂરક છે તેમજ આત્યંતિક પણ છે. કીટ્‌સે કાવ્યસર્જનના આખાય જટિલ વ્યાપારને એક જ કલ્પન દ્વારા સૂચવવાની યુક્તિ રચી છે. એ કહે છે : કલ્પના ગ્રહણશીલ છે, અભાનપણે કાર્ય કરે છે; એને ખબર પણ નથી હોતી કે એની સ્વપ્નાવસ્થામાં અને એના દ્રવ્યમાંથી સત્યનું સર્જન થઈ રહ્યું છે. પણ અત્યારે તે કલ્પનની વાચક પર પડતી અસર એ મારે મન મહત્ત્વનો મુદ્દો છે અને બ્લેઇકનું વિધાન મુખ્યત્વે વાચકને અનુલક્ષે છે. જો આપણે એના પર બરાબર વિચાર ચલાવીએ તો એ કવિતામાં પ્રતીતિ (belief)ના પ્રશ્નને હળવો કરવામાં સહાય કરે છે એમ મને લાગે છે; એ કોલરિજની “અપ્રતીતિને મોકૂફ રાખવા” (suspension of disbelief)ની વાતથી ઊંડે જાય છે, કેમકે એના કરતાં એ વધુ વિધાયક કથન છે. “માની શકાય એવું બધું જ” એટલે કે, કવિતા પોતાના ભાવાવેશના બળથી જેની પ્રતીતિ કરાવી શકે તે બધું જ “સત્યનું એક કલ્પન છે”, કારણકે સત્ય ભાવાવેશમાં રહેલું છે. કવિતામાં બૌદ્ધિક પ્રતીતિઓને થોડા સમય માટે મોકૂફ રાખવી જોઈએ, એટલા માટે કે તે સમય પૂરતી એક જુદા જ પ્રકારની, છતાં કોઈપણ રીતે ઓછી પ્રમાણભૂત નહીં એવી પ્રતીતિ આપણા ચિત્તનો કબજો લઈ શકે. કલાનિષ્ઠ અસંગતિમાંથી, વિષયવસ્તુ સાથેના કલ્પનના વિસંવાદમાંથી ઉદ્‌ભવતા હોય તે સિવાય કશાં વિરોધી નિરૂપણો કવિતામાં હોઈ શકે નહીં. કવિને માટે “જે કંઈ સત્ય છે તેનું વિપરીત પણ સત્ય છે.” એ ચંદાને વફાદાર માશૂક કહી શકે અને કુલટા નારી પણ કહી શકે.

કલ્પન દ્વારા વિશ્વરચનાના અનંત વિસ્તારની ઝાંખી

આ કાવ્યવિશ્વ, અલબત્ત, કૃત્રિમ છે. પણ પોતાની કલ્પનભાતને કારણે, કાવ્ય, જેને આપણે વાસ્તવિક જગત કહીએ છીએ તેની ભાત સાથે મળતાપણું ધરાવતું હોય છે. જેટલે અંશે કોઈપણ કાવ્ય આવું મળતાપણું ધરાવે તેટલે અંશે એ આપણે માટે અર્થસભર બની રહે છે. આ મળતાપણાનું ભાન વાચકને રૂપકના માધ્યમ દ્વારા થાય છે. તે ઉપરાંત – મારી આખીયે દલીલનો મુદ્દો પણ આ છે કે – કાવ્યાત્મક કલ્પન આપણને જણાવે છે કે વાસ્તવિક જગતમાં પણ ભાત છે, આકૃતિ છે. “વિષયબોધનાં દ્વારો જો સાફ કરવામાં આવેલાં હોય તો માણસને બધું જ જેવું છે તેવું – એના શાશ્વત અનન્ત રૂપમાં દેખાય” એવું બ્લેઇકે કહેલું. યેઇટ્‌સના શબ્દો પણ એનો પડઘો પાડે છે : “માણસ બારીના કાચ પરનો પોતાનો ઉચ્છ્‌વાસનો ભેજ લૂછે છે અને જે વૈવિધ્યપૂર્ણ દૃશ્ય દેખાય છે તેનાથી આનંદિત થાય છે.” સૌંદર્યના નાનામાં નાના અંશમાં પણ સમગ્ર જગતની સંપૂર્ણ સહજોપલબ્ધિ (intuition) થાય છે એમ કદાચ ન સ્વીકારીએ તોપણ એમાં સમગ્ર જગતની ‘આંશિક’ સહજોપલિબ્ધ થાય છે એમ તો જરૂર માની શકાય. આ વાત બધા પ્રકારની કવિતાનાં કલ્પનો માટે સાચી છે – એ અર્થમાં કે દરેક કલ્પન માત્ર કોઈ પદાર્થનું પુનઃસર્જન નથી કરતું પણ કોઈક અનુભવના સંદર્ભમાં એનું પુનઃસર્જન કરે છે. એટલે કે એક સંબંધવ્યવસ્થાના ભાગ રૂપે પદાર્થનું પુનઃસર્જન કરે છે. સંબંધવ્યવસ્થા રૂપકનું તો સ્વરૂપગત તત્ત્વ છે અને તેથી જો આપણે એમ માનતા હોઈએ કે આ વિશ્વ એવી રચના છે જેમાં બધા માણસો અને બધી વસ્તુઓ એકબીજાના ઘટકરૂપ છે તો રૂપક સમગ્ર જગતની આંશિક સહજોપલબ્ધિ આપે છે એમ સ્વીકારવું જોઈએ. દરેક કાવ્યાત્મક કલ્પન, મારો એવો દૃઢ મત છે કે, આ વિશ્વરચનાના એક નાનકડા અંશને વિશદ રીતે પ્રગટ કરીને એના વિસ્તારની ઝાંખી કરાવે છે.

વિવેચકની આદત

વિવેચકની આદત હોય છે – કવિઓને જૂથમાં વહેંચી નાખવા અને સામસામે રમતમાં ઉતારવા. અને બિચારો વિવેચક! એણે એવી રમતસ્પર્ધામાં નિર્ણાયક બનવાનું, જેમાં પ્રતિસ્પર્ધી ખેલાડીઓ સતત ભાઈચારાથી વર્તતા હોય છે, અંદરોઅંદર ગણવેશ બદલ્યા કરતા હોય છે, ઊલટી જ દિશામાં દોડ્યા કરતા હોય છે અને નિયમોને નેવે મૂકતા હોય છે. વિવેચકની આવી આદતના આપણે ભોગ ન બનવું જોઈએ અને કવિઓને કલૅસિકલ અને રોમૅન્ટિક જેવા વર્ગોમાં ચુસ્તપણે વહેંચી નાખવા ન જોઈએ.

કવિતા અને કાર્યપ્રેરણા

બેન જૉન્સને એવું માનેલું કે કવિતા આપણને કાર્યમાં પ્રેરી શકે છે. ઉપદેશાત્મક કવિતાની વાત જુદી છે, પણ તે સિવાય આ વાત માનવાનું આપણે માટે મુશ્કેલ છે. ક્રિસ્ટફર કૉડવેલનું પ્રતિપાદન એવું હતું કે આદિમ કવિતા માનવીની સક્રિયતા માટે અનુકૂળ બને તેવી કલ્પનાગમ્ય પરિસ્થિતિનું નિર્માણ કરતી હતી : દાખલા તરીકે, ધાન્યના ફાલનું સબળ તરંગ-ચિત્ર રજૂ કરીને કવિતા વણવાવેલા ફાલને વધુ મોટી વાસ્તવિકતા અર્પતી હતી અને આ રીતે ધાન્યનો ફાલ લેવા વધુ પ્રયત્નો કરવા ઉત્તેજતી હતી. આદિમ કવિતા વસ્તુતઃ કલ્પનાના માધ્યમ દ્વારા સહજવૃત્તિઓને કેળવવાનું કાર્ય કરતી હતી અને આજે પણ કવિતાનું તે એક મહત્વનું કાર્ય હોવાનું આપણે માની શકીએ, પરંતુ કાવ્યાત્મક કલ્પન અને માનવીય કાર્ય વચ્ચેની કડીઓ આજે નબળી પડી ગઈ છે, વધુ સૂક્ષ્મ બની છે; ટૂંકમાં તેમની વચ્ચે ઘણું અંતર પડી ગયું છે; માનવીને સક્રિય બનાવવા માટે કવિતા કરતાં વધુ અસરકારક પ્રચારનું – કહેવાતી કળાનું – માધ્યમ સાંપડ્યું છે. ચાર્લ્ઝ વિલિયમ્ઝે એમ માનેલું કે કવિતામાં જો શહીદીની ભાવના હોય તો આપણે પણ શહીદી વહોરવા શક્તિમાન છીએ એવું આપણે અનુભવીએ છીએ. આ વાત પણ ભાગ્યે જ સ્વીકારી શકાય. આપણે તો શહીદીની ભાવનાનો કેવળ સાક્ષાત્કાર કરીએ છીએ.

પુરાકલ્પન અને કલ્પન

માનવવૃત્તિઓને કેળવનાર મહાન પુરાકલ્પનોએ પ્રાચીન કાળથી માનવીને ધીમેધીમે તેની પશુ-અવસ્થામાંથી બહાર આણ્યો છે : આસપાસની ભયાવહ સૃષ્ટિનું જીવનોપયોગી સૃષ્ટિમાં રૂપાંતર કર્યું, હઠીલા પાર્થિવ જગત અને ખતરનાક અપાર્થિવ તત્ત્વો પર કલ્પનામાં પ્રભુત્વ સ્થાપીને તેમને કહ્યાગરાં બનાવ્યાં, અંધશ્રદ્ધાને નિયંત્રિત કરવા ધર્મને આગળ કર્યો. આ રીતે આ પુરાકલ્પનો ક્રિયાશીલ કવિતા હતાં. પણ આજે તેઓ મરી પરવાર્યાં છે કેમકે માણસની ઉત્ક્રાંતિઅવસ્થામાં તેમનું જે કાર્ય હતું તે પૂરું થઈ જતાં તેમની કશી જરૂર રહી નહોતી, આ પુરાકલ્પનો સામૂહિક ચિત્તમાંથી ઉદ્‌ભવ્યાં હતાં અને અંધકારયુગ દરમ્યાન એમણે ચિત્તને પ્રકાશિત કર્યું હતું, છતાં પણ તેમનું કાર્ય માણસને પગભર કરવાનું, એને જાતે ચાલતાં શીખવવાનું અને સમષ્ટિના ઘટકરૂપ મટી જઈને એક માનવવ્યક્તિરૂપ બની ગયેલી પોતાની જાત માટે વિચારતાં અને લાગણી અનુભવતાં શીખવવાનું હતું. આમ કાવ્યાત્મક પુરાકલ્પનો મરી પરવાર્યાં છે અને તેને સ્થાને કાવ્યાત્મક કલ્પન એટલે કે વ્યક્તિનું પુરાકલ્પન વિરાજે છે. કાવ્યાત્મક પુરાકલ્પન સામૂહિક ચેતનામાંથી સર્જાયું હતું; કાવ્યાત્મક કલ્પનને એ ચેતના પાસે અનુમોદન અર્થે જવું પડે છે. ઉપરાંત કલ્પનના – રૂપકનિષ્ઠ કવિતાના – સ્વરૂપમાં જ પેલી સામૂહિક ચેતનાનું આવાહન રહેલું છે : માણસ ગમે તેટલો વ્યક્તિનિષ્ઠ ભલેને બન્યો હોય છતાં સંઘભાવનામાંથી ભાવગત પુનઃપ્રત્યય (emotional reassurance) મેળવવા જાણે હજુ ઝંખે છે. આ સંઘભાવના તે પોતાના માનવસાથીઓ પૂરતી જ નહીં. પણ વિશ્વમાં જે કંઈ જીવંત છે અને મૃત છે તેની સાથેની પણ. કારણકે આખરે કવિતા આપણને શું કહે છે? એ કહે છે કે પક્ષીનો શિકાર કરીએ તો આપણે આપણી જાતને જખમી કરીએ છીએ.

કલ્પનભાત વડે સંવાદિતાની સાધના

હાર્ડીએ માનવજાતને કરોળિયાની જાળની પેઠે ગૂંથાયેલી કહેલી : એક બિંદુએ એને સ્પર્શતાં એના બધા જ અંશો હલી ઊઠે છે. જૉર્જ હર્બર્ટે માણસમાં સંપૂર્ણ સંવાદિતાનાં દર્શન કર્યાં હતાં – એના દેહમાં અને એના જગત સાથેના સંબંધમાં. વર્ડ્‌ઝવર્થને પણ પાર્થિવ માનવમાં, સંગીતમાં રહેલી સંવાદિતાની પેઠે અમર્ત્ય ચૈતન્ય વિકસતું ભાસ્યું હતું. અને હાઉસમનનું કથન પણ આપણને યાદ આવે : “જગતના વિષાદમાંથી સંવાદ નિપજાવવો એ કવિતાનું કાર્ય છે.” અહીં ‘સંવાદ નિપજાવવો’ એ પ્રયોગમાં પ્રશિષ્ટ કવિતાવિચાર અને આધુનિક કવિતાવિચાર વચ્ચેની કડી જડે છે – કવિતા ભીષણ પદાર્થને પ્રસન્નકર બનાવે છે એવો પ્રશિષ્ટ કવિતા-વિચાર હતો; કવિતા ભીષણને એક ભાત, એક આકૃતિના ભાગ રૂપે સ્વીકારે છે એવો આધુનિક કવિતાવિચાર છે. કરોળિયાનું જાળું, માનવદેહરચના, સંગીતની સંવાદિતા – આ દૃષ્ટાંતોથી આ કવિઓ-વિવેચકોને કલ્પનોમાં રહેલી ભાતની વાત કરવાનું આવશ્યક લાગ્યું છે. આ દ્વારા એ કવિઓ જે પ્રતિપાદન કરી રહ્યા છે તેમાં દરેક કવિ સંમત થશે જ કે કવિતાનું સત્ય સઘળી ઘટનાઓને જોડતી અને એમાં નિહિત રહેલી એકસૂત્રતાના દર્શનમાંથી આવે છે અને કવિતાનું કાર્ય એના કલ્પનાવ્યાપાર – રૂપકવ્યાપાર દ્વારા આ ભાત કે આકૃતિની અંદર નવી સંબંધવ્યવસ્થા નિરંતર શોધતા રહેવાનું અને જૂની સંબંધવ્યવસ્થાઓનું પુનઃશોધન અને નવસંસ્કરણ કરતા રહેવાનું છે. ભાત સતત બદલાતી હોવાથી કોઈ કાવ્યાત્મક કલ્પન કદી પરમ સત્યની સ્થિતિને પામતું નથી.

ન ચકાસી શકાય એવું સત્ય

હું જે દલીલ સતત કરી રહ્યો છું તે આ છે : કાવ્યાત્મક કલ્પન જ્યારે પોતાની પાંખો ઊંચે આકાશમાં ફફડાવે છે અને ભાવાવેશપૂર્ણ અનુભવોના પ્રકાશ વડે સંબંધોની શોધ આદરે છે ત્યારે તે સત્યનો આવિષ્કાર કરે છે અને તે સત્યને આપણા માટે સ્વીકાર્ય બનાવે છે. અહીં એક મહત્ત્વનો સવાલ જરૂર ઊભો થાય : કવિતાના ભાવાવેશપૂર્ણ પુનઃસર્જનોને વાસ્તવિકતાના સ્વરૂપ સાથે કંઈ મળતા૫ણું છે એનો પુરાવો શો? અલબત્ત, કોઈ જ પુરાવો નહીં. માત્ર આપણને એવું લાગે છે. પથ્થરને ઠોકર મારીએ અને પગમાં પીડા થાય તો આપણે માની લઈએ છીએ કે ત્યાં સાચુકલો પથ્થર હોવો જોઈએ. કવિતાક્ષેત્રનો આધુનિક નાસ્તિક કદાચ એટલું કબૂલ કરે છે એક વખત જ્યારે આપણી ઇન્દ્રિયોએ આપેલી સામગ્રીને ચકાસવાની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નહોતી ત્યારે કવિતાનાં કલ્પનો અણસારો અને અંદાજ આપતાં હોવાથી ઉપયોગી હતાં પણ આજે, એ કહે છે કે, જ્યારે વાયુશાસ્ત્રનાં સાધનો ઉપલબ્ધ છે ત્યારે ભડલીવાક્યના તૂતની શી જરૂર? આનો જવાબ એ જ હોઈ શકે કે ન ચકાસી શકાય તેવાં સત્યો જેવું પણ કંઈક હોય છે અને કવિતામાં આવું ચકાસી ન શકાય એવું તત્ત્વ સત્યની પ્રતીતિ લઈને આવે છે.

વ્યવસ્થા અને પૂર્ણતા માટેની માનવની ઝંખના

કવિતામાં જે ભાત કે આકૃતિ રહેલી હોય છે તે આપણને આનંદ આપે છે કેમકે એ વ્યવસ્થા માટેની અને પૂર્ણતા માટેની માનવીય ઝંખનાને તૃપ્ત કરે છે. શબ્દસંગીત કે ઉપમા-રૂપકના ઇન્દ્રિયજન્ય સાહચર્યોમાંથી મળતા આનંદની ભીતરમાં સગાઈસંબંધ પારખવાનો આનંદ રહેલો છે. આને અસદૃશમાં સદૃશનો અવબોધ કહેવામાં આવ્યો છે : એ ચાલશે; પણ આ અવબોધ, જો માનવમન બાહ્ય જગતમાં વ્યવસ્થાનું દર્શન કરવા ઝંખતું ન હોત, જગતમાં એ ઝંખનાને તૃપ્ત કરે તેવી વ્યવસ્થા ન હોત અને કવિતા એ વ્યવસ્થાના હાર્દ સુધી પહોંચીને એને અંશેઅંશમાં મૂર્ત કરી શકતી ન હોત તો આપણને આનંદ આપી ન શકત. વિજ્ઞાનીઓએ પણ વ્યવસ્થા અને સંવાદિતાનાં દર્શન કરવાની માનવીની ઝંખના છે. તેની તથા ભૌતિક જગતનાં કુદરતી બળોને જોડતી કડીઓના જ્ઞાનથી જે આનંદ મળે છે તેની નોંધ લીધી છે. કાવ્યાત્મક કલ્પન માનવચિત્તનો વ્યાપાર છે, જે જીવતી કે જીવી ગયેલી સઘળી વસ્તુઓ સાથે સગપણ બાંધવા માગે છે અને બાંધીને રહે છે. રૂપક, આપણે જાણવું જોઈએ કે, ત્રણ બાજુની સંબંધવ્યવસ્થા છે. બેન જૉન્સને જ્યારે કમળને “પ્રકાશનો છોડ અને પુષ્પ” કહ્યું ત્યારે એ પહેલાં તો આપણને કમળ વિશે કંઈક કહેતા હતા અને પછીથી પ્રકાશ વિશે કંઈકઃ પણ તે ઉપરાંત એ આ વાત એવી રીતે કહેતા હતા કે, જો એ કલ્પન આપણા હૃદયસોંસરવું ઊતરી જાય તો, કમળ વિશેના આપણા પોતાના અનુભવને સમૃદ્ધ કરે. આ રૂપક એટલું તો સઘન છે કે ત્રણ વસ્તુઓ – પ્રકાશ કમળને જે અર્થ અર્પે છે તે, કમળ પ્રકાશને જે અર્થ અર્પે છે તે અને કાવ્યના સંદર્ભમાં પ્રકાશ-કમળની સંબંધવ્યવસ્થા વાચકના ચિત્તમાં જે અર્થ સર્જે છે તે – અવિભાજ્યપણે એક રૂપે ગૂંથાઈ જાય છે.

કવિ – પ્રેમના સિદ્ધાંતનો સાક્ષી

કવિનું કાર્ય એ છે કે જ્યાં દેખાય ત્યાં ભાત કે આકૃતિને ઓળખવી-પારખવી અને પોતાની અનુભૂતિઓને એવા કાવ્યાત્મક રૂપમાં ઢાળી દેવી જે એની ઉત્કટતા અને સુસંગતતા વડે આપણામાં એ અનુભૂતિઓની સત્યતાની પ્રતીતિ જન્માવે. આપણે એમ પણ કહી શકીએ કે એણે આ જગતમાં પ્રેમના સિદ્ધાંતના સાક્ષી બનવાનું છે. કેમકે બધા પદાર્થોમાં રહેલી ઉષ્મા પ્રત્યે હાથ લંબાવવાની માનવીય ચેષ્ટા માટે પ્રેમ એ યોગ્ય શબ્દ છે. આ હાથ લંબાવવાની ચેષ્ટા તો કવિના ગાનનું મૂલબિંદુ અને એની ભાવપ્રેરણા છે.

પાદટીપ :

  1. C. Day Lewisના The Poeic Imageના પહેલા પ્રકરણનો મુક્ત સંક્ષિપ્ત અનુવાદ.
  2. ‘મેટફર’ માટે ‘રૂપક’ પર્યાય વાપર્યો છે, પણ બન્નેનાં ક્ષેત્ર અમુક અંશે જુદાં પડે છે. ‘મેટફર’ આરોપણવાળો લક્ષણાવ્યાપાર છે; એમાં સાદૃશ્યસંબંધ અનિવાર્ય નથી. બીજી બાજુથી લક્ષણા ‘મેટફર’ કરતાં વધારે વ્યાપક વ્યાપાર છે; આરોપણ વિના પણ લક્ષણા હોઈ શકે છે.
    ‘ઇમેજ’ અને ‘મેટફર’ને લુઇસ લગભગ પર્યાય રૂપે પ્રયોજે છે. માટે જ‘ઈમેજ’ચાલુ વાતમાં ‘મેટફર’ શબ્દનો પ્રયોગ અવારનવાર મળે છે.
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted