સોનાનાં વૃક્ષો/વતનમાં વૈશાખ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
{{right|મોટા પાલ્લા, તા. ૨૫–૨૬ એપ્રિલ, ૨૦૧૦}} | {{right|મોટા પાલ્લા, તા. ૨૫–૨૬ એપ્રિલ, ૨૦૧૦}} | ||
<br> | <br> | ||
[[File:Sonanam Vruksho - Image 11.jpg| | [[File:Sonanam Vruksho - Image 11.jpg|200px|center]] | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 05:56, 26 January 2025
દર વર્ષે વૈશાખ આ રીતે ન્હોતો બેસતો... તડકા આકરા થતા ને ઊના ઊના વાયરા વાતા... પરીક્ષાઓ પૂરી થતી ને ગામનાં છોકરાં પોતપોતાને મોસાળ જતાં... મામા કેરીનો રસ કાઢતા અને મામી પોતાના પોયરાંને લઈને, પિયર જવા નહિ મળતાં, તોબરો ચઢાવીને છણકા કરતી... મામા હસી કાઢતા. પણ આ ફેરે વૈશાખ આંબાની ડાળેથી ઊતરીને રાયણની ઘટાઓમાં સંતાતો ફરતો હતો... મહુડા પણ મોડા જાગેલા તે હજી એનાં રતુંબડાં ને પિંકજાંબલી પાંદડાંમાં રમતી બપોર ઓછી આકરી લાગતી હતી. સવારની સીમ તો એય ને મહુડાના વનોની પાંદલીલાઓ સાથે કુંવારકાની ઓઢણી શી ફરફર્યા કરતી ને સાંજે એ જ સીમ નવોઢાના પાનેતરનો પાલવ જ જોઈ લ્યો... હા, એમાં ખૂશ્બોઈ પણ હતી. આ વખતે મને વતનની માયા મૂકાતી ન્હોતી.. સીમવગડો છોડવાનું ગમતું નથી... આ વૈશાખે મારી મૂળ માટી જગવી દીધી છે! હું મનને સમજાવું છું... વિદ્યાનગરમાં હજી શિરીષનાં હારબદ્ધ વૃક્ષો પર ફૂલો લીલીપીળી દીવીઓ જેવાં શોભતાં અને મધરું મધરું મહેંકતાં હશે... પાછોતરા લીમડા પર ધવલ મંજરીનાં ઝૂમખા ઝાંઝરની ઘૂઘરીઓ જેવાં ચમકતાં અને કડૂચી ગન્ધથી વાતાવરણને વધુ કેફલ બનાવતાં હશે... રસ્તે રસ્તે છાંયડાઓની ભાત પડી હશે ને વિદ્યાર્થીઓ વિનાના એ કેમ્પસનાં નિઃસંગ વૃક્ષો આપણી રાહ જોતાં હશે; ચાલ... ચાલ...! પણ આ વૈશાખે મારું મન પીટ્યું! વાયરે ચઢ્યું છે – ઘેલું થયું છે તે માનતું જ નથી! એને તો આ વરણાગી સીમવગડો વ્હાલાં લાગ્યાં છે. પીપળાની ‘હસતી કૂંપળિયાં’ એનાં રંગ કટોરીઓ શાં પલપલતાં કૂણેરાં પાન... ને વડને પાંદડે પાંદડે ચમકતું ચીકટું અજવાળું... આંબાઓ પુનઃ ફૂટ્યા છે – કથ્થાઈ ચામર શાં કૂંપળ સમ્પૂટો ધ્યાન ખસેડવા દેતાં નથી ને આ ફૂલફળની સૂક્કી ને ઝીણેરી જાળીઓ હલાવતી સાગની સૂક્કીખંખ લાગતી ડાળીઓ ઉપર, વછેરાના કાન જેવાં પાંદડાં ઊગી આવ્યાં છે – હવે એ જેમ જેમ મોટાં થશે એમ જેઠ અને મેઘ બેઉ નજીક ને નજીક સંભળાશે... કેસૂડાં ઊલી ગયાં પછી પલાશ પાંદડે પાંદડે લીલાશનું આણું લઈને લચી પડેલા ભળાય છે... લીલીપીળી સીમમાં ભભૂતિયા બાવા જેવા ઊભેલા શીમળાની ડાળીઓ પર પણ હવે પાંદડીઓ રમવા માંડી છે... આ વખતનો આ વૈશાખ જ જુદો છે.... જરાક વધારે મોહક અને વધુ વરણાગીઓ! પેલી દૂરની ટેકરીઓની સોડમાં નવાગામ સૂતું છે. વૃક્ષોમાં ઠીકઠીક ઢંકાયેલું ગામ જોતાં જ હું તો રાજી રાજી થઈ જાઉં છું. છેવાડાના ઘર આંગણે એક નાનકડો ગુલમોર, જરાક વ્હેલેરો જાગી ગયો છે – જાણે ડાળીએ ડાળીએ કંકુ ઊઘડ્યું છે.... કંકુની એ છટાદાર રંગલીલાએ, આજના અધિક વૈશાખની સવારને અને સીમવગડાના અવકાશને છાંટી દીધાં છે… ક્યાંથી પ્રગટે છે આ રંગો? માટીમાંથી સ્તો! પેલા કવિની પંક્તિ પાછી મને સાંભરી આવી છે :
“જંગલમાં ધોધમાર વરસે ગુલમોર
ક્યાંક કાગડો ન થઈ જાય રાતો…”
કાગડો તો રાતો થાશે કે નહિ, રામ જાણે! પણ આજે હું ને મારો મલક તો રાતાં રાતાં છમ થઈ ગયાં છીએ… થાય છે કે આજની આ વેળા આમ જ થંભી જાય! કાશ.. મનમાં કાયમની ઝંખના રહે છે તે પાછી રોમાંચ જગવતી જાગી છે : કાશ! મારે આંગણે પણ આવો ગુલમોર હોય! અરે, આ કોઈ ગુલમોર નથી, આ તો છે કંકુનું ઝાડવું! ટેકરીઓની કૂખોમાં વસેલાં આ મારા મલકનાં ગામડાં ચોમાસે તો વિલાયતથીય વધું હરિયાળાં અને વર્ણને વધુ મર્માળાં બની રહે છે. મારા ગામનું નામ (ગોલાના) મોટા પાલ્લા છે ને બાજુમાં નાના પાલ્લા છે. પણ જાણે વરવધૂ હોય એમ – મોટા પાલ્લા છે એમ પડખે મોટી પાલ્લી પણ છે; ને છેડા ગંઠાડી શકાય એટલા અડખે પડખે છે આ નાના પાલ્લા ને નાની પાલ્લી! બધાંય ખોબા જેવડાં અને ટેકરીઓના ઢાળઢોળાવે... મા–એ કેડ્યમાં બાળક તેડ્યું હોય – એમ વસેલાં છે. જ્યારે જ્યારે ગામડે આવું છું ત્યારે સવારે–સાંજે આ પરિસરમાં ચાલતો, બલ્કે મ્હાલતો નીકળી પડું છું; ને અલગારી શો રખડતો રહું છું. પાછલાં વર્ષોમાં સીમવગડાને ચીરતી કાળી સાપણ જેવી સડક પસાર થાય છે.... ને મહીસાગરના લીલાંકાચ પાણી છલકાવતી નહેર તો જાણે રજપૂતાણીની કેડ્ય ફરતો કંદોરો હોય એમ સીમ અને ટેકરીઓને વીંટળાઈ વળેલી છે. આથી હવે ખેતી બારમાસી છે ને સીમવગડા કરતાંય વધારે ને વધારે લીલાં તો મારાં લોકો જ લાગે છે.... ને માથે મોર ટહૂકે છે તે છોગામાં! અરે, આ માટીનાં મોર–ઢેલની અદાઓ તો જુઓ.... આહ! વાહ! આ ચાસબંધ ભરચક ભળાતું, ખેડેલું ખેતર જોતાં જ, મને થાય છે કે લાવ ગુલાલ વાવી દઉં! આપણે વિચાર વાવીએ તોય ઊગી નીકળે એવી વેળા છે. પાસેના ખેતરોમાં પ્રવેશું છું – શેઢે શેઢે આગળ વધું છું... લીલા મગનાં ખેતર કલાં કલાં કરી રહ્યાં છે... ને બાજુમાં ઉનાળુ બાજરીનાં બાજરિયાં ડોલાવતું ખેતર આગળ ખસવા દેતું નથી... મેળામાં મદમસ્ત જુવાનીમાં મલકતી અને અન્યોને ડોલાવતી યુવતીઓને ‘જોવનપુરનું બાજરિયું’ (ડૂંડું) કેમ કહે છે તેનો જવાબ અહીં મળી જાય છે. શેઢાનું ઝાકળભર્યું ઘાસ પગને અડે છે તેય માયાવી લાગે છે... આછી પવનની લહેરો, કુંવારા બદન જેવી સુગંધ લઈને, અંગાંગને જગવે છે... વૈશાખ, મારો વ્હાલો નખરાળોય છે, હાં કે! ડાંગરની ક્યારીમાં તો, લ્યો! જાણે સૂરજદેવતા બાળગોપાળ લઈને રમવા ઊતરી પડ્યા ના હોય! શું અજવાળું છે મારી સામે! ‘અગોચર ગોચર’ થઈ જાય એવી વેળામાં હું કૈંક ચકિત છું.. થોડો વધુ મુગ્ધ અને વધુ તો શાંત!!! શાના ઉધામા ને શું કરવા? જીવતર તો આ રહ્યું આંખો સામે ને તોય અકળ સકળ રહ્યો તથા એની એકાદ બે ચાવીઓ પણ; આ માટી મોલમાં ને લીલા ઘાસમાં આળોટતા, તાજા ઘી જેવા તડકામાં જ પડેલાં છે. આ વાત જાણતા હોય એમ, સીમસડકની ધારે ખીલેલાં અવળગંડીના પિંક ફૂલો ડોલતાં ડોલતાં હસી રહ્યાં છે! ને ઉપર નીલાકાશમાં, ભૂલી પડેલી કુંજડીઓની હાર જોઉં છું... એમનો અવાજ જાણે તળાવનો સાદ... થોડી ઉતાવળ ને ઝાઝી ભીનાશ! આ વેળામાં કોયલ ન સંભળાય એને કાન જ નથી એમ કહેવાય ને સૂડા તો બારેમાસ કરકરું બોલતાં જ રહે છે – મૂળે એ જાત જ વાચાળ... મીઠાશ ઓછી ને પંચાત વધારે. સૂડા જાણે માસ્તરો છે!! થોડો આગળ વધું છું તો અજાણી વેલીઓ પાંદડે કંજૂસ બાવળોને વીંટળાઈ વળી છે. મનમાં પંક્તિ જાગે છે – ‘ટોળે મળીને લોક વાતો કરશે કે સાવ બાવળ પર કોક વેલ મોહી!’ હાસ્તો! મારું ખરું સ્થાનક આ કણજી – સાગ – ખાખરાવાળી ટેકરી છે. સડકથી કોરાયેલી ટેકરીની કુખમાં લક્કડિયા માતાનો વાસ છે. પરણીને વળતી જાન માતાજીને ચૂંદડી ચઢાવે છે ને વરરાજાનો સેહરો પણ અહીં ઊતરે છે... માતાજીને લાકડાને ઉધઈ ખાઈ જાય ત્યારે પાલ્લી ગામનો સુથાર સાગનાં લાકડાંમાંથી નવાં માતાજીની જોડ ઘડી કાઢે છે. લીલી મકાઈના પહેલા ડોડા માતાજીને પારે ચઢાવ્યા – ધરાવ્યા વિના લોક ડોડા ખાતાં નથી. અધમધ રાતે, માતાજીને લીધે, મુસાફરોને ડર લાગતો નથી. માતાજીની પછીતમાં ટેકરી સાથે કણજીનું વન છે. એ ઝાડવામાં રાતી કલગી ને કંઠવાળા લક્કડખોદ ઘણા જોવા મળે... ઠસ્સાથી થડની છાલને ઠોલતા અને ઈયળ – જંતુનો ‘નાસ્તો’ શોધતા એમને, બલ્કે એમના રૂઆબને હું જોયા કરું છું. લક્કડખોદોની આ નાનકડી વસાહતનું મને કાયમ આકર્ષણ રહે છે. એ ચંચળ પક્ષી આમ પાછું શરમાળ અને શાંત પણ છે. આજે તો સવારને પંખીઓએ નિજગાનથી ભરી દીધી છે. ક્યાંક નાચણની તીણી સીટી સંભળાય છે તો બુલબુલ ને દૈયડ પણ બોલ્યા જ કરે છે. દરજીડો કાયમ – મારી જેમ સ્તો – સાવ એકલો ગાતો ને વિહરતો રહે છે. મોરપિચ્છ ગળાવાળાં ચમકતાં કાળવાં સક્કરખોર પણ રમણે ચઢેલાં છે... થોડી થોડીવારે ઢૂક ઢૂક કરતો કરકડિયો કુંભાર પણ ડરામણું બોલે છે. પણ આ વીજળીના તાર પર, શાંત બેસી રહેતા, લીલા – જાંબલી – રતુંબડા રંગોની ડોક અને રાખોડી પાંખોવાળાં ચાસ ક્યારે ઊડશે એ જોતો ઊભો છું. ચાસ ઊડે છે ત્યારે એની પાંખો નીચેની રંગભાતથી આખોય પરિસર છંટાઈ જાય છે... એની તરાપ જેવી ઉડાન અને રંગોની ઝારી; નવો અનુભવ કરાવે છે. અહીં હું એકલો છું અને સમગ્ર વનશ્રીએ એની રૂપછટાઓ મારી સામે પ્રગટ કરી દીધી છે. ખરો સૌંદર્યલોક તે આ જ… અત્યારે તો આ સમગ્ર સૃષ્ટિ મારા એકલા માટે જ છે. સડક પરથી નિશાળિયાં રમત કરતાં કરતાં જાય છે ને એમની ગુજરાતી ચોપડીમાં મારો નિબંધ ભણવાનો આવે છે એ જાણતાં હોવાથી મને તાકતાં ને માંહ્ય માંહ્ય મર્માળું હસતાં ભળાય છે. મોટરબાઇક લઈને અપડાઉન કરનારાં માસ્તર જોડાં પણ હવે ફટાફટ જવા લાગ્યાં છે. કોક ઊભાં રહીને મારી ખબર પૂછે છે. નવા ગામ પાલ્લીની નિશાળની પડસાળમાં નવરાં શિક્ષકો હવે ગુણપત્રકો બનાવે છે ને વાતોના તડાકા સીમ સુધી સંભળાય છે. પાલ્લીના પાદરે સડકની ધારે નાનકડી તળાવડી જળસજળ છે... ને પાળે નાનકડું મંદિર... તળાવડીની ચારે બાજુ વેલા ને ઝાડી ઝાંખરા છે... અમારો જમાનો આવો ન્હોતો... દરેક કિનારો ત્યારે ચોખ્ખો... ગમે ત્યાંથી ન્હાવા પડીએ એવો.. જળકૂકડીઓ અને ટીંટોડીઓનો અવાજ વસ્ત્ર પર બુટ્ટા ભરાતા હોય એવા નોખા પડી આવે છે. અજાણી સીમમાંથી વધુ ઠંડો પવન વાય છે... ત્યારે તો પડતર ખેતરોમાં ધૂળિયા વંટોળ આળોટતા ને બધું ચક્કરભમ્મર ફેરવતા રહેતા. દાદા કહેતા : “આપણું જીવન તો આ વંટોળિયામાં ઊડતાં પાંદડાં જેવું છે – ઘડીક ઉપર ને ઘડીક વળી ધૂળમાં!!” આજેય, અભણ છતાં જીવનની ફિલસૂફી વર્ણવતા કોઠા ડાહ્યા વડીલો મળે છે ખરા... પણ જમાનો બદલાયો છે ને લોકોનાં મન પણ... હવે, મારો પાછા વળવાનો સમય થયો છે...
મોટા પાલ્લા, તા. ૨૫–૨૬ એપ્રિલ, ૨૦૧૦