પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અંતે તો ઉપયોગિતાવાદ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/અંતે તો ઉપયોગિતાવાદ to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અંતે તો ઉપયોગિતાવાદ without leaving a redirect) |
(No difference)
| |
Revision as of 00:58, 28 April 2025
પ્લેટોના આ આક્ષેપો કળાના વ્યાપાર અને સ્વરૂપ પર એવા સર્વસામાન્ય રૂપના અને મૂળભૂત આક્ષેપો છે કે એના પરથી એમ જ સમજાય કે પ્લેટોને મતે કોઈ પણ પ્રકારની કવિતા ત્યાજ્ય હશે, પરંતુ ધ્યાનપૂર્વક જોતાં એનાથી જુદી વાત આપણને પ્લેટોમાં સાંભળવા મળે છે. એમણે સાહિત્યને માટે કડક નિયંત્રણ (સેન્સરશિપ)ની હિમાયત કરી છે એ હકીકત જ એમ બતાવે છે કે એમને એમના જમાનાની કવિતાથી અસંતોષ છે, પણ અમુક પ્રકારની કવિતાને તે પોતાની રાજ્યવ્યવસ્થામાં સ્થાન આપવા માગે છે. “કોઈ કવિ, જાહેર ધોરણ અનુસાર જે ન્યાય્ય અને કાયદેસર, સુંદર અને કલ્યાણકારી છે તેને ધક્કો પહોંચે એવું કોઈ કાવ્ય લખશે નહીં; તેમજ પોતાની રચનાઓ, આ અંગે નિમાયેલા ન્યાયાધિકારીઓ અને કાયદાના સંરક્ષકો પાસે રજૂ કરી વિધિસર મંજૂર કરાવ્યા પહેલાં કોઈ ખાનગી વ્યક્તિને બતાવશે પણ નહીં.” (લૉ) “તો પહેલું કામ કલ્પનોત્થ સાહિત્યના લેખકો પર એક નિયંત્રણતંત્ર સ્થાપવાનું રહેશે. જે કોઈ કાલ્પનિક વાર્તા કલ્યાણકારી હશે એને પરીક્ષકો મંજૂર કરશે અને અકલ્યાણકારી વાતોને નામંજૂર કરશે; અને માતાઓ તેમજ બાળકોને ઉછેરનારી બીજી સ્ત્રીઓ પાસેથી આપણે અપેક્ષા રાખીશું કે તેઓ પોતાનાં બાળકોને અધિકારીઓએ પ્રમાણિત કરેલી વાર્તાઓ જ કહે; પણ અત્યારે પ્રચલિત છે એમાંની ઘણીખરી વાર્તાઓ તો ફેંકી દેવી પડશે.” (રિપબ્લિક, બુક ૨) એક ઠેકાણે તો પ્લેટો કળાકારોની શોધ કરવાનું પણ કહે છે, પણ કેવા કળાકારોની? – “આપણે એવા કળાકારોની શોધ કરવી જોઈએ કે જેઓ પોતાની ચારિત્ર્યશીલ પ્રકૃતિને કારણે સૌંદર્ય અને પરિપૂર્ણતાનું સ્વરૂપ સમજી શકે, જેથી આપણા યુવાનો, આરોગ્યપ્રદ સ્થાને રહેતા લોકોની જેમ, સતત કલ્યાણકારી અસર અનુભવે.” (રિપબ્લિક, ઉદ્ધૃત, વર્સફોલ્ડ, જજમેન્ટ ઇન લિટરેચર, પૃ. ૨૨) પણ અહીં તો પ્લેટો કયા પ્રકારની કવિતાને માન્ય કરે છે તે સ્પષ્ટ થઈ ઊઠે છે – “આપણા રાજ્યમાં તો દેવસ્તુતિ અને પ્રસિદ્ધ પુરુષોની પ્રશસ્તિની જ કવિતાને પ્રવેશ મળી શકે.” (રિપબ્લિક, બુક ૧૦) “યુવાનોને જે વાર્તાઓ બાળપણમાં સાંભળવા મળે તે સદ્વિચારોના નમૂનારૂપ હોવી જોઈએ.” (રિપબ્લિક, બુક ૨) “જો તેઓ આપણું માનશે તો આપણે કહીશું કે ઝઘડો કરવો એ અપવિત્ર કાર્ય છે; અને આજ સુધીમાં ક્યારેય કોઈ નાગરિકો વચ્ચે કોઈ જાતનો ઝઘડો થયો નથી – એવું વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓએ બાળકોને કહેવાનું આરંભવું જોઈએ, અને જ્યારે બાળકો મોટાં થાય ત્યારે કવિઓએ તેમના માટે આવા જ ભાવની રચનાઓ કરવી જોઈએ.” (રિપબ્લિક, બુક ૨) છેલ્લા અવતરણમાં તો પ્લેટો સત્યના ધોરણને બાજુએ મૂકી કોઈ બીજા જ ધોરણથી બોલતા હોય એવું લાગે છે! બોધદાયક હોય તો ખોટી વાતો કહેવામાં હવે એમને વાંધો નથી! સત્યશોધક ફિલસૂફ ઉપર વ્યવહારુ નીતિવાદીનો આ વિજય જ ગણાયને? પણ પ્લેટોની આ કોઈ સરતચૂક નથી. એમની વિચારણાનું જ આ એક પાસું છે અને ‘રિપબ્લિક’ના બીજા પ્રકરણમાં એમણે પાડેલા અસત્યના બે પ્રકારોમાં તેની સીધી સ્પષ્ટ નોંધ મળી આવે છે. પ્લેટોકથિત અસત્યના બે પ્રકારો તે આ : એક, ખરું અસત્ય (ટ્રુ લાઇ) એટલે કે ‘છેતરાયેલા માણસનું અજ્ઞાન’6 અને બીજું શાબ્દિક અસત્ય (લાઇ ઇન વડર્ઝ) એટલે કે ‘શુદ્ધ નિર્ભેળ જુઠ્ઠાણું નહીં, પણ ચિત્તે પ્રથમથી ધારણ કરેલ વલણની એક જાતની પ્રતિચ્છાયા અને અનુકૃતિ.’૭ ખરું અસત્ય તિરસ્કાર્ય છે પણ શાબ્દિક અસત્ય કેટલીક વાર ઉપયોગી થઈ પડે છે અને તેથી એ ધિક્કારપાત્ર નથી હોતું. દાખલા તરીકે, દુશ્મનો સાથેના વ્યવહારમાં ને જેને આપણે લાગણીના આવેશમાં મિત્ર માની લીધો હોય તે આપણું ખરાબ કરવા તૈયાર થાય ત્યારે, શાબ્દિક અસત્ય કામમાં આવે છે અને એક જાતની ઔષધિ કે પ્રતિરોધકની ગરજ સારે છે. પૌરાણિક દંતકથાઓમાં પણ આવું અસત્ય ચાલી શકે છે કેમ કે, આપણે જૂના કાળની સાચી વાતો જાણતા નથી હોતા, અને માટે ખોટી વાતો ઉપજાવી સત્યના બદલામાં ચલાવી લેવી પડે છે. સત્યાસત્યની બાબતમાં પ્લેટો આવો ઝીણો વિવેક કરી તો શકે છે, પણ – દુઃખની વાત એ છે કે – એનો લાભ કવિતાકળાને જરાયે મળતો નથી. અરે, પૌરાણિક દંતકથાઓ તરીકે દેવો અને વીરોનાં યુદ્ધોની પેલી વાતોનો પણ બચાવ થઈ શકતો નથી, તો બીજી તો ક્યાં વાત કરવી? પ્લેટોના પૂર્વગ્રહયુક્ત માનસનું આ પરિણામ તો છે જ, પરંતુ એનું ઉપયોગિતાવાદી – અને તે પણ સ્થૂળ, વ્યવહારુ, નીતિના ઘેરા રંગે રંગાયેલું ઉપયોગિતાવાદી વલણ પણ અહીં કામ કરી રહ્યું છે. પ્લેટોનું વલણ કેટલું સ્થૂળ ઉપયોગિતાવાદી છે એનું એક બીજું ઉદાહરણ પણ આપણને મળે છે. આપણે આગળ જોયું કે પ્લેટોની દૃષ્ટિએ સુતારનો પલંગ, પલંગનું ચિત્ર અને પલંગની કવિતા ત્રણે ઓછે યા વત્તે અંશે સત્યથી ભ્રષ્ટ છે. પણ પ્લેટો કવિતા અને કળાને પોતાની કલ્પનાના રાજ્યમાંથી દેશવટો આપે છે, સુતારના ધંધાને નહીં! સુતારનો ધંધો એને મતે આવશ્યક અને સાર્થક છે, કેમ કે સુતારનો પલંગ સત્યની દૃષ્ટિએ ભલે ઊતરતો રહ્યો પણ એ સૂવાના કામમાં તો આવે છે! ચિત્રકારના પલંગનો કે કવિના પલંગનો એવો કંઈ ઉપયોગ છે ખરો? આ ઉપયોગદૃષ્ટિ સ્થૂળ છે એ દેખાઈ આવે એવું છે. જગતમાં ફૂલ છે અને ફળ છે, તેમ ધૂળ અને રાખ પણ છે. દરેકની પાછળ કુદરતે કંઈક ઉપયોગ મૂકેલો જ હોય છે. કાન માત્ર ધર્મોપદેશ સાંભળવા માટે છે, સંગીત સાંભળવા માટે નહીં; નાક માત્ર શ્વાસ લેવા માટે છે, સૂંઘવા માટે નહીં – એ ઉપયોગની અધૂરી અને એકાંગી સમજ છે. જગતની યોજનામાં સત્યની ખાતર સોમલ પીનાર સૉક્રેટીસને સ્થાન છે, તેમ સૉક્રેટીસની કથા કહી લોકોને સત્યને માર્ગે વાળવા પ્રયત્ન કરનાર કથાકારને પણ સ્થાન છે; પ્રકૃતિના સૌંદર્યને સ્થાન છે તો એ સૌંદર્યનું ગાન ગાનાર કવિને પણ સ્થાન છે. એક કરતાં બીજાને આપણે ચડિયાતું માનીએ તોયે એથી જે ઊતરતું છે એ કંઈ ફેંકી દેવા જેવું બની જતું નથી. વિશ્વની યોજનામાં એનો જે હેતુ છે એને સમજી આપણે એના અસ્તિત્વને ન્યાય કરી શકીએ ખરા. પ્લેટોએ આવા સૂક્ષ્મ હેતુ અને ઉપયોગની દૃષ્ટિથી વિચાર્યું હોત તો એમને કવિતા – પ્રચલિત કવિતા પણ – સાવ નિરર્થક ન લાગી હોત અને એમને એમ કહેવાની જરૂર ઊભી ન થઈ હોત કે કવિએ પ્રશસ્તિવચનના લેખક બનવાને બદલે સારાં કામો કરી જાતે પ્રશંસાના વિષય બનવું જોઈએ.૮ એમનો ઉપયોગિતાવાદ એમના સાહિત્યતત્ત્વચિંતનમાં સૂક્ષ્મ વિસંવાદ આણે છે તે પણ ટાળી શકાયો હોત.