ભજનરસ/અગમ ભૂમિ દરશાયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| અગમ ભૂમિ દરશાયા | }} {{Block center|<poem> '''અગમ ભૂમિ દરશાયા, સંતો, ઐસા અમર ઘર પાયા.''' '''પૃથ્વી જલ તેજ અરુ વાયુ, ઔર ગગનકી છાંયા,''' '''આપ આપનેે ઉલટા પરખ્યા, તુરીયાને ખેલ રચાયા.''' '''કોન ઉપજે ને કોન વણસ...")
(No difference)

Revision as of 06:08, 15 May 2025


અગમ ભૂમિ દરશાયા

અગમ ભૂમિ દરશાયા, સંતો, ઐસા અમર ઘર પાયા.
પૃથ્વી જલ તેજ અરુ વાયુ, ઔર ગગનકી છાંયા,
આપ આપનેે ઉલટા પરખ્યા, તુરીયાને ખેલ રચાયા.

કોન ઉપજે ને કોન વણસે, કોન તરે, કોન તારા?
જલ કા તોરિંગ જલસે ઉપજે, ફેર ન જલસે ન્યારા.-

ભરિયા કુંભ જલ હીં જલ કા, બાહર ભીતર પાની,
વણસ્યા કુંભ સમાણા જલ મેં બુઝત વિરલા જ્ઞાની-

હતા અથાહ થાહ સુધ પાઈ, સાયર લહેર સમાની,
ઢિમ્મર જાળ દોર કહા કરી, મીન ભયા જબ પાની-

બિન ગુરુજ્ઞાન કુંવા જિસ બાદલ, એળે જનમ ગુમાવે,
કહે કબીર ડુંગા કી સૈનાં, ગુંગા હું ગમ આવે-

ઐસા અમર ઘર પાયા, સંતો, અગમ ભૂમિ દરશાયા.

દૃષ્ટિ, વાણી, મન અને બુદ્ધિથી પર, ઇન્દ્રિયાતીત અને મનસાતીત ૫૨મ પદનો મર્મ કબીર આ ભજનમાં ખોલે છે. આ પરમ પદ અવિનાશી છે, મનુષ્યનું 'અમર ઘર' છે, શાશ્વત નિવાસસ્થાન છે. કબીરે આ ઘરનો પરિચય કરાવતાં એક સાખીમાં કહ્યું છે :

‘અગમ અગોચર ગમિ નહીં,
તહૌં જગમગે જ્યોતિ,
જહાઁ બીરા બંદિગી,
પાપ-પુન્ય નહીં છોતિ.

સામાન્ય બુદ્ધિને જેની સમજ નથી પડતી એવી એક પ્રજ્ઞાથી ઝળહળ થતી સ્થિતિ છે. ત્યાં નથી ભજન-કીર્તન, નથી પાપપુણ્ય કે નથી છૂતાછૂત. પૃથ્વી જલ.. ખેલ રચાયા. સૃષ્ટિક્રમ પ્રમાણે એક તત્ત્વમાંથી અનેકનો વિસ્તાર થાય છે. સંહારક્રમમાં અનેકનો એકમાં લય કરવો પડે છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીનો લય એટલે આ પંચતત્ત્વની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ૫૨ વિજય. છેવટે શબ્દ, તન્માત્રાનો ગુંજાર-ઝંકાર અનાયાસ, અનાહત થાય છે ત્યારે વર્ણમાત્રનો નાદમાં લય થાય છે. આ નાદનો જ્યોતિબિંદુમાં અને જ્યોતિબિંદુનો પરમ તત્ત્વમાં લય થાય છે. એ જ અસલ ઘરની પ્રાપ્તિ. કબીરે આ અનુભવ એક પદમાં આ રીતે વ્યક્ત કર્યો છે :

પૃથ્વી કા ગુણ પાણી સોષ્યા,
પાણી તેજ મિલાવહિંગ,
તેજ પવન મિલિ, પવન સબદ મિલિ,
સહજ સમાધિ લગાવહિંગે.

આ ‘અગમ પંથ' જીવતાં જ મરવાનો પંથ છે. પોતાને નામશેષ કરી નિત્ય અસ્તિત્વને, નિત્ય અભયપદને પામવાનો પંથ છે. કબીર વળી કહે છે :

આપ જૉનિ ઉલટિ લે આપ,
તૌ નહીં વ્યાપે તી તાપ.
અબ મન ઉલટિ સનાતન હૂવા,
તબ હમ જાનાં જીવતા મૂવા.
કહૈ કબીર સુખ સહજ સમાઊં,
આપ ન ડર, ન ઔર ડરાઉં.