તત્ત્વસંદર્ભ/ભારતીય કાવ્યશાસ્ત્રમાં કલ્પનાનો સિદ્ધાંત (ટી. એન. શ્રીકંઠૈયા): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
Tag: Reverted
No edit summary
Tag: Manual revert
 
Line 94: Line 94:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રીતિવિચાર (વી. રાઘવન્‌)
|previous = નીતિમત્તા અને નવલકથા (ડી. એચ. લૉરેન્સ)
|next = આ પુસ્તકમાંના લેખોના પ્રથમ પ્રકાશન અને એના મૂળ સ્રોતો વિશે
|next = રીતિવિચાર (વી. રાઘવન્‌)
}}
}}

Latest revision as of 16:11, 21 March 2025


ભારતીય કાવ્યશાસ્ત્રમાં કલ્પનાનો સિદ્ધાંત

ટી. એન. શ્રીકઠૈયા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ‘દ્વૈ વર્ત્મનિ ગિરાં દેવ્યાઃ શાસ્ત્રં ચ કવિકર્મ ચ પ્રજ્ઞોપજ્ઞમ્‌ તયોરાદ્યમ્‌ પ્રતિમોદ્‌ભવમન્તિમમ્‌

વાણીની દેવતાના બે માર્ગો છે : શાસ્ત્ર અને કાવ્યરચના. શાસ્ત્ર બૌદ્ધિક પ્રવૃત્તિમાંથી જન્મે છે, અને કાવ્ય પ્રતિભામાંથી. – ભટ્ટ તૌત

અભ્યાસીઓએ એવું અવલોકન કર્યું છે કે, ભારતીય કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચનાએ પોતાના અભ્યાસનીય વિષયને કંઈક જુદા દૃષ્ટિકોણથી, અને એ બંને દૃષ્ટિકોણને પરસ્પરના પૂરક ગણીએ તો એ રીતે, નિહાળ્યો છે : પાશ્ચાત્ય વિવેચનમાં કાવ્યવસ્તુનો કવિચિત્તની અભિવ્યક્તિ લેખે વિચાર કરવામાં આવે છે; જ્યારે ભારતીય કાવ્યશાસ્ત્રમાં, મુખ્યત્વે તો, સહૃદયની અલૌકિક આનંદની ઉપલબ્ધિરૂપે કાવ્યાનુભૂતિનો વિચાર વિકસ્યો છે. કવિની મૂળ અનુભૂતિનું સહૃદય જે પ્રક્રિયા દ્વારા પોતાના ચિત્તમાં પુનઃસર્જન કરે છે અને પુનઃ અનુભવરૂપે ઉપલબ્ધ કરે છે એ અંગેનો રસધ્વનિનો સિદ્ધાંત જ તુલનાત્મક કાવ્યશાસ્ત્રના ક્ષેત્રમાં ભારતનું મહાન યોગદાન છે. બીજી બાજુ, પાશ્ચાત્ય વિવેચનમાં કવિચિત્તના પાત્રમાં બાહ્ય જગતના પદાર્થોની અનંતવિધ છાપો કેવી રીતે વિગલિત થાય, તેનું શી રીતે રૂપાંતર થાય, શી રીતે ‘ધરતી કે સાગરના પટ પર પૂર્વે ક્યારેય નહોતો પ્રગટ્યો એવા પ્રકાશ’ની વિશેષ દ્યુતિવાળી એક પૂર્ણ સંવાદી કળાકૃતિ આવિષ્કાર પામે – એ આખી રચનાપ્રક્રિયાનો વિચાર કરવામાં આવ્યો છે. કાવ્યની ચમત્કૃતિના મૂળમાં કવિની કલ્પનાશક્તિ જ રહી છે એ પ્રકારના ખ્યાલથી પાશ્ચાત્ય વિવેચનની વિભિન્ન વિચારસરણીઓમાં કલ્પનાશક્તિના અભ્યાસને મહત્ત્વ મળ્યું છે. કોલરિજે કે તત્ત્વદર્શી વિવેચકોએ તો કલ્પનાને જ પાયાના સંપ્રત્યય લેખે સ્થાપીને પોતીકી રીતે કળાવિચાર વિકસાવ્યો છે. રિબટ અને સ્પિયરમેન જેવા વ્યવસાયી માનસશાસ્ત્રીઓએ પણ ‘સર્જનાત્મક કલ્પના’ને લગતું પોતાના ખાસ નિબંધોમાં વિશ્લેષણ રજૂ કર્યું છે. પશ્ચિમમાં ‘કાવ્ય એટલે શું?’ જેવા પ્રશ્નના સાદાસીધા જવાબમાં ‘કલ્પના’ જેવા અપાર અંતઃક્ષમતાવાળા શબ્દનો સ્વાભાવિક રીતે જ પ્રયોગ થવાનો. તો, કાવ્યશાસ્ત્રના આ પાસા વિષે ભારતીય કાવ્યશાસ્ત્રીઓને શું કશું જ કહેવાનું નથી? સંસ્કૃત કાવ્યમીમાંસામાં આ ‘કલ્પના’ શબ્દ જોડે બરોબર બંધબેસતો આવે એવો પર્યાયરૂપ શબ્દ તે ‘પ્રતિભા’(અથવા ‘પ્રતિભાન’) છે. ‘પ્રતિભા’ સંજ્ઞાનો અર્થ ઘણીયે વાર ‘તરંગશક્તિ’(fancy) કે ‘લોકોત્તર શક્તિ’(genius) વગેરે ઘટાવવામાં આવે છે. પણ એના બધા સૂચિતાર્થો એમાં સ્પષ્ટ થતા નથી. વળી, એક સમયે તરંગશક્તિ(fancy)ને કલ્પનાથી સર્વથા ભિન્ન લેખવામાં આવી હતી; કોલરિજે આવો ખ્યાલ કેળવ્યો હતો. આધુનિક મનોવિજ્ઞાનમાં, જોકે એ બે વચ્ચે ભેદ સ્વીકારવામાં આવ્યો નથી. પરંતુ, સાહિત્યિક ચર્ચાવિચારણાઓમાં કલ્પનાનો જ એક આંશિક વ્યાપાર, જે માત્ર ઉપરછલ્લાં ચિત્રો ઉપજાવી કાઢે છે પણ નક્કર વાસ્તવિકતામાં જેને કોઈ ઊંડી આધારભૂમિ નથી, એવા એક પાસાનો ખ્યાલ સૂચવવા ‘તરંગ’ની સંજ્ઞા પ્રયોજાતી રહી છે. ‘પ્રતિભા’ તો દરેક મહાન કૃતિના મૂળમાં રહેલી જન્મજાત લોકોત્તર શક્તિ છે. સંસ્કૃત સાહિત્યમાં ‘પ્રતિભા’ અને તેના પર્પાયરૂપ ‘શક્તિ’ એ બંને શબ્દોનો કેટલીક વાર આ અર્થમાં પ્રયોગ થાય છે. પરંતુ genius એ એક સર્વસામાન્ય રૂપની અને સંદિગ્ધ એવી સંજ્ઞા હોવાથી અને કાવ્યરચનામાં વિશેષતઃ કવિકલ્પનાની ઉત્કૃષ્ટતામાં જ એ પ્રત્યક્ષ થાય છે એટલે ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ એ બંનેને પર્યાપરૂપ લેખવવામાં ઝાઝી મૂંઝવણ ન રહેવી જોઈએ પ્રતિભા શબ્દનો ઉત્પત્તિમૂલક અર્થ છે : ચિત્તમાં પ્રકાશનો ઝબકાર, એક સદ્યોગ્રાહી અને નૂતન તાઝગીભર્યા જ્ઞાનની પ્રકાશમય ક્ષણ. ભારતીય દર્શનની ઘણી શાખાઓમાં, બૌદ્ધિક પરિશ્રમ દ્વારા જ્ઞાનપ્રાપ્તિના પ્રયત્નો છતાંયે તે અપર્યાપ્ત નીવડતાં. જે જ્ઞાન ઉપલબ્ધ થતું નથી, પણ સ્વયંપ્રેરિત લોકોત્તર દર્શનરૂપે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેની સમજૂતી આપવાને પ્રતિભા વિશે જુદાજુદા સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા છે. સૌંદર્યમીમાંસા તો તત્ત્વજ્ઞાનની જ શાખા છે. અને, હવે તો એમ સ્પષ્ટ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે, ભારતીય કાવ્યશાસ્ત્રની મહત્ત્વની વિચારસરણીઓ, ખાસ કરીને રસનિષ્પત્તિની પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ કરવા ચાહતી વિચારસરણીઓ તો ભારતીય દર્શનની જુદી જુદી શાખાઓને જ નિકટતાથી અનુસરે છે.૧ એટલે આપણા આલંકારિકોનાં કવિપ્રતિભાના સ્વરૂપ વિશેનાં મંતવ્યોને, આગમ ન્યાય અને જૈન તત્ત્વદર્શનની જુદીજુદી શાખાઓમાં અંતઃપ્રેરિત જ્ઞાનપ્રાપ્તિના જે જે સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા છે તેની જોડે ક્યાંક ને ક્યાંક સાંકળી બતાવી શકાય. આપણે અહીં એક સ્પષ્ટ દૃષ્ટાંત નોંધી શકીએ. આપણે ત્યાં કાશ્મીરમાં જ્યાં પ્રત્યભિજ્ઞા દર્શનની શાખા અસ્તિત્વામાં આવી ત્યાં જ સૌંદર્યવિચાર પણ વિકાસની પરાકાષ્ઠાએ પહોંચ્યો : અને અભિનવ ગુપ્ત જેવા વિદ્વાનો અહીં જ તત્ત્વજ્ઞાનનાં બંનેય ક્ષેત્રોમાં મહાન પ્રસિદ્ધિ પામ્યા એટલે કાવ્યમાં પ્રગટ થતી પ્રતિભાના સ્વરૂપ વિશેનાં અનેક મંતવ્યોમાં શૈવાગમ દર્શનનું જ પ્રતિબિંબ પડ્યું હોય તો તેમાં કશુંય આશ્ચર્ય પામવા જેવું નથી. અભિનવગુપ્તનો આ શ્લોક જ જુઓ :

‘યદુન્મીલનશક્ત્યૈવ વિશ્વમુન્મીલતિ ક્ષણાત્‌
સ્વાત્માયતનવિશ્રાન્તાં તાં વન્દે પ્રતિભાં શિવામ્‌ ||’
(‘ધ્વન્યાલોકલોચન’ : પ્રથમ ઉદ્યોતને અંતે)

અહીં શિવની ‘પરાપ્રતિભા’, – અર્થાત્‌, તેની પરમશક્તિ, જે તેની અંતર્ગત રહી છે અને જે દ્વારા આત્મપ્રકાશનની પ્રક્રિયારૂપે સમગ્ર સૃષ્ટિનું ઉદ્‌ઘાટન થાય છે. – એ ‘પરાપ્રતિભા’નો સમગ્ર ખ્યાલ કવિની પ્રતિભા, જે દ્વારા કવિની કલ્પનાશક્તિ એક અખિલ વિશ્વ તેની સમક્ષ પ્રગટ કરે છે, તેને માટેય સારી રીતે લાગુ પાડી શકાય એમ છે. આપણે એમ પણ કહી શકીએ કે, પ્રસ્તુત શ્લોક દ્વારા અભિનવગુપ્ત બંનેની પ્રતિભાનો ઉલ્લેખ કરવા ચાહે છે. પણ આ જાતની તાત્ત્વિક વિચારણાનો મૂળ સ્રોત અને તેની પરસ્પર દૃશ્યતા(correspondence)ને લગતી બધી વિગતો રસપ્રદ હોવા છતાં આ લેખક પોતે પોતાને તત્ત્વજ્ઞાનના વિષયના નિષ્ણાત લેખતા ન હોવાથી એમાં વધુ ઊંડે ઊતરવા ચાહતા નથી. એટલે માત્ર કાવ્યમાં પ્રતિભાનું જે રીતે આવિષ્કરણ થાય છે તે પર જ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. સંસ્કૃતના ઘણાખરા આલંકારિકોએ કવિની સજ્જતા વિશે વિચાર કરતાં થોડીએક ટીકાટિપ્પણી કરી એ વિષયને સમેટી લેવાનું વલણ કેળવ્યું દેખાય છે. પણ રાજશેખરને કાવ્યમીમાંસાના કંઈક વણખેડાયા વિષયોમાં સ્વાભાવિક રસ હોવાથી તેણે પોતાના ગ્રંથ ‘કાવ્યમીમાંસા’માં પ્રતિભા વિશે આખું એક પ્રકરણ આપીને, અને એથીયે વધુ વિસ્તારથી ચર્ચાવિચારણા કરી છે. તેને આ અંગે ઘણી રસપ્રદ બાબતો કહેવાની છે : કવિની કારયિત્રી પ્રતિભા(creative imagination)ના પ્રચલિત ખ્યાલ ઉપરાંત સહૃદયની ભાવયિત્રી પ્રતિભા(responsive imagination)નો પણ તેણે સ્વીકાર કર્યો, તે તેનું આ વિષયમાં સૌથી મૂલ્યવાન પ્રદાન છે. છતાં આ વિષયમાં એથીયે વધુ પ્રશંસાપાત્ર વ્યક્તિ તો કુંતક જ છે. તેના ગ્રંથ ‘વક્રોકિતજીવિત’માં, બીજી કશી નહિ, કવિના કલ્પનાવ્યાપારની જ મીમાંસા થઈ છે એમ કહી શકાય. તેણે ગ્રંથના આરંભે જ કવિની કલ્પનાશક્તિનો પરમ મહિમા કર્યો છે; અને કાવ્યકૃતિમાં જે કંઈ ખરેખરી રમણીયતા છે તેના મૂળમાં આ કલ્પનાવ્યાપાર જ રહેલો છે અને કાવ્યના અંગેઅંગનું, વિશેષતઃ અલંકારોનું તો તે જીવિતમાત્ર છે એમ તેણે દર્શાવ્યું છે. ‘વક્રોક્તિજીવિત’માં તે કાવ્યની એક યા બીજા રૂપની રમણીયતાનું રહસ્ય સ્પષ્ટ કરવાને પ્રતિભા (કે એના પર્યાયરૂપ બીજો કોઈ શબ્દ) ફરીફરીને પ્રયોજે છે. અને સૌ આલંકારિકોમાં કુંતક જ એક એવો નિરાળો આલંકારિક છે, જેને અભિવ્યક્તિની પ્રક્રિયા દરમ્યાન કવિની મૂળની વિભાવના શી રીતે આકાર લેતી આવે છે એ વિશે કેટલીક સ્પષ્ટ બાબતો કહેવાની છે. તેના કાવ્યવિચારના કેન્દ્રમાં ‘વક્ર-કવિ-વ્યાપાર’(અર્થાત્‌ સચોટ અભિવ્યક્તિ સાધતી કવિની રીતિ)નો જે ખ્યાલ રહ્યો છે તે હકીકતમાં તો કવિ-પ્રતિભા-વ્યાપારનો જ નિર્દેશ કરે છે. કેમ કે કલ્પનોત્થ સૃષ્ટિની રચના કરવાને દરેક પ્રકારના ‘વક્ર વ્યાપાર’માં કવિએ મૂળની વર્ણ્ય સામગ્રીને અતિક્રમી જવાનું હોય છે. આ સિવાય, જે બીજા આલંકારિકો પાસેથી આપણને કશાક મૂલ્યવાન વિચારો સાંપડી શકે એવાઓમાં આનંદવર્ધન૨ અને અભિનવગુપ્ત એ બે પ્રકાંડ વિદ્વાનોનો ઉલ્લેખ કરવો જોઈએ; તેમણે પ્રસંગોપાત્ત જ આ વિશે જે સૂચનો કે ટીકાટિપ્પણીઓ કરી છે તેથી પ્રતિભાના સમગ્ર વિષયક્ષેત્ર પર પ્રકાશ પડ્યો છે. વળી અભિનવગુપ્તના પોતાના આચાર્ય ભટ્ટ તૌતનો પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ. કમનસીબે તેમના અત્યાર સુધી અનુપલબ્ધ રહેલા ગ્રંથ ‘કાવ્યકૌતુક’ની માત્ર થોડીક છૂટીછવાયી કંડિકાઓ જ આપણને મળી શકી છે; જોકે એ જેટલી છે તેટલી પણ અતિ મૂલ્યવાન છે. અને, છેવટે, ધ્વનિસંપ્રદાયના મુખ્ય ટીકાકાર મહિમ ભટ્ટનો ઉલ્લેખ ન ચૂકવો જોઈએ. તેના ‘વ્યક્તિવિવેક’ નામે ગ્રંથમાં સ્વભાવોક્તિ અલંકારની ચર્ચાવિચારણામાં પ્રસંગોપાત્ત જ તેણે પ્રતિભાના સ્વરૂપની ચર્ચા કરી છે. તેની એ વિચારણા એટલી બધી મહત્ત્વની છે કે ‘પ્રતિભાતત્ત્વ’ વિશે તેણે જેમાં વિશેષ દૃષ્ટિએ મીમાંસા કરી છે એવા તેના એક દાર્શનિક ગ્રંથ ‘તત્ત્વોક્તિકોશ’ની આપણને ખોટ સાલ્યા કરે છે. કલ્પનાશક્તિનો વિચાર કરતાં તેનો સર્જનાત્મક ઉન્મેષ – એટલે કે નિત્યનૂતન વિચારો અને કલ્પનોની વિભાવના પ્રાપ્ત કરવાની અને તેને જીવંત શબ્દોમાં વ્યક્ત કરવાની શક્તિ – આપણું સહેજે ધ્યાન ખેંચી રહે છે. તૌતની પ્રતિભા વિશેની પ્રસિદ્ધ વ્યાખ્યા ખાસ કરીને પ્રતિભાના આ લક્ષણનો નિર્દેશ કરે છે. જુદેજુદે સ્થાને અવતરણો રૂપે, (જેમ કે, ‘કાવ્યાનુશાસન’ બીજી આવૃત્તિ, પૃ. ૩ પરનું અવતરણ) જે ખંડ અત્યાર સુધી પૂરો જળવાયેલો મળે છે, તે આ પ્રમાણે છે :

‘પ્રજ્ઞા નવનવોલ્લેખશાલિની પ્રતિભા મતા
તદનુપ્રાણનાજીવદ્વર્ણનાનિમુણઃ કવિઃ
તસ્ય કર્મ સ્મૃતમ્‌ કાવ્યમ્‌ ||’૩
સંભવતઃ ઉપર્યુક્ત વિચારખંડથી પ્રેરાઈને જ અભિનવગુપ્તે પ્રતિભાના લક્ષણને વિસ્તૃત રૂપે રજૂ કર્યું છે :
‘પ્રતિભા અપૂર્વવસ્તુનિર્માણક્ષમાપ્રજ્ઞા તસ્યા વિશેષઃ રસાવેશવૈશદ્યસૌંદર્યકાવ્યનિર્માણક્ષમત્તમ્‌ |’૪
(ધ્વન્યાલોકલોચન, પૃ. ર૯)

અહીં અભિનવગુપ્ત એમ દર્શાવે છે કે આ પ્રતિભાશક્તિમાંથી જ સર્વ સર્જનાત્મક કૃતિઓ જન્મે છે અને કવિકલ્પના તેનો જ એક પ્રકાર છે. પરંતુ કવિની કલ્પના જ નવું વિશ્વ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે તે માટે કાવ્યમીમાંસકોએ અત્યંત ઉત્સાહપૂર્વક સમર્થન કર્યું હોવા છતાં એ જ વસ્તુ દાર્શનિકો માટે વિવાદનો વિષય બની રહી છે. જેઓ યથાર્થ જગતના સત્યની અપેક્ષા કેળવી રહ્યા હોય તેમને કાવ્યમાં ખરેખરી વાસ્તવિકતાને સ્થાને માત્ર આભાસી સૃષ્ટિ જ નજરે પડવાની. કવિતા વધુમાં વધુ તો ‘મોહક ભ્રાંતિ’ ગણાય. આપણા દેશમાં યે ‘કાવ્યાલાપં ચ વર્જયેત્‌’ એવો આદેશ આપીને કાવ્યમાત્રની બિલકુલ બાદબાકી કરી નાખતા પંડિતોની ક્યારેય ખોટ પડી નથી! અને આવી આપત્તિમાં પોતાની પ્રિય કાવ્યકૃતિઓને ઉગારી લેવા ટીકાકારોને એ આદેશનાં પ્રપંચી અર્થઘટનો કરી બતાવવાનો માર્ગ પણ લેવો પડ્યો છે. વળી ઉદાર વૃત્તિના ચિંતકોએ કાવ્ય જ્યાં સુધી નીતિધર્મને પોષક નીવડે ત્યાં સુધી તેને નભાવી લેવાનું વલણ કેળવ્યું હતું. પણ કાવ્ય તો સ્વાયત્ત સૃષ્ટિ છે. કવિની કલ્પનાશક્તિ વિશ્વવાસ્તવનું અમુક વિશિષ્ટ અભિગમથી જ્ઞાનગ્રહણ કરે છે, જે તર્કજનિત જ્ઞાનપ્રાપ્તિ જેટલી જ પ્રમાણભૂત ચિત્તપ્રવૃત્તિ છે.૫ હકીકતમાં કલ્પના અને પ્રજ્ઞાબુદ્ધિ એ બંને માનવીનાં આધ્યાત્મિક ચક્ષુઓ છે, અને એ બંનેની તેને આવશ્યકતા છે. આનંદવર્ધને દેવતાની સ્તોત્રરૂપ આ કંડિકામાં એ મૂળભૂત સત્યનો નિર્દેશ કર્યો છે :

‘યા વ્યાપારવતી રસાન્‌ રસયિતું કાચિત્‌ કવિનાં નવા
-દૃષ્ટિર્યા પિરનિષ્ઠિતાર્થવિષયોન્મેષા ચ વૈપશ્ચિતી |
તે દ્વે અપ્યવલમ્બ્ય વિશ્વમનિશં નિર્વર્ણયન્તો વયં
શ્રાન્તા નૈવ ચ લબ્ધમબ્ધિશયન ત્વદ્‌ભક્તિતુલ્યં સુખમ્‌ |’
(ધ્વન્યાલોક ત્રીજો ઉદ્યોત)

– અહીં, અલબત્ત, આનંદવર્ધને કવિની કલ્પનાશક્તિ અને દાર્શનિકની પ્રજ્ઞાબુદ્ધિને ધર્મદૃષ્ટિને ઉપકારક અને ગૌણ લેખવી છે, પરંતુ અહીં આ સંદર્ભમાં આપણને તે અપ્રસ્તુત છે. જે નોંધપાત્ર હકીકત છે તે એ કે, જીવનના મર્મગ્રહણ અર્થે તેણે કાવ્ય અને તત્ત્વજ્ઞાનને સમાન કક્ષાનાં ગણ્યાં. કલ્પનાને અનુલક્ષીને તેણે ‘દૃષ્ટિ’ એવો જે પ્રયોગ કર્યો છે તે ઘણો સૂચક છે અને અભિનવગુપ્તની એ વિષેની ટીકાટિપ્પણી વળી ઘણી જ દ્યોતક છે.૬ વ્યવહારની દૃષ્ટિ કરતાં કવિની કલ્પનાશક્તિ કઈ રીતે વિશેષતા દાખવે છે? આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર આપણને મહિમ ભટ્ટનાં લખાણોમાંથી, પ્રતિભા વિશે એક માત્ર ઉપલબ્ધ બનેલા ખંડમાં, મળે છે. તે નૈયાયિક હતો એ વાત તો તેણે ધ્વનિને એક પ્રકારનો અનુમાનવ્યાપાર ઠેરવવાનો જે મહાન પ્રયત્ન કર્યો તેમાંથી દેખાઈ આવે છે. એટલે પ્રતિભાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં પદાર્થ વિશેના ‘સામાન્યરૂપ’ અને ‘વિશેષરૂપ’ એવા ભેદો પ્રતિભાની બાબતમાં લાગુ પાડી તેણે તેનો ન્યાયની પરિભાષામાં વિચાર-વિમર્શ કર્યો હોય એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી એ છતાં અહીં આપણે પ્રસ્તુત પ્રશ્નની દાર્શનિક ભૂમિકામાં ઊંડે ન ઊતરતાં, માત્ર પ્રતિભા વિશે તેને શું કહેવાનું છે તે જ જોઈશું. મહિમ ભટ્ટના મતે, કવિની પ્રતિભામાંથી જે શબ્દો ઉદ્‌ભવે છે તે દ્વારા પદાર્થનું ‘વિશેષરૂપ’ પ્રગટ થતું હોય છે. જ્યારે કવિ પોતાના ચિત્તમાં સ્ફુરાયમાણ થયેલા મુખ્ય ભાવને અનુરૂપ શબ્દ અને અર્થનું ચિંતવન કરતો ધ્યાનસ્થ અવસ્થામાં બેસે છે ત્યારે તેના ચિત્તમાં એકાએક જ જે આંતર્દૃષ્ટિ પ્રગટે છે, તે પદાર્થોના હાર્દને સીધેસીધી સ્પર્શે છે. આ જ પ્રતિભારૂપ શક્તિ છે. ભગવાન શિવનું આ ત્રીજું લોચન છે જે તેની સમક્ષ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય કાળની વસ્તુ પ્રત્યક્ષ કરી દે છે. આ દૃષ્ટિકોણમાં મહાન સત્ય રહ્યું છે, વ્યવહારમાં વ્યસ્ત રહેલા માણસને પદાર્થપદાર્થ વચ્ચે ખાસ ભેદ લગતો નથી. જે પદાર્થોના સંસર્ગોમાં આવે છે તે સર્વ પદાર્થોને પોતાના અંગત પ્રયોજનોથી તે જોવા પ્રેરાય છે એટલે એ પદાર્થોને તેના ખરેખરા રૂપમાં અવલોકવાનું વલણ તેણે કેળવ્યું હોતું નથી. અને એ માટે તેને સમય પણ હોતો નથી. પણ કવિની અનાસક્ત દૃષ્ટિ(disinterested gaze)માં જગતના બધા પદાર્થો પોતાનું પરિચિત અને સામાન્યતાનું આવરણ ખેરવી નાંખે છે, અને એ રીતે, એ દરેક પદાર્થની પોતાની વિશિષ્ટ વ્યક્તિતા પ્રગટ થાય છે. કવિની પ્રતિભા પદાર્થોના વિશિષ્ટ ગુણધર્મોને ગ્રહણ કરે છે – અને આ પ્રકારના ગુણધર્મોના ગ્રહણથી જ ક્ષુદ્રતમ પદાર્થોને મહાન રહસ્ય પ્રાપ્ત થાય છે અને વિરૂપમાં વિરૂપ વસ્તુઓને રમણીયતા મળે છે – અને આ પ્રકારના વાસ્તવિકતાના દર્શનને કવિપ્રતિભા જ સમુચિત શબ્દોમાં પ્રસ્તુત કરી શકે છે. એટલે જ, સૌંદર્યનિર્માણ અર્થે કવિએ પરિચિત સૃષ્ટિની સીમા પાર જવાનું અનિવાર્ય નથી. પદાર્થોમાં નિહિત સૌંદર્ય નિહાળવાની યોગ્ય દૃષ્ટિ જો કવિ પાસે હોય તો સૌંદર્ય તેની સમક્ષ જ પડેલું છે : આ પ્રકારનું વસ્તુદર્શન જો સીધેસીધું અનલંકૃત વાણીમાં પ્રસ્તુત કરવામાં આવે તો તે પણ સાચી કવિતા બની રહે – અને ખરેખર તો, બાહ્ય અલંકરણોથી શણગારાયેલાં મોહક વર્ણનો કરતાંયે તે વધુ ઉત્કૃષ્ટ કાવ્ય બની રહે છે. કાવ્યમાં સ્વભાવોક્તિને જે સ્થાન મળ્યું છે તેનું ખરું રહસ્ય પણ આ જ છે એટલે સ્વભાવોક્તિને શાસ્ત્રીય દૃષ્ટિએ અલંકારની વિભાવનામાં પ્રયોજી શકાય કે નહિ તે પ્રશ્ન ગૌણ બની જાય છે. પ્રસ્તુત ચર્ચાના સંદર્ભમાં આપણે જે હકીકત લક્ષમાં રાખવાની છે તે એ કે, સ્વભાવોક્તિની રચનામાં કવિ સ્વકીય એવું કશું ઉમેરતો નથી. માત્ર પદાર્થ તેને જે રૂપે ભાસે છે તે તે રૂપે જ તે વર્ણવે છે. અલબત્ત, તેના વસ્તુદર્શનમાં તાઝગી વરતાય છે, અને તે જે પદાર્થોનું વર્ણન કરવા ચાહે છે તેનાં માત્ર વિરલ તત્ત્વોની જ તે પસંદગી કરે છે. પણ પુરસ્કાર-તિરસ્કારની પ્રક્રિયા વિના કળા સંભવતી જ નથી. વાસ્તવજીવનનું સત્ય જેવું છે તેવું કાવ્યમાં આવકાર્ય છે એ હકીકતનું કાવ્યમીમાંસકોએ ધ્વનિના પ્રભેદો હેઠળ અલંકારધ્વનિ અને રસધ્વનિ ઉપરાંત વસ્તુધ્વનિનો સ્વીકાર કરી લઈને સમર્થન કર્યું જ છે. અભિનવગુપ્તે જો કે અલંકારધ્વનિ અને વસ્તુધ્વનિ પણ અંતે તો રસધ્વનિમાં જ પરિણમે છે એ વસ્તુ માર્મિક રીતે રજૂ કરેલી છે. પણ, એમ છતાંયે, વસ્તુતત્ત્વને (અનલંકૃત વસ્તુને) ઉચિત સંયોગોમાં ધ્વનિની કોટિમાં સ્થાન મળ્યું હતું તે ખરેખર મહત્ત્વની બાબત છે. વળી, આપણે જ્યારે એના ‘કવિપ્રૌઢોક્તિનિષ્પન્ન’ અર્થાત્‌ ‘કવિની કલ્પનોત્થ અભિવ્યક્તિ દ્વારા આવિર્ભૂત’ અને ‘સ્વતઃસંભવિ’ અર્થાત્‌ ‘યથાર્થ જગતમાં સંભવિત’ એવા બે પ્રભેદો જોઈએ છીએ ત્યારે આ હકીકત એથીયે વધુ સ્પષ્ટ બની રહે છે. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રમાં કવિતા તત્ત્વતઃ અનુકરણ(mimesis) છે કે સર્જન(creation) એ વિશે લાંબા સમય સુધી વાદવિવાદ ચાલતો રહ્યો છે. ભારતમાં એવો વિવાદ લાંબો ટક્યો નહિ. (જોકે કાવ્યશાસ્ત્રના આરંભના તબક્કામાં સ્વભાવોક્તિના સ્વીકાર અંગે મોટો વિવાદ જાગ્યો હતો.) કાવ્યનિર્માણમાં આ બંને અભિક્રમોનો સ્વીકાર કરવામાં આવ્યો કેમ કે, ‘રસપ્રકાશ’ જે કાવ્યનું મુખ્ય પ્રયોજન છે તે આ બંને રીતિઓ દ્વારા સિદ્ધ થાય છે. માત્ર ‘અનુકરણ’ કે ‘કલ્પનાનિર્માણ’ અથવા, આપણી પરિભાષામાં કહીએ તો, માત્ર ‘સ્વભાવોક્તિ’ કે ‘વક્રોક્તિ’ પોતે કોઈ સાધ્ય નથી. રસનિષ્પત્તિની પ્રક્રિયામાં એ તો સાધનમાત્ર છે અને એ સાધ્યને અનુલક્ષીને જ એની યોગ્યાયોગ્યતાનો વિચાર કરવાનો રહે. અહીં સુધી કલ્પનાના સ્વરૂપનો વિચાર કરતાં તેને આપણે એક પ્રકારની ‘દૃષ્ટિ’, એટલે કે, વિશ્વને નિહાળવાનો એક વિશેષ દૃષ્ટિકોણ, એવો અર્થ ઘટાવવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે એના વધુ પરિચિત એવા ‘સૃષ્ટિ’(creation)વ્યાપારના પાસાનો, એટલે કે નિર્માણવ્યાપારનો વિચાર કરવાને ધ્યાન કેન્દ્રિત કરીશું. અને એનો ખરેખર શો અર્થ થાય છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. કવિને વારંવાર આ જગતના સ્રષ્ટા જોડે સરખાવવામાં આવે છે. કેટલીક વાર તો જગતસ્રષ્ટાનું સ્થાન ઉતારી પાડીને કવિની વધુ ઉચ્ચ સ્થાને પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વળી કવિની સૃષ્ટિને નિયતિકૃત નિયમરહિતા ગણવામાં આવી છે. અને અલ્પતમ ભૌતિક સામગ્રીમાંથી કવિએ એનું નિર્માણ કર્યું છે એમ પણ કહેવામાં આવે છે. તાત્પર્ય કે, કવિએ સ્વકીય કલ્પનાથી જે રૂપ અને ધ્વનિઓને મૂર્ત આકારો આપ્યા છે એ આકારોના સંયોજનમાંથી જ તેણે કૃતિ નિર્માણ કરવાની રહે છે. પણ, જીવનમાં તેમ જ કળામાં, શૂન્યમાંથી કશુંય સત્તારૂપે સંભવતું નથી. કવિની કલ્પના કોઈ ને કોઈ બાહ્ય તત્ત્વોમાંથી જ પોષણ મેળવે છે – પછી ભલેને ચિત્તની અરણ્ય-સૃષ્ટિમાં જે વાયવ્ય સત્ત્વો ચકરાવો લેતાં હોય છે એવાં એ કોઈ વિરલ અને સૂક્ષ્મ તત્ત્વો હોય! માનસશાસ્ત્રીઓએ એમ બતાવ્યું છે કે, સૌથી મૌલિક કલ્પના પણ ચિત્તમાં સંચિત પદાર્થોની છાપોને અવલંબીને જ કાર્યશીલ બની શકે છે. એવી છાપોના સંચોજનની નવીનવી રીતિઓ તે નિર્માણ કરી શકે. પણ સંયોજવાનાં તત્ત્વોનું તે સર્વથા નવું નિર્માણ કરી શકે નહિ. ભારતીય મીમાંસકોએ જ્યારે કવિની સર્જનાત્મક ચમત્કૃતિનો મોટો મહિમા કર્યો ત્યારે તેઓ આ વિશે અજાણ નહોતા જ. દૃષ્ટાંત લેખે, આનંદવર્ધનની ઉક્તિ જોઈએ :

‘અપારે કાવ્યસંસારે કવિરેવ પ્રજાપતિઃ
યથાસ્મૈ રોચતે વિશ્વં તથેદમ્‌ પરિવર્તતે |’

– તે સ્પષ્ટપણે સ્વીકારે છે કે, કવિ તેને આ સૃષ્ટિમાંથી જે સામગ્રી મળે છે તેને જ તે ખપમાં લે છે, તે પોતાની રચનાનું કંઈ શૂન્યમાંથી નિર્માણ કરતો નથી. આ સંદર્ભમાં ‘પરિવર્તતે’ શબ્દ ખાસ નોંધપાત્ર છે. કાવ્યસર્જનનું રહસ્ય સમજવાને તે એક પાયાની સંજ્ઞા છે. પણ, આ પ્રશ્નની ચચર્ચાવિચારણા માટે થોડી જગ્યા આપી હોય તો તે કુંતકે જ. તે અસંદિગ્ધ ભાષામાં કહે છે :

‘યન્નવર્ણ્યમાનસ્વરૂપઃ પદાર્થાઃકવિભિરભૂતઃ સન્તઃ ક્રિયન્તે, કેવલમ્‌ સત્તામાત્રેણ પરિસ્ફુરતાં ચૈષામ્‌ તથાવિધઃ કોઽપ્યતિશયઃ પુનરાધિયતે, યેન કામપિ સહૃદયહૃદયહારિણિમ્‌ રમણીયતામ્‌ અધિરોપ્યતે |’
(વક્રોક્તિજીવિત, પૃ. ૧૪૦)

આ કથનમાં તેને એમ અભિપ્રેત છે કે, કવિ ‘અસદ્‌’ વસ્તુઓમાંથી સર્જન કરવા પ્રવૃત્ત થતો નથી, પણ વ્યવહારજીવનમાં પરિચિત એવા જે નિસ્તેજ લાગતા પદાર્થો છે તેને જ તે કાવ્યનિરૂપણની પ્રક્રિયામાં વિશિષ્ટ રૂપની રમણીયતા અર્પે છે. અને કુંતક આગળ ઉમેરે છે કે, જ્યારે આ પદાર્થોને કવિ વિશેષ રમણીયતા અર્પે છે, ત્યારે એ પદાર્થોનું ખરું સ્વરૂપ સફળતાથી ઢંકાઈ જવા પામ્યું હોય છે. અને કવિકલ્પનાના યોગે તેનું જે નવું રૂપ ઉદ્‌ભાસિત થઈ ઊઠે છે તે તો જાણે એ પદાર્થનું કોઈ નવું જ સર્જન થયું હોય એ રીતે ચમકી ઊઠે છે. કવિની આ પ્રકારની સિદ્ધિને કારણે જ તેને સ્રષ્ટાનું બિરુદ મળ્યું છે. કુંતકની આ ટીકાટિપ્પણીઓ કવિતાના ‘ઉત્પાદ્ય’ તેમજ ‘પ્રસિદ્ધ’ એમ બંનેય પ્રકારના વિષયોને લાગુ પડે છે કેમ કે, જ્યારે પણ કવિ કોઈ એક પ્રસંગની શોધ કરે છે, ત્યારે પણ તે કંઈ સર્વથા નવા જ પ્રસંગનું સર્જન કરતો હોતો નથી. એ પ્રસંગે તો, પદાર્થપદાર્થ વચ્ચે સંભવતા કોઈ મૂળભૂત સંબંધને કારણે, એ સર્વ કવિકલ્પના સમક્ષ એકી સાથે અનાયાસ પ્રગટ થઈ જાય છે, અને કવિકલ્પના એ પદાર્થોનાં વિભિન્ન તત્ત્વોનું સંયોજન કરે છે. આ પ્રકારે એકીકરણ(integration)ની પ્રક્રિયાને પરિણામે જ આપણે ખરેખર એક નવી વસ્તુ પ્રત્યક્ષ કરતા હોઈએ છીએ પણ વાસ્તવમાં તો, અહીં જ ‘અતિશય’નું તત્ત્વ (extraordinary element) પ્રગટ થાય છે. તેમાં જ કવિની ખરી મૌલિકતા રહેલી છે. સર્જનપ્રક્રિયા વિષે કુંતકે રજૂ કરેલું બયાન અહીંતહીં થોડું સંદિગ્ધ રહી જવા પામ્યું છે. પણ આ વિશેની તેની સર્વસામાન્ય ભૂમિકા વિશે કોઈ ખાસ અસ્પષ્ટતા નથી. પણ સ્રષ્ટા તરીકે કવિની શક્તિની સામે નિરપેક્ષ દૃષ્ટિએ સંશય વ્યક્ત કરીએ ત્યારે કાવ્યસર્જનની ચમત્કૃતિનો આપણે કોઈ પણ રીતે મહિમા ઓછો કરતા નથી. કવિની કલ્પનાશક્તિમાંથી જે ચિત્ર આકાર લે છે તે ખરેખર નૂતન રૂપે ભાસે છે. કેમ કે, કવિએ તેમાં કશીક લોકોત્તર રમણીયતા અર્પી હોય છે. અને કૃતિનાં અંગભૂત તત્ત્વોનો જો આપણે પૃથકપૃથક્‌ તત્ત્વરૂપે વિચાર કરીએ ત્યારે તે સર્વ અવિશ્વસનીય લાગે છે. પણ કાવ્યકૃતિમાં તો કોઈક કારણે એ સર્વ તત્ત્વો રેણથી સંધાઈને સૌથી વધુ સંવાદી અને સુગ્રથિત એકાકૃતિમાં જોવા મળે છે. આનંદવર્ધને આ કારણે કવિની કૃતિના સૌંદર્યને ઓળખાવતાં તેને પ્રિયતમાના મોહક લાવણ્ય જોડે સરખાવ્યું છે. પ્રતિભાની લગભગ બધી જ વ્યાખ્યાઓમાં આપણે જોઈ શકીશું કે, ‘અર્થ’ અને ‘શબ્દ’ ‘અભિધેય’ અને ‘અભિધાન’, ‘દર્શન’ અને ‘વર્ણન’ કે ‘પ્રખ્યા’ અને ‘ઉપાખ્યા’ – અર્થાત્‌, કવિની મૂળ વિભાવના કે પ્રેરણાનુભૂતિ અને તેની ભાષાકીય અભિવ્યક્તિ એ બંનેને કલ્પના વ્યાપારની અંતર્ગત ગણ્યા છે, અને એમ જ હોવું જોઈએ. કવિની મૂળ વિભાવના ગમે તેટલી મૌલિક હોય પણ જ્યાં સુધી તેને સમુચિત શબ્દદેહ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી તે માત્ર વાયવ્ય રૂપે જ સંભવે છે. કેટલાક તત્ત્વજ્ઞાનીઓ એવો મત ધરાવે છે કે વ્યક્તિ, ઓછામાં ઓછી પોતા પૂરતીયે, પોતાની અંતઃપ્રેરણાને જેટલી હદ સુધી વ્યક્ત રૂપ અર્પી શકે તેટલી હદ સુધી જ તે અંતઃપ્રેરણાનું રૂપ પામી શકે છે.૮ ગમે તે હો, એ તો એક નિઃશંક હકીકત છે કે. કવિ જ્યારે પોતાની સમૃદ્ધ વિભાવનાને શબ્દરૂપે મૂર્ત કરે ત્યારે જ તે સાચા અર્થમાં કવિ બની રહે છે. આ અંગે ભટ્ટ તૌત, જેમનું અવતરણ હેમચંદ્રે આપ્યું છે, તેમને કેટલીક મહત્ત્વપૂર્ણ વાત કહેવાની છે : ‘એમ કહેવામાં આવે છે કે ‘કવિ’ અનિવાર્યતયા ‘દૃષ્ટા’ અર્થાત્‌ ‘ઋષિ’ હોય છે. અને જેની પાસે ‘દર્શન’ની શક્તિ હોય છે તે જ ‘ઋષિ’ કહેવાય છે. આ વિશ્વના અનંતરૂપ પદાર્થો અને તેના ગુણધર્મો પાછળ રહેલી મૂળભૂત સત્તાનું અંતઃપ્રેરિત જ્ઞાન (પ્રખ્યા) તે જ ‘દર્શન’ શક્તિ છે. એટલે જેની પાસે વાસ્તવિકતાનું આ પ્રકારનું ‘દર્શન’ હોય તેને શાસ્ત્રોમાં ‘કવિ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. પણ સામાન્ય અર્થમાં તો ‘દર્શન’ ઉપરાંત ‘વર્ણન’ની જે શક્તિ ધરાવે છે તે જ ‘કવિ’ની સંજ્ઞા પામે છે. આ રીતે આદિ કવિ(અર્થાત્‌ વાલ્મીકિ) પોતે ઋષિ હતા અને તેમની પાસે વિશ્વવાસ્તવનું દર્શન હતું, આમ છતાંયે, તેમણે પોતાના દર્શનને વર્ણવ્યું નહોતું (એટલે કે, ‘રામાયણ’ની રચના કરી નહોતી) ત્યાં સુધી આ જગતમાં તેમને ‘કવિ’નું બિરુદ મળ્યું નહોતું. ‘લોચન’ના પ્રસિદ્ધ મંગલાચરણના શ્લોકમાં ‘સારસ્વતતત્ત્વ’નું વર્ણન કરતાં અભિનવગુપ્ત એમ સૂચવે છે કે, અભિવ્યક્તિ(‘ઉપાખ્યા’) અંતઃપ્રેરણા(‘પ્રખ્યા’)ને અનુસરે છે : ‘ક્રમાત્‌ પરખ્યોપાખ્યાપ્રસરસુભગમ્‌;’ અહીં ‘ક્રમાત્‌’ (એક પછી એક એ શબ્દના અર્થ વિષે વિવરણ કરતાં એમ કહે છે ‘પ્રથમમ્‌ હિ પ્રખ્યા તદનન્તરમુપાખ્યેતિ ક્રમઃ |’ (અર્થાત્‌ પ્રથમ અંતઃપ્રેરણા અને તે પછી અભિવ્યક્તિ). પણ, આનો અર્થ જો એમ સમજવામાં આવે કે, અંતઃપ્રેરણા શબ્દરૂપે અભિવ્યક્તિ પામે તે પૂર્વે જ તેની પૂરેપૂરી અભિવ્યક્તિ સિદ્ધ થઈ ચૂકી હોય છે, તો તો એ મત મઠારી લેવાનો રહે કેમ કે, કુંતકે યોગ્ય રીતે જ અવલોક્યું છે તેમ, કવિની કલ્પનામાં ઉદ્‌ભૂત થતી વિભાવના અંતઃપ્રેરણાના પ્રથમ ઝબકારે જ પૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થતી હોતી નથી. ઉત્તમ યોગ હોય તો મૂળની વિભાવનારૂપ કાવ્યવસ્તુ ખાણમાંથી તાજા ખોદી કાઢેલા હીરા જેવી લાગે, જેનું નૈસર્ગિક રૂપ અને સાથેના પથ્થરના દ્રવ્યમાંથી ભાગ્યે જ જુદું લાગશે પણ આ પ્રકારનો કાચા દ્રવ્યરૂપ હીરો પૂર્ણ તેજે ચમકી રહે એ માટે તેને પાસાઓ પાડવાના રહે; એની અભિવ્યક્ત થવાની જ એ પ્રક્રિયા છે. તાત્પર્ય એ કે, આ રીતે અભિવ્યક્તિની પ્રક્રિયા દ્વારા જ મૂળની અંતઃ પ્રેરણાનું સ્વકીય રૂપ આકાર પામતું જાય છે. આથી કાવ્યમીમાંસકો, કાવ્યરચનાના વ્યાપારમાં ‘અવેક્ષણ’ની એક એવી ભૂમિકાનો સ્વીકાર કરતા હોય છે, જેમાં કવિચિત્ત કોઈ શબ્દપ્રયોગથી દ્વિધાભાવ અનુભવતાં બીજો શબ્દપ્રયોગ કરી જુએ. અને આ હકીકત એમ સૂચવી જાય છે કે, કવિની મૂળની અંતઃપ્રેરણા સ્વયં એ ક્ષણે પૂરેપૂરું નિશ્ચિત રૂપ પામી શકી નથી. કાવ્યકૃતિમાં શબ્દો એટલા પૂર્ણ ઔચિત્યથી પ્રયોજાય કે એકને સ્થાને બીજો આવી જ ન શકે ત્યારે ‘શબ્દપાક’ (અર્થાત્‌ પૂર્ણ અભિવ્યક્તિ)ની સ્થિતિ પ્રાપ્ત થઈ કહેવાય છે. પણ વાસ્તવમાં આ ‘શબ્દપાક’ તે ‘અર્થપાક’ (અંતઃપ્રેરણાની પૂર્ણતમરૂપે ઉપલબ્ધિ) સિવાય બીજું કશું જ નથી. કાવ્યમીમાંસાના ગ્રંથો સામાન્ય રીતે કવિપદની વિભિન્ન જરૂરિયાતોને અનુલક્ષીને કેટલીક ચર્ચાવિચારણા કરી લેતા રહે છે : ‘શક્તિ’ કે ‘પ્રતિભા’(Imagination : કલ્પનાશક્તિ), ‘વ્યુત્પત્તિ’ અર્થાત્‌, ‘બહુજ્ઞાતા’ અને ‘ઉચિતાનુચિત વિવેક’ એ બંનેનો જેમાં સુયોગ થયો હોય એવી વિદ્યોપાસના) અને ‘અભ્યાસ’. આ પૈકી પ્રતિભાને કાવ્યના બીજરૂપ લેખવવામાં આવી છે : એના વિના કાવ્ય ઉદ્‌ભવી શકે જ નહિ અને પ્રતિભાવિહોણી કોઈ વ્યક્તિ જો કોઈ પણ રીતે કાવ્ય રચવાના પ્રયાસ કરે તો તે દુનિયામાં હાસ્યાસ્પદ જ બની રહે. ઉગ્ર વિવાદનો જો પ્રશ્ન હોય તો તે આ છે : ‘એકલી પ્રતિભા શું કાવ્ય નિર્માણ કરી શકે ખરી?’ આ અંગે મમ્મટાચાર્ય, જે એક વિચારસરણીનો પ્રતિનિધિ ચિંતક છે, તે એમ કહે છે કે આ ત્રણેય વસ્તુ સંયુક્તરૂપે કાવ્યનું એક ‘કારણ’(cause) બને છે. પણ બીજા પ્રકારની વિચારસરણી ધરાવનારાઓમાં જગન્નાથ પંડિત, જેમણે આ પ્રશ્ન વિશે કદાચ સૌથી વધુ વિગતે ચર્ચાવિચારણા કરી છે, તેઓ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે પ્રતિભા જ કાવ્યનું એકમાત્ર કારણ છે. અલબત્ત, આનંદવર્ધને દર્શાવ્યું છે તેમ, કવિની કલ્પનાશક્તિ એવી ચમત્કૃતિ સર્જે છે કે કૃતિના અમુક સંદર્ભોમાં રસદૃષ્ટિનો દોષ કે વિવેચનદૃષ્ટિની ઊણપ ધ્યાનમાં ન આવે એમ બને. બીજી બાજુ, કવિકલ્પનાનું દારિદ્ર્ય તો તરત જ નજરે ચઢતું હોય છે. વળી એ ય સાચું છે કે, એક જ કવિમાં જન્મજાત કલ્પનાશક્તિ ઉપરાંત મહાન બુદ્ધિશક્તિ, વિદ્યા અને પ્રયોગશક્તિ એ સર્વનો સમન્વય થયો હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. છતાં, જે કવિ પાસે જીવનનું કોઈ જ્ઞાન નથી, તેમ જ ‘વ્યુત્પત્તિ’ સંજ્ઞાથી સૂચવાઈ છે તે સ્થિર જ્ઞાનદૃષ્ટિ નથી, તે ક્યારે ય મહાન કવિ થવાની આશા રાખી શકે નહિ. આ પ્રકારની સજ્જતાના અભાવમાં કવિની કૃતિ અમુક ખંડમાં સુંદર થઈ હોય તો પણ બીજે વત્તીઓછી ત્રુટિઓવાળી અને સમગ્રતયા અસંતોષકારક નીવડે છે. આમ છતાં, કવિ માટે ‘વ્યુત્પત્તિ’ની અપેક્ષા છે એમ કહેવું તે, અને વ્યુત્પત્તિ અને તેને ઉપકારક એવા અભ્યાસ આદિના વિનિયોગ વિના કાવ્ય કદીયે સંભવે જ નહિ – એ બંને બાબતો જુદી જ છે તે વાત આપણે લક્ષમાં રાખવાની છે. કેમ કે, કવિની પ્રતિભા જ કાવ્યનો એક માત્ર સીધેસીધો ઊગમસ્રોત છે. જે કવિ પાસે પ્રતિભા નથી તેની પાસે ખરેખર કશું જ નથી. કાવ્યના સર્જનવ્યાપાર દરમ્યાન ‘વ્યુત્પત્તિ’ અને ‘અભ્યાસ’ તો પ્રતિભાજનિત વસ્તુના નિયમનમાં તેમ જ તેનાં સૂક્ષ્મ કળાતત્ત્વોની સિદ્ધિમાં પરોક્ષ રીતે જ ફાળો આપે છે. તો, આવી સર્વોપરિ મહત્તા ધરાવતી પ્રતિભા વ્યક્તિને શી રીતે પ્રાપ્ત થાય છે? એનો ઊગમસ્રોત તો ગૂઢ રહસ્યના આવરણથી ઢંકાયેલો હોય છે. ઘણાખરા વિદ્વાનો તો પ્રતિભાનું મૂળ કવિના પૂર્વજન્મના સંસ્કારોમાં જુએ છે.૯ પણ આ સિવાય ઓછામાં ઓછા બીજા બે ઊગમસ્રોત જગન્નાથે દર્શાવ્યા છે : આવી પ્રતિભા કોઈક ‘અદૃષ્ટ’ લોકોત્તર કારણમાંથી સંભવી હોય – કાં તો કોઈ દેવતાના વરદાનથી કે કાં તો કોઈ સંતના આશીર્વાદથી તે સંભવે. બીજું, ‘વ્યુત્પત્તિ’ કે ‘અભ્યાસ’ની અસાધારણ પ્રાપ્તિમાંથીયે પ્રતિભા બંધાઈ શકે. આ બીજા પ્રકારની પ્રતિભાના પુરાવા આપણને એવી વ્યક્તિઓમાં જોવા મળે છે જેમણે પ્રૌઢ વય સુધી પોતાની પ્રતિભા વિશે કોઈ જ સભાનતા કેળવી ન હોય પણ જેમના જીવનમાં પાછલી વયે એકાએક જ કાવ્યઝરણ ફૂટી નીકળે છે. આ તબક્કે, પ્રસ્તુત પ્રશ્ન પર થોડો પ્રકાશ પડે એ માટે, આપણે આધુનિક મનોવિજ્ઞાનની સહાય લઈશું. આધુનિક મનોવૈજ્ઞાનિકોનું એવું અવલોકન છે કે હર કોઈ વ્યક્તિ પોતાની કલ્પનાશક્તિનો સ્વેચ્છાએ વિનિયોગ કરી શકે. પ્રશ્ન હોય તો માત્ર તેની અંતર્ગત રહેલાં રહસ્યની સુરેખ ઉપલબ્ધિનો છે. પ્રતિભાશાળી વ્યક્તિ અને પ્રતિભાવિહોણી વ્યક્તિ વચ્ચે જો ફેર હોય તો તે એટલો જ કે, પ્રતિભાવાળી વ્યક્તિ પોતાની સમક્ષ ઉપસ્થિત થયેલી સામગ્રીના વિનિયોગમાં સ્વાતંત્ર્ય દાખવે છે. જેમ આ જાતની સામગ્રી વધુ સમૃદ્ધ અને વધુ તાદૃશ, અને પદાર્થોના આંતરસંબંધો ઓળખવાની દૃષ્ટિ જેમ વધુ સૂક્ષ્મ, તેમ સર્જનાત્મક સંયોજનની શક્યતાઓ વિશેષ રહે છે. એમ કહેવામાં આવે છે કે સામાન્ય માણસ પોતાના ચિત્તનાં મોટા ભાગનાં સંવેદનો અને સ્પંદનોને રૂંધી દેતી હોય છે, ‘કેમ કે, એ સર્વ સામગ્રીને સુરેખ અભિવ્યક્તિ આપવાનું તેનું ગજું હોતું નથી.’ આવાં સંવેદનોને તે પોતાની ચેતનાના સભાન સ્તર પર કદીય આવવા દેતો જ નથી. એટલે તેને માટે વસ્તુદર્શન રૂઢ અને યથાર્થલક્ષી બની જતું હોય છે. પણ કવિની બાબતમાં આ પ્રકારની અવરુદ્ધ સંવેદનાઓને મુક્ત ગતિ મળે છે. એટલે આ પ્રકારની અવરુદ્ધ સંવેદનાઓ મુક્તપણે તેની ચેતનાની સપાટી પર વહી આવે છે. કવિની રચનામાં કલ્પનોની સમૃદ્ધિ ઉભરાય છે. કેમ કે, તે કવિની ઇચ્છાને અધીન છે. વળી, કવિનું ઘણુંખરું રચનાકાર્ય તો એના અવચેતનના સ્તરે ચાલતું હોય છે. કવિને પણ પોતાના ચિત્તમાં કોઈ ચમત્કૃતિજનક વિચાર કે કલ્પન ઝબકી જતાં જે વિસ્મય જાગે છે તેનું રહસ્ય પણ આ રીતે સ્પષ્ટ થશે. એમ લાગે કે, તેની કાવ્યકૃતિ સ્વયં તેને માટે આકાર રચી રહી હતી. એટલે કાવ્યસિદ્ધિ માટે પૂર્વજન્મના સંસ્કારો કે દિવ્યશક્તિના વરદાનનો ખ્યાલ જો કોઈને અજુગતો લાગતો હોય તો સર્જનની રહસ્યમયતા વિશે આ પ્રકારનું સ્પષ્ટીકરણ સ્વીકારી લેવાનું રહે. કોઈ વ્યક્તિ દીર્ઘકાળપર્યંત મૌન જાળવ્યા પછી અચાનક જ જો તેની વાણી વહેતી થાય ને તે કાવ્યગાન શરૂ કરી દે તો એ પ્રકારે સંભવતા કાવ્યના અસાધારણ પ્રગટીકરણ વિશે જગન્નાથે જે વાત રજૂ કરી તેની સમજૂતી પણ આમાંથી મળી રહે. એમ સંભવે છે કે, એવી વ્યક્તિમાં કોઈ બૌદ્ધિક કે લાગણીમય જીવનની મહાન કટોકટી નિર્માણ થતાં તેના ચિત્તની અવરુદ્ધ એવી ઘણી સંવેદનાઓ મુક્ત થઈ ગઈ હોય. અને અત્યારસુધી જે અનુભવસમૃદ્ધિ ચિત્તમાં ઊંડે સંઘરાઈને પડી હતી તે નવાં જ સાહચર્યો સાથે ચેતનાની સપાટી પર તરી આવે અને કાવ્યાત્મક રૂપ પ્રાપ્ત કરે. આ સંદર્ભમાં હેમચંદ્ર, જેઓ જૈન તત્ત્વદર્શનને અનુસરે છે, તેમને પ્રતિભાના વ્યાપાર વિશે શું કહેવાનું છે તે નોંધવાનું રસપ્રદ બની રહેશે. તેઓ પ્રતિભાની બે કોટિઓ સ્વીકારે છે : ‘સહજા’ અને ‘ઔપાધિકી’. એ પૈકી ‘ઔપાધિકી’ તે કોઈ લોકોત્તરશક્તિના વરદાન કે મંત્રશક્તિ આદિથી પ્રાપ્ત થયેલી પ્રતિભાશક્તિ છે. પણ આ બંને પ્રકારની પ્રતિભા લગભગ સમાન રીતે જ વ્યાપારવતી બને છે. આત્મા તો સ્વરૂપથી જ સૂર્યની જેમ પ્રકાશમાન છે. પણ (‘જ્ઞાનાવરણીય કર્મો’ તરીકે ઓળખાતાં) કેટલાંક કર્મો, સૂર્યને વાદળો ઢાંકી દે છે તેમ, તેને ઢાંકી દે છે. અને તેના પ્રકાશના પ્રસારણને રોકે છે. જ્યારે એવાં કર્મો ‘ઉપશમ’ પામે છે ત્યારે પ્રતિભા પૂર્ણ તેજે ઝળહળી ઊઠે છે. આ પ્રકારની પ્રક્રિયા જ્યારે સહજ રૂપમાં સંભવે છે ત્યારે એ પ્રતિભાના આવિષ્કારને ‘સહજા’ પ્રતિભા કહીએ છીએ. પણ જ્યારે એ કર્મોના આવરણને દૂર કરવા લોકોત્તર સાધનો જરૂરી બને છે ત્યારે, આ રીતે સિદ્ધ થયેલી ‘ઔપાધિકી’ પ્રતિભા આપણને જોવા મળે છે. આપણે આ એક ખાસ બાબતમાં, હેમચંદ્રના ‘આવરણ’ના ખ્યાલને આધુનિક માનસશાસ્ત્રીઓના ‘અવરુદ્ધ સંવેદના’(Inhibitions)ના ખ્યાલ જોડે સરખાવી જોઈએ તો, એ બંને અભિગમો વચ્ચે રહેલું સાદૃશ્ય એકદમ ધ્યાન ખેંચી રહેશે. અહીં સુધી આપણે કવિના કલ્પનાવ્યાપાર અંગે સૌથી અનિવાર્ય વસ્તુ – જે શક્તિ તેને ગતિશીલતા અર્પે છે – એ વિશે ચાહીને અળગા રહ્યા હતા. ભારતીય સૌંદર્યમીમાંસાના ફળદાયી ચિંતનના સમયમાં ધ્વનિસિદ્ધાંતના સમર્થકો પણ, રસ જ કાવ્યનો આત્મા છે, એમ સ્વીકારતા હતા. કાવ્યનો ઉદ્‌ભવ જ રસાનુભવમાંથી થાય છે અને ‘રસપ્રકાશ’ એ જ એનો ઉદ્દેશ રહે છે. એટલે રસતત્ત્વ જ કવિના કલ્પનાવ્યાપારનું નિયંત્રણ કરે એ વિચારમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. અભિનવગુપ્ત અને મહિમ ભટ્ટે પોતાની વ્યાખ્યાઓમાં અનુક્રમે ‘રસાવેશવૈશદ્ય’ અને ‘રસાનુગુણશબ્દાર્થચિંતા’ એવા જે શબ્દપ્રયોગોનો વિનિયોગ કર્યો છે તેનું મહત્ત્વ હવે આપણે સમજી શકીએ એમ છીએ. કેમ કે, કવિના કલ્પનાવ્યાપારનું પ્રથમ સંચલન આરંભાય એ માટે તે અંતરમાં મૂળભૂત લાગણીનો સ્પંદ જાગવો જોઈએ : જ્યોત ઝળહળી ઊઠે એ પૂર્વે ઈંધણ સળગી ઊઠવાં જોઈએ. વળી, જે કવિ ખરેખર રસાનુભવથી અભિભૂત થયો હોય તે જ પોતાના મુખ્ય ભાવને અનુરૂપ અને તેને સંવાદી એવી તરંગો અને કલ્પનોની સૃષ્ટિ નિર્માણ કરી શકે, અને તેને ઉચિત રૂપમાં તંત્રબદ્ધ કરી શકે અને પ્રમાદની ક્ષણોમાં જો તેની તરંગશક્તિ વિચ્છિન્ન થઈ જાય અને એ કારણે જે જાતની કૃતિ રચાવા પામે તેથી જો રસપ્રતીતિમાં વિઘ્ન જન્મતું હોય તો તો કવિએ સમગ્ર કૃતિનો સંવાદ સાધવાય નિષ્ઠુરપણે એવા કૃતિ-ખંડોનો ઉચ્છેદ કરવાનો રહે. અલંકારનિર્માણમાં તો વળી એ બેવડી સભાનતા જાળવવી પડે છે, કેમ કે, કાવ્યનાં બીજાં અંગો કરતાં અલંકાર પોતે કલ્પનાશક્તિનું વિશિષ્ટ એવું નિર્માણ છે.૧૦ કવિમાં જો રસનું તત્ત્વ પ્રવહમાન થયું હોય અને એમાંથી સહજ રીતે જ જો અલંકારનો ઉદ્‌ભવ થયો હોય અને કશાયે બાહ્ય પ્રયાસો વિના જો એ ખીલી નીકળ્યો હોય તો જ તેને કાવ્યમાં સ્થાન છે. કાવ્યમાં અલંકાર યથાસ્થાને આવે અને તેનો વિકાસ સૂઝપૂર્વક થયો હોય ત્યારે જ તે અલંકાર લેખે સાર્થક ઠરે છે. આનંદવર્ધને ફરીફરીને આ મુદ્દા પર ભાર મૂક્યો છે. કવિની તરંગશક્તિ(fancy) સેંકડો કલ્પનો નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતી હોય એ ભલે, કવિએ તો રસતત્ત્વને સંવાદી હોય એવાં કલ્પનોનો જ વિનિયોગ કરવો જોઈએ. પણ અફસોસની વાત એ છે કે, તે યુગમાં અને આજે પણ એવા અસંખ્ય કવિઓ મળી આવે છે જે રસતત્ત્વની ઉપેક્ષા કરીને માત્ર તરંગશક્તિથી અલંકારોના ખડકલા કર્યે જાય છે. અલબત્ત, અહીં જે મુદ્દો રજૂ થયો છે તેનો સૂચિતાર્થ એવો નથી કે, આનંદવર્ધન કલ્પનાશક્તિની પૂર્ણ સ્વૈર ગતિના વિરોધી છે. તેમને ભારપૂર્વક માત્ર એટલું જ પ્રતિપાદિત કરવું છે કે, કવિના સર્જનવ્યાપારમાં રસ જ ધ્રુવતત્ત્વ બની રહેવો જોઈએ અને તેનો આટલો મુદ્દો સ્વીકારવામાં આવે તો કવિની કલ્પનાશક્તિને સર્વોપરિ સ્થાન આપવાની બાબતમાં તેમને કોઈ જ વાંધો નથી. વળી, અલંકારના ઔચિત્યનો વિવેક કરવાની બાબતમાં તે કોઈ જડ માપપટ્ટી સ્વીકારતા નથી. તેમને એ વાતનો ખ્યાલ છે કે અંતઃપ્રેરણાથી અભિભૂત થયેલા કવિના કલ્પનાવ્યાપારમાં એક પછી એક નવીન વિભાવો (conception) આવી પડે છે, અને સહૃદય એવી વિભાવોની સૃષ્ટિને એકદમ ચકિત થઈને જોતો રહી જાય છે. પણ કવિ કંઈ એવા વિભાવોની ખોજમાં નીકળતો હોતો નથી; એવા વિભાવો તો, જાણે કે, કવિની સ્વીકૃતિ મેળવવા તેના ચિત્તના દ્વારે મોટી જમાવટ કરી આવી ઊભા હોય છે. કવિની ખરી મહત્તા તો, તેના કાવ્યમાં તેની પ્રતિભાના જે લોકોત્તર અંશો પ્રગટ થાય છે, તે પર જ અવલંબે છે. આ સંદર્ભમાં ટીકાટિપ્પણી કરતાં આનંદવર્ધને એવો નિર્દેશ કર્યો છે કે, આ જગતમાં સર્વથા ભિન્ન પ્રકૃતિના અસંખ્ય કવિઓ થઈ ગયા છે, પણ મહાન કવિનું બિરુદ તો કાલિદાસ જેવા પાંચ છ કવિઓને જ મળ્યું છે. તેમની પ્રતિભાના અસામાન્ય ઉન્મેષને કારણે જ તેઓ આ ગૌરવ પામ્યા છે. આ લેખના બિલકુલ આરંભમાં જ આપણે નોંધ્યું હતું કે, ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ મુખ્યત્વે સહૃદયના દૃષ્ટિકોણને જ લક્ષમાં રાખ્યો છે. કવિતાના ભાવકને બીજે ક્યાંય આટલું ઊંચુ સ્થાન મળ્યું નથી. કવિતાનો ભાવક ‘સહૃદય’ કહેવાયો છે – તેની હૃદયવૃત્તિ કોમળ અને સુકુમાર હોય છે – અને એવા ‘સહૃદય’માં જ કવિહૃદયના ભાવ આવી શમે છે અને એ રીતે તે સાર્થકતા પામે છે. કવિ અને સહૃદય એ બંને ‘સારસ્વત-તત્ત્વ’ જેવી મૂળભૂત ચેતનાનાં જ બે પાસાંઓ છે. એટલે કવિતાનું રહસ્ય પામવાને તેમજ કાવ્યાનુભૂતિનું જીવન પ્રાપ્ત કરવાને ભાવક પાસે પણ પ્રતિભાની અપેક્ષા રહે છે. કવિની ‘કારયિત્રી પ્રતિભા’માંથી ભિન્ન લેખવતાં એને રાજશેખરે ‘ભાવયિત્રી પ્રતિભા’ એવું નામ આપ્યું છે. કવિના સર્જનના પ્રયત્નો અને તેની વિભાવિત સૃષ્ટિને ઉપલબ્ધ કરવામાં તેમ જ તેનો પ્રતિભાવ ઝીલવામાં આ ‘ભાવયિત્રી પ્રતિભા’ જ ભાવકને ઉપકારક નીવડે છે. કેટલાક વિવેચકો એવો ખ્યાલ ધરાવે છે કે, એક જ વ્યક્તિ કવિ અને વિવેચક ન હોઈ શકે, કેમ કે એવી વ્યક્તિ પાસે કાં તો કાવ્યરચનાની શક્તિ જ ન હોય કે કાં તો ઇર્ષ્યાવૃત્તિને કારણે અથવા તીવ્ર આત્મભાન હોવાને કારણે બીજાઓની રચના માણવાની શક્તિ તેની પાસે ન હોય, વળી એમ પણ કહેવામાં આવે છે કે, કવિ પોતાની કૃતિ પણ પોતે સારી રીતે માણી શકતો નથી, એ કૃતિ તેણે ‘રસિક’(અર્થાત્‌, રસનો આસ્વાદ લેવાની ક્ષમતા જેનામાં છે એવી વ્યક્તિ)ને જ માણવા માટે રજૂ કરવાની રહે, કેમ કે, સંભવતઃ કાવ્યવસ્તુને લગતી અંગત બાબતોથી પર થઈને તેને માત્ર વસ્તુલક્ષી દૃષ્ટિકોણથી તે જોઈ શકતો નથી. પરંતુ આ જાતના ખ્યાલો ‘સહૃદયત્વ’ના મૂળ ખ્યાલની સામે જતા હોવાથી તે કસોટી પર ઝાઝા ટકી શકે નહીં. એક જ રસાનુભૂતિ જો કવિને તેમ સહૃદયને સ્પર્શી શકતી ન હોય તો તો કાવ્યનો મૂળ હેતુ જ માર્યો જાય છે એમ કહેવાનું રહે. જો કેટલાક કવિઓ બીજા કવિઓની કે પોતાની જ કૃતિને પણ સાચી રીતે માણી શકતા ન હોય તો તે કમનસીબ ઘટના લેખાવી જોઈએ. પણ આવું બધું તો કાવ્યેતર હેતુઓને કારણે બનતું હોય છે. અને અહીં આ સંદર્ભમાં આપણને એ વાત એટલી પ્રસ્તુત પણ નથી. અહીં આપણે જે સૂચવવા ચાહીએ છીએ તે તો એટલું જ કે, કવિના સ્વકીય સર્જનવ્યાપાર અને સહૃદયના આસ્વાદન-વ્યાપાર વચ્ચે સામ્ય રહેલું છે. અલબત્ત, ભાવકની પ્રતિભા કવિની પ્રતિભા કરતાં ઓછી મૌલિક અને ઓછી સક્રિય હોય છે. અને એટલે દરજ્જે કવિ અને ભાવક વચ્ચે કેટલોક ભેદ સંભવે છે જ. કવિની પ્રતિભા કાવ્યની સૃષ્ટિ અર્થે નવાંનવાં તત્ત્વો શોધે છે, તેને અંગે વિવેકવિચાર કરે છે, તેનું નવેસરથી સંયોજન કરે છે, અને એ રીતે કાવ્યનું નિર્માણ કરે છે; જ્યારે સહૃદય તો પોતાની સમક્ષ પ્રસ્તુત થયેલી કાવ્યકૃતિના માત્ર ફરીથી અનુભવ કરવાને જ પ્રવૃત્ત થતો હોય છે. પણ એટલા જ કારણસર, સહૃદયનો આસ્વાદનવ્યાપાર એક સર્જનાત્મક ઘટના મટી જતો નથી. કવિના હૃદયમાં રોમાંચ જગાડનાર મૂળ પ્રેરણાના તેજપુંજને, સહૃદય, કલ્પનોત્થ પ્રતિભાવરૂપે પામી ન શકે ત્યાં સુધી, કવિ એક વાર જે અનુભવમાંથી પસાર થયો હતો અને જેને તેણે શબ્દરૂપે અભિવ્યક્તિ આપી છે, તે અનુભવ ઉપલબ્ધ કરી શકે નહિ. કાવ્યનો રસબોધ એ કોઈ શુષ્ક ભાવહીન બૌદ્ધિક પ્રવૃત્તિ નથી. કૃતિના પ્રેરણારૂપ સ્પંદને સહૃદયે પોતાની ચેતનાના તંતુએ તંતુમાં પ્રસ્પંદિત થતો અનુભવવાનો છે. વળી કળા સ્વરૂપથી જ વ્યંજનામૂલક હોય છે એ હકીકત આપણે ભૂલવાની નથી. કવિએ પોતે સૌંદર્યની જે ઝલક નિહાળી તેને તે શબ્દોમાં ‘વાચ્ય’ રૂપે ક્યારેય પ્રસ્તુત કરી શકે નહિ. વધુમાં વધુ તેનું દિશાસૂચન તે કરી શકે; અને સહૃદયે પોતાનાં જ ચક્ષુઓથી એ સૌંદર્યને પ્રત્યક્ષ કરવાનું રહે છે. કાવ્યનો આસ્વાદ એ કોઈ ઉદાસીન નિષ્ક્રિયતા નથી; ભાવકે તો સર્જકની સામે ચાલી તેને અધવચ્ચે મળવાનું છે. અભિનવગુપ્ત જ્યારે એવી ટકોર કરે છે કે, ધ્વનિનું પ્રાણતત્ત્વ તો કવિની અને સહૃદયની કલ્પનાશક્તિ સહયોગ સાધે એમાં રહ્યું છે, ત્યારે હકીકતમાં તે નવું સત્ય જ ઉચ્ચારી રહે છે. આપણે હવે આ વિષય સમાપ્ત કરીએ અને એ માટે ‘વક્રોક્તિજીવિત’નું એક અવતરણ, જેમાં પ્રસ્તુત પ્રશ્નનાં લગભગ બધાં જ પાસાંઓ સૂચવાઈ જાય છે, તેનો ઉલ્લેખ યોગ્ય થઈ પડશે. આ પાસાંઓ છે : ‘સૂક્ષ્માર્થર્દર્શન’ (પદાર્થનાં સૂક્ષ્મ પાસાંઓનું દર્શન), ‘અપૂર્વાર્થનિર્માણ’ (કશાક નૂતન તત્ત્વનું નિર્માણ) અને ‘કવિસહૃદયપ્રતિભાસહકાર’ (કવિ અને સહૃદયની પ્રતિભાનો સહયોગ).

લીનમ્‌ વસ્તુનિયેન સૂક્ષ્મસુભગં તત્ત્વં ગિરા કૃષ્યતે
નિર્માતું પ્રભવેન્મનોહરમિદં વાચૈવ યો વા બહિઃ |
વન્દે દ્વાવપિ તાવહં કવિવરૌ વન્દેતરાં તં પુનર્‌
યો વિજ્ઞાતપરિશ્રમોઽયનનયોર્ભારાવતારક્ષમઃ ||

– જે પોતાની વાણી દ્વારા પદાર્થોમાં ગૂઢ રીતે નિહિત રહેલાં સૂક્ષ્મ-સુંદર તત્ત્વોને આકર્ષે છે, અને જે વાચસ્પતિ પોતાની વાણી દ્વારા એ રમણીય તત્ત્વોને નિરૂપવામાં સમર્થ બને છે એ બંને કવિવરોને હું વંદન કરું છું, અને વળી જે મહાપુરુષ એ પરિશ્રમને સારી રીતે સમજીને એ બે કવિઓનો ભાર ઉતારી લેવામાં સૂક્ષ્મ હોય છે તેને તો એથીયે વધુ વંદન કરું છું.

સંદર્ભ-નોંધ : ૧. જુઓ, પ્રો. હિરિયણ્ણાકૃત ‘Indian Aesthetics,’ લેખ, જે ‘Proceedings of the first All India Oriental Conference, Poona, Vol. II’માં ગ્રંથસ્થ છે તેમના ‘Art Experience’ ગ્રંથમાં પણ તે પ્રથમ મુકાયો છે. ૨. આ નિબંધના લેખક ‘ધ્વન્યાલોક’ની કારિકા અને વૃત્તિ વચ્ચે ભેદ કરતા નથી; બંનેના લેખક આનંદવર્ધન હોવાનું તે માને છે. ૩. જે શક્તિ દ્વારા નિત્યનૂતન રૂપોનું નિર્માણ થાય છે તે પ્રતિભા કહેવાય છે. આ પ્રતિભાથી અનુપ્રાણીત થઈને જે વર્ણનમાં કુશળતા દાખવે છે તે કવિ છે. તેની કૃતિ તે કાવ્ય કહેવાય છે. ૪. પ્રતિભા ચિત્તની એક એવી શક્તિ છે જે સર્વથા મૌલિક સૃષ્ટિનું નિર્માણ કરી શકે છે. રસરૂપ પ્રેરણાનુભૂતિથી પ્રેરાઈને, વિશદ દર્શનદૃષ્ટિથી, સુંદર કાવ્યની રચના કરવામાં તેનું વિશેષ રૂપ પ્રગટ થાય છે. ૫. ધર્મદર્શન કે તત્ત્વજ્ઞાન કરતાં કવિનું દર્શન જો જુદું પડતું હોય તો તે એ રીતે નહિ કે કવિનું દર્શન વાસ્તવિકતાથી વિમુખ હોય છે, પણ એ ધર્મ અને તત્ત્વજ્ઞાને વાસ્તવિકતાનાં જે દ્વારો અને બારીઓ બંધ રાખી છે તેને ખુલ્લાં કરીને તે સમસ્ત વાસ્તવિકતા પ્રતિ અભિમુખ બને છે. અને તેને પ્રત્યક્ષ કરે છે. એમ કહેવું જોઈએ કે કવિનો આત્મા તો તેની ઇંદ્રિયો, તેની લાગણીઓ, તેની કલ્પના તેમ જ તેની સમસ્ત પ્રજ્ઞા-બુદ્ધિમાં રહ્યો હોય છે. અને કવિના જ્ઞાનગ્રહણ વ્યાપાર માટે આપણે એમ કહીએ કે તેની ચૈતન્યની એ સૌથી વધુ ઉત્કટ ગત્યાત્મક સ્થિતિ છે જેમાં તેની ઇન્દ્રિય, લાગણી, કલ્પના અને પ્રજ્ઞા-બુદ્ધિ એ સર્વવ્યાપારો જીવંત રીતે સંકળાયા હોય છે. (સી. એચ. હફર્ડઃ is there a poetic view of the world?) ૬. ‘કાચિદિતિ લોકયાત્રાપતિતબોધાવસ્થાત્યાગેન ઉન્મીલયન્તી | અત એવ તે કવયઃ વર્ણનાયોગાત્‌ નવેતિ ક્ષણેક્ષણે નૂતનૈર્વિચિત્રૈર્જગન્ત્યા સૂત્રયન્તિ | દૃષ્ટિરિતિ પ્રતિભારૂપા | તે દ્વે અપીતિ | ન હૃેકયા દૃષ્ટયા સમ્યક્‌ નિર્વર્ણનં ભહૃતિ | ૭. વિશિષ્ટમસ્ય યદ્રૂપં તત્‌ પ્રત્યક્ષસ્ય ગોચરમ્‌ | સ એવ સત્કવિગિરાં ગોચરઃ પ્રતિભાભુવામ્‌ || યત્‌ઃ – રસાનુગુણશબ્દાર્થચિન્તાસ્તિમિતચેતસઃ | ક્ષણં સ્વરૂપસ્પર્શોત્થા પ્રજ્ઞૈવ પ્રતિભા કવેઃ || સા હિ ચક્ષુર્ભગવતસ્તૃતીયપિતિ ગીયતે | યેન સાક્ષાત્કરોત્યેષ ભાવાંસ્રૈકાલ્યવર્તિનઃ ||’ ૮. સરખાવો : ‘...Intuntion is only intuition in so far as it is, in that very act, expression. An image that does not express, that is not speech, song, drawing, painting, sculpture, architecture. Speech at least murmured to oneself, song at least echoing within one’s own breast, line and colour seen in imagination and colouring with its own tint the whole soul and organism is an image that does not exist.’ (Croce : Aesthetics, Encyc. Brit, XIVth Edn.) ૯. સરખાવો : ‘પૂર્વવાસનાગુણાનુબન્ધિ પ્રતિભાનમદ્‌ભુતમ્‌’ (કાવ્યાદર્શ, ૧, ૧૦૪); જન્માન્તરાગતસંસ્કારવિશેષઃ કશ્ચિત્‌ (વામન, કા. અ. સૂત્રવૃત્તિ, ૧, ૩, ૧૬); ‘અનાદિપ્રાક્તન સંસ્કારપ્રતિભાનમય’ (અભિનવભારતી : ના. શા. વોલ્યુમ ૧ઃ પૃ. ૩૪૬) વગેરે. ૧૦. કુંતક અને તેમની પછીના બધા જ આલંકારિકોએ એમ સ્વીકારેલું છે કે, દરેક અલંકારના મૂળમાં કલ્પનાનો વિશિષ્ટ વ્યાપાર રહેલો છે.

બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૭૫; સપ્ટે., ૭૫