રામચન્દ્ર પટેલની કવિતા/એવો રે અંધકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 03:14, 10 March 2025

એવો રે અંધકાર

એવો રે અંધકાર કોણે ચીતર્યો?
માંહ્ય ચણી ચણોઠિયાંની જાળી રે...

મહેલ-દરવાજે કાળો ઘોડો હણહણ્યો
બેઠો વિક્રમ થઈ અસવાર રે
ઢાલ-તલવાર પડી રહ્યાં ચોકમાં
ઉજ્જૈનમાં છવાયો ભેંકાર રે
એવો રે અંધકાર...

ઘરના આંગણે ગગડ્યાં નગારાં
તૂટ્યા મહેલ-મિનારા રે
કાશીની જાત્રાએ ઊપડ્યો જોગટો
જાગ્યા મસાણ ગભારા રે,
એવો રે અંધકાર...

પવન પોટકું પા-શેર ભારનું
ઝાકળ ઢાંકી કાયા રે.
ભરબજારથી ઊડ્યો આગિયો
શ્વાસમાં જડ્યા પડછાયા રે,
એવો રે અંધકાર...