પરમ સમીપે/૮૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(1)
 
(No difference)

Latest revision as of 04:58, 9 March 2025

૮૯

માંદગીના બિછાને, મારા પીડાભર્યા દિવસો
એક પછી એક વીતી રહ્યા છે.
હૉસ્પિટલ ને ઑપરેશન, દવાઓ ને ડૉક્ટરો
વેદના, ત્રાસ ને મૂંગી ચીસોનું એક અશાંત વાતાવરણ
મારી આસપાસ વીંટળાઈ રહ્યું છે.
પહેલાં, આવી સ્થિતિની કલ્પનામાત્રથી હું કંપી ઊઠતો,
પીડાના ખ્યાલમાત્રથી હું ભય પામતો, ભગવાન!
પણ આજે હું એની વચ્ચે છું ત્યારે સમજાય છે કે
એમાંથી શાંતિપૂર્વક પસાર થવાનું અઘરું છે, પણ અશક્ય નથી.
મારી માંદગીએ મને મારી અંદર ડોકિયું કરવાની તક આપી છે
અને મારી શારીરિક પીડાએ જ મને,
હું માત્ર શરીર છું એ ભાનમાંથી બહાર કાઢ્યો છે.
મહાવીરના કાનમાં ખીલા ઠોકાયાની અસહ્ય પીડા
ઈસુની શૂળી-આરોહણની કારમી ચીસ
રામકૃષ્ણના કૅન્સરની દાહક વેદના —
આ ભયાનક ક્રૂર કસોટી વચ્ચેથી પણ
તેમનો મહિમા ને તેજ પ્રકાશી ઊઠ્યાં હતાં.
વેદનાનો સંકેત હવે હું સમજું છું
અને એની સમક્ષ મારું માથું નમાવું છું.
આ પીડાથી મારું અસ્તિત્વ ધોવાઈને પરિશુદ્ધ બને છે.
દુનિયાના લાખો કરોડો પીડિત જનો સાથે
હું તાદાત્મ્ય અનુભવું છું.
આ માંદગીએ મારા હૃદયની ક્ષિતિજો વિસ્તારી છે
આ પરિસ્થિતિને હું તારો અનુગ્રહ જ માનું છું.
ડૉક્ટરો ને નર્સોની દેખભાળમાં
સ્વજનોની પ્રેમાળ સેવામાં
દૂરથી આવતા પત્રોમાં પ્રગટ થતી ચિંતામાં
જલદી સાજા થવા માટે મોકલાતા સંદેશા ને ફૂલના ગુચ્છામાં
હું તારી કૃપા જોઉં છું ને તારું સ્મરણ કરું છું.
આ બધા પ્રત્યે હું કૃતજ્ઞ રહું
તેમના પર ઓછામાં ઓછો બોજો થાય તેમ કરું
મને સાજો કરવાના તેમના પ્રયત્નોમાં
હૃદયપૂર્વક તેમને સહકાર આપું — એવું કરજે, પ્રભુ!
મારી જાતની દયા ખાવામાંથી મને બચાવજે,
માંદગીના નામે ખોટી માગણીઓ ને અપેક્ષાઓ
રાખવામાંથી મને બચાવજે — પ્રભુ!
મારી આસપાસ, મારી જેમ જ
જે લોકો દુઃખી અવશ પથારીમાં પડ્યા છે
તે સૌના પર પણ તારા આશીર્વાદ વરસાવજે.
અને —
કોઈ વાર, કાળી યાતનાની ઘડીઓમાં
તારા પરની શ્રદ્ધા, કદાચ છે ને, ડગમગી જાય
મારું હૃદય ભીરુ થઈને અંધારામાં ડૂબી જાય
તો મને ક્ષમા કરજે પ્રભુ, અને
ધીમા પગલે આવી મારા દીવાની વાટ સંકોરી આપજે.

[ગંભીર માંદગી વખતે]